Nitu - 118 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 118

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 118


નિતુ : ૧૧૮ (મુલાકાત) 


નિતુ માટે આજની સવાર સૌથી વધારે ખુશી લઈને આવેલી. દિવસ ઉગતા જ ઘરમાં ધમાલ શરુ થઈ ગઈ. શારદા રસોઈ ઘરમાં તડામાર કરી રહી હતી. નિતુ એને શોધતી ત્યાં આવી પહોંચી. તેણે એના ખભા પર માથું રાખતા કહ્યું, "મમ્મી. શું કરે છે તું! બીજું બધું પછી કરજે. પહેલા જઈને રેડી થઈ જા. નહિતર મોડું થશે."


"એક તો આજ જ મોડું ઉઠાણુ છે. આ જટ દઈને ચા બનાવી નાખુ તો કામ પતે."

"એ બધું મુકને હવે..." પાછળથી એને આલિંગન આપતા બોલી.

"લે! તારી હાટુ જ બનાવું છું, તને ચા વગર હાલશે?"

નિતુએ હસીને એની સામે જોયું અને માથું ધુણાવતા ના કહી. શારદા એ એના માથા પર ટાપસી મારી. પોતાની રૂમમાંથી સજી ધજીને કૃતિ બહાર આવી અને નિતુને પૂછવા લાગી, "દી! આ ડ્રેસ કેમ લાગશે?"

શારદાએ જીણી આંખો કરતાં કહ્યું, "ઈ જેમ લાગે એમ, પણ આ પ્રસંગ નિતુનો છે અને તું એટલી શેની હરખાય છે?"

"મમ્મી! આજે દીદી માટે આટલો મોટો દિવસ છે અને હું ખુશ ન થાવ એવું બને? આમેય દીદીને તો એની ઓફિસનો સૂટ જ પહેરવાનો છે. એને બીજું કશું પહેરવાનું જ નથી. મને તક મળી છે તો હું એ તક જવા દઉં એવું બને?"

"ના... બિલકુલ ના બને." ઘરમાં પ્રવેશતા હરેશ બોલ્યો.

નિતુએ એના તરફ આવતા કહ્યું, "હાય! ગુડ મોર્નિંગ." અને પોતાની રૂમ તરફ જવા લાગી.

હરેશે તેને જાણ કરી, "હું અને મારી ગાડી બંને રેડી છે. તમે લોકો રેડી થઈ જાઓ. એટલે આપણે નીકળીયે."

કૃતિએ પોતાની તરફ આવતી નિતુનાં કાનમાં ધીમેથી પૂછ્યું, "દી... આ ચીપકુએ પણ આવવાનું છે?"

તેણે એવા જ રવે ઉત્તર વાળ્યો, "હા... નિકુંજભાઈના પેરેન્ટ્સને મનાવવામાં એનો ખાસ ફાળો છે. એટલે મેડમે એને સ્પેશ્યલી હાજર રહેવા કહ્યું છે."

એ હસીને પોતાની રૂમ તરફ ચાલી ગઈ. રસોડામાંથી શારદાએ કૃતિને સાદ કર્યો અને હરેશને ચાનો કપ આપવા કહ્યું. એ ગઈ અને ચાનો કપ લાવી એની સામે ધર્યો. હરેશે કપ લીધો કે કૃતિએ એની ટેર ખેંચવાનું શરુ કર્યું, "સવાર સવારમાં પાડોશીને ત્યાં ચા પીવાની મજા આવે, નહિ?"

જો કે હરેશ હવે એના સ્વભાવથી તદ્દન પરિચિત થઈ ગયો હતો. એણે પણ એવો જ જવાબ આપ્યો, "હા... કેમ નહિ! જે રીતે પાડોશીને ત્યાંથી ચા ખાંડ લાવીને ચા બનાવવાની મજા આવે. એ રીતે ચા પીવાની પણ મજા જ આવે."

આ વાતે એનું મૂડ થોડું બગાડ્યું. જો કે તેઓની આ હસી મજાક જ હતી. તુરંત ઉભા થતાં એ બોલી, "ડ્રેસ કેમ લાગે છે મિસ્ટર જેમ્સ માસ્ટર?" પોતાના અંગુઠા અને તર્જનીને એક કરી, બાકીની આંગળીઓ ઉપર રાખી તેણે સુન્દરનો ઈશારો કર્યો. તે હસી. કૃતિએ પોતાના ફેવરિટ સફેદ રંગના ડ્રેસમાં ઘણો સારો એવો શણગાર કર્યો હતો. નિતુ જેટલો જ હર્ષ એને થતો હતો.

