ઘરના છોકરાં ઘંટી ચાટે અને આતંકવાદીઓને આંટો, આ નીતિ અત્યારે પાકિસ્તાનને એટલી ભારે પડી રહી છે કે પાકિસ્તાને દેવાળું ફૂંકયું છે. પાકિસ્તાનમાં ભૂખમરો ચરમ પર છે. મોંઘવારીએ માનવતાની તમામ હદો પાર કરી દીધી છે. ત્યાં હવે અર્થવ્યવસ્થા જેવું કશું જ નથી. જ્યારે જુઓ ત્યારે પાકિસ્તાનને કટોરો લઈને ફરવાની આદત પડી ગઈ છે. હવે તેને જાહેરમાં પણ ભીખ માંગવામાં શરમ નથી આવતી. આવી ખસ્ત હાલત હોવા છતાં પણ પાકિસ્તાનની શાન ઠેકાણે નથી આવતી અને વારંવાર ભારતને છંછેડ્યાં કરે છે, તેની પાછળ આપણાં જ કેટલાંક કહેવાતાં મિત્રોનો હાથ હોવાનું જાહેર થયું છે.
આઝાદી બાદ પાકિસ્તાન પાસે પોતાની જાતને સાબિત કરવા અને એક સક્ષમ દેશ બનવા માટે પુષ્કળ તકો હતી. પરંતુ તેણે પોતાની બધી જ તાકાત ભારતને નુકસાન પહોંચાડવામાં અને આતંકવાદીઓને પાળવામાં ખર્ચી નાખી. આજે પણ કૂતરાંની પૂંછળી વાંકી જ છે, તે ક્યારેય સીધી થવાની નથી.
પાકિસ્તાને પોતાના પગ પર કુહાડી તો ક્યારની મારી દીધી હતી, એટલે હવે તે પોતાના પગ પર ઊભા રહેવા પણ સક્ષમ નથી. પાકિસ્તાન આજે ચીનના ટેકે કૂદી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન એ ભૂલી રહ્યું છે કે ચીન કોઈનું દોસ્ત નથી. એટલે જ પાકિસ્તાનના મેડ ઇન ચાઇના હથિયારો અને ડિફેન્સ સિસ્ટમ ભારતની પ્રચંડ શક્તિ સામે ઘડીભર પણ ટકી ન શકી. ચીન વિશે તો બધાં જ જાણે છે, પણ હવે એક નવો દુશ્મન ઊભો થયો છે, જેનાથી હવે ચેતવાની જરૂર છે. આ દુશ્મન એટલે તુર્કી...
ભારતે જ્યારે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત આતંકવાદીઓને પાઠ ભણાવવાનું શરૂ કર્યું, ત્યારે પાકિસ્તાનને તમામ મદદ કરનારું તુર્કી જ હતું. આ એ જ તુર્કી છે જેના માટે આપણે ‘ઓપરેશન દોસ્ત’ લોન્ચ કર્યું હતું. તા. 6 ફેબ્રુઆરી, 2023માં 7.8ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપથી જ્યારે આખું તુર્કી ધ્રૂજી ઉઠ્યું હતું, ત્યારે ચોતરફ તારાજી જ તારાજી દેખાઈ રહી હતી. 1.60 લાખ ઇમારતોનો ખુડદો બોલી ગયો હતો અને 50,000થી વધુ લોકો વિશાળ ઇમારતોના કાળમાળ નીચે દટાઈને મૃત્યુ પામ્યાં હતાં. આશરે 15 લાખ લોકો બેઘર બન્યાં હતાં. અનેક લોકો મદદની આશાએ કાળમાળ નીચે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં હતાં, ત્યારે તેમને મોતના મંજર વચ્ચે તિરંગો નજરે પડ્યો હતો. તે સમયે ભારતીય સેનાના આગમનથી મરણ પથારીએ પડેલાં તુર્કીવાસીઓમાં નવો પ્રાણ પૂરાયો હતો.
ભારતે અત્યંત કપરી પરિસ્થિતિમાં તુર્કીને શક્ય એટલી તમામ મદદ કરી હતી. ભારતે તે સમયે ‘ઓપરેશન દોસ્ત’ અંતર્ગત NDRF ના 50 અને ભારતીય સેનાના 250 જવાનોની ટીમ, એર ફોર્સના 7 વિમાનો, 6 C-17 વિમાનોની ટૂકડી અને 1 C- 130 J સુપર હર્ક્યુલસ વિમાન મોકલ્યું હતું, જેમાં મેડિકલ સહાય હતી. તે સમયે ભારતે ભૂકંપગ્રસ્ત લોકોની સારવાર માટે દવાઓ, સિરિન્જ પંપ, ECG મશીનો, એક્સ – રે મશીનો, વેન્ટિલેટર અને સર્જરીનો સામાન મોકલ્યો હતો. લોકોની મદદ માટે બ્લેન્કેટ, ટેન્ટ, કપડાં, ડ્રિલિંગ મશીનો, બચાવ સાધનો, ઇલેક્ટ્રિક જનરેટર અને ખાદ્ય સામગ્રીઓ મોકલાવી હતી. તે સમયે ભારતે તુર્કીમાં તાત્કાલિક 30 બેડની ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરી દીધી હતી, જેમાં ક્રિટિકલ કેર નિષ્ણાતો, સર્જન અને અન્ય ડૉક્ટરો સાથે 99 લોકો હતાં. આ હોસ્પિટલમાં લગભગ 4,000 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. ભારતીય સેના તે સમયે દિવસ-રાત જોયા વગર કાળમાળ હટાવીને લોકોનો જીવ બચાવી રહી હતી. ભારતે તે સમયે તુર્કીને લગભગ 140 ટનથી પણ વધુની રાહત સામગ્રી મોકલી હતી.
