Aaspaas ni Vato Khas - 35 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસપાસની વાતો ખાસ - 35

Featured Books
  • अतीत के साए

    भाग 1: वर्तमान की खोज साल 2025 की एक ठंडी रात, दिल्ली के एक...

  • Unkahe रिश्ते - 6

    क्या सोचते हो आप, लोग अच्छे होते है या बुरे? आप बोलेंगे के उ...

  • दिल ने जिसे चाहा - 8

    रुशाली आज कुछ ज़्यादा ही नर्वस थी। सफ़ेद कोट उसके कंधों पर थ...

  • शोहरत का घमंड - 168

    आर्यन की बात सुन कर आलिया रोने लगती है। जिससे कि आर्यन परेशा...

  • सपनों की उड़ान

    आसमान में काले बादल घिर आए थे, जैसे प्रकृति भी रोहन के मन की...

Categories
Share

આસપાસની વાતો ખાસ - 35

35. યુપીઆઈ અને બાઈ 

જો રમીલા, અમે  આ ચાર મહિના બહાર જઈએ છીએ. ઘણો ખરો ટાઇમ ફોરેન. તું સામે દિપીકાબેનને ઘરથી  ચાવી લઈ ઘર સાફ કરતી રહેજે. મહિનામાં ખાલી બે વાર. તને ચાવી જોઈએ ત્યારે હું દીપિકાબહેનને વોટ્સેપ કોલ કરી દઈશ.” કુશળ ગૃહિણી ચિત્રાબહેને તેમની કામવાળી રમીલાને કહ્યું.

“એ તો કરીશ જ. પણ બહેન, એ ચાર મહિના મારે પગાર વગર કાઢવા આકરા પડી જશે.” રમીલાએ ચિંતા વ્યક્ત કરી.

“અરે ગાંડી, હું તને પગાર વગર રાખું એમ લાગ્યું? અર્ધો પગાર તો આપતી રહીશ.” ચિત્રાબહેને ભરોસો આપતાં કહ્યું.

“પણ એ કરશો કઈ રીતે? તમે તો હશો નહીં!” રમીલાએ પૂછ્યું.

“તે તારા ખાતામાં આપી દઈશ. અત્યારે અમારે બીજા પણ ખર્ચા છે, બીજી કરન્સી લેવી પડી છે. તારું કોઈક બેંકમાં તો ખાતું હશે ને!” ચિત્રાબહેને રસ્તો કાઢ્યો.

“એં .. એ તો.. એમ કરો, એડવાન્સમાં ચાર મહિનાનો અર્ધો પગાર આપી દો ને!” રમીલાએ દાણો દાબી જોયો.

“એમ કામ વગર ચાર ચાર મહિનાના એડવાન્સ કોઈ ન આપે. તારું નહીં તો તારા ઘરમાં કોઈનું ખાતું હશે જ. બોલ, બીજો ક્યો રસ્તો છે તને પગાર આપવાનો?” ચિત્રા બહેને કહ્યું.

કચવાતા મને, ન છૂટકે રમીલાએ પોતાના વરનો ખાતા નંબર આપ્યો.

“લે, આ તો અમારું ખાતું છે એ જ બેંક. તું નચિંત રહેજે. પૈસા દર પહેલીએ મળી જશે. હા, તેં સાફસફાઈ કરી હશે તો.”  કહી ચિત્રાબહેને વાત પૂરી કરી.

રમીલાને તો વગર કામ કર્યે અર્ધો પગાર દર પહેલી તારીખે મળી જવાનો હતો.

ચિત્રાબહેન  પાછાં આવ્યાં. આવતાં જ પહેલું કામ જે દિવસો છેલ્લા પગાર પછી ગયેલા એનો પગાર  રમીલાના વરના ખાતામાં જમા કરવાનું કર્યું.

મહિનો પૂરો થતાં upi થી રમીલાના વરના ખાતામાં પગાર નાખી દીધો.

બીજો મહિનો બેસતાં રમીલા કહે “બેન, હવે કેશ આપો.”

ચિત્રા બહેન કહે “હું બધે સ્કેન કરી પેમેન્ટ આપું છું. જરૂર પડે એ ખાતામાં કે ફોન નંબર પર મોકલું છું. પૈસા હવે તો ભાગ્યે જ ઉપાડવા જવા પડે છે. તું ને તારો વર એ જ રીતે પેમેન્ટ કરો ને! 

જો રમીલા, સાહેબને પણ પગાર ખાતામાં જ જમા થાય છે. ન છુટાની તકલીફ, ન એટીએમ માં થી 500 ની નોટો જ નીકળે એ વટાવવાની તકલીફ.

તારા વરનું ખાતું છે.  હા. તારું જોઇન્ટ નામ છે એ પણ ખબર પડી. પછી શું વાંધો?” ચિત્રા બહેન થોડી શિક્ષિત કામવાળી રમીલાને સારી ટેવ પાડવા માંગતાં હતાં.

