Bhagvat Rahsya - 278 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 278

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 278

ભાગવત રહસ્ય -૨૭૮

 

પરીક્ષિત કહે છે કે-આ કૃષ્ણકથા સાંભળવાથી તૃપ્તિ થતી નથી.તેને વિસ્તારપૂર્વક સંભળાવો.શુકદેવજી કહે છે-કે રાજન,શ્રવણ કરો.

ગોપીઓએ કનૈયા નું નામ રાખ્યું છે માખણચોર.યશોદાજી ને લાલાને કોઈ માખણચોર ના નામથી બોલાવે તે ગમતું નથી.એટલે તે લાલાને સમજાવે છે.કે તું ઘરનું માખણ કેમ ખાતો નથી ? કનૈયો કહે છે-કે-હું ઘરનું ખાઉં તો ખૂટી જાય,હું તો બહાર કમાઈને ખાઈશ.ગોપીઓનું માખણ મીઠ્ઠું છે.ગોપીના માખણમાં મીઠાશ નથી પણ ગોપીના પ્રેમ માં મીઠાશ છે.

 

યશોદાજી વિચાર કરે છે-કે-ઘરનું કામકાજ નોકરો કરે છે,પણ નોકરોનું કામ નોકરો જેવું. રસોઈઓ રસોઈ કરે કે –મા રસોઈ કરે તેમાં ફરક છે,મારી જ ભૂલ છે,એટલે જ લાલાને ઘરનું માખણ ભાવતું નથી.અને તેથી જ લાલો બીજાના ઘરનું માખણ ચોરીને ખાય છે.આજે તો હું મારા હાથે જ દહી નું મંથન કરીને માખણ તૈયાર કરીને કનૈયાને ખવડાવીશ. એટલે તેને તૃપ્તિ થશે,તો લાલો બીજા ને ઘેર ચોરી કરવા જશે નહિ.

 

રામાયણમાં લખ્યું છે-કે-દશરથ રાજા ચક્રવર્તી રાજા હતા ,નોકરોની કોઈ ખોટ નહોતી ,તેમ છતાં કૌશલ્યા મા જાતે રસોઈ કરતાં,અન્નમાંથી મન બને છે.અન્ન પેટમાં જાય –તે પછી તેના ત્રણ વિભાગ થાય છે.

સ્થૂળ ભાગનો મળ થાય છે,વચલા ભાગમાંથી રુધિર અને માંસ થાય છે.અને સૂક્ષ્મ ભાગમાંથી

મન અને બુદ્ધિના સંસ્કાર થાય છે. માટે અન્નને કોઈ અપવિત્ર હાથ અડકવા દેવા જોઈએ નહિ.

 

યશોદાજી આજે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ,રેશમી વસ્ત્રો પહેરીને,ગોળીમાં દહી ભરીને જાતે દહી મંથન કરે છે. આજે માતાજી જાતે દહી વલોવીને લાલા માટે માખણ તૈયાર કરે છે.

ઘરનાં માણસો માટે કામ કરો તે વ્યવહાર છે,પણ પરમાત્મા માટે કામ કરે તે ભક્તિ છે.

યશોદાજી આજે દધિમંથન કરે છે,પણ તે લાલા માટે કરે છે,એટલે તે ભક્તિ છે.

 

યશોદા મા એ પુષ્ટિ ભક્તિનું સ્વ-રૂપ છે.યશોદા માનું દર્શન થાય તો પછી શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે.

યશોદા મા ના દર્શન એટલે કે યશોદાજી જેવી ભક્તિ કરવાની.અને એવી જ ભક્તિ ભગવાનને બાંધી શકે છે.પુષ્ટિ ભક્તિ એટલે કે પ્રેમલક્ષણા ભક્તિ ભગવાનને બાંધે છે.

 

દધિમંથન એ સંસારનું મંથન છે.સંસાર એ ગોળી છે.ગોળીમાં દહી છે,તેમ સંસારમાં માયાએ વિષયો ભર્યાં છે.સંસારના વિષયો દહી જેવા છે.દહી મોટે ભાગે ખાટું હોય છે તેમ વિષયો પણ ખાટા હોય છે,

વિષયો આરંભમાં મધુર લાગે છે,પણ અંતે તો તે ખાટા જ હોય છે.

સંસારના વિષયોનું વિવેકથી મંથન કરે એણે ભક્તિ-પ્રેમ-રૂપી માખણ મળે છે.

તે પરમાત્મા ને અર્પણ કરવાનું છે.પરમાત્મા પ્રેમ માગે છે,બીજું કંઈ નહિ.

 

યશોદાજી શરીરથી સેવા કરે છે,પણ તેમનું મન શ્રીકૃષ્ણમાં છે,આંખો શ્રીકૃષ્ણમાં છે.

યશોદાજી દધિમંથનમાં તન્મય થયા છે,તનથી સેવા કરે છે,મનથી સ્મરણ કરે છે,વાણીથી કીર્તન કરે છે.

તન,મન અને વચન એક બન્યાં, એટલે કે યશોદાજી મનસા,વાચા અને કર્મના થી ઈશ્વરની સેવા કરવાં લાગ્યાં.એટલે આજે લાલાજી આપો આપ જાગ્યા.આમ તો મંગળગીતો ગાઈને જગાડવા પડતા.

આજે લાલાજી ને જગાડવાની જરૂર પડી નથી.આજે મા ના હૃદયમાં પ્રેમ ભર્યો છે,એટલે લાલો પોતાની મેળે જ જાગ્યો. અનન્ય ભક્તિ પ્રભુને જગાડે છે.તે પ્રમાણે શ્રીકૃષ્ણ આજે આપોઆપ જાગ્યા છે.

શ્રીધર સ્વામી કહે છે કે-યશોદાના હૃદયમાં કનૈયો જાગે છે,આપણા હૃદયમાં સૂતેલો છે.તેને જગાડવાનો છે.

 x xx x x x x x x x x x x x xx x x 

આવી જ ભાગવત ની તથા અન્ય ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

  

શ્રીમદ્દ ભાગવત ગીતા ની વાતો ને સરળ ભાષામાં  વર્ણવા નો પ્રયત્ન  કરેલો છે  જે આપ વાંચી શકો છો