બદલાંમાં તુર્કીએ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાનને શક્ય તેટલી તમામ મદદ કરી. ભારત પર કરવામાં આવેલાં ડ્રોન હુમલામાં ઉપયોગમાં લેવાયેલાં લગભગ તમામ ડ્રોન્સ તુર્કીએ જ પાકિસ્તાનને મોકલ્યાં હતાં. તુર્કીએ પાકિસ્તાનને 350થી વધુ ડ્રોન્સ મોકલ્યાં હતાં. એટલું જ નહીં, તેને ઓપરેટ કરવા માટે પોતાના માણસો પણ મોકલ્યા હતા. આ સાથે જ પાકિસ્તાનને મદદ કરવા માટે તુર્કી નૌસેનાનું યુદ્ધ જહાજ TCG બયુકડા (F- 512) પણ સૈનિકો સાથે સજ્જ કરીને પાકિસ્તાનના કરાચી બંદર પર મોકલવામાં આવ્યું હતું.
વર્ષ 2023માં ભારતે જેના માટે ‘ઓપરેશન દોસ્ત’ લોન્ચ કર્યું, તેણે જ વર્ષ 2025માં ભારત વિરુદ્ધ પાકિસ્તાનને શક્ય તમામ બધી જ મદદ કરી. ફક્ત બે જ વર્ષમાં તુર્કી ભારતના તમામ અહેસાનો ભૂલી ગયું અને પાકિસ્તાનના ખોળામાં જઈને બેસી ગયું.
ભારત અત્યારસુધી 3 વખત દોસ્ત નક્કી કરવામાં થાપ ખાઈ ચૂક્યું છે. સૌપ્રથમ વખત જ્યારે જવાહરલાલ નહેરુએ ચીનને દોસ્ત ગણીને ‘હિન્દી ચીની ભાઈ ભાઈ’નો નારો આપ્યો, ત્યારે ચીને ભારતને અંધારામાં રાખીને વર્ષ 1962માં યુદ્ધ શરૂ કરી દીધું અને ભારતનો હજારો ચો. કિમીનો વિસ્તાર કબ્જે કરી લીધો. આ વિસ્તાર પર હજુ પણ ચીન પોતાનો દાવો કરે છે. ત્યારબાદ અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સામે દોસ્તીનો હાથ લંબાવ્યો હતો, ત્યારે પાકિસ્તાને દોસ્તી કર્યા પછી તરત જ કારગિલ યુદ્ધનું ખંજર ભારતની પીઠ પર ભોંકી દીધું હતું. હવે તુર્કી વખતે પણ આપણે આ જ ભૂલ કરી છે. આ બધા વચ્ચે બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ લાઇનમાં જ ઊભા છે. એમના પર પણ ભરોસો કરવા જેવો બિલકુલ નથી. જે પાકિસ્તાની સેનાએ 30 લાખથી વધુ બાંગ્લાદેશીઓનો નરસંહાર કર્યો હતો, તે બાંગ્લાદેશને આજે પાકિસ્તાન વહાલું લાગવા લાગ્યું છે. શ્રીલંકા પણ ચીનને વહાલું થવાના સતત પ્રયાસો કરતું રહે છે.
સમય સમયની વાત છે. નેતાઓ પોતાની રાજનીતિ માટે સિદ્ધાંતોને દાવ પર લગાવીને દોસ્તને દુશ્મન અને દુશ્મનને દોસ્ત બનાવવામાં વાર નથી કરતાં અને તેની બધી જ ભરપાઈ જે તે દેશની પ્રજાએ કરવી પડે છે. રાજનેતાઓના વાંકે પ્રજાએ ઘણું ભોગવવું પડે છે, કારણ કે આ એ જ રાજનેતાઓ છે, જેમને ત્યાંની પ્રજાએ ચૂંટીને સત્તાના સિંહાસને બેસાડ્યાં છે અને તેમના વતી નિર્ણય લેવાની સત્તા આપી છે. ભલે પછી તે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન હોય કે પછી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ. જ્યાં સુધી પ્રજા નહીં સમજે ત્યાં સુધી ભોગવ્યાં સિવાય છૂટકો નથી...
લેખક: પાર્થ પ્રજાપતિ
(વિચારોનું વિશ્લેષણ)