Nitu - 116 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 116

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 116

નિતુ : ૧૧૬ (મુલાકાત) 


વિદ્યા માટે આજની ઘડી સોનાથી ઓછી નહોતી. એને જાણે પોતાના જીવનનો સાર મળી ગયો. અત્યાર સુધી સહેલી યાતનાઓનું ફળ ગણો, કે પોતાના પ્રેમે કરેલી કસોટીનું સફળ પરિણામ. આજે એને એના જીવનની સૌથી મોટી ખુશી મળી ગઈ હતી. અનાથ વિદ્યા એક સાંસારિક જીવન તરફ પ્રયાણ તો કરતી જ હતી, સાથે એ જે મનગમતું હતું, એના પાછા આવવાની પણ ખુશી હતી.


એની આ ખુશીમાં સહભાગી થવાથી નિતુ પણ જાણે પોતાની જાતને ધન્ય માની રહી હતી. તેઓની સાથે ડિનર કરવાની એની અનુભૂતિ કંઈક અલગ રહી. વિદ્યા અને નિકુંજ મસ્તી કરતા ડીનરનો આનંદ માણિ રહ્યા હતા તો નિતુ પણ તેની આ મસ્તી જોઈને ખુશ થતી રહેતી.

ડિનર પતાવી નિતુ બધાની પહેલા ઉભી થઈ ગયેલી. એ કિચનમાંથી નીકળી લિવિંગ રૂમમાં આવી. લિવિંગ રૂમનું નિરીક્ષણ કરતા એ આમ તેમ ચક્કર મારી રહી હતી. બહારના ગાર્ડનનો સારો એવો વ્યુ આવે એ માટે બનાવેલી મોટી બારી પાસે આવીને એ ઉભી રહી અને બહાર ગાર્ડન જોઈ રહી હતી.

એને કરુણાનો મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું, "હું તારા ઘેર આવી રહી છું." તેણે વાંચ્યો અને સ્ક્રીન બંધ કરી ફરી બહાર જોવા લાગી. અચાનક એની નજર બારીના કાચમાં પડેલા લિસોટા પર પડી. વચ્ચે સફેદ થયેલા મોટા ટપકાની ચારેય ફરતે ક્રેક બનેલી હતી. નાનું પણ દેખાય આવે એવું નિશાન હતું.

તેણે તેના પર પોતાની આંગળીઓ ફેરવી. લિચા કાચમાં ખરબચડો અનુભવ થઈ રહ્યો હતો. એને સ્પર્શતા એ શેના લીધે થયું હશે એવા વિચારમાં એ હતી. એટલામાં પાછળથી વિદ્યાનો અવાજ આવ્યો, "એ ભૂતકાળનું નિશાન છે."

તે સહસા પાછળ ફરી. વિદ્યા ત્યાં આવી અને આગળ કહ્યું, "રોનીના આપેલા ઝખમોમાં એક આ પણ છે. એના બે માણસો મને ખતમ કરી નાખવાના ઈરાદે અંદર ઘુસી આવેલા. એમાંથી એકે ત્યાં દાદર પર ઉભા ઉભા મારા પર ચપ્પુનો ઘા કર્યો અને એ અહીં... આ બારી પર અથડાય. આજ સુધી એનું નિશાન અહીં સચવાયેલું છે."

"તમે આને રીપેર ના કરાવ્યું?"

"નહીં... અને કરાવવા પણ નથી માંગતી."

"એ બધું હવે તમારે ભૂલવાનો પ્રયત્ન કરવો જોઈએ."

વિદ્યા થોડું હસી અને એને જવાબ આપ્યો, "હાન્હ... મન ચંચળ છે, વાત વાતમાં ફરતું જાય છે. પણ અમૂક બાબતોમાં બદલાવ થાય એ આ મન ચંચળ હોવા છતાં સહન નથી કરી શકતું. અમુક વસ્તુ જેવી છે એને એવી જ સ્વીકારવાની ટેવ પડી જાય છે. મને પણ આ નિશાનને અહીં રહેવા દેવાની ટેવ પડી ગઈ છે."