“મારા ઘરવાળાને પૈસા જમા થ્યા ઇનો મેસેજ આવતો નથી. અમને ખબર પડતી નથી કે પૈસા આવ્યા.” રમીલાએ બહાનાબાજી શરૂ કરી.

"તો બેંકમાં પાસબુક ભરાવો. જો, પૈસા જમા ન થાય તો અમને તરત મેસેજ આવે અને પાછા આવે.  પૈસા હું તારા હાથમાં મુકું ને તું ગણીને બ્લાઉઝમાં નોટો મુક એ પહેલાં ખાતામાં જમા થઈ જાય છે. 

અરે તમને બે ને સગવડતા રહેશે. કોને ક્યારે કેટલા આપ્યા એની નોંધ પણ રહેશે.

તારે બહાર લારીએથી શાક, તારી ચીજ વસ્તુઓ ને એવું  લેવું હોય તો તારે પર્સ કાઢવી જ નહીં. કોઈ ફાટલી નોટ આપી દે, આગળપાછળ  જમા રાખે ને એવી તકલીફ જ નહીં.” 

ચિત્રા બહેન સીધા ઓનલાઇન જમા કરવાના ફાયદાઓ ગણાવવા લાગ્યાં.

રમીલા થોડી વાર દાઢીએ હાથની આંગળી દબાવી વિચારી રહી.

“બેન, ન પોહાય. ઇ તો તમે ફોરેન હતાં ને બીજો રસ્તો નો’તો ઇટલે  કર્યું. હવે નો થાય.” રમીલા કોઈ બૅરિસ્ટરને પાછા પાડી દે એવી જોશપૂર્ણ રીતે દલીલો કરી રહી.

“આમ તો તારા વર સાથે તારું નામ છે જ. નહીં તો લાવ તારું આધાર કાર્ડ ને લાઈટ બીલ કે એવું. બેંકમાં જઈ તારા નામનું પણ ખાતું ખોલી નાખીએ.” ચિત્રાબહેને કહ્યું.

“ઈમ તો મારું સોત ખાતું છે. પણ આમ ખાતામાં નો લઉં. કોક વાર ઠીક છે. બાકી એમ તો બધાં મને કેશ ને બદલે ખાતામાં જ આપવા માંડશે. પછી છોકરાંની ફી, દાણાદુણી  ને ઇવા ખરચા ચ્યમ કરીને..”

રમીલા જોરથી ડોકું ધુણાવતી, પોતે વાળતી હતી એ સાવરણી જોરથી પછાડી નીચું જોતાં કહી રહી.

ચિત્રાબહેન હવે કહે તો પણ શું?

"રમીલા, હું અત્યાર સુધી કેશ જ આપતી ને! તારા વરનું ખાતું છે એમાં નાખું એમાં શું ખોટું?" ચિત્રાબહેન હવે ડીફેંસિવ મોડમાં આવી ગયાં.

બે મિનિટ ચિત્રાબહેન  અવાક્  થઈ જોઈ રહ્યાં.

આને  રોકડા હાથમાં લેવાને બદલે ખાતામાં લેવામાં વાંધો શું છે? તેમણે વિચાર્યું. હજી શાંતિથી સમજાવવા પ્રયત્ન કર્યો.

“પણ એ બધું, દાણાદુણી  ને સ્કૂલ ફી જેવું બધું પણ, અમે ને હવે  ભારતમાં દુનિયા આખી કરે છે એમ તમે પણ એઈ ને ફોન ધરી સ્કેન કરીને આપવા માંડો ને!” ચિત્રાબહેન  પોતાનો વ્યાજબી પક્ષ ખેંચી રહ્યાં.

“ઇમ ફોન થી નો ફાવે. કોક બીજાને જાતા રે તો?” રમીલાને તો હોઠ સાજા તો ઉત્તર ઝાઝા.

“અરે તારો સ્માર્ટ ફોન છે એ મને ખબર છે. તું વોટ્સેપ મેસેજ કરે છે એટલે નેટ ચાલતું હોય એવો. સ્કેન ધરી દે એટલે  ચૂકવીએ એનું નામ આવે જ. એવું હોય તો લાવ, તને કોઈ દુકાને સાથે આવીને શીખવું.” ચિત્રાબહેન કારણ વગર સમાજસેવા કરવાના ઉત્સાહમાં આવી ગયાં.

“નો થાય બેન. તમે હાચાં હહો પઈણ અમારા ઘરવાળા ના પાડે.  ઇ ને મારા હાહરા ને બધા ક્યે કે અમે ક્યાં ક્યાં થી પૈસા લાઈએ છીએ ઇની બધે ખબર પડી જાય. ઇવું અમારે કરવું નોય.” રમીલાએ દલીલ કરી.

