રાધે રાધે.... જેના વગર કૃષ્ણ અધૂરા છે તે રાધાજીનો આજે પ્રાગટ્ય દિવસ. બંને એકબીજા વગર અધૂરાં હોય એવું આ જગતમાં ભાગ્યે જ સર્જાતું હશે. શ્રીકૃષ્ણએ ભલે દેહ-લગ્ન ગમે તેટલા કર્યા હોય પરંતુ તો પણ રાધા વગરના કૃષ્ણની કલ્પના પણ ન થઇ શકે.
.
બરસાનાના વૃષભાન ગોપ અને કીર્તિદા ગોપરાણીને ત્યાં શ્રીરાધારાણીનો જન્મ ભાદરવા માસની સુદ પક્ષની અષ્ટમીએ થયો હતો. સચ્ચિદાનંદ શક્તિસ્વરૂપા અને અનુપમ, અનંત સૌંદર્ય-માધુર્ય સાગરસ્વરૂપા શ્રીરાધેરાણી એ શ્રી ઠાકોરજીની પ્રિય પ્રાણવલ્લભા છે, ભક્તોની રાધારાણી છે, ભક્તિકાવ્યની લાવણ્યમયી મુર્તિ અને પ્રેમની પૂર્ણ પ્રતિમા છે. શ્રી રાધાજી સર્વ આરાધ્ય, સર્વ ઉપાસક તત્ત્વ, કરુણાસરિતા અને અનરાધાર કૃપાની અધિષ્ઠાત્રી છે. શ્રી રાધાજીની દિવ્યાતિદિવ્ય અને ભવ્યાતિભવ્ય લીલાઓનું સંસ્મરણ, મનન અને પ્રેમરસની ધારાઓ અવિરત વહેવડાવી શકે છે.
.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
.
પ્રેમ હોય તો કરુણા હોય અને કરુણા હોય તો પ્રેમ હોય.
કરુણા અને પ્રેમને તમે જુદા ન પાડી શકો.
.
કૃષ્ણ અને રાધાને ન સમજો ત્યાં સુધી પ્રેમને પણ સમજી ન શકો અને કરુણાને પણ ન સમજી શકો. કૃષ્ણ એ પ્રેમ છે અને રાધા એ કરુણા છે. કરુણા અને પ્રેમનું યુગલ અદ્ભૂત છે. જ્યાં કરુણા છે ત્યાં પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે. તેથી જ જ્યાં રાધા છે ત્યાં કૃષ્ણ છે અને જ્યાં કૃષ્ણ છે ત્યાં રાધા છે. રાધા અને કૃષ્ણને તમે ભિન્ન ન કરી શકો.
.
જેમ સિક્કાને બે બાજુ હોય છે તેમ પ્રેમ અને કરુણા એક જ સિક્કાની બે બાજુ છે. જો તમે સિક્કાના બે ફાડીયા કરી નાખો તો શું થાય? સિક્કાનું કોઈ મૂલ્ય રહેતું નથી. મૂલ્ય વગરના સિક્કાના ફાડીયાથી કશું નીપજતું નથી. તે એક શૂન્ય છે. તે જ રીતે પ્રેમ અને કરુણા વગરનું જગત શૂન્ય છે. રાધા અને કૃષ્ણ વગરનું જગત પણ શૂન્ય છે. રાધા વગરના કૃષ્ણ અને કૃષ્ણ વગરના રાધા કલ્પી જ ન શકાય. કારણ કે કૃષ્ણ રાધામય છે અને રાધા કૃષ્ણમય છે.
.
જો તમે કૃષ્ણનો આલાપ સાંભળો તો તમારે કશું સાંભળવાનું બાકી રહેતું નથી અને જાણવાનું બાકી રહેતું નથી. રાધાએ કૃષ્ણનો આલાપ સાંભળ્યો અને પછી રાધાને બીજું કશું સાંભળવાનું કે જાણવાનું રહેતું નથી. રાધાએ કૃષ્ણ સાથે ઐક્ય સાધ્યું છે. રાધા અને કૃષ્ણ એકરુપ થઈ ગયાં છે. ક્યાંથી કૃષ્ણ શરુ થાય છે, ક્યાં કૃષ્ણ પુરા થાય છે અને ક્યાંથી રાધા શરુ થઈ જાય છે તે જ ખબર પડતી નથી. રાધાને પણ ખબર પડતી નથી. કૃષ્ણને પણ ખબર પડતી નથી. બંસીના સૂરમાં બંને સમાધિ અવસ્થામાં આવી ગયા.
.
આજે રાધાષ્ટમીએ આપણે સૌએ સમજવાનું છે કે કૃષ્ણ સર્વવ્યાપી, સર્વત્ર અને સર્વજ્ઞ છે.
.
દરેક પુરુષમાં કૃષ્ણ રહેલો છે.
રાધા વિષે પણ એવું જ છે.
દરેક સ્ત્રીમાં પણ રાધા બેઠેલી છે.
.
આપણે આ કૃષ્ણની સર્વવ્યાપકતાને ઓળખવાની છે.
આપણે રાધાની સર્વવ્યાપકતાને ઓળખવાની છે.
.
દરેક સ્ત્રીએ
પુરુષમાં રહેલા કૃષ્ણને જોવાનો છે.
દરેક સ્ત્રીએ
પુરુષમાં રહેલા કૃષ્ણને ઓળખવાનો છે.
.
દરેક પુરુષે
સ્ત્રીમાં રહેલી રાધાની સર્વવ્યાપકતાને જોવાની છે.
દરેક પુરુષે
સ્ત્રીમાં રહેલી રાધાને ઓળખવાની છે.
.
જ્યારે આવું થશે ત્યારે
આખું વિશ્વ આપણને પ્રેમમય અને કરુણામય લાગશે. સર્વત્ર આનંદ અને માત્ર આનંદની જ અનુભૂતિ થશે.
.
તમે કાજલ ઓઝાની નવલકથા ‘કૃષ્ણાયન’ વાંચી છે?
જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણને કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે એનું આંખ ભીની કરી જાય એવું સુંદર વર્ણન કર્યું છે કાજલ ઓઝાએ.
.
મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે.
.
ચાલો માણીએ મુકેશ જોશીની ગઝલને.....
.
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
.
કવિ કરસનદાસ માણેકના શબ્દોમાં મૂલવીએ તો
”કૃષ્ણ એટલે કામવૃત્તિ વિનાના પ્રેમલક્ષણા ભક્તિના પ્રણયી.”
.
રાધા સાથેના પ્રેમની પરિભાષા કૃષ્ણ પોતાનાં ચારિત્ર્ય અને વ્યવહારથી દર્શાવે છે. કૃષ્ણ એક વિભૂતિ છે તો રાધા એક પ્રેમાનુભૂતિ છે. રાધા એ કૃષ્ણની શોભા છે તો કૃષ્ણ એ રાધાની આભા છે. તમામે તમામ કળાના નિપુણ એવા કૃષ્ણને જાણવા, સમજવા અને અનુભવવા માટે તો ભક્તિભાવે રાધા જ બનવું પડે.
.
એટલે જ ઓશો કહેતા કે રાધા કોઈ સ્ત્રી ન હોતી. એ તો બસ માત્ર ભાવ હતી જેને મનોવિજ્ઞાન દ્વારા સમજી શકાય. અને એ જ મનોવિજ્ઞાન દ્વારા જો અસ્તિત્વના આંકડા કાઢવામાં આવે તો રાધા એ કાનાના દિલના સાગરમાં હર પલ ઉછળતા મોજાંની લહેર હતી.
.
રાધા જ કૃષ્ણની ઓળખાણ અને
રાધા જ પ્રેમનો વરસતો મુશળધાર વરસાદ.
.
રાધા શબ્દ ઊલટાવીએ તો ધારા શબ્દ બને છે. રાધા એટલે શું? પ્રેમની જે પવિત્ર જલધારા વહેતી મૂકે એનું નામ રાધા. પરસ્પરમાં સમર્પણનો ભાવ એટલે જ રાધા-કૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિ. વાંસળી કૃષ્ણની છે તો સંગીતના મધુર સૂર રાધાના છે. પ્રેમગીત શ્રીકૃષ્ણના હોઠનું છે તો એ ગીતની કાવ્યમાધુરી રાધાની છે. શ્રીકૃષ્ણ જો ફૂલ છે તો રાધા સુવાસ છે. શ્રીકૃષ્ણ જો મૂળ છે તો રાધા એમાંથી પાંગરતો પ્રેમછોડ છે.
.
કૃષ્ણ માટે રાધા એટલે શ્વાસ.
કૃષ્ણ માટે રાધા એટલે પ્રાણ.
બંનેની નિ:સ્વાર્થ લાગણી
છતાં પણ કોઈ માંગણી નહી.
પીડામાં બંને પૂર્ણરૂપે ભાગીદાર.
.
એક મિનીટ માટે પણ આંખો બંધ કરીને વિચારીએ કે આટલો પવિત્ર, નિસ્વાર્થ, નિર્મલ, શુદ્ધ પ્રેમ જ્યાં હોય તે રાધાકૃષ્ણ અલગ કેવી રીતે હોઈ શકે? રાધાકૃષ્ણના પ્રેમ પર લખવા બેસીએ તો જીવન ટુકું પડે.
.
રાધાકૃષ્ણનો પ્રેમ ગહન પરંતુ અવર્ણનીય છે. મૌન તરંગોનો મેળાપ છે. એકબીજામાં સમાયેલા અને ભરપૂર રોમાન્સથી તરબોળ છતાં પણ અણિશુદ્ધ પવિત્ર સ્નેહ. ફુલ જેવો કોમળ પારસ્પરિક ભાવ છે અને સંપૂર્ણ સમર્પણ છે એકબીજા માટે. રાધાનો કૃષ્ણ માટે અને કૃષ્ણનો રાધા માટે પ્રેમ એટલે એક એવી પવિત્ર પ્રાર્થના છે કે જે આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ અને સમજીએ છીએ છતાં પણ આ ભાવ સાથે ભક્તિ કરી શકતા નથી.
રાધા એટલે પ્રેમનો પર્યાય. મેઘદૂત તો લખાયું ત્યારે લખાયું. કાલિદાસે યક્ષને જીવંત કર્યો ત્યારથી વર્ષારૂતુમાં પ્રત્યેક માણસના હૃદયમાં એક યક્ષ વ્યાકુળતા અનુભવે જ છે. કૃષ્ણમાંથી રાધાને બાદ કરો તો કૃષ્ણ પણ ક્યાં રહે છે?
.
કૃષ્ણ વિનાની રાધા કે
રાધા વગરના કૃષ્ણની
કલ્પના પણ થઇ શકે ખરી કે?
રાધા વગરના કૃષ્ણ
એટલે
એકડા વગરનું મીંડું...
"રાધે રાધે"
"જય દ્વારકાધીશ"