Unsatisfied thirst in Gujarati Short Stories by Chintan Patel books and stories PDF | અધૂરી પ્યાસ

Featured Books
Categories
Share

અધૂરી પ્યાસ

લેખક: ચિંતન પટેલ

હું લેપટોપ પર મારું ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો. એવામાં લેપટોપમાં એક નોટિફિકેશન આવ્યું. મેં જોયું તો કોઈકનો મેઈલ આવ્યો હતો. મેં મેઈલ બોક્સ ઓપન કરીને જોયું તો ગુજરાતના પ્રખ્યાત મેગેઝીન ‘વૈચારિક’ના તંત્રી પરેશભાઈનો મેઈલ હતો. શાબ્દિક મેગેઝીનમાં છપાયેલી મારી વાર્તા ‘અધૂરી પ્યાસ’ના એ મેગેઝીનના વાચકો એ જે પ્રતિભાવો આપ્યા હતા એ બધા પ્રતિભાવો એમણે મને મેઈલ કર્યા હતા. પ્રતિભાવો કંઈક આ પ્રમાણે હતા.(1) વાર્તા સુંદર છે. પણ વધુ લાંબી છે.(2) વાર્તામાં વાર્તા કરતા જ્ઞાન વધારે આપ્યું છે.(3) વાર્તામાં લેખક થોડી થોડી વારે વિષયાંતર કરી આડે પાટે ચડી જાય છે.(4) ખુબ જ હૃદયસ્પર્શી વાર્તા છે. પણ એનું પ્રેઝન્ટેશન હજુ થોડું સુધારવાની જરૂર છે.(5) વાર્તામાં વચ્ચે વચ્ચે એડ (જાહેરાત) આવી જાય છે.(6) લેખક વાર્તામાં ઘણી જગ્યાએ પોતાના જ વખાણ કરતા હોય એવુ લાગે છે.(7) વધુ પડતું લાંબાણ વચ્ચે અમુક જગ્યાએ બોર કરે છે.(8) વાર્તાનો અંત ખુબ કરુણ અને હૃદય સ્પર્શી છે.(9) આ વાર્તામાંથી ઘણું બધું જાણવાનું મળે છે. દરેક વિષયને આવરી લેવામાં આવ્યા છે.(10) વાર્તામાં ઘણી બાબતો એવી છે, જેને વાર્તા સાથે કોઈ સંબંધ નથી. એને કાઢી નાખવામાં આવે તો પણ વારતાને કોઈ ફરક પડતો નથી.આ વાર્તાના આવા જ પ્રતિભાવો આવવા એ સ્વાભાવિક હતા. કારણકે આધુનિક ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે નવો ચીલો ચાતરનાર મહાન સર્જક સુરેશ જોશીની વાર્તાઓ માંથી પ્રેરણા લઈને  કેટલાય દિવસથી મને પણ ગુજરાતી ટૂંકીવાર્તાના સાહિત્ય સ્વરૂપ સાથે ચેડા કરવાનું મન થયેલું હતું. તે ઈચ્છા મેં આ વાર્તા દ્વારા પુરી કરી છે. હું ચિંતન પટેલ. આ વાર્તાનું મુખ્ય પાત્ર હું જ છું. તમને આ વાર્તા કહેતો કથક પણ હું જ છું. અને આ વાર્તાનો રચનાકાર એટલેકે લેખક પણ હું જ છું. જોકે એક વાતની પહેલાં જ ચોખવટ કરી દઉં છું કે આ વાર્તા મારાં જીવનમાં બનેલી કોઈ સત્ય ઘટના નથી. આ તો માત્ર મારી કલ્પનાશક્તિના બીજ માંથી અંકુરિત થયેલી એક કાલ્પનિક કથા જ છે. એથી વિશેષ કંઈ નથી. આશા રાખું છું કે ટૂંકીવાર્તાના સ્વરૂપમાં બદલાવ કરવાનો મારો આ નવતર પ્રયોગ આપને જરૂર પસંદ આવશે. આખી વાર્તામાં હું વચ્ચે વચ્ચે આજ રીતે આપની સાથે વાતો પણ કરતો રહીશ. અને વાર્તા પણ કહેતો રહીશ. ખબર નથી કે એમાં હું સફળ રહીશ? કે નિષ્ફળ જઈશ? આપના જે પણ પ્રતિભાવો હોય એ મને જરૂર જણાવજો. જેથી ભવિષ્યમાં આ પ્રકારનું સર્જન કરવું કે નહિ એનો મને સ્પષ્ટ ખ્યાલ આવી શકે. તો ચાલો હવે વાર્તા શરુ કરીએ."હાય રે મારો દીકરો..... મારો કાળિયો..... આવો જ હતો એ. અત્યારે આટલો મોટો થઈ ગયો હોત..... કેટલા પ્યારથી એને ઉછેરવાનું મેં વિચાર્યું હતું......."કેવું કરુણ દ્રશ્ય હતું. એ સ્ત્રીની ચીસો અને એનું આક્રંદ જોઈ હું ઘડીભર દંગ જ રહી ગયો. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જિંદગી આવી પણ હોય છે. એ ઘટના હજુ પણ મારા સ્મૃતિપટ પરથી ભૂંસાતી નથી. જ્યારે જ્યારે આ ઘટના મને યાદ આવે છે ત્યારે ત્યારે ક્ષણવાર માટે મારી આંખો ભીની થઇ જાય છે. આને કરુણતા કહેવી, કે લાચારી. નસીબનો વાંક કહેવો, કે ગત જન્મના કર્મનું ફળ. એ મને સમજાતું નહોતું. ખેર, જે હોય તે પણ હતું બહું વિચિત્ર.
જોકે પહેલેથી જ એ આટલું વિચિત્ર નહોતું. આમ તો એ અવાર નવાર મારા ઘર પાસે આવતી. અને હું એને જોતોય ખરો. એટલી બધી રૂપાળી એ નહોતી. થોડી શ્યામવર્ણી હતી. પણ નાક નકશો સારો. જોવાનું ગમ્યા કરે એવો. એ ગુલાબી રંગનો સાડલો પહેરતી, માથું ઢાકેલું રાખતી, કાનમાં મોટા કડા જેવું કોઈ ધાતુનું ઘરેણું પહેરતી, અને એની પાતળી કેડમાં એક દોઢેક મહિનાનું બાળક ટીંગાઈ રહેતું. આજે પ્રથમ વખત જ મેં એની નજરમાં નજર મિલાવી જોયું. એની આંખોમાં એક પ્રકારની કુમાશ હતી. એની મરોડદાર પાંપણો જાણે હમણાં જ કોઈએ ડ્રોઈંગ કરીને બનાવી હોય એવી લાગતી હતી. કોઈ પણ પુરુષને પ્રથમ દ્રષ્ટિથી જ આકર્ષવા એ સક્ષમ હતી. એના મુખ પર હંમેશા સ્મિત રેલાયા કરતું. હું થોડીવાર સુધી એકીટશે એની આંખોમાં જ જોઈ રહ્યો. જાણે એક તેજની લકીર એની આંખોમાંથી નીકળી મારી આંખમાં પ્રવેશી ગઈ. અને તેથી મારી આંખ એ તરફ જ જડાઈ ગઈ.