“પણ આટલા, કરોડો લોકો એમ કરે છે એમાં કોની ખબર કોને પડે ને એને જાણીને શું કામ હોય? નોટ  આપવાને બદલે ખાતામાં ગયા.” ચિત્રાબહેને સમજાવ્યું.

“બધું હાચું હહે પણ ઇમ મારે નો લેવા એટલે નો લેવા. મારું ચ્યોં ખાતું હોય? મારે તો આ તમે બધી શેઠાણીઓ આલો ઇ બ્લાઉઝમાં મૂકી ઘેર જઈ બટવામાં મૂકી દેવાના. ઇ બધું બાર્યે નીકળતું જાય ને ખાલી થાય એટલે ઘરવાળા પાહે માગી લેવાના. મારે જરૂર કઈ ઇમ ફેશન કરતોં સ્કેન કરી બધે આલવાની! મારું ખાતું ય એમ નો ખૂલે.” રમીલા આમ તો લગભગ શુદ્ધ બોલી બોલતી પણ હવે પોતાને અશિક્ષિત બતાવવા શુદ્ધ ઉત્તર ગુજરાતી ગ્રામ્ય લહેકા પર આવી ગઈ. થોડો તોછડો લહેકો પણ થયો.

સાંભળ્યું ન સાંભળ્યું કરી ચિત્રાબહેન કહે “એમ ખાતું ન ખૂલે એવું શું હોય? તારી પાસે તારું આધાર કે જે હોય એ લઈ આવ. વાસમાં લાઈટ ને પાણીનું બિલ તો આવતું હશે ને? એ બિલ ને એક ફોટો.. ચાલ, હું તારું ખાતું ખોલાવવામાં મદદ કરું.”

કહેતાં કહેવાઈ ગયું પણ ચિત્રા બહેનને થયું કે આ રીતે સમાજસેવા કરવા ઉતરી પડવાની, એ પણ માત્ર  પૈસા ઓનલાઇન આપવા માટે - એવી જરૂર નહોતી.

“બુન,  કઉં સું નો ખૂલે ઈટલે નો ખૂલે. અમારું એક નામ  અટક સાથે. બીજું નાત સાથે. ત્રીજું વતનના ગામડે બોલચાલનાં નામ સાથે હોય. હું  અહીં આધારમાં રમીલા ઠાકોર,  ચુંટણી કાર્ડમાં રમીલા રતનજી રાજપૂત  છું અને મારે ગામ ‘રમલી રતનજી ઠાકરડા’  છું. એમ આ ત્રણ નામે આધારકાર્ડ  સોત ધરાવું છું.  બધે અંગૂઠા યે આલ્યા ને ફોટા યે પડાવ્યા. ગામડાંના વાસમાં અને અહીં પણ.

એ જ નામે ઇલેક્શન કાર્ડ પણ મળ્યાં છે. અમારે ઇ સંધા ની જરૂર પડે.

બેંકમાં ખાતું હોય  તો પણ તમારે શું કામ?

જુઓ બેન, અમારો વાસ પણ આમ ખાતામાં પેમેન્ટ લઈએ તો અમારો વિરોધ કરે. મુખી સામી પાર્ટીના છે અને આ સરકારે કર્યું એનો  વિરોધ અમારા બધામાં કરાવે છે. અમે ક્યાંથી પૈસા લીધા ઇ કોઈને ખબર પડવા દેવી નઇ. તમે એક ઓનલાઇન આલશો એટલે બધાં ઘર શરૂ થઈ જશે. ઇ નો સોરવે.” રમીલાએ છેલ્લો પાસો ફેંક્યો.

“પણ કામ કરીને પૈસા લીધા છે. રકમ પણ કઈ લાખ બે લાખ છે?” ચિત્રાબહેન લુલો પ્રતિકાર કરી રહ્યાં.

“હો વાતની એક વાત. તમે મારે માટે સોનાનાં છો.  તમારી ઉપર માન છે. ફોરેન ગયાં ત્યારે પણ અર્ધો પગાર તો આલેલો. “

(હવે રમીલા ફરીથી શહેરી  ભાષા પર આવી ગઈ.)

“તો ય બેન, અમારે અમારા બધા વચ્ચે રેવું છો.  કેશ આલવી હોય તો આલો, નઇ તો આ અઠવાડિયા પછી બીજી બાઈ ગોતી લો. એ સોત કેશ જ લેહે.”

રમીલા છણકો કરી ચાલી ગઈ.

ચિત્રાબહેનના બાઈને ઓનલાઇન પગાર આપવાના મનોરથ મનમાં જ રહી ગયા.

એમ બાઈ મળવી સહેલી છે?  ચિત્રાબહેન  આગ્રહ મૂકી નમતું જોખી એટીએમમાંથી 500 ની નોટો ઉપાડી છુટા કરાવવા બાજુની દુકાનમાં ગયાં.

તો એમ છુટા મળવા પણ ક્યાં સહેલા છે?

***