થોડી વારમાં દરેક લોકો તૈય્યાર થઈને રવાના થઈ ગયા. તેમનો સંબંધ વિદ્યા સાથે હવે એક બોસ જેવો મટીને ઘર જેવો થઈ રહ્યો હતો. ને વિદ્યા જેવી સ્ત્રી જો મિત્ર થાય તો કેહવું જ શું! નિતુ માટે હકીકત જાણ્યા પછી એ બોસથી વિશેષ હતી. એના માટે માન પહેલા કરતા ઘણું વધારે હતું. એના ચહેરાની મલકથી એની ઊર્મિઓ સ્પષ્ટ ઉભરી આવતી હતી. આજનો દિવસ એના માટે ખાસ હતો. આજે એ ટાઈમ્સની કર્મચારીમાંથી મેનેજર બનવા જઈ રહી હતી.

ટાઈમ્સમાં ચારેય તરફ ખુશીઓનો માહોલ હતો. ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂલોથી સજ્જ સ્ટેજ બનાવવામાં આવ્યું હતું અને ઓફિસમાં ચારેય બાજુ સુશોભન કરાયું હતું. આજનો રવિવાર વિશેષ બનવાનો હતો. ઓફિસમાં પહોંચીને કૃતિ ગેટ પર જ સાગરની રાહે ઉભી રહી. નિતુએ શારદા સાથે સૌથી આગળ, જ્યાં કરુણા બેઠેલી ત્યાં જઈને એની બાજુમાં સ્થાન લીધું. આસ પાસ નજર કરી તો કહેવાતા ઘણા મોટા લોકોએ હાજરી આપી હતી.

તેઓના ક્લાઈન્ટ અને બિઝનેસ પાર્ટનર તો હતા જ. સાથે વીવીઆઈપી અનેક મહેમાનો હતા. રમણ અને જસવંતને પણ તેણે પહેલીવાર જોયા. આમ તો જસવંતને એ હોસ્પિટલમાં એડમિટ હતી ત્યારે મળી ચુકેલી, પણ અહીં એની હાજરી એને કૌતૂક જન્માવતી હતી. શાહ પોતાની આખી ફેમિલી સાથે આવેલા. ઉપરની પોસ્ટના તમામ લોકોને આ જ રીતે ફૂલ ફેમિલી ઇન્વિટેશન હતું. કાર્યક્રમ શરૂ નહોતો થયો અને દરેક લોકો અંદરો અંદર પરિચય મેળવી રહ્યા હતા અને વાતો કરી રહ્યા હતા.

નિતુને અભિનંદન પાઠવવા અને શાહને વિદાય આપવા દરેક લોકો ગિફ્ટ અને બુકે લઈને આવેલા. કાર્યક્રમ પહેલા જ ઘણા લોકો એને અભિનંદન આપી રહ્યા હતા. નિતુ આગળ બેસીને એ દરેકનો સ્વીકાર કરી રહી હતી. એક બુકે લઈને એણે કરુણાને આપ્યો કે બીજો બુકે એની સામે આવી ગયો.

ઉપર જોયા વિના જ "થેન્ક યુ." કહી બુકેનો સ્વીકાર કર્યો અને બાજુમાં બેઠેલી કરુણાને આપવા લાગી, જેથી એ એને વ્યવસ્થિત મૂકી દે. કરુણાએ બીજા બુકેની જેમ એને મુકવા હાથ આગળ કર્યા, નિતુ એને સોંપે એ પહેલા બુકેમાં લગાવેલ વિશિંગ લેટર પર એની નજર પડી. સફેદ પરચીમાં ઉપસી આવે એવા મોટા અક્ષરોમાં 'સોરી' લખેલું.

એના હાથ પાછા સર્યા અને એ લેટરને વાંચ્યો. 'સોરી!' એણે વિમાસણથી બુકે આપનાર વ્યક્તિ પર નજર કરી. સામે નવીન ઉભેલો. એનું હાસ્ય ગંભીરતામાં ફેરવાય ગયું. "ઓહ્... તમે છો!" કહીને નાપસંદગી, છતાં સ્વીકૃતિ દર્શાવી નિતુએ એનો બુકે લીધો અને કરુણાને આપી દીધો.

