Aekant - 1 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 1

Featured Books
Categories
Share

એકાંત - 1

"ગુજરાત તેત્રીસ જીલ્લાઓ ધરાવતો એક એવુ રાજ્ય છે કે જ્યાં બાર ગાઉએ બોલી બદલાતી રહે છે.પોતાની માતૃભાષાના તહેવારોની સાથે બીજા રાજ્યોને પોતાનો પવિત્ર તહેવાર માનીને ઊજવતો આવતો વિકસિત ગુજરાત રાજ્ય શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરતો આવ્યો છે.ગુજરાતી મિડિયમની સાથે બીજા રાજ્યમાંથી અહીં ગુજરાન ચલાવવા વસતા લોકો માટે અંગ્રેજી મિડીયમના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિકને પણ એટલી જ પ્રાધાન્યતા આપેલી છે."

"ગુજરાત રાજ્યમાં જેમ ભાષાઓ અનેકગણી સાંભળવા મળતી આવી છે.એમ જ નદીઓ પણ ભરપુર માત્રામાં જોવા મળતી આવી છે.દરેક નદીઓના એમનાં ગામના નામ સાથેની વિશિષ્ટતાઓ જોવાં મળતી આવી છે.ઘણી ખરી નદીઓના નામ પરથી ગુજરાતી ચલચિત્રો પણ બનાવવામાં આવ્યા છે.જે પૌરાણિક નદીઓનું પોતાનું વિશિષ્ટ માહાત્મ્યની સાથે પૂજન્ય ધરાવે છે."

"વિવિધ જીલ્લાઓમાં વિવિધ પવિત્ર નદીઓનાં દર્શન દુર્લભ થાય છે.ખાસ તો પ્રભાસ પાટણ તરફ આવેલ સોમનાથજીનાં મહાદેવજીનાં મંદિરે કપિલા,હિરણ અને સરસ્વતી નામની ત્રણ નદીઓનો ઘાટ જોવાં મળી આવે છે.અહીં ગુજરાત રાજ્ય ઉપરાંત રાજ્યની બહારના લોકો સોમનાથજીનાં દર્શન અર્થે અને અહી આવેલ ત્રિવેણી ઘાટ પિતૃ કાર્ય કરવાં માટે માનવ મેદની ઉમટી આવે છે.જેમ તમે તમારાં પિતૃની આત્માની શાંતિ માટે મુંબઈ જેવા મોટા શહેરથી અહી સુધી આવેલા છો મહોદય સાહેબ."

એકસઠ વર્ષનો પ્રવિણ.પહેરવેશ સફેદ ધોતી અને ઝબ્બો.એ લાલ ગમછાથી એનો જમણો ગાલ સંતાડીને રાખેલો હતો.આંખો એકદમ લાલચોળ જાણે ગુસ્સાને કારણે કે કોઈ નશીલુ પદાર્થ સેવન કરવાથી કેમ ના થઈ હોય! પણ એની વાસ્તવિકતા સાવ અલગ છે,એણે નાની ઉંમરે જ જ્ઞાનની વિદ્યા પ્રાપ્ત કરવા અનેક રાતોના ઉજાગરા કરેલા છે એવી એની સાક્ષી પુરતી લાલ એની આંખો હતી. જાતિએ બ્રાહ્મણ પણ એક વર્ષ પહેલા એણે પોતાની સરકારી નોકરીની સેવાથી મુક્ત થયો.તે નાનો હતો ત્યારથી ભણવાની સાથે એના પિતા સાથે થોડુક ઘણુ કર્મકાંડનુ શીખી લેતો હતો.નાનપણનુ શીખવેલુ એને હવે કામ આવ્યુ.પાંત્રીસ વર્ષ સુધી એણે પૂરી લગન અને વફાદારીથી સરકારી નોકરીની સેવા કરેલ હતી.સામાજિક વ્યવહારુ પણ પ્રવિણ એટલો જોવા મળતો હતો.કોઈ સમાજના કાર્યો હોય તો એ કાર્યો કરવામાં કે વ્યવહાર સાચવવામાં એ પીછે હઠ કરતો નહિ.

નિવૃત થઈ ગયેલો પ્રવિણ ઘરમાં બેસી રહેવુ એને ફાવતુ નહિ.એમ કહીએ કે એ જ્યાંથી સમજણો થયો ત્યાંથી આરામ કરવાને સમજ્યો નથી.આમ તો પરિવારમાં એનાં પિતા, એની પત્ની,પુત્ર,પુત્ર વધુ અને નાનો પૌત્ર હતો.એ ઈચ્છે તો એની બાકીનુ જીવન પૌત્રના પ્રેમ પાછળ વ્યતિત કરી શકતો હતો પણ,કહેવાય છે કે માણસ મનથી હારેલો હોય છે.શરીર કામ કરતુ હોય તો ત્યાં સુધી જીવન સાથે લડી લેવુ જોઈએ જ.પાંત્રીસ વર્ષ ઘરમા ઓછો જોવા મળતો અને પોતાની નોકરી અને સમાજીક કામોમાં વ્યસ્ત પ્રવિણને એક દિવસ ઘરમા રહેવા મળતુ તો ગભરામણ મહેસુસ કરવા લાગતો.આથી એણે નિવૃત પછીનો સમય એના પિતાના ધંધાને આગળ ધપાવ્યો.

