30. મંત્રેલું લીંબુ
એ પ્રોફેસર પ્રોફેસર જેવા હતા. નહોતા બહુ કડક કે નહોતા સાવ નમ્ર. વિદ્યાર્થીઓમાં ખૂબ લાડીલા કે લોકપ્રિય પણ નહીં અને કોઈને એમની પ્રત્યે અણગમો પણ નહીં. એમાં ના નહીં કે તેઓ ભણાવતા ખૂબ સારું. એક મુદ્દો પકડી દાખલા, દલીલોથી વિસ્તારથી સમજાવે, વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછે, લેક્ચર પછી થોડો સમય તેમના પ્રશ્નોના જવાબો પણ આપે.
એમાં કોઈ તોફાની વિદ્યાર્થી સાથે તેમને જામી ગઈ. તેઓ ખોટી કડકાઈ બતાવતા ન હતા પણ હતા નો નોન્સેન્સ માં માનનારા. એમણે ચાલુ ક્લાસે કોઈ વિદ્યાર્થી મઝાક મસ્તી કરતો હતો તેને પકડી પાડ્યો અને ક્લાસ વચ્ચે ધમકાવ્યો. પેલો એ વખતે પણ થોડો જ વખત ચૂપ રહ્યો. થોડી વાર પછી પોતાના અસલી રંગમાં આવી ગયો. એ વખતે પ્રોફેસરે એક બે વખત ગુસ્સાથી એની સામે જોયું પણ લેક્ચરમાં ભંગ ન પડવા દીધો.
ફરીથી થોડા વખત પછી એ વિદ્યાર્થીએ ચાલુ ક્લાસે કોઈ શરારત કરી. આ વખતે પ્રોફેસરે તેનું આઇકાર્ડ લઈ ઓફિસમાં આપી દઈ એક્શન લેવાની ચેતવણી આપી પણ એ વખતે એમ કર્યું નહીં. ખૂબ અગત્યનું લેક્ચર હતું, બીજાઓનું ધ્યાન ભટકે નહીં એમ તેને ક્લાસમાં ધ્યાન આપવા અત્યારે કડક શબ્દોમાં થોડો ધમકાવી બેસાડી દીધો.
આને પેલો વિદ્યાર્થી પ્રોફેસરની નબળાઈ સમજી બેઠો. એણે હવે નવી નવી રીતે કૉમેન્ટ પાસ કરવાનું, ક્લાસનું ધ્યાન પ્રોફેસર થી ભટકાવવાનું શરૂ કર્યું.
એકવાર એ હાથમાં આવ્યો એટલે સાચે જ કાર્ડ માગ્યું, પેલા પાસે હતું નહીં કે એમ કહી ન આપ્યું. પ્રોફેસર તેને બધા વચ્ચે બાવડું પકડી ક્લાસમાંથી બહાર લઈ ગયા અને પ્રિન્સિપાલની ઓફિસમાં ખડો કરી દીધો.
પેલાને કોલેજે કાઢી તો ન મૂક્યો પણ જે શિક્ષા થઈ હોય એ, તેણે પ્રોફેસરને જોઈ લેવાની ધમકી આપી. એના મિત્રો પ્રોફેસર કોલેજમાંથી નીકળે એટલે કૉલેજથી થોડે દૂર તેમનો હુરિયો પણ બોલાવવા લાગ્યા. પ્રોફેસરે એક વાર ત્યાં જ ઊભી જઈ મક્કમતાથી એ બધાનો સામનો કર્યો.
પછી પેલાને કોઈ બીજી સજા કરાવી. બેય સામસામે આવી ગયા. પેલો કઈ રીતે જોઈ લેવાનો હતો એ કોઈને ખબર પડતી ન હતી પણ સહુ ક્યાંક કોઈ ફટાકડો ફૂટે એની રાહ જ જોઈ રહેલા.
એક વાર પ્રોફેસર ક્લાસમાં દાખલ થયા અને તેમણે જોયું કે તેમનાં ટેબલ પર એક કંકુ છાંટેલું લીંબુ પડેલું, એક કટાએલ લોખંડની પટ્ટીનો ટુકડો પડેલો. આસપાસ બે ત્રણ ફણસ વધેર્યું હોય એવા ટુકડા પડેલા. થોડા ચોખા અને કાળા અડદના દાણા વેરાયેલા. નજીકમાં પ્રોફેસરે ઉભવાની જગ્યા પાસે એક કુંડાળું પણ કરેલું.
પ્રોફેસર એક ક્ષણ થંભ્યા. મનોમન કશુંક બબડ્યા.
આગળ વધી પગથી એ જ કુંડાળાંની અંદર ઊભીને પગ ઘસ્યો.
પહેલી બેંચે બેઠેલા એક વિદ્યાર્થીને કહે “વિલ યુ ડુ મી એ ફેવર?” પેલાએ હકારમાં ડોક હલાવી. પ્રોફેસર કહે “પેલું કોમન કૂલર છે ત્યાંથી એક ગ્લાસ પાણી લઈ આવીશ? નહીં તો ઓફિસ બહાર પીયુન બેઠો હશે એને કહેજે.”
પેલો વિદ્યાર્થી એક ક્ષણ સર શું કહે છે એ સમજ્યો ન હોય તેમ જોઈ રહ્યો પણ પછી તરત જ જાતે એક ગ્લાસ ભરી આવ્યો. હવે તેઓ આગળ વધ્યા અને પેલી પટ્ટી ઉપાડી, ત્યાં ને ત્યાં પેલું લીંબુ હાથમાં લઈ, ત્યાં ને ત્યાં કાપી પાણીમાં નીચોવ્યું અને ત્યાં જ અર્ધા ગ્લાસ જેવું પી લીધું.
હવે ક્લાસને કહે “એની વન વોન્ટસ ટુ ટેસ્ટ? વેરી ડેલીસિયસ નેચરલ ટેસ્ટ. આગલી બેંચો પર બેઠેલા, બેઠેલીઓને એ પ્યાલામાંથી તેમની હથેળીમાં ચાંગળું આપી ગ્લાસ ખાલી કર્યો.
પેલા ફણસના બે ચાર ટુકડા કોઈ પાસેથી નોટનો કાગળ લઈ એમાં ભર્યા અને એ પટ્ટીથી કાપી એક મોંમાં મૂકી ખાધો. કલાસને પૂછ્યું “એની વન વોન્ટસ? આનું શાક, અથાણું, મુરબ્બો, ઘણું બને.” કોઈ તૈયાર ન થયું તો એ પોતાના જ ખિસ્સામાં ભરી પેલા વિદ્યાર્થી સામે જોતાં કહે “થેંક યુ. ઘેર ખાઈને યાદ કરીશ.”
પછી તેમણે જાણે કાઈં જાણતા નથી તેમ સાવ સામાન્ય થઈ એ કુંડાળાંમાં જ ઊભી આખું લેક્ચર લીધું અને નીકળતા પહેલાં એ વિદ્યાર્થી સામે એક સૂચક સ્મિત કરી ચાલતા થયા!
હવે સવાસો જેવા વિદ્યાર્થીઓની દૃષ્ટિ એ વિદ્યાર્થી પર મંડાયેલી હતી, એની દૃષ્ટિ જમીનમાં ખોડાયેલી હતી. ઓચિંતા ઉપહાસ અને અટ્ટહાસ્યના પડઘાઓ ક્લાસમાં ઉઠ્યા. એ વિદ્યાર્થી નીચું જોઈ મૌન બેઠો રહ્યો.
***