"શ્યાહેબ બોર લેશો? ચેણીયા બોર છે. ખૂબ મીઠા છે. જોઈએ તો એકાદ ટેસ્ટ કરી જુઓ."- થોડીવારમાં એનો મધુર સ્વર મારા કાને અથડાયો. હું સ્વસ્થ થયો. મેં એના તરફથી દ્રષ્ટિ હટાવી. એના અવાજમાં એક પ્રકારનો લય હતો.જી હાં. - મેં કહ્યું.કેટલાના કરું? - એણે પૂછ્યું.  દસ રૂપિયાના - મેં જવાબ આપ્યો.એણે બોરનું પડીકું વાળી આપ્યું. અને મેં દસનો નવો સિક્કો એના હાથમાં મુક્યો. એના હાથના સ્પર્શથી મારાં રૂંવાડા ખડા થઇ ગયા. મારાં શરીરમાં જાણે એક પ્રકારનો વિજસંચાર થયો. એણે બોરની ટોપલી માથે મૂકી. અને બાળકને કેડમાં ઘાલીને ચાલવા માંડ્યું. મેં એને અટકાવતા પૂછ્યું - તારું નામ? એ શરમાઈ ગઈ. અને મલકાતા મલકાતા બોલી - કંચન. આટલુ બોલીને એ તરત જ મોઢું નીચું કરીને  ચાલવા માંડી.અરે! સાંભળો છો? - આ કનુને સ્કૂલે મૂકી આવોને જરાક. ઘરમાંથી મારી પત્નીનો અવાજ સંભળાયો અને હું અંદર ગયો.બીજા દિવસે સવારે હું બહાર ઓટલી પર બેસીને છાપું વાંચતો હતો ત્યાં ફરી કંચનનો મધુર સાદ મારા કાને પડ્યો. - શ્યાહેબ બોર લેશો? એના અવાજમાં એજ લહેકો હતો. હું બહાર નીકળ્યો. મને જોતાની સાથે જ એણે સ્મિત કર્યું. મેં આજે પણ એની પાસેથી ફરી દસ રૂપિયાના બોર લીધા. આ વખતથી અમારી મુલાકાત વધુ ગાઢ બનવા લાગી.તારા આ છોકરાનું નામ શું છે? - મેં પૂછ્યું. જી કાળુ. - એ શરમાતા બોલી.કંઈ સ્કૂલમાં ભણે છે? - મેં પૂછ્યું.શ્યાહેબ સ્કૂલની ક્યાં વાત કરો સોં. આવતા વરહે એને મોટી નિહાળમાં મુકવાનો છે. અને ભણાવી ગણાવીને મોટો દાગટર બનાવવાનો સે. શ્યાહેબ તમે એની પાંહે દવા લેવા આવશોને? - એણે ખુબજ સહજતાથી પૂછ્યું. હા કેમ નહિ?  જરૂર આવીશ. - મેં કહ્યું.એણે બોરનું પડીકું વાળી આપ્યું. મેં એને દસ રૂપિયા આપવા હાથ લંબાવ્યો. અને એ બહાને એના હાથનો સ્પર્શ કરી લીધો.આવજો શ્યાહેબ - એમ કહેતી એ અચાનક જ મારી આંખો સામેથી ઓઝલ થઇ ગઈ. અને હું ઘરમાં જઈ ફરી મારાં કામે વળગી ગયો.  હવેથી એ રોજ આવતી. અને અમે બંને અલક મલકની વાતો કરતા. એને પણ મારી સાથે સારું ગોઠી ગયું હતું. એને જોયા વગર મારો દિવસ ઉગતો નહિ. તો વાચકમિત્રો, આટલે સુધી વાંચ્યા પછી તમને એવુ લાગતું હશે કે અમારી આ લવ સ્ટોરી કેટલી સરસ છે. અથવા કોઈક વાચકને એવુ પણ લાગશે કે મારી પત્ની અને બાળકો સાથેનો સુખી સંસાર હોવા છતાં આ એક બોર વેચવા આવતી ગરીબ બાઈ સાથે મારું ચક્કર કેમ ચાલે છે? પરંતુ આપ કંઈક ઊંધુ ચત્તુ વિચારો  એ પહેલા જ હું કહી દઉં છું કે અહીં આવું કંઈ જ નથી. તો પછી કોઈ વાચક એવુ પણ કહેશે કે વાર્તાનું શીર્ષક ‘અધૂરી પ્યાસ’ છે. એનો મતલબ એ કે મારી આ લવ સ્ટોરી અધૂરી જ રહી જશે. પણ હું અહીં એ પણ ચોખવટ કરી દઉં છું કે અહીં મારી કોઈ લવ સ્ટોરી જ નથી તો અધૂરી કેવી રીતે રહે? એ શ્યામવર્ણી કંચનનો નાક નકશો અને એનું ફિગર સારું છે અને એ મને જોવાનું ગમે છે. એનો અર્થ એવો પણ નથી કે હું કોઈ ખરાબ દ્રષ્ટિથી એની તરફ જોઉં છું. તેમજ એના પ્રત્યે મને એવી કોઈ ખોટી વાસના પણ નથી. આપને જાણીને નવાઈ લાગશે કે હું તો બસ માત્ર એમજ નિઃસ્વાર્થ ભાવે એને જોયા કરું છું. અને એની સાથે વાતો કરું છું. તમે પેલી ગઝલ સાંભળી છેને! - “શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી. મેં એક શહેજાદી જોઈ હતી. એ નહોતી મારી પ્રેમિકા કે નહોતી મારી દુલ્હન, મેં તો એને ફક્ત ઝરૂખે વાટ નિરખતી જોઈ હતી. કોણ હતી એ? નામ હતું શું? એ પણ હું ક્યાં જાણું છું. તેમ છતાં આ દિલમાં આજે સૂનું સૂનું લાગે છે. બહુ વસમું વસમું લાગે છે.“ - કંઈક એના જેવું જ અહીં પણ છે એમ સમજો તો એમાં કંઈ જ ખોટું નથી. એક રીતે જુઓ તો આ વાર્તામાં કંઈ જ નથી. અને બીજી રીતે જુઓ તો વાર્તા આપણને ઘણું બધું કહી જાય છે. જો આગળ વાંચતા આ વાર્તા આપને પસંદ આવે તો કોમેન્ટમાં આપનો અભિપ્રાય મને જરૂર લખી જણાવજો. તો ચાલો હવે આગળ જોઈએ.આજે પણ હું રોજની માફક જ એની વાટ જોતા છાપું લઈને ઓટલી પર બેઠો. ફક્ત મારી આંખો જ છાપું વાંચતી હતી મારું મન તો કંચનના જ વિચારો કરતુ હતું. થોડી વરમાં મારી પત્નીનો અવાજ સંભળાયો. - “ઉભા થાવ હવે. ચાર કલાકથી છાપું લઈને બેઠા છો તે. બપોરના બાર વાગ્યા છે. જમવાનો ટાઈમ થઇ ગયો છે.“ - ત્યારે મને ખબર પડી કે આજે કંચન બોર વેચવા આવી જ નથી. પહેલા તો મને એવુ લાગ્યું કે કદાચ એ આવી હશે પણ હું જ એના વિચારોમા ખોવાયેલો હોઈશ એટલે મને ખબર નહિ પડી હોય. પણ પછીથી ફળિયાંમાં રહેતી બે સ્ત્રીઓને પંચાત કરતા સાંભળી, એકે પૂછ્યું કે “અલી આજે પેલી બોર વેચવા વાળી નથી આવી?” બીજીએ જવાબ આપ્યો - “ના હજુ સુધી દેખાઈ નથી. એક તો પાછી બહુ ધીમા અવાજે બોલે છે.” પહેલીએ કહ્યું “એણે કદાચ પેલી કહેવત નહિ સાંભળી હોય કે બોલે તેના બોર વેચાય”. બીજીએ કહ્યું ” સાચી વાત છે. એકતો બોર વેચવા છે ને પાછું ધીમેથી બોલે છે. અને એના બોર પણ મોટે ભાગે સડેલા આવે છે. મારાં તો મોઢામાં પણ નથી જતા પછી ક્યાંથી વેચાય?” - ત્યારે મને ખાતરી થઇ કે ખરેખર કંચન આજે આવી જ નથી. પણ મહત્વની વાત તો એ હતી કે એના જે બોર હું આજ સુધી મસ્ત સ્વાદથી ખાતો હતો, તે સડેલા હતા. એ મને આજે ખબર પડી. એનો મતલબ શું હોઈ શકે? એનો અર્થ એ તો નથી જ થતો કે હું એને પ્રેમ કરું છું. તો એનો બીજો મતલબ એ હોઈ શકે કે આજ દિન સુધી હું માત્ર કંચનને જ જોતો હતો. એના બોરને નહિ. પણ કંઈ વાંધો નહિ કાલે આવે ત્યારે એના બોર પણ ચેક કરી લઈશ. એમ વિચારી હું જાણે પત્નીની આજ્ઞાનું પાલન કરતો હોઉં એમ રસોડામાં જમવા જતો રહ્યો.બીજા દિવસે હું મગજ પર કંટ્રોલ રાખીને પેલી શાંત ઝરૂખા વાળી ગઝલની રૂપની રાણીની માફક કંચનની વાટ જોતો બેઠો. પણ બીજા દિવસે પણ તે ન આવી. એમ કરતા કરતા અથવાડીયુ વીતી ગયું. મહિનાઓ વીત્યા. વર્ષ વીત્યું, અને એ વાતને આજે પાંચ વર્ષ વીતી ચુક્યા હતા. પણ કંચનનો કોઈ જ અતો પતો નહોતો. કદાચ આપ માંથી જ કોઈક વાચક મિત્રોની નજર લાગી ગઈ હશે. એમ વિચારી મેં પણ એના આવવાની આશા છોડી દીધી. જોકે પાછળથી મને સમજાયું કે મારી વાર્તાના વાચકો તો એક સર્જક તરીકે મારી ખુબ ઈજ્જત કરે છે.  તેઓ મારા પર કે મારી કંચન પર (સોરી, આપણી કંચન પર) આ રીતે નજર તો ન જ લગાડે. કદાચ કોઈ ઈર્ષ્યાળું કે વિઘ્નસંતોષી વ્યક્તિની જ નજર લાગી હોવી જોઈએ. એમ વિચારી હું ફરી પાછો મારાં ઘર સંસારમાં ઓતપ્રોત થઇ ગયો.પપ્પા, આ વર્ષે ઉનાળાના વેકેશનમાં આપણે ક્યાં ફરવા જવું છે? - મારાં દીકરા કનુએ પાસે આવીને પૂછ્યું? તારી ક્યાં જવાની ઈચ્છા છે? - મેં સામું પૂછ્યું.ગયા વર્ષે કચ્છ ગયા હતા એની આગલા વર્ષે કેરલા ગયા હતા. માઉન્ટ આબુ અને સાપુતારા જેવા પ્રવાસો તો સ્કૂલમાંથી થયાં જ કરે છે તો આ વખતે આપણે દિલ્લી ફરવા જઈએ. કનુએ વિગતવાર મને સમજાવ્યું. મેં કહ્યું દિલ્લીનું હવામાન બહુ પ્રદુષિત છે. એક સિગરેટ પીવાથી ફેફસાને જે નુકશાન થાય છે એટલું જ નુકશાન એક દિવસ દિલ્લીમાં રહેવાથી થાય છે.તો પછી તમારા મત મુજબ ક્યાં જવું જોઈએ? કનુએ પૂછ્યું.એટલામાં મારી પત્નીએ આવીને કહ્યું કે આ વખતે રાજસ્થાન ફરવા જઈએ.હા રાજસ્થાન ખુબ મજા આવશે. પહેલા આપણે ક્યારેય રાજસ્થાન ફરવા નથી ગયા. કનુએ કહ્યું.ઠીક છે. જેવી તમારી મરજી. આ વખતે રાજસ્થાનનું પાક્કું. એમ કહી હું કામે વાળગ્યો. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. અને જોત જોતામાં તો ઉનાળાનું વેકેશન પણ આવી ગયું. અને અમે નક્કી કર્યા મુજબ ટ્રેન પકડી રાજસ્થાન જવા રવાના થયાં. ટ્રેનમાં એક પછી એક સ્ટેશનો આવતા ગયા. રસ્તો ઘણો લાંબો હતો બપોરનો સમય થઇ ગયો હતો અને હવે અમને પણ કાકડીને ભૂખ લાગી હતી. કનું પણ કંઈક ખાવાની જીદ કરતો હતો. મેં કહ્યું કે હમણાં જે નેક્સટ સ્ટેશન આવે એટલે હું આપણા માટે કંઈક ખાવાનું લઇ આવીશ. કનું સ્ટેશનની વાટ જોતો બારીની બહાર પસાર થતા કુદરતી દ્રશ્યો જોયા કરતો હતો. એટલામાં સ્ટેશન આવ્યું. હું ખાવાનું લેવા ટ્રેનમાંથી ઉતર્યો. ભીડ વધુ હતી એટલે ટ્રેનમાં ચઢવા વાળા લોકો અને ટ્રેનમાંથી ઉતારવા વાળા લોકો એકબીજા સાથે અથડાતા હતા. મારાં ગયા પછી એક સ્ત્રી કેડમાં નાનું બાળક લઈને મિનરલ વોટરની બોટલ વેચવા ટ્રેનમાં આવી. મારી પત્નીએ એની પાસેથી એક બોટલ અમારા માટે ખરીદી લીધી. એટલામાં ટ્રેન ઉપાડવાનો હૉર્ન સંભળાયો એટલે હું જલ્દીથી ખાવાનું લઈને દોડતો દોડતો ટ્રેનમાં ચઢવા લાગ્યો. અને પેલી પાણીની બોટલ વેચતી સ્ત્રી ટ્રેનમાંથી ઉતરવા જતા મારી સાથે અથડાઇ. મેં જોયું તો એજ શ્યામવર્ણો દેહ, એવુજ પરફેક્ટ ફિગર. મને થયું કે આ કંચન જ લાગે છે. એને જોવા માટે હું પાછળ ફર્યો. એવામાં એની બે બોટલ નીચે પડી ગઈ. એ લેવા માટે એ સ્ત્રી નીચે વળી જેથી એનું મોં હું ન જોઈ શક્યો. એવામાં ટ્રેન ચાલુ થઇ ગઈ. હું ટ્રેનમાં હતો અને એ સ્ત્રી સ્ટેશન પર નીચે રહી ગઈ. એ સ્ત્રીએ આજે પાંચ વર્ષ પછી ફરી પાછી મને કંચનની યાદ અપાવી દીધી. શું કંચને બોર વેચવાનું બંધ કરી ટ્રેનમાં પાણીની બોટલ વેચવાનું કામ ચાલુ કર્યું હશે? અને હું એના વિચારોમાં ખોવાઈ ગયો. એટલામાં મને કનુંનો અવાજ સંભળાયો ‘પપ્પા લાવોને બહુ ભૂખ લાગી છે.’ ત્યારે હું સપનામાંથી બહાર આવ્યો અને અમે સાથે બેસીને ખાવાનું ખાધું. ખાઈને હું ટ્રેનમાં જ બેગ પર માથું નાખીને સુઈ ગયો.  