"હા. હું જ છું. બસ બે મિનિટ મારી વાત સાંભળી લ્યો તો..." એ વધારે કંઈ બોલે એ પહેલા નિતુ ઉભી થઈ ગઈ અને કમ્પાઉન્ડ તરફ ચાલવા લાગી. કરુણા અને શારદા બંને એની આ કરતૂતને જોઈ રહી હતી. નિતુએ જે દિશામાં ચાલવાનું શરૂ કર્યું હતું. ત્યાં આગળ જ વિદ્યાની ગાડી આવીને ઉભી રહી.

ગાડીમાંથી પહેલા વિદ્યા ઉતરી અને ઉભી રહી, જાણે કોઈની રાહ જોઈ રહી હોય. બીજીબાજુથી નિકુંજ ઉતરીને એની પાસે આવ્યો અને બંને સાથે મળીને ચાલવા લાગ્યા. આ દ્રશ્ય અવિશ્વસનીય હતું. તેઓ નિતુની દિશામાં આગળ ચાલી રહ્યા હતા અને અમુક મહેમાનો અને ક્લાઇન્ટ્સ એને ઘેરીને ઉભા રહી ગયા. એ બધામાં નિતુ જાણે અદ્રશ્ય થઈ ગઈ. નવીનનું મોં વિલાયું અને ફરી એ પોતાની જગ્યાએ પરત ગયો.

કાર્યક્ર્મની શરૂઆત થઈ. સ્ટેન્ડિંગ ટેબલ પાસે ઉભેલી વિદ્યાએ દરેકનું સ્વાગત કર્યું અને પછી શાહના અત્યાર સુધી કરેલા કામ અને એની વફાદારીના વખાણ કરતા, નાનકડું ભાષણ આપી તેણે શાહને માઈક આપ્યું. સ્ટેજ પર આવી શાહે ટાઈમ્સમાં પોતાના કરેલ અનુભવ વિશે અને વિદ્યા તથા નિકુંજની સાથે કામ કરેલી યાદોને વર્ણવતા ટાઈમ્સને અલવિદા કહ્યું. આ સાથે તેણે બનવા જઈ રહેલી મેનેજર સાથે કામ કરવાનો અનુભવ કહ્યો . તેણે એની હોંશિયારીનો પુલ બાંધ્યો અને વિશ્વાસ કર્યો કે વિદ્યાએ સાચો નિર્ણય લીધો છે.

"આમ તો ઘણા સમયથી નીતિકા સાથે કામ કર્યું છે. પણ છેલ્લા બે દિવસથી મેં એની કામગીરીને ખુબ નજીકથી જોઈ છે. વિદ્યા દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ખરેખર યોગ્ય છે. એના મેનેજર બનતાની સાથે આપણને એક નવા ક્લાઈન્ટ સાથે જોડાવાનો મોકો મળ્યો છે. એનું મેનેજર તરીકે આગમન ટાઈમ્સ માટે લક્કી સાબિત થશે." તેઓએ નીતિકા, ટાઈમ્સ અને વિદ્યા અંગે ઘણી વાતો કરી. સાથે પોતાના દરેક કર્મચારીની વાતો એને યાદ આવશે એવું ભાવુક થતા કહ્યું, તો અન્ય કર્મચારીઓ પણ ભાવુક બની ગયા.

અંતે પોતાના શબ્દોને રોકી એણે નીતિકાને સ્ટેજ પર આમંત્રણ આપ્યું. એ સ્ટેજ પર આવી એટલે બધાની સામે શાહે પોતાના પૉકેટ્માંથી ચાવીનું એક બંચ કાઢી એના હાથમાં આપ્યું. "હવેથી ટાઈમ્સની જવાબદારી તારી છે. આજ સુધી વિદ્યાનો વિશ્વાસ હું રહ્યો છું. હવે એણે તારા પર ભરોસો કરી તને જે સ્થાન આપ્યું છે. એનું પાલન કરી, એના વિશ્વાસ પર ખરું ઉતારવાનું છે તારે." હસીને શાહ નીચે જતા રહ્યા.

તાળીઓના ગડ્ગડાટ પહેલા શાહ માટે સંભળાયા, પછી નીતિકાનું સ્ટેજ પર સ્વાગત કરવા માટે. પોતાની વાત કહેવા એણે સ્ટેજ પર રાખેલ સ્ટેન્ડિંગ ટેબલ સામે સ્થાન લીધું. ટેબલ પર પડેલા પેપરને જોઈને એને આશ્વર્ય થયું. જેમાં નીતિકાનું લખેલું હતું. પોતાની વાત શરૂ કરતા પહેલા એણે એ પેપર પલટાવ્યું.