નિતુ એની વાતને ધ્યાનથી સાંભળી રહી હતી. એટલામાં નિકુંજ કિશનને લઈને આવ્યો. કિશનના હાથમાં આઈસ્ક્રીમના કપ ભરેલી ટ્રે હતી. એ કહેવા લાગ્યો, "તમારું તો જબરું છે. આ તમારી વાતો ક્યારે પતવાની છે?"

એની સામે જોઈ બંને હસી અને નિકુંજ ફરી બોલ્યો, "મારો આઈસ્ક્રીમ પીગળીને પાણી થઈ જાય એ પહેલા પતી જાય તો આવીને થોડો ચાખી લેજો." બંને એના તરફ ગઈ. એની બાજુમાં બેઠી અને ટિપોઈ પર કિશને ટ્રે મૂકી.

એમાં જોઈ વિદ્યા બોલી, "મુજ ટ્રેક?"

નિકુંજે કહ્યું, "હા, નિતુનો ફેવરિટ છે. આજની આપણી મુલાકાતનો શ્રેય એને જાય છે. એટલે આજની આ આઈસ્ક્રીમ એની ફેવરિટ."

વિદ્યાએ ગંભીર થતા એને પૂછ્યું, "તને કઈ રીતે ખબર કે એને મુજ ટ્રેક પસંદ છે?"

"નવીને એના માટે એની ફેવરિટ આઈસ્ક્રીમના નામે આ જ તો મંગાવેલી."

વિદ્યાએ ફરી પૂછ્યું, "નવીને એના માટે આઈસ્ક્રીમ મંગાવી એની જાણ તને કઈ રીતે થઈ?"

"અવ... " નિકુંજ વિચારવા લાગ્યો અને નિતુ એની સામે જોઈ રહી. નિતુ સામે જોતા એ બોલ્યો, "નિતુએ એની અને નવીનની વાત મને કરેલી. એટલે."

"હમ્મ..." કહેતા એની વાત પર વિશ્વાસ કરી વિદ્યાએ કપ હાથમાં લીધો. નિતુ અને નિકુંજ એકબીજા સામે જોઈ મનમાં હસી રહ્યા હતા. જસ્સી અને શાહ એના માટે વિદ્યા અને ઓફિસ પર નજર રાખી એની પળે પળની ખબર એના સુધી પહોંચાડતા હતા એ વાતને છુપાવી દેવામાં આવી. એ કહેવાનો હવે અર્થ પણ રહ્યો નહોતો.

સાથે મળીને આઈસ્ક્રીમની જયાફત ઉડાવીને થોડીવાર પછી નિતુએ તેઓની રજા લીધી. કહ્યું, "હરેશે મમ્મીને જણાવી તો દીધું હશે કે હું અહીં છું. છતાં એ મારી રાહ જોઈ રહી હશે. કૃતિ પણ અત્યારે ઘેર આવવાની હતી. તો હવે હું રજા લઉં."

"ઠીક છે. હું ડ્રાઈવરને જણાવી દઉં છું એ તને ડ્રોપ કરી દેશે." આજે પણ વિદ્યાએ એને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી. એ નીકળી ગઈ. વિદ્યા અને નિકુંજ એને ગેટ સુધી મૂકવા આવ્યા. એના ગયા પછી નિકુંજ વિદ્યાને કહેવા લાગ્યો, "નિતુની વાત કંઈક ખાસ છે ને વિદ્યા! હું મારા પેરેન્ટ્સને ના મનાવી શક્યો પણ એ કામ નિતુએ કરી બતાવ્યું."

"સાચે જ. એનો સ્વભાવ જ એવો છે. એ કોઈના પણ દિલમાં આસાનીથી વસી જાય છે. એટલે જ મારાથી ભૂલ થઈ ગઈ."