સોમનાથજીની મંદિર પાસે આવેલ ઘાટ પર પ્રવિણ મુંબઈથી પિતૃ કાર્ય તેમ જ આસપાસ ફરવા આવેલ એમના યજમાનને પ્રવિણ ગુજરાત વિશે માહિતગાર કરાવતો હતો.પોતાના કામમાં નિષ્ઠા ધરાવતો પ્રવિણ વાતો કરવામાં એવો હોશિયાર હતો.એની સાથે વાત કરવામાં કોઈ પહોંચી વળતુ નહિ.

"ગોર મહારાજ તમે હવે વાતોમા ઓછુ અને મંત્રોચ્ચારમા વધુ ધ્યાન આપશો તો વધુ સારું રહેશે.અમારે પાંચ દિવસની અંદર આસપાસ દેવદર્શન માટે પણ જવાનુ છે."પૂજામાં બેસેલ દંપતિમાંથી યુવાનને બે કલાક સતત બેસી રહેવાથી શરીરમાં જાણે કીડીઓ ચટકા ભરતી હોય એવી અકળામણ થવા લાગી.

"અરે ગોરબાપા ભલે બેની ચાર કલાક થતી પણ તમે પૂજા સારી કરજો.એના બાપા અને મારો ઘરવાળો ફરી પિતૃ સ્વરુપે અમારા પરિવારને હેરાન કરવા આવવા ના જોઈએ.હુ નાની ઉંમરે વિધવા થઈ ગઈ હતી.પાંચ વર્ષના મારા આ ટીનુ સાથે મે રંડાપો ગાળવાનુ મન મક્કમ કરી લીધુ હતુ.એના બાપુના ગયા પછી ટીનુના લગ્નના દિવસથી અમારા દરેક સારા કામોમાં કોઈને કોઈ વિઘ્ન આવતા રહે છે.મુંબઈ અમારા કુટુંબના જ્યોતિષ પાસે જોવડાવ્યુ તો એમણે કહ્યુ કે એના બાપા અમારા કોઈ સારા કામો કરવા દેતા નથી.એમનો જન્મ સોમનાથમાં થયો હતો.જો એમની અંતિમ વિધિ ફરીથી અહી કરવામાં આવે તો એ કોઈ દિવસ નડશે નહિ."પૂજા કરવા બેઠેલ યુવાનની માં પ્રવિણ પાસે પોતાની યાચના વ્યતિત કરી રહી હતી.


જેને એમણે ટીનુ કહીને સંબોધ્યું એ યુવાન એનો દીકરો હતો.ટીનુ અને એની માં સાથે એની પત્ની તથા બાર વર્ષનો દીકરો હતો.તેની પત્ની મહારાષ્ટ્રીયન હતી.જે ગુજરાતી ભાષાનાં નામથી અપરિચિત હતી.

પ્રવિણ એ વૃધ્ધ સ્ત્રીને સંબોધીને આશ્વાસન આપ્યું કે એ વિધિ પૂરાં મંત્રોચ્ચાર દ્રારા કરવામાં આવેલ છે.ફરી પિતૃ દોષને કારણે કોઈ સારાં કામોમાં વિઘ્નો ઉત્પન્ન થાય એવું કદાપિ નહિ બની શકે.

સોમનાથના ઘાટ પર સવારનાં અગિયાર વાગી ચૂક્યા હતા.સૂરજદાદાનો તાપ માથા પર આવીને શરીરની ચામડીને દઝાડી રહ્યો હતો.બીજાં દિવસે મહા શિવરાત્રી હોવાથી સોમનાથમાં એની ઊજવણી કરવાનુ મહાત્મ્ય વધુ હોવાથી માનવ મેદની વધુ જોવા મળી રહી હતી.પિતૃની પૂજા કરનાર ગોર મહારાજ પ્રવિણની સાથે બીજા અનેક મહારાજ ઉપસ્થિત હતા.કોઈ પૈસાના લાલચુ ગોર મહારાજ ધર્માંધ યાત્રાળુ પાસે પિતૃ અને સોમનાથ મહાદેવની વિશેષ પૂજા અર્થે ધર્મના નામે લૂંટ ચલાવતા જોવા મળી રહ્યા હતા.

પ્રવિણે અઢી કલાકની પૂજાવિધિ સંપન્ન કરીને ટીનુના પરિવારને બાર વાગ્યે છુટો કર્યો.