લખ્યું હતું, "મારુ આ રીતે તમારી સાથે વાત કરવું તમને નહિ ગમતું હોય, એ મને ખબર છે. પણ આપ મારી કોઈ વાત સાંભળવા તૈય્યાર નથી. મેં માત્ર મારા દિલની લાગણી કહી હતી. જો તમને ના ગમ્યું હોય તો મને માફ કરી દો. પણ પ્લીઝ મેમ, મને માફ કરી દો. મારી સાથે વાત કરો. હું આ સંબંધને તોડવા નથી માંગતો."

આ વાંચતા જ નિતુને સમજાય ગયું કે આ પેપર અહીં નવીને રાખ્યું છે. એણે એક નજર સામેના લોકોમાં બેઠેલા નવીન પર કરી. એ એની સામે જોઈને જ બેઠેલો હતો, જાણતો હતો કે નીતિકાએ એનો છોડેલો મેસેજ વાંચી લીધો છે. જો કે નિતુએ કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના બધા સાથે વાત કરવાની શરૂઆત કરી દીધી. આગંતુક પત્રકારોએ એને જાત જાતના સવાલો પૂછ્યા અને બધા જવાબ આપતા, બધા સાથે વાતો કરતા કરતા એ કામ પતાવી નીચે ઉતરી.

બાકી વધેલા લોકો પણ એની પાસે બુકે લઈને આવી ગયા. એની મહેમાનો સાથે મુલાકાત ચાલતી હતી કે નવીને ફરીથી એનો રસ્તો રોક્યો. પણ એને નજર અંદાજ કરીને એ વિદ્યા પાસે જતી રહી. એ સમયે શારદા એકલી હતી. તકનો લાભ ઉઠાવી નવીન શારદા પાસે પહોંચી ગયો અને મીઠી વાતો કરતા એ એની ચાકરીમાં લાગી ગયો. લંચનો સમય થઈ ગયો હતો અને બધા લોકો જમવા માટે જઈ રહ્યા હતા.

એણે નિતુના દોસ્ત તરીકે પોતાનો પરિચય આપ્યો. એને પહેલી વાર મળનારી શારદાએ એને પોતાની નજરમાં પસંદગી આપી. તેને એનો સ્વભાવ ગમ્યો. એનું હૃદયનું ટૂંક સમય પહેલા ઓપરેશન કરાવ્યું છે એ વાતથી એ જાણકાર હતો. માટે જમવા જતી વેળાએ એ ટેબલ સુધી એનો હાથ પકડી લઈ ગયો અને વેઈટરને બધું લાવી આપવા કહ્યું.

નિતુ અને શાહ બંને સાથે ઉભેલા. બુકે લેતી અને બધાના કોંગ્રેજ્યુલેશનનો જવાબ આપતી નીતિકાની નજર પોતાની મા તરફ જ હતી. નવીનનું આ રીતે એને મળવું એને ખટકી રહ્યું હતું. જો કે હવે કંઈ કરે તો બધા સામે તમાશો ઉભો થાય અને નીતિકા એવું કંઈ કરવા નહોતી માંગતી.

વિદ્યા પોતાના નવા બનેલા ક્લાઇન્ટને લઈને નીતિકા પાસે પહોંચી. બંનેએ પરસ્પર પરિચય મેળવ્યો. એણે પોતાની કંપનીની અમુક વાતો શેર કરતા નિતુને પોતાના પ્રોજેક્ટની ફાઈલ આપી. તેણે તેને વિશ્વાસ આપ્યો કે આપણા કામમાં કોઈ કસર છોડવામાં નહિ આવે. એ બંને વાતો કરી રહ્યા હતા કે નિકુંજ તેઓની પાસે આવ્યો.

વિદ્યાએ એની તરફ જોતા પૂછ્યું, "યા... શું થયું?"

"હેવ યુ બોથ ઍટન?" નિકુંજે પૂછ્યું. વિદ્યા બોલી, "અ. નો."

"તો ચાલો... આઈ થિન્ક કે બધા ચાલ્યા ગયા છે."

વિદ્યાએ હકારમાં માથું ધુણાવી જવા કહ્યું અને પોતાના ક્લાઈન્ટને માન આપી આગળ કર્યા. તેઓ જતા હતા કે નિતુ બોલી, "તમે લોકો જાઓ, હું આ ફાઈલ અંદર મૂકીને આવું છું."