"ઈટ્સ ઓકે. હવે બધું બરાબર થઈ જશે." નિકુંજે એના ખભા પર હાથ રાખતા જાણે ભૂલમાંથી બહાર નીકળવાની હિમ્મત આપી. તે કહેવા લાગી, "મારે હજુ એક ભૂલ સુધારવાની છે."

નિકુંજે કહ્યું, "જે પણ ભૂલ થાયને એને જલ્દીથી સુધારવાની કોશિશ કરી લેવી જોઈએ. તને તારી ભૂલ સમજાય એ બરાબર છે, પણ હવે એને જલ્દીથી સુધારી લેજે." વિદ્યાએ એની વાત પર હસી એક મુસ્કાન સાથે એના ખભા પર માથું ઢાળી દીધું.

આ બાજુ કૃતિ પોતાના પરિવારને મળવા માટે આવી હતી. તો કરુણાએ પણ મેસેજ કર્યો હતો અને એ પણ આવી પહોંચેલી. રાત ઘણી થઈ ગઈ હતી. બંને સાથે બેઠી હતી અને નિતુના આવવાની રાહ જોવાય રહી હતી. ગાડીનો અવાજ આવ્યો કે કૃતિએ બહાર નજર કરી. આજે ફરી વિદ્યાની ગાડીમાં એને આવતા જોઈ કૃતિને થોડો ગુસ્સો આવ્યો.

નિતુ અંદર પ્રવેશતા શારદાને સાદ કરવા લાગી, "મમ્મી... મમ્....." અને એની નજર સોફા પર બેઠેલી કૃતિ અને કરુણા પર પડી. એ એના તરફ ગઈ અને એને પૂછવા લાગી, "કૃતિ! મમ્મી ક્યાં છે?"

"એ સુઈ ગઈ છે. પણ તું ક્યાં હતી?"

"મેડમના ઘેર."

અધીરી થતા એ પુછવા લાગી, "શું? દીદી તું આજે પાછી એના ઘરે ગયેલી?"

નિતુ એના ગુસ્સાને સમજતી હતી. એ પોતે શાંત રહી અને તેઓની સાથે સોફા પર બેસતાં બોલી, "ચિન્તા નહિ કર. હવે એ બદલાય ગઈ છે."

"નિતુ, આજે ઓફિસમાં જે કંઈ થયું એ બધું શું હતું? અને નિકુંજભાઈ? એ ઓફિસમાં આવ્યા?" કરુણાએ પૂછ્યું.

નિતુ એને કહેવા લાગી, "નિકુંજભાઈએ મેડમથી અમુક વાત છૂપાવી હતી, એટલે એ નારાજ થઈને જતા રહેલાં. નથીંગ એલ્સ."

કૃતિ પૂછ્યું, "કેવી વાત?"

"હું એને મેડમ વિરુદ્ધ જવા મનાવતી હતી પણ એ નહોતા માની રહ્યા. અંતે મેં એને કહી દીધું કે હું પુલીસ કેસ કરવા જઈ રહી છું. ત્યારે મીડિયામાં મેડમનું નામ ના ઉછળે એ માટે એણે મને એના ભૂતકાળની અને બંનેના સંબંધની વાત કરી." નિતુએ એની કરેલી બધી વાત અને વિદ્યાના ઘરમાં અત્યારે જે બન્યું એ બધું એને કહી સમ્ભળાવ્યુ.

"ઓહ... આટલું મોટું સસ્પેન્સ?" આશ્વર્ય વ્યક્ત કરતાં કૃતિ બોલી.

કરુણાએ કહ્યું, "હા, પણ હવે તો બધું બરાબર થઈ ગયુંને!"

કૃતિએ કહ્યું, "હમ્મ... હવે તો બધું બરાબર થઈ જ ગયું છે."