મારી પત્ની બારીની બહાર જોતા જોતા ઝોકા ખાતી હતી. કનુ મારાં ખોળામાં માથું નાખીને મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો. ગેમ પરથી મને યાદ આવ્યું કે એક વખત મેં “વાઈબ્સ ગુજરાતી“ બ્લોગ પર એક સુંદર પ્રેરણા લાઈન વાંચી હતી. જોકે એ લાઈન લખી પણ મેં જ હતી. કેમકે એ મારો જ બ્લોગ છે. લાઈન કંઈક આ મુજબ છે. ”મોબાઈલમાં નેટવર્ક અને સંબંધોમાં વિશ્વાસ ન હોય ત્યારે લોકો ગેમ રમતા હોય છે.“ તમારે પણ વાંચવી હોય તો અહીં બ્લોગની લિંક આપું છું. એના પર ક્લિક કરી વાંચી લેજો. (https://vibesgujarati.blogspot.com/) મારો ‘વાઈબ્સ ગુજરાતી’ બ્લોગ એ માતૃભાષા ગુજરાતીને ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના દરેક ખૂણા સુધી પહોંચાડવાનો એક બિલકુલ અવ્યાવસાયિક પ્રયાસ છે. એમાં આપને પસંદ આવે એવી ઘણી બધી કૃતિઓ મુકેલી છે. તો એક વાર બ્લોગની મુલાકાત અવશ્ય લેજો.  અને હવે પાછું એમ ન કહેતા કે ચિંતનભાઈ તમે તો વાર્તા કહેવાને બહાને પોતાના બ્લોગની એડ (જાહેરાત) કરી દીધી. તમે ગુજરાતી ફિલ્મ “રેવા” જોઈ છે? એ ફિલ્મ જે નવલકથા પરથી બનાવવામાં આવી હતી એ નવલકથાનું નામ “તત્વમસિ“ છે. જેના લેખક ધ્રુવ ભટ્ટ છે. તમે ફિલ્મ ધ્યાનથી જોઈ હશે તો તમને ખબર હશે કે આખી ફિલ્મ સિરિયસ છે. એમાં એકજ કોમેડી સીન આવે છે. એ સીન કોમેડી કેમ લાગે છે એ ખબર છે તમને? કારણકે એમાં ધ્રુવ ભટ્ટ મારી જેમજ પોતાની નવલકથાની એડ (જાહેરાત) કરાવી જાય છે. તો ચાલો હવે આપનો વધુ સમય ન બગાડતા વાર્તામાં આગળ વધીએ.મારી નજર ટ્રેનની બારીમાં પડી. ત્યાં દૂર એક સ્ત્રી પાછળ ફરીને કોઈકની સાથે વાત કરી રહી હતી. એણે પણ ગુલાબી કલરનો સાડલો પહેરેલો હતો. સાડલામાંથી એની થોડી પીઠ હું સ્પષ્ટ જોઈ શકતો હતો. પીઠ થોડી શ્યામવર્ણી હતી. વાત પુરી થયાં પછી એ મારી તરફ ફરી. હું એનું મુખ જોઈને દંગ રહી ગયો. પાંચ વર્ષ બાદ મને કંચન દેખાઈ. એજ જુવાની, એજ ફિગર, અને એવો જ મધુર અવાજ. મેં એને બુમ મારી. એણે મારી બુમ સાંભળી પણ ખરી પરંતુ કોઈ જવાબ આપ્યા વગર ફક્ત એક સ્માઈલ કરી એ આગળ ચાલવા માંડી. મારાથી હવે રહી ન શકાયું. હું કોઈને પણ કહ્યા વગર ચાલુ ટ્રેનમાંથી કૂદી ગયો અને તરત જ જઈને કંચનને ભેટી પડ્યો. અને એના મધુર શ્યામ હોઠ પર એક કિસ પણ કરી દીધી. એવામાં પાછળથી મને કોઈએ ટપલી મારી. મેં પાછળ ફરીને જોયું તો એ મારી પત્ની હતી. હું વિચારમાં પડી ગયો કે હવે મારું શું થશે? મારી પત્નીએ ગુસ્સે થતા કહ્યું કે ટ્રેનમાં પણ ઠરીને નથી બેસાતું? અહીં બધાની વચ્ચે મને કિસ કરવાની શું જરૂર હતી? એટલો બધો પ્રેમ કરો છો મને? કે પછી લોકોને એવુ બતાવવા માંગો છો? મેં આંખો ચોળીને જોયું ત્યારે મને ખબર પડી કે હું ટ્રેનમાં સૂતો હતો ત્યારે ઊંઘમાં મેં આ સ્વપ્ન જોયું હતું. અને મને એ વાતની હાશ થઇ કે મેં બીજી કોઈ સ્ત્રીને નહિ પણ ઊંઘમાં મારી પત્નીને જ કિસ કરી હતી. હું હજુ કંઈ સમજી શકું એ પહેલા જ મારી પત્ની બોલી  કે આંખો શેના ચોળો છો? હવે ઊંઘમાં ભૂલથી કિસ થઇ ગઈ એમ ન કહેતા? તો વાચકમિત્રો, આપ જ કહો હવે હું શું બોલું? આપ સૌ જાણો જ છો કે હું ખરેખર ઊંઘમાં જ હતો.ખેર! જે થવાનું હતું તે થઇ ગયું. પણ વાચકમિત્રો આ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે મને આવું સ્વપ્ન આવ્યું જ કેમ? હું કંઈ કંચનને પ્રેમ તો કરતો નથી. અને મને એના પ્રત્યે કોઈ વાસના પણ નથી. અને હા! આ વાત હું વારંવાર એટલે નથી બોલતો કે મારી પત્ની મારી સાથે છે. કદાચ પત્ની મારી સાથે ન પણ હોત ને તો પણ હું એમજ કહેત કે કંચન સાથે મારે ખરેખર આવો કોઈ જ સંબંધ કે ભાવ નથી. પાંચ વર્ષમાં હું કંચનને સંપૂર્ણ પણે ભૂલી જ ગયો હતો. પણ હમણાં મને થોડી થોડી વારે આવું કેમ થઇ જાય છે એ તો હું પણ નથી જાણતો. જોકે વાચકમિત્રો, હું એ પણ જાણું છું કે આ વખતે આપ મારી વાત પર વિશ્વાસ કરશો જ નહિ. આપને એવુ જ લાગશે કે હું જુઠ્ઠું બોલું છું. પણ તમારાથી મારે શું છુપાવવાનું? તમે મારી આ આખી વાર્તાના સાક્ષી રહ્યા છો. ચાલો જોઈ લો તમારી સાથે વાતો કરતા કરતા ક્યાં સમય પસાર થઇ ગયો એની ખબર જ નહિ પડી. જુઓ મારું સ્ટેશન આવી ગયું. હવે અમારે ટ્રેનમાંથી ફટાફટ ઉતરવુ પડશે. નહીંતર પાછી કોઈ કંચન જેવી દેખાતી સ્ત્રી ભટકાઈ જશે તો તમે પાછા મને ગાળો આપશો.ટ્રેન રાજસ્થાનના મુખ્ય સ્ટેશન પર આવીને ઉભી રહી. કનુ ઘસઘાસાટ ઊંઘતો હતો. એને ભર ઊંઘમાંથી ઉઠાડ્યો. અને એને થોડો સામાન પકડવા આપ્યું. બાકીનો સામાન મેં અને મારી પત્નીએ લઇ લીધો. અને અમે ટ્રેનમાંથી ઉતર્યા. સૌ પ્રથમ અમે સ્ટેશન પર એક સારી હોટેલ જોઈને ચા નાસ્તો કર્યો ત્યારબાદ નાહી ધોઈને ફ્રેશ થઇને મેં રાજસ્થાનમાં કયા કયા જોવાલાયક સ્થળો છે એ વિશે ગૂગલમાં સર્ચ કરવા માંડ્યું. પણ ગૂગલમાં હવે જોઈએ એવી મજા નથી આવતી. એટલે મેં ફરી એક વાર ચેટજીપીટીને પૂછીને કન્ફોર્મ કરી લીધું. ટેક્નોલોજી અને આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ પણ હવે કેટલું ડેવલોપ થઇ ગયું છે. ચેટજીપીટી, ડીપશિક, અને જેમિની જેવા કેટલાય એઆઈ મોડેલ ટ્રેઈન થઇ ચુક્યા છે. અને કરુણતા તો એ છે કે આ એઆઈના પાસે જેટલી ઇન્ટેલીજન્સ છે એટલી હવે માણસ પાસે રહી નથી.  