Leadership lessons from the ocean...! in Gujarati Motivational Stories by Mahesh Vegad books and stories PDF | નેતૃત્વના પાઠ મહાસાગર પાસેથી...!

Featured Books
Categories
Share

નેતૃત્વના પાઠ મહાસાગર પાસેથી...!

નેતૃત્વના પાઠ મહાસાગર પાસેથી...!!!.

         મહાસાગર પાસેથી નેતૃત્વના બહુ જ ઉપયોગી પાઠ શીખી શકાય તેમ છે. મહાસાગર પાસેથી શીખવા મળતા નેતૃત્વના ગુણોમાં દરિયાદિલી , અસીમતા, ઊંડાણ, પરિવર્તનશીલતા, સ્થિતપ્રજ્ઞતા જેવાની ચર્ચા કરીએ...

(૦૧) દરિયાદિલી : 


વ્યક્તિને જેટલી વ્યાપક સફળતા મળે એટલું સફળ વ્યક્તિએ વિશાળ દિલ રાખવું જોઈએ એ જ સૌથી મોટો પાઠ મહાસાગરમાંથી શીખવાનો છે. કર્મચારીઓ – સાથીદારોનો વિશ્વાસ જીતવા અને તેમને સાથે લઈને ચાલવા માટે લીડરે સ્વહિત અને સંકુચિતતાનો વિચાર છોડીને તમામના હિતનો વિચાર કરવો જોઈએ. લીડર તરીકે નાની-નાની વાતોને અવગણીને મોટું મન રાખીને સાથીદારોને માફ કરવાનું વલણ રાખવું જરૂરી છે. મહાસાગર જેમ નદી-નાળા સૌને જેવા છે તેવા (પ્રદુષિત હોય તો પણ) સ્વીકારે છે તેવી જ રીતે લીડરે પણ સૌને ખુલ્લા દિલે સ્વીકારવા જોઈએ તેમજ સૌના સુચનો અને મંતવ્યો પણ સ્વીકારવા જોઈએ અને તેમના અવગુણોને પચાવવા જોઈએ...

(૦૨) અસીમતા:

મહાસાગર અસીમ છે. આથી જ લીડરે મહાસાગર પાસેથી પ્રેરણા લઈને પોતાની કાર્યક્ષમતા, જ્ઞાન, સમજ, કૌશલ્ય વિગેરેની મર્યાદાઓ દૂર કરવા પર ધ્યાન આપવું જ જોઈએ. લીડરે પોતાની મર્યાદાઓને ઘટાડતા જઈને પોતાની શક્તિ અને સામર્થ્યને સતત ને સતત વિસ્તારતા રહેવું જોઈએ. લીડરે હંમેશા નવું-નવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને નવી નવી ટેકનોલોજીથી સજ્જ થવું જોઈએ. આવા અસીમ જ્ઞાન અને ટેકનોલોજી થકી જ આજના હરીફાઈના યુગમાં લીડર ટોચ ઉપર પહોંચી શકશે...

(૦૩) ઊંડાણ :

ઊંડાણ વિનાની ઊંચાઈ ગમે તેવા પ્રભાવશાળી લીડર માટે પણ ઘાતક સાબિત થતી હોય છે. લીડરે જ્ઞાન સંપાદન કરીને અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરીને પોતાના વ્યક્તિત્વને અને સમજને વધારે ઊંડાણ બક્ષી શકે છે. અધૂરું જ્ઞાન કે અધૂરી સમજ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વિનાનું જ્ઞાન હોય તેવા લીડર માત્ર છબછબિયાં જ કરી શકે પરંતુ ક્યારેય ઊંડાણમાં પહોંચીને મોતી સમાન મૂલ્યવાન સફળતા અને પ્રભાવના માલિક બની શકતા નથી. મરજીવા બનીને મોતી કાઢવા હોય તો ઊંડું અને અગાધ જ્ઞાનનો સાગર લીડરમાં ઘૂઘવતો હોવો જોઈએ...

