Bhagvat Rahsya - 267 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 267

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 267

ભાગવત રહસ્ય -૨૬૭

 

દૂધ દોહવાનો સમય થાય એટલે બાંધેલાં વાછરડાંને છોડવામાં આવે છે,તે થોડું દૂધ પીવે પછી,દૂધ દોહવામાં આવે છે,પણ સમય ના થયો હોય અને તે પહેલાં વાછરડાંને છોડે તે શ્રીકૃષ્ણ.વાછરડાનો અર્થ થાય છે-વિષયાશક્ત જીવ.પરમાત્માની વિશિષ્ટ કૃપા થાય તો,બંધનમાંથી મુક્ત થવાનો સમય ના થયો હોય તો પણ –પરમાત્મા જીવાત્માને બંધનમાંથી છોડાવે છે.શાસ્ત્ર માં મુક્તિના બે પ્રકાર બતાવ્યા છે.(૧) ક્રમ મુક્તિ (૨) સદ્યોમુક્તિ.સમય આવ્યે (ક્રમથી સમય આવ્યે) મુક્ત કરે તે મર્યાદા પુરુષોત્તમ રામ.પણ કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ છે.જીવ લાયક ના થયો હોય તો પણ જીવને ક્રમ પ્રમાણે નહિ,પણ તરત મુક્તિ આપે છે. આ પુષ્ટિ માર્ગ-કૃપામાર્ગ છે.

 

ક્રમમુક્તિ એટલે -૮૪ લાખ યોનિઓમાં ભ્રમણ કર્યા પછી, પાપ અને પુણ્ય સરખું થાય –તે પછી,જીવને મનુષ્ય નો અવતાર મળે છે.મનુષ્ય અવતારમાં પણ –કર્મ પ્રમાણે જુદા જુદા વર્ણધર્મ અને બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરી છેવટે –બ્રહ્મનિષ્ઠ યોગી તરીકે જન્મ મળે છે.યોગી સદા સાવધાન રહે છે,નવું પ્રારબ્ધ ઉભું કરતા નથી,જે પ્રારબ્ધ લઈને આવ્યો હોય તે જ ભોગવીને ,પરમાