Aaspaas ni Vato Khas - 36 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસપાસની વાતો ખાસ - 36

Featured Books
  • तुझ्यावाचून करमेना - भाग 1

    "अक्षय आज बघायचा कार्यक्रम आहे हे फायनल आहे कळलं ना? कामं जर...

  • भजी ?

    भजी म्हणजे अगदी सर्वांचा आवडता  पदार्थ...!. भजी आवडत नसलेला...

  • दंगा - भाग 10

    १०          संभाजी महाराज अर्थात संभूराजे....... छावा चित्रप...

  • शाल्मली

    "हॅलो!" ओह, व्हॉट ए surprise.. " - चैतन्य ला दारात बघून शाल्...

  • पापक्षालन - भाग 3

                             पापक्षालन  भाग 3          पित्याचे...

Categories
Share

આસપાસની વાતો ખાસ - 36

36. ઘોડો લાવ્યા

“અરે જીવણભાઈ, ઓરા આવો તો!” ધીરુએ મોં માંથી પાન ની પિચકારી રસ્તાની એક બાજુ મારી કહ્યું.

જીવણલાલ થેલી લઈ ક્યાંક જતાં ઊભી ગયા. ધીરુ પાસે જઈ કહે “ બોલો, શું છે?”

“અરે જબરી વાત સાંભળી. મને પણ નવાઈ લાગે છે. આપણો ઓલો કરણભા નહીં!” ધીરુ જીવણલાલની નજીક જઈ એના કાન પાસે બોલ્યો.

“ઉં હું.. આઘા ઊભીને તો બોલતા હો યાર! એક તો પાન માવાની  એવી વાસ આવે છે ને એક બે ટીપાં પણ ઉડયાં.” જીવણલાલે કહ્યું. એને આમેય પોતાના કામે જવાની ઉતાવળ હતી.

“અરે ભૂલ થઈ. ટીપું ઉડે એ વાતમાં માલ નહીં. સાફ મોં છે. પણ હું તમને બહુ ઊભા નહીં રાખું. સાંભળ્યું, ઓલો કરણભા.. આજે સવારના પહોરમાં..” 

ધીરુએ વાત માંડી.

“સવાર હોય કે સાંજ. એને શું છે? બાપના ખેતરોમાં ભાગિયા ખેતી કરે છે. મેટ્રિક સુધી ભણી લીધું. એને તો આંટા ફેરા ને આશીર્વાદ. ઠીક. સવારના પહોરમાં કસુંબો ઠટકાડી નીકળ્યો હતો ને?” કહેતાં જીવણલાલ ચાલવા લાગ્યા.

“ભારે ઉતાવળા તમે તો. એક ઘડી તો ઊભો!  કહું છું કરણભા સવારમાં ડાંફો ભરતો હાલતો જતો હતો. મેં રામરામ કરી પૂછ્યું કે હાલતાં કેમ? તો ક્યે એક ટાઇમ હાલતાં જ જવું પડે ને? 

બોલો, વળતાં એ શેના પર બેસીને આવવાનો, ખબર છે?”

“હું ક્યાં ત્રિકાળજ્ઞાની બાવો કે ઓલાં છાપાં વાળો ખબરપત્રી છું! મને શું ખબર હોય?

પણ એટલું ખરું, એ માણસ કદાચ ક્યાંક ધીંગાણું કરીને આવવાનો હોય એમ પણ બને. એટલે જતાં કોઈની સાથે ને વળતાં છુપાઈને..”

“અરે ના. લો, તો કહી જ દઉં. કરણભા ઘોડો લેવા ગયો.”

હવે જીવણલાલ ચોંક્યા.

“આમ તો એનો બાપ ખાતોપીતો માણસ છે પણ એ છે રખડુ. ચડતી જુવાની હોય. પણ તો નવી બાઈક લે. આ ઘોડો?”

“હા રે હા. મેં ઊભો રાખ્યો તો ક્યે તાલુકા મથકે ઘોડો લેવા જાય છે. મને ઘોડાની જાતમાં શું ખબર પડે?  તો ય મેં પૂછ્યું કે કેવો ઘોડો લાવશો? કેવા રંગનો?  તો ક્યે એઈ ને  તમે જોતા રેજો. કથ્થાઈ. સારો એવો પહોળો, ઊંચો છે.”

જીવણલાલનું જડબું પહોળું થઈ ગયું.

“હોય નહીં. બાપે રખડતા છોકરાને  માટે એટલા પૈસા ખર્ચ્યા? હા. બને કે હવે ઘોડો હોય તો ખેતરોમાં જવા આવવા એને સારું રહે. એટલે અપાવ્યો હશે. જે કામે ચડ્યો.”

જીવણલાલથી રહેવાયું નહીં.

સામે દલિચંદ વાણિયાને ચોકમાં જ ઉભે ઉભે બૂમ મારી.

“શેઠિયા, સાંભળ્યું? આ કરણભા ઘોડો લાવે છે.”

“હા. મને તો ખબર હોય જ ને! “  વાણિયાએ કોઈ ઘરાકને માલ જોખતાં નજર ઊંચી કર્યા વગર કહ્યું.

“લે કર વાત. આ વાણિયાને તો બધી ખબર છે ભાઈ!” ધીરુ આશ્ચર્યથી બોલી ઉઠ્યો.

“અરે ધીરુભાઈ, મને તો કહેતો ગયો કે તમતમારે જોઈએ ત્યારે માગી લેજો અને  કામ પતે પાછો પણ આપી દેજો.”

“લે કર વાત. હેં શેઠ, તે કહું છું તમને ઘોડે ચડતાં ફાવે? ક્યારેય ચડ્યા છો?”

“એ તારી કહું તે.. હોવે, ફાવે.  આ શેઠાણીને પરણવા ઘોડે ચડીને જ ગ્યો તો ને!”

 

ધીરુ અને જીવણલાલ દાઢી પસવારતાં  વિચારી રહ્યા. આ અદોદરા વાણિયાને વળી ઘોડે ચડતાં ને બેસતાં ફાવતું હશે? હોય ભાઈ. પણ કરણભાનો બાપ છોકરા માટે ઘોડો લાવે એ એમને નવું લાગતું હતું.

એમણે તો બીજા બે ચાર લોકો નજીકમાં રઘા મારાજની હોટલ બહાર ચા પીતા બેઠેલા એને પણ બોલાવી કહ્યું. એ બધા પણ નવાઈ પામી ગયા.

એવું નહોતું કે ગામમાં ખાલી ખેડૂતોને ઘેર બળદો જ હતા. ઘોડો હતો. પોલીસ પટેલ શામળજી પાસે સફેદ ઘોડી હતી. ગામમાં જે ચાર પાંચ મુસ્લીમ ખોરડાં હતાં એમાં કરીમ મિયાંને ઘેર પણ ઘોડો હતો જે પોતે આમ તો ખેતર સુધી લઈ જતા. ઘોડો એક વાર સાવ માંદલી ચાલે  ચાલતો જાય ને  વળતાં બીજી વાર તડબડ કરતો દોડતો આવે. એ ઘોડો કહેતાં  ટટ્ટુ હતો. લોકોને લગન વખતે જાનમાં લઈ જવા ભાડે આપતા.

આ ઘોડો કેવો હશે? રાજપૂતનો ઘોડો છે એટલે હશે તો જાતવાન. ઠીક. ગામને જોણું થશે. 

કરણ એમ તો પરણવા જેવડો  જુવાનજોધ લાગતો હતો  પણ હતો માંડ અઢાર ઓગણીસ નો. ઠીક. એની પરણેતરને વાંહે બેસાડી તબડક તબડક કરતો ગામ વચ્ચેથી નીકળશે.

ગામનાં લોકો વિચારી રહ્યાં કે ક્યારેક રાતવરત જરૂર પડે તો કરણભાના બાપ આપશે ખરા ને! પણ ઘોડેસવારી આવડે છે કોને?

કરણ પણ ક્યાંથી શીખી લાવ્યો હશે?

એ બધા  પુરુષોએ ઘેર જઈ પોતાની ઘરવાળીઓને વાત કરી. એ બધી પણ આભી બની ગઈ ને ગઈ કરણની મા પાસે.

ઠકરાણા કહે “હં અં ને બાઈ! એઈ ને ઊંચો મોટો ઘોડો આવશે. આ કરણના બાપાને તો ઊંચે ચડીને કોઈ કામ આવે. મારું પણ કામ થઈ જાય.”

“તે હેં બા, આ ઘોડો રાખશો ક્યાં?” કોઈ બાઈએ પૂછ્યું.

ઠકરાણાએ પોતાનું પાછલું ફળિયું બતાવ્યું.

“તે એનો ખીલો ક્યાં!” કોઈએ પૂછ્યું.

“અરે ખીલાની ક્યાં જરૂર છે? આ ઊંચી દીવાલને ટેકે. એની પાસે.”

 

બધાં સ્ત્રી પુરુષો કહે “તે હેં, ભા આવશે એને લઈને?”

“હોવે. આ ટ્રકમાં લાવીએ છીએ. આ પાદરે આવ્યો.

સહુ  કરણભાનો  ઊંચો મોટો   કથ્થાઈ ઘોડો જોવા  પાદરે ભેગાં થયાં.

એક મીની ટ્રકમાં પાછળ વારનીશ કરેલો પાંચેક ફૂટ ઊંચો, દસ બાર ખાનાં વાળો  લાકડાનો  સામાન રાખવાનો ઘોડો (ફર્નિચર) પકડી બેઠેલો કરણભા ગામમાં દાખલ થયો.

***