(૦૪) સતત પરિવર્તન:

મહાસાગર કદી સ્થિર હોતો નથી. એક પછી એક મોજાં પ્રત્યેક સેકન્ડે ઉછળતા જ રહે છે. તેવી જ રીતે મહાસાગર પોતાની સપાટી પણ સતત બદલતો રહે છે. મહાસાગર RESTLESS હોય છે. આવી જ રીતે સ્થિતિ પ્રમાણે, દેશ પ્રમાણે, સમય પ્રમાણે સતત પરિવર્તન જે કરી શકે તે જ પ્રભાવશાળી લીડર બની શકે. સતત પરિવર્તનશીલ લીડર હંમેશા માન-સન્માન પ્રાપ્ત કરતો હોય છે. જો લીડર CHANGE એટલે કે પરિવર્તનશીલ રહીને બદલાવ ન લાવી શકે તો તે લીડરનો વિકાસ રૂંધાઈ જાય છે અને તેની પ્રતિભા ક્ષીણ થઇ જાય છે...

(૦૫) સ્થિતપ્રજ્ઞતા:

મહાસાગરમાં ભરતી-ઓટ આવતી જ રહે છે. ભરતી-ઓટ વગરનો મહાસાગર હોઈ શકે જ નહિ. પરંતુ મહાસાગર ભરતી વખતે કદી અહંકાર કરતો નથી કે ઓટ વખતે કોઈનો ઓશિયાળો બનતો નથી. એ તો સતત પોતાની મસ્તીમાં જ એકધાર્યા ભરતી-ઓટના ચક્રનો આનંદ માણે છે. આવી સ્થિતપ્રજ્ઞતા પ્રભાવશાળી લીડરે કેળવવી પડે. ગમેતેવા સફળ સંજોગોમાં કે વિકટ સંજોગોમાં લીડરે નિ:સ્પૃહી રહીને સ્થિતપ્રજ્ઞ રહીને પોતાના નેતૃત્વને ઉજાગર કરવાનું છે અને તેના દ્વારા જ સફળતાની ટોચે પહોંચવાનું છે. આને જુદી રીતે પણ સમજી શકાય. જેમ ભરતી અને ઓટ આવતી જ રહે છે તેવી જ રીતે લીડરે નવા નવા લીડર્સ ઉભા કરીને “કલેકટીવ લીડરશીપ”થી સફળતા પ્રાપ્ત કરવી જોઈએ. દરેક ભરતી આવે છે તેવી જ રીતે દરેક ટીમ માટે એક અલગ લીડર ઉભો કરીને તેને તેની આગવી ઓળખ મળે તેવું મુખ્ય લીડરે કરવું જોઈએ. આવા અનેક લીડર્સ ઉભા કરીને “કલેકટીવ લીડરશીપ”થી એક ઊંડાણભરી ઊંચાઈએ પહોંચી શકાય છે...

(૦૬) ખારાશ છતાં મીઠાશનું નવસર્જન:

મહાસાગર ખારોવખ્ખ છે તેમ છતાં એની ભરતી-ઓટ અને સતત ઉછળતા રહેતા મોજાંરૂપી એની મથામણ થકી મીઠું પાણી વરસાવતા વાદળો બાંધે છે અને આ વાદળો મીઠું પાણી વરસાવીને ધરતીને તૃપ્ત કરે છે. આવી જ રીતે લીડરે वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि એટલે કે જરૂર પડે તો વજ્ર જેવા કઠોર અને જરૂર પડે તો ફૂલ જેવા કોમળ બનીને સખ્તાઈ અને ચોકસાઈ જેવા આગ્રહ થકી ખારાશ વહોરીને પણ પરફોર્મન્સ અને પરિણામ સ્વરૂપે સફળતાનું મીઠું પાણી વરસાવવું જોઈએ...

(૦૭) મોજાંઓના તરંગ ઉપર સવાર થવું:

મહાસાગરના અગાધ ઉછળતાં મોજાંઓ અને તરંગોમાં જે તણાઈ જાય છે તેનું અસ્તિત્વ જ પૂરું થઇ જાય છે પરંતુ જે મોજાંઓ ઉપર સવાર થઇને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તે પોતાની મંઝિલ સુધી પહોંચી જાય છે. આવી જ રીતે લીડરે તેના રસ્તામાં આવતી તમામ બાધાઓ અને અવરોધો સામે ઝઝૂમીને સફળતાની ટોચે પહોંચવાનું છે. આ માટે તમામ પ્રકારની સાવચેતીઓ રાખીને અસ્તિત્વ ટકાવીને સફળ થવાનું છે.