"ગોર મહારાજ તમે અમારા કુળના ગોર છો.તમારા પિતા અમર મહારાજ સાથે મારા પતિના જુના સંબંધો હતા.ખાસ તો મારે એમની પાસે આ પિતૃકાર્ય કરાવવુ હતુ.તમે કહો છો કે એમણે હવે ગોરપદુ છોડી દીધુ છે તો એ નહિ તો એમના દીકરા પાસે વિધિ કરાવીને હુ મારાં જીવનને ધન્ય અનુભવુ છુ.હવે બોલો મારે તમને દક્ષિણા પેટે કેટલા આપવાના થાય?"

કોઈ નવી જગ્યાએ વસ્તુ ખરીદી કરવાં જઈએ તો પહેલાં જુની ઓળખાણ કઢાવીએ છીએ.જેનો એક ફાયદો એ થાય છે કે સામેવાળા દુકાનદાર ઓળખાણને કારણે વસ્તુની મૂળ કીંમતથી પાંચ પચ્ચીસની ઓછી કિંમતે વસ્તુઓ ગ્રાહકને વહેચી આપે છે.ટીનુની માંએ પણ પ્રવિણને દક્ષિણા આપવા માટે આવો જ કોઈ નુસખો અજમાવ્યો હતો.એવામાં આઠ વર્ષનો વત્સલ પ્રવિણને બોલાવવા આવ્યો એ ટીનુની માં સાંભળવાં ઊભો રહી ગયો.

"અરે માતાશ્રી મારાં પિતાજીનાં ઓળખીતા એ મારાં પણ ઓળખીતા રહ્યા.સાચુ કહુ તો હુ અહી આવીને મારા સમયનો સદ્ ઉપયોગ કરુ છુ.હુ સરકારી નોકરીથી નિવૃત થઈ ચુક્યો છુ.ઘર બેઠા સરકારની આવકથી એક પરિવારમાં રહેતાં અમારાં છ સભ્યોનું ગુજરાન સારી રીતે ચાલી જાય છે.પિતાજીના શરીરે સાથ આપતુ બંધ કરી દીધુ હોવાથી એ બાકીનુ જીવન સોમનાથ દાદાના નામ સ્મરણમાં પસાર કરે છે.મારો દીકરાને સોમનાથ દાદાની કૃપાથી ટ્રાન્સપોર્ટનો બહુ મોટો બિઝનેસ છે.હવે તો મારું આગળનુ જીવન હુ દાદાની ભક્તિમાં પસાર કરવા ઈચ્છુ છુ.તમે જે કાંઈ દક્ષિણા આપશો એ હું સોમનાથ દાદાનો પ્રસાદ સમજીને સ્વીકારી લઈશ."પ્રવિણે એની મોટાઈ દેખાડી.

ટીનુની માં હતી તો સ્ત્રીની જાત તો થોડીક કંજુસાઈ એનાં સ્ત્રી સ્વભાવમાં દેખાઈ આવતી હતી.એ એના પર્સમાંથી દક્ષિણા આપવા માટે પૈસા કાઢી રહી હતી.પાંચસોની એક કડકડતી નોટ એમનાં હાથમાં આપતાં પ્રવિણની સામે ધર્યા,"આ લ્યો ગોર મહારાજ શિવજીનુ નામ લઈને તમારા યજમાન આપે એનો સ્વીકાર કરીને અમારાં કુળને આર્શિવાદ આપજો."

ટીનુની માંએ પ્રવિણ સામે પાંચસો રુપિયાની નોટ સામે ધરી દીધી.પ્રવિણે એ પાંચસોની નોટ હાથમાં લઈને દાદાનુ નામ લઈને માથે ચડાવ્યા.પ્રવિણે યજમાનોને આર્શિવાદ આપીને પ્રેમથી વિદાય દીધી.

અત્યાર સુધી ચુપચાપ બધું સાંભળતો અને ધ્યાનથી જોઈ રહ્યો હતો,એ વત્સલ ટીનુનો પરિવાર ગયાં પછી બોલ્યો,"દાદાજી તમે એમની ખોટી વાતમાં કેમ આવી ગયાં?મોટા દાદાનુ નામ દલપત દાદા છે અને એમણે અમર મહારાજ કહીને તમને છેતરવાનો પ્રયાસ કર્યો.એ ઓછુ રહ્યુ કે તમે એમની હામાં હા કરી.એમણે તમારી મહેનતનાં પાંચસો રુપિયા આપ્યા તો તમે ખુશી ખુશી લઈ લીધા.!દાદીમાં સાચુ જ કહે છે કે તમારાં બોલકણાં સ્વભાવની સાથે તમે ભોળા પણ છો."વત્સલ થોડોક નારાજ થઈ ગયો.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"