"ઠીક છે. જલ્દી આવજે." કહેતા વિદ્યા નિકુંજ સાથે ચાલવા લાગી. નિતુ અંદર ઓફિસમાં ગઈ. મેનેજરની કેબિનમાં એણે પગ મુક્યો અને શાહે એને આપેલી ચાવી પર્સમાંથી બહાર કાઢી. એ મનોમન જ બબડી રહી હતી, "હંહ... શાહે મને બધું બતાવ્યા છતાં જેના જેના પ્રોજેક્ટ પેન્ડિંગ છે એનું તો કશું કહ્યું જ નહિ. ખેર... શું કરે. વચ્ચે બે ત્રણ દિવા તો હું જ ન્હોતી."

બબડતા એણે ચાવી લગાવી કાચના દરવાજા વાળી એક અલમારી ખોલી, જેની અંદર પેન્ડિંગ પડેલા પ્રોજેક્ટની ડિટેઇલવાળી બધી ફાઈલો પડેલી હતી. ફાઈલો પર દરેક કંપનીના લેબલ લગાવેલા હતા. એ ફાઈલો વચ્ચે જ એણે જગ્યા કરી ફાઈલ મૂકી દીધી અને અલમારીનો દરવાજો બંધ કર્યો.

ચાવી બંધ કરી લોક લગાવી એ પાછી ફરી અને ચાલવા ગઈ કે એના પગ ધીમા પડી ગયા. નજર ઝીણી કરી અને હળવેથી અલમારી તરફ ફરી. કાચની આર પાર એને પેન્ડિંગ પડેલા પ્રોજેક્ટમાં એક ફાઈલ પરનું લેબલ દેખાયું. એણે ફરી અલમારી ખોલી અને ફાઈલ કાઢી ચેક કરી. જોતાંની સાથે જ ફાઈલ હાથમાંથી સરી ગઈ. પોતે શિથિલ થઈ ગઈ અને મન જાણે બધી ભાન ભૂલી ગયું. આંખો ભીની અને જે વિદ્યાની એણે આટલી સહાય કરી, એની એક વણકહેલી વાત એની સામે આવી ગઈ.

થોડીવારે એ બહાર આવી. એ ફાઈલ જોયા પછી નિતુનું દિમાગ જાણે સુન્ન પડી ગયું હતું. એના આશ્વર્યનો પાર નહોતો. સામે આખી ઓફિસ એની સેરેમનીમાં જમણવારની જયાફત ઉડાવી રહી હતી. શાહ પોતાના પરિવાર સાથે હતા, શારદા, કૃતિ, સાગર, હરેશ અને નવીન એ દરેક સાથે હતા. કરુણા પણ પોતાના હસબન્ડ સાથે આરામથી જમી રહી હતી.

એક તરફ અનુરાધા એન્ડ ગ્રુપ આજે ખરેખર મોટું ગ્રુપ બનાવી સહપરિવાર દરેક લોકો હતા. એ બધામાંથી એની નજર એક ટેબલ પર સાથે બેસીને પ્રેમ ભરી વાતો કરતા અને મજા મસ્તી કરતા લંચની મજા માણી રહેલા નિકુંજ અને વિદ્યા પર પડી. શું કરવું અને શું ન કરવું એ જ એને નહોતું સમજાય રહ્યું. સામેનું દ્રશ્ય એક દમ ધીમું પડી ગયું હતું. સમય રોકાય ગયો હોય એવો અણગમો પ્રસરી રહ્યો હતો.

કોઈની નજર પડે એ પહેલા ત્યાંથી ચાલતી પાર્કિંગ તરફ આવી ગઈ. વિદ્યા માટે માન તો જાગ્યું હતું, પણ ફરી ફરિયાદો જાગી. વિમાસણ ભરેલી એની આંખોમાં હ્રદય ઘવાયાંનાં આંસુ સર્યા, એક કારને ટેકવી એ સતત રડ્યે જતી હતી અને મનમાં વિદ્યા અને નિકુંજની તસ્વીર સાથે એક જ સવાલ, "તમે બંનેએ મારાથી આટલી મોટી વાત છુપાવી? તમને જાણ હતી, છતાં મને છેતરી... મને અંધારામાં રાખી. મને આખી વાતથી બહાર રખાય. ન શાહે કહ્યું, ન નિકુંજભાઈએ કે ન મેડમ તમે! મારી સાથે આવું કેમ કર્યું તમે?"