કરુણાએ ફરી કહ્યું, "નિતુ તને યાદ છેને આજે 29 તારીખ થઈ ગઈ છે."

યાદ કરતા નિતુ બોલી, "હા... એ તો મને ખ્યાલ જ ના રહ્યો."

કૃતિ ઉભી થઈ એની પાસે ગઈ, એક હાથ આગળ લંબાવી ખુશ થતાં બોલી, "કોન્ગ્રેટ્સ દી. હવે તો બે દિવસમાં તમે ટાઈમ્સનાં મેનેજર બનવાના છો." નિતુએ હસીને એની સાથે હાથ મિલાવ્યો. એ આગળ બોલી, "હું બે દિવસ અહીં જ રહેવાની છું. તમારી સેરેમની પતે પછી જ હું અહીંથી જઈશ. મેં સાગરને પણ એમ જ જણાવી દીધું છે." અને એ પોતાના રૂમ તરફ જતી રહી.

જતા જતાં કંઈક યાદ આવ્યું હોય એમ અચાનક થોભાઈ અને નિતુને કહેવા લાગી, "દીદી!"

"હં?"

"હું અત્યારથી તમને જણાવી દઉં છું, કે તમારી સેરેમની છે. આ વખતે કપડાં બાબતે હું કોઈ જાતનું કોમ્પ્રોમાઈઝ નહિ કરું." એની આ મજાક પર કરુણા અને નિતુ બંને હસી. કૃતિએ એ પછી ધીમેથી "ગુડ નાઈટ." કહ્યું અને જતી રહી.

કરુણા નિતુને કહેવા લાગી, "નિતુ! નિકુંજભાઈ પાછા આવી ગયા છે. તે મેડમને વાત તો કરી છેને?"

"ના. એવી કોઈ વાત નીકળી જ નહિ. એ અને નિકુંજભાઈ એટલા સમયે મળ્યા... બંને એટલા ખુશ હતા કે હું એની ખુશીમાં ભંગાણ કરવા નહોતી માંગતી. કાલે એ ઓફિસ આવશે ત્યારે હું સમય જોઈ એની સાથે વાત કરી લઈશ."

"જેવી તારી મરજી. લેટ થઈ ગયું છે. ચાલ હું પણ નીકળું છું." કહિને કરુણા પોતાના ઘરે જવા નીકળી ગઈ. તે પોતાના રૂમ તરફ આવતા પગથિયાં ચડી.

રૂમમાં આવી એણે પર્સ રાખ્યું. એ સમયે એ કોઈ ગહન વિચારમાં હોય એવું લાગી રહ્યું હતું. થોડી ક્ષણ એમ જ ઉભા રહ્યા બાદ સ્વસ્થ થતા એ પોતાનો ક્પબાર્ડ ખોલી એમાંથી પોતાના પપ્પાનો ફોટો ફ્રેમ લઈ પલંગ પાસે આવી અને બેઠી. એ નિરંતર ફોટા તરફ જોયા કરતી હતી. એવામાં  એના ફોનમાં મેસેજ ટોન વાગી.

નિતુએ ફોન ચેક કર્યો. નવીનનો મેસેજ હતો, મેસેજમાં માત્ર "હાય" લખેલું. એણે મેસેજ ખોલવાની પણ દરકાર ના કરી. જોયો અને ફોન બાજુમાં મૂકી દીધો. ફોટા તરફ જોતા એ બોલી, "મેં સારું કર્યું કે નથી કર્યું એ નથી ખબર. એનું પરિમાણ શું આવશે એ નથી જણાતી. પણ હું હિંમતભેર ચાલી છું પપ્પા. જેમ તમે ઇચ્છતા હતા. આગળ પણ પ્રયત્ન કરીશ, તમારા વિચારો પર અડગ રહેવાનો પ્રયત્ન." પપ્પાનો ફોટો બાજુમાં જ રાખ્યો અને ત્યાં જ માથું ઢાળી એ સુઈ ગઈ.