જો આને અહીંથી જ અટકાવવામાં ન આવે તો એ દિવસ દૂર નથી કે માણસ પોતાની બચી કૂંચી ઇન્ટેલીજન્સ પણ ગુમાવી દેશે. અને સંપૂર્ણ પણે એઆઈ પર નિર્ભર થઇ જશે. જેટલી ટ્રેનિંગ આ એઆઈ મોડેલોને ટ્રેન કરવા માટે આપવામાં આવી છે એટલી જ ટ્રેનિંગ જો આ માણસને ટ્રેન કરવા પાછળ આપવામાં આવી હોત તો આજે આ દિવસ ન જોવો પડ્યો હોત. આજે માણસ જાણે નોકિયાના 3315 મોબાઈલ જેવો થઇ ગયો છે. જરૂર જેટલાં જ સંબંધો રીચાર્જ કરતો થઇ ગયો છે. અને ખરે ટાણે જ ઝીરો બેલેન્સ બતાવતો થઇ ગયો છે.ખેર! જે થવાનું હતું તે થઇ ગયું. અમે હોટેલની બહાર ઉભા રહીને રાજસ્થાનના જોવાલાયક સ્થળોનું લિસ્ટ જોઈ રહ્યા હતા,  ત્યારે એક 28 વર્ષનો અજાણ્યો યુવાન મારી પાસે આવ્યો. અને મને પૂછ્યું “ટુરિસ્ટ ગાઈડની જરૂર છે? ખુબ સુંદર શહેર છે. આખું શહેર ફેરવી લાવીશ.” - એમ કહેતા એણે રાજસ્થાનનું વર્ણન કરવા માંડ્યું.તારું નામ શું છે? - મેં પૂછ્યું.સાહેબ મારું નામ રસિક છે. - એણે વિનમ્રતા પૂર્વક જવાબ આયો. હું રસિક સાથે વાતો કરતો હતો ત્યાં એક બુરખો પહેરેલી સ્ત્રી રડતી રડતી આવી. અને મારાં કનુને જોઈને વધુ જોરથી રડવા લાગી. અને રડતા રડતા બોલવા લાગી.-"હાય રે મારો દીકરો..... મારો કાળિયો..... આવો જ હતો એ. અત્યારે આટલો મોટો થઈ ગયો હોત..... કેટલા પ્યારથી એને ઉછેરવાનું મેં વિચાર્યું હતું......."આ જોઈને કનુ ગભરાઈ ગયો. અને માની સોડમાં લપાઈ ગયો. રસીકે એ સ્ત્રીની પીઠ પર પ્રેમથી હાથ ફેરવ્યો. અને એને સમજાવવા લાગ્યો. - “માં શાંત થઇ જાઓ. અત્યારે ઘરે જઈને આરામ કરો. રડો નહિ માં! બધું સારું થઇ જશે.“ આટલુ સાંભળતા જ પેલી  સ્ત્રી શાંત થઈને ચાલી ગઈ.પરંતુ સ્ત્રીના એ શબ્દોથી મને કંપારી છૂટી ગઈ. જાણે આ અવાજ મારો પરિચિત હોય એવુ મને લાગ્યુ. અને આ કરુણ શબ્દો પણ મેં પહેલા ક્યાંક સાંભળ્યા હોય એવુ મને લાગ્યુ. પછી બીજી જ ક્ષણે મને યાદ આવ્યું કે આ વાર્તા લખવાની શરૂઆત જ મેં આ શબ્દોથી કરી હતી. મને રસીકને આ ઘટના વિશે પૂછવાની ઈચ્છા થઇ ગઈ. પણ પછી મને લાગ્યું કે હજુ રસીકને મળ્યાને પાંચ મિનિટ થઇ છે. કોઈ અજાણ્યા માણસને એની પર્સનલ લાઈફ વિશે પૂછવું એ યોગ્ય ન ગણાય. એમ વિચારી મેં એ ઘટના વિશે પૂછવાનો વિચાર માંડી વાળ્યો.“તારું ઘર ક્યાં છે રસિક?” - મેં વાત આગળ ચલાવી.“ સાહેબ હજુ એક અઠવાડિયાથી જ હું અહીં રાજસ્થાન આવ્યો છું. અહીં એક શિક્ષક રહે છે. ખુબ સારા સ્વભાવના છે. એમણે પોતાના ઘરમાં મને એક ખોલી રહેવા માટે ભાડે આપી છે.” રસીકે વિનમ્રતાથી કહ્યું.હું રસિક સાથે વાતો કરતો હતો ત્યાં એક સ્ત્રી મારી બાજુમાંથી પસાર થઇ. એનો હાથ મારાં હાથ સાથે થોડો અડી ગયો. હું કંઈ પણ બોલું એ પહેલા જ એણે મને સોરી કહી દીધું અને આગળ ચાલવા માંડી. પરંતુ એ હાથનો સ્પર્શ મને પહેલા ક્યારેક થઇ ગયો હોય એવુ લાગ્યુ. મેં પાછળ ફરીને જોયું તો એજ શ્યામવર્ણો દેહ અને એવું જ સુંદર ફિગર હતું. મારાથી હવે રહેવાયું નહિ એટલે મેં બુમ પાડીને કહ્યું. “બેન જરાં જોઈને ચાલો ને. દેખાતું નથી? આ રીતે કોઈ પુરુષને હાથ લગાડતાં જાવ છો તે શરમ નથી લાગતી?” મારો અવાજ સાંભળી એ સ્ત્રી મારાં તરફ ફરી. એનું મોઢું જોઈને મને એક પ્રકારની માનસિક શાંતિ થઇ ગઈ. કેમ કે એના મોઢા પરથી એ વાત તો સ્પષ્ટ થઇ ગઈ કે એ કંચન નહોતી. અને એના હાથનો સ્પર્શ મને જાણીતો કેમ લાગ્યો હતો એ પણ મને યાદ આવી ગયું. એ બીજું કોઈ નહિ પણ ટ્રેનમાંથી ઉતરતી વખતે મારી સાથે જે અથડાયેલી તે મિનરલ પાણીની બોટલ વેચનારી સ્ત્રી હતી.“બેન તમને પારકા પુરુષો સાથે અથડાવાનો શોખ છે કે શું? ટ્રેનમાં પણ તમે મારી સાથે અથડાયા હતા!” મેં એને થોડું ગુસ્સા પૂર્વક પૂછ્યું.“એક વાર સોરી કહી દીધું ને ભાઈ. હવે વાતનું વતેસર શા માટે કરો છો?” એમ કહી એણે આગળ ચાલવા માંડ્યું. મેં પણ એ વાતને ત્યાં જ પડતી મૂકી. અને ફરી રસિક સાથે વાતો કરવા લાગ્યો.“હા તો રસિક તું એમ કહે છે કે હમણાં અઠવાડિયાથી જ તું રાજસ્થાન આવ્યો છે તો એ પહેલા તું ક્યાં રહેતો હતો?રસિક કોઈ જવાબ આપે એ પહેલા પેલી બુરખા વાળી સ્ત્રી પાછી આવી અને ફરીથી એજ રીતે રડતી રડતી કહેવા લાગી.-"હાય રે મારો દીકરો..... મારો કાળિયો..... આવો જ હતો એ. અત્યારે આટલો મોટો થઈ ગયો હોત..... કેટલા પ્યારથી એને ઉછેરવાનું મેં વિચાર્યું હતું......."રસિકે એની પીઠ થાબડતા ફરીથી સમજાવવા માંડ્યું.- “માં બિલકુલ ચૂપ થઇ જાઓ. રસોઈ થઇ ગઈ? નથી થઈને? તો જાઓ પહેલા એ કામ કરો. મને ખુબ ભૂખ લાગી છે. હું હમણાં જ જમવા આવું છું. ઠીક છે? અને મગજ બિલકુલ શાંત રાખો.” રસીકના સમજાવવાથી એ સ્ત્રી ચૂપ થઇ ગઈ. અને ફરી પાછી ઘરે જતી રહી. હવે મારાથી રહેવાયું નહિ. આ વખતે મેં રસીકને પૂછી જ નાખ્યું. “કોણ છે આ સ્ત્રી? અને આવું કેમ કરે છે?”રસિકે જવાબ આપતાં કહ્યું કે “એની સ્ટોરી ખુબ લાંબી છે. આપણે ફરી ક્યારેક ફ્રી બેઠા હોઈશું ત્યારે હું એ વાત તમને ચોક્કસ કહીશ. કારણકે અત્યારે હું એ વાત કરવા બેસી જઈશ તો અહીં જ સાંજ પડી જશે. તમારું રાજસ્થાન ફરવાનું પણ રહી જશે. અને તમારી આ વાર્તાના વાચકો પણ કંટાળી જશે.“મેં કહ્યું કે ”મારી વાર્તાના વાચકો આ જ વાત જાણવા માટે તો અહીં સુધી મારા આ વાર્તારૂપી બકવાસને સહન કરી રહ્યા છે.“રસિકે મને કહ્યું કે “જુઓ ચિંતનભાઈ, એમ પણ તમે આ ટૂંકીવાર્તાને ઘણી લાંબી કરી નાખી છે. શું હવે તમે આની નવલકથા બનાવવા માંગો છો?“મેં કહ્યું ”ના નવલકથા બને એટલું કન્ટેન્ટ મારી પાસે નથી. હું તો ટૂંકીવાર્તા જ બનાવવા માગતો હતો, પણ એ થોડી વધુ લંબાઈ ગઈ. હવે આ વાર્તા ન તો નવલકથાની કેટેગરી માં આવશે કે નતો ટૂંકીવાર્તાની કેટેગરીમાં. માટે હવે આના માટે એક નવી જ કેટેગરી બનાવવી પડશે.“”એ નવી કેટેગરીનું નામ ‘લાંબી ટૂંકીવાર્તા’ રાખજો.“- રસિકે હસતા હસતા મને કહ્યું. ”સાચી વાત છે તારી. એવુ જ કંઈક કરવું પડશે હવે “- એમ કહી ત્યાંથી અમે રસિકની સાથે રાજસ્થાનના જોવાલાયક સ્થળોની મુલાકાત લેવા માટે નીકળ્યા.રસિક અમને દરેક સ્થળો પર લઇ જઈને એના ઇતિહાસ વિશે માહિતી આપતો હતો. જુઓ આ છે ઉદયપુરનું સિટિ પેલેસ. મેવાડના મહારાણા ઉદયસિંહે 16મી સદીમાં આ ભવ્ય મહેલ બનાવ્યો હતો. પિચોલા તળાવના કિનારે આવેલું આ પેલેસ રાજસ્થાનના સૌંદર્ય અને શૌર્યનો પ્રતીક છે. આ છે જયસલમેરનો કિલ્લો 12મી સદીમાં ભાટ્ટી રાજપૂત શાસક રાવ જેસલ દ્વારા બનાવાયેલો આ કિલ્લો પીળા રેતીના પથ્થરોથી બનેલ હોવાથી “સોનાર કિલ્લો” તરીકે પણ ઓળખાય છે. અહીંથી આગળ જઈએ તો આ ચિત્તોડગઢનો  કિલ્લો છે. આ કિલ્લો રાજસ્થાનનો સૌથી મોટો કિલ્લો છે અને એ મેવાડની  વિરતાની ઓળખ છે. અહીં રાણી પદ્મિની અને રાણા કોઠા જેવા ઐતિહાસિક પાત્રોની કથાઓ જોડાયેલી છે. આ રીતે રસિક અમને દરેક સ્થળો અને તેની સાથે જોડાયેલા ઇતિહાસ વિશે વિગતવાર માહિતી આપી સમજાવતો હતો. અમે ચિત્તોડગઢના કિલ્લા પાસે પહોંચ્યા ત્યાં દૂરથી એક પાત્રીસેક વર્ષની ઉમરના એક વ્યક્તિએ મને બુમ પાડી. અને હાથ ઉંચો કરીને કહ્યું કેમ છો ચિંતનભાઈ? તમે ચિંતનભાઈ જ છોને ? મેં કહ્યું હા. પણ તમે કોણ? મને તમારી ઓળખાણ પડી નહિ. એ વ્યક્તિએ કહ્યું “તમારી વાત સાચી છે. હું તમને ઓળખું છું. પણ તમે કદાચ મને ન ઓળખતા હોવ એ બની શકે. તમે લેખક છો ને? હું તમારી દરેક વાર્તાઓ વાંચું છું. વાર્તાઓ દ્વારા મને તમારો પરિચય હતો જ પણ આજે તમને પ્રત્યક્ષ મળવાનું પણ થઇ ગયું. તમારી પહેલી વાર્તા ‘રૂપલ’ સુપરહિટ ગઈ. ત્યાર પછી ક્રમશ: બદલાયેલો એક અભિગમ, શમણાંને સીમાડેથી, અતીતના અત્તર એ ચારેય વાર્તાઓ દરેક વખતે એક નવા જ પ્રયોગ સાથે રજુ થઈને વાંચકોના મન જીતી લીધા છે. અલગ અલગ મેગેઝીનોમાં અને કેટલાય બ્લોગ પર તમારી વાર્તાઓના પ્રતિભાવો મેં વાંચ્યા. તમારા વાચકો તમારી વાર્તાના દિલથી પ્રતિભાવો આપે છે. એ મેં જોયું.“મેં કહ્યું, ”તમારો ખુબ ખુબ આભાર ભાઈ પણ હવે મારી વાર્તાઓના એટલા બધા વખાણ પણ ન કરો કે કોઈને વિશ્વાસ જ ન થાય. હું તો એક સામાન્ય લેખક છું. હવે તમારો પરિચય આપો.“એ વ્યક્તિએ કહ્યું, ”મારું નામ પરેશ છે.તમે ‘વૈચારિક’ સામાયિકનું નામ જાણો છો?“મેં કહ્યું ”હા આ  સામાયિક તો આપણા ગુજરાતનું એક પ્રખ્યાત સામાયિક છે. એ દરેક ગુજરાતીને ત્યાં હોય જ છે.“પરેશે કહ્યું ”હું એ સામાયિકનો તંત્રી છું. અને મારી ઈચ્છા એવી છે કે આપની વાર્તાઓ મારાં એ સામાયિકમાં છપાય.“મેં કહ્યું ”શું વાત કરો છો પરેશભાઈ! મારાં જેવા સામાન્ય લેખકની વાર્તાઓ ગુજરાતના આટલા મોટા સામાયિકમાં છપાય અને એ પણ એ સામાયિકના તંત્રી સામેથી મને કહે એ તો મારાં માટે બહુ ગર્વની વાત કહેવાય.“પરેશે કહ્યું ”મને ચણાના ઝાડ પર ચડાવવાનું રહેવા દો ચિંતનભાઈ. મને ફક્ત એ કહો તમે મને એ છાપવાની પરમિશન આપશો ને?“મેં કહ્યું, ”બિલકુલ તમને ના પડાય મારાથી? મારી પહેલી ચાર વાર્તાઓ તો જૂની થઇ ગઈ છે. એ તો લગભગ બધાએ વાંચી લીધી હશે. એટલે એ છાપવાનો કોઈ મતલબ નથી. હમણાં મારી આ નવી વાર્તા ‘અધૂરી પ્યાસ’ મેં લખી છે. એ છાપો. પણ મારી એક શરત છે. તમારા સામાયિકના વાચકો પાસેથી તમારે મારી વાર્તાના રીવ્યુ લઈને મને બતાવવા પડશે. મારાં બ્લોગના વાચકો તો મને વગર કહ્યે રીવ્યુ આપે જ છે. રીવ્યુ આપવા માટે મારો ઈમેલ આઇડી નોટ કરી દો. csp4219@yahoo.com અથવા તમે મારાં બ્લોગ પર જઈને પ્રતિભાવો સેક્શનમાં પણ રીવ્યુ આપી શકો છો. અથવા અહીં કોમેન્ટમાં પણ આપ રીવ્યુ આપી શકો છો. હા પણ માતૃભારતી એપમાં મેસેજ ન કરતા કારણકે એ મેસેજ વાંચવા માટે મારે એનો પેઈડ પ્લાન લેવો પડે છે. તે મેં નથી લીધો.પરેશે કહ્યું ”ચોક્કસ ચિંતનભાઈ હું જરૂર તમને મારાં વાચકો પાસેથી રીવ્યુ લઈને બતાવીશ. પણ મારાં સામાયિકના વાંચકોને તમારી જૂની વાર્તાઓ વાંચવી હોય તો શું કરવાનું?“મેં કહ્યું ”એના માટે મેં અહીં આ વાર્તામાં જ ઉપર ક્યાંક મારાં ‘વાઈબ્સ ગુજરાતી’ બ્લોગની લિંક આપેલી છે એમાં મારી સ્વ-રચિત વાર્તાઓનો એક વિભાગ છે ત્યાં જઈને વાંચી લેવાનું. કેમ કે અહીં હું પાછો બ્લોગની  લિંક આપીશ ને તો હવે તો મારાં વાચકો મને મારશે જ. કેમ કે વારંવાર વાર્તાને નામે બ્લોગની એડ (જાહેરાત) કરવી એ સારી બાબત ન કહેવાય.“ એમ કહીને મેં મારાં બ્લોગની લિંક પરેશને વૉટ્સએપ પર મોકલી દીધી. અને એને રવાના કર્યો. બીજા જ દિવસે ‘વૈચારિક’ મેગેઝીનમાં મારી આ વાર્તા ‘અધૂરી પ્યાસ’ પ્રકાશિત થઇ ગઈ. અને એના એક અઠવાડિયામાં તો પરેશભાઈએ મને વચકોના રીવ્યુ મેઈલ પર મોકલી આપ્યા. એ રીવ્યુ કેવા હતા એ મેં આપને વાર્તાની શરૂઆતમાં જ મેઈલ બોક્સ ઓપન કરીને વાચી સંભળાવ્યા હતા. એટલે અહીં ફરીથી રિપીટ કરીને આપને બોર કરવા નથી માંગતો.મારી અને પરેશની વાત સાંભળીને રસિક મારાથી ખુબ પ્રભાવિત થઇ ગયો. હવે એ મારી સાથે પહેલા કરતા પણ વધારે ખુલીને વાતો કરવા માંડ્યો. એણે પોતાની પર્સનલ વાતો પણ મારી સાથે શેર કરવાનું હવે શરુ કરી દીધું. એની વાતો પરથી મને એવુ લાગવા માંડ્યું કે રસીકને હવે મારી સાથે ખુલીને વાતો કરવામાં કોઈ સંકોચ લાગતો નથી. અમે રસિક સાથે રાજસ્થાનના અન્ય સ્થળોએ પણ ગયા. અને ત્યાંનો ઇતિહાસ પણ રસિકે અમને વિગતવાર સમજાવ્યો. અને મહત્વની વાત તો એ બની કે રસીકને અમારી સાથે એટલું બધું ફાવી ગયું કે અમારા ના કહેવા છતાં પણ એણે અમારું આજ સાંજનું ભોજન એના ઘરે જ ગોઠવ્યું. સાંજે હું સમયસર મારી પત્ની અને મારાં દીકરા કનુને લઈને રસિકની ખોલી  પર પહોંચ્યો. અને ડોરબેલ વગાડ્યો. અંદરથી પેલી બુરખાવાળી સ્ત્રી દરવાજો ખોલવા આવી. અને મારાં કનુને જોઈને ફરી રુદન કરીને કહેવા લાગી."હાય રે મારો દીકરો..... મારો કાળિયો..... આવો જ હતો એ. અત્યારે આટલો મોટો થઈ ગયો હોત..... કેટલા પ્યારથી એને ઉછેરવાનું મેં વિચાર્યું હતું......."આ વખતે રસિકે એ સ્ત્રીને શાંત કરી અંદર મોકલી આપી. અને પછી મને કહ્યું, “તમે તે દિવસે મને આ સ્ત્રી વિશે પૂછતાં હતા ને! તો ચાલો આજે એ વાત તમને કહી જ દઉં. હમણાં એક અઠવાડિયાથી જ હું અહીં રાજસ્થાન રહેવા આવ્યો છું. એ પહેલા હું જમ્મુ કાશ્મીરના પહેલગામ માં ટુરિસ્ટોને ઘોડેસવારી કરાવતો હતો. એમાંથી મારું ગુજરાન ચાલતું હતું. પરંતુ  22 એપ્રિલ 2025 ના દિવસે કેટલાક પાકિસ્તાની આતંકવાદીઓએ પહેલગામ પર હુમલો કરી કેટલાય નિર્દોષ હિન્દૂ ટુરિસ્ટોને એનો ધર્મ પૂછી એના પત્ની અને બાળકોની સામે જ મારી નાખ્યા. તે સમયે અમે અમારો ઘોડ઼ો પણ ત્યાં જ છોડીને અમારો જીવ બચાવવાં ત્યાંથી ભાગ્યા અને ટ્રેન પકડી અહીં રાજસ્થાન આવી ગયા. એ ભાગ દોડમાં આ સ્ત્રીનો એક નો એક પાંચ વર્ષનો દીકરો ટ્રેનના પાટા નીચે આવી ગયો. અને મૃત્યુ પામ્યો. ત્યારથી એને એટલો બધો આઘાત લાગ્યો કે એનું મગજ ચસકી ગયું છે. કેટલાય સરકારી દાક્તરોને બતાવ્યું પણ કોઈ ફર્ક નથી. પાગલખાનામાં એને મૂકી હતી. તો ત્યાંથી પણ રડી કકળીને નાસી આવી છે. એની માતૃત્વની પ્યાસ અધૂરી રહી ગઈ છે.અને મેં એને જ્યારથી માં કહેવાનું શરુ કર્યું છે ત્યારથી એના મનને થોડી શાતા વળી છે. અને હવે એ મને એનો સગો દીકરો જ માને છે. હું તે દિવસે તમને આ કરુણ સ્ટોરી કરીને તમારો ફરવાનો મૂડ આઉટ કરવા માંગતો નહોતો. ખેર! જે થવાનું હતું એ થઇ ગયું. હવે એની પાછળ તમારા આંસુ વહેવડાવવાનો કોઈ મતલબ નથી. ચાલો થોડો વાતનો ટોપિક બદલીએ. આ પહેલગામ એટેક અને ઓપરેશન સિંદૂર વિશે તમારું શું માનવું છે?“મેં એકદમ ટૂંકમાં કહ્યું, ”પહેલગામ એટેક દ્વારા પાકીસ્તાની આતંકીઓએ આપણી બહેન અને બેટીઓના માથેથી જે સિંદૂર ભૂંસી નાખ્યા હતા એનો બદલો લેવા માટે ભારત સરકાર દ્વારા એ પાકીસ્તાની આતંકીઓના ઘરમાં સરહદથી સો કિલોમીટર અંદર ઘૂસીને જે મિશાઈલ મારીને તમામ આતંકી અડ્ડાઓને જમીનદોસ્ત કરાયા, સિંધુ જળ ત્રિટીનો પાકિસ્તાન સાથેનો કોન્ટ્રાકટ રદ કરાયો. અને પાકિસ્તાનને ઘૂંટણે બેસાડી દીધું એ આખા ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. ભારત સરકાર દ્વારા આ એક ખુબ જ પ્રસંસનીય કાર્ય થયું છે. આ ઉપરાંત અયોધ્યા રામ મંદિરનું નિર્માણ, કલમ 370 નાબૂદ કરાઈ, વક્ફ બોર્ડ નાબૂદ કરાયું, ટ્રિપલ તલાકનો રુલ હટાવાયો, દેશમાં અનેક રાજ્યો માં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરાયું . આવા તો કેટલાય ઐતિહાસિક ચુકાદાઓ ભારત સરકાર દ્વારા અપાયા છે. હવે તો ‘ભવિષ્ય માલિકા’ ગ્રંથમા લખેલી તમામ ભવિષ્યવાણી સાચી પડતી હોય એવુ લાગી રહ્યું છે.“ મારી વાત આગળ ચલાવતા મેં કહ્યું કે, ઓપરેશન સિંદૂર પરથી મને એક વાત યાદ આવે છે. આપણે ત્યાં મુકેશ અંબાણી કરીને એક બિઝનેસ મેન છે. એમણે ‘ઓપરેશન સિંદૂર’ નામની પેટર્ન પોતાના નામે ટ્રેડમાર્ક કરાવી લીઘી. હવે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આ નામથી ફિલ્મ કે વેબ સિરીઝ બનાવશે તો એણે એ ફિલ્મ કે વેબ સિરીઝ ફરજીયાત જીઓ હોટ સ્ટાર પ્લેટફોર્મ પર જ રિલીઝ કરવી પડશે. અથવા મોટા ભાઈને મોટા પૈસા ચૂકવવા પડશે. લો. બોલો. છે ને કમાલનો બિઝનેસ આઈડિયા! આવો બિઝનેસ આપણા ગુજરાતીઓ જ કરી જાણે. જોકે આ મુકેશભાઈ વાળી વાત સાચી છે કે ખોટી એ મને ખબર નથી. મેં ઇન્સ્ટાગ્રામની એક રીલમાં આવું સાંભળેલું. તે તમને કહી દીધું.રસિકે થોડા ઉદાસ થતા કહ્યું, ”તમારી વાત સાચી છે. પણ હું ખુબ ગરીબ અને નાનો માણસ છું. આવા બિઝનેસ મને સૂટ ન થાય. મારી લાઈફ તો ઇન્સ્ટાગ્રામની રીલ જેવી થઇ ગઈ છે. જો કોઈને મારી સ્ટોરી ગમે તો ફક્ત લાઈક કરીને ચાલ્યા જાય. કોઈક આશ્વાસનના બે બોલ કહીને કોમેન્ટ કરી જાય. અને જો કોઈને ન પસંદ આવે તો સ્ક્રોલ કરીને આગળની રીલ જોવા માંડી જાય. સલાહ બધા આપી જાય છે. પણ મદદ કોઈ નથી કરતુ.રસિકના શબ્દો મારાં હૃદયમાં કાંટાની જેમ ભોકાયા. મેં થોડી દયા ભાવનાથી પૂછ્યું કે તું અહીં તારી માં સાથે એકલો જ રહે છે? તારા લગ્ન થયાં છે કે નહિ? અને જો થયાં હોય તો તારી પત્ની શું કરે છે? આ બધી બાબત મને જણાવ તો હું તારા માટે તારા લાયક કોઈ સારો બિઝનેસ સેટ કરી આપું. અને એમાં જે પણ ઇન્વેસ્ટમેન્ટ થશે એ હું કરીશ. - મેં બોલતા તો બોલી દીધું, પણ મને ખબર નહોતી કે મારાં આ સવાલનો જવાબ રસિક કરતા મારાં માટે જ વધુ આઘાત જનક બનવાનો છે. મારાં આ પ્રશ્નના જવાબમાં રસિક મારો હાથ પકડી મને અંદર લઇ ગયો. ત્યાં પેલી બુરખા વાળી સ્ત્રી બેઠી હતી. એના તરફ આંગળી ચીંધીને કહ્યું “સાચું કહું સાહેબ, આ જ મારી પત્ની છે.” - એની વાત સાંભળી હું ચોકી ઉઠ્યો. મેં કહ્યું, કે હમણાં તો તું મને એવુ કહેતો હતો કે આ મને દીકરો માને છે. ત્યારે એણે ચોખવટ કરતા કહ્યું કે “એ વાત પણ સાચી છે. કારણકે એનું મગજ ચસ્કી ગયું છે. એની યાદશક્તિ જતી રહી છે. એ કોઈને પણ ઓળખતી નથી. એ બધા સંબંધોને ભૂલી ગઈ છે. હવે માત્ર મેરેજ સર્ટીમાં જ એ મારી કહેવા પૂરતી પત્ની રહી ગઈ છે. બાકી તો હવે એની સાથે મારે માં - દીકરાથી વિશેષ બીજો કોઈ સંબંધ બચ્યો નથી. મારી પણ એક સારા પતિ બનવાની પ્યાસ અધૂરી રહી ગઈ છે. ભગવાને જે જીવન આપ્યું છે એ નિભાવ્યે જાઉં છું. પહેલગામ આવ્યા એ પહેલા એ બિલકુલ સ્વસ્થ હતી. ત્યારે અમે બંને તમારી જેમ ગુજરાતના  જ એક શહેરમાં આનંદથી રહેતા હતા હું નાના મોટા પરચુરણ કામ કરી અમારું ગુજરાન ચલાવતો હતો. અને એ લોકોના ઘેર ઘેર જઈને બોર વેચી મને આર્થિક રીતે પગભર થવામાં મદદ કરતી હતી.“ બોરનું નામ સાંભળી મારા મગજમાં એકાએક ચમકારો થયો. મેં અચાનક જ કશું બોલ્યા ચાલ્યા વગર એ સ્ત્રીના મુખ પરથી બુરખો હટાવી દીધો. દીકરો ગુમાવી દેવાથી જે આઘાત એ સ્ત્રીને લાગ્યો હતો એનાથી વધુ મોટો આઘાત મને એનું મુખ જોવાથી લાગ્યો. મારી સામે ચુડેલની જેમ છુટ્ટા મેલા વાળ વાળી, લાઘર વઘર કપડાં વાળી, આંખના ડોળા બહાર આવી ગયેલા, અને એક પાગલની જેમ કુતુહલ પૂર્વક મને જોતી એ જ શ્યામવર્ણી અને એવાજ ફિગર વાળી કંચન ઉભી હતી. મને એની સાથે વાતો કરવાનું ખુબ મન થયુ હતું. પણ હું ચૂપ રહ્યો. કારણકે આ વખતે એ મને ઓળખતી ન હતી. એની આવી દશા જોઈને મારી આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. પાંચ વર્ષ પછી કંચનને મળ્યા પછી પણ એને મળવાની મારી પ્યાસ પણ હંમેશને માટે અધૂરી જ રહી ગઈ.અને મારા કાનમાં એના મધુર શબ્દો ગુંજવા લાગ્યા."શ્યાહેબ બોર લેશો? ચેણીયા બોર છે. ખૂબ મીઠા છે. જોઈએ તો એકાદ ટેસ્ટ કરી જુઓ."મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જિંદગી આવી પણ હોય છે. એ ઘટના હજુ પણ મારા સ્મૃતિપટ પરથી ભૂંસાતી નથી. જ્યારે જ્યારે આ ઘટના મને યાદ આવે છે ત્યારે ત્યારે ક્ષણવાર માટે મારી આંખો ભીની થઇ જાય છે. આને કરુણતા કહેવી, કે લાચારી. નસીબનો વાંક કહેવો, કે ગત જન્મના કર્મનું ફળ. એ મને સમજાતું નહોતું. ખેર, જે હોય તે પણ હતું બહું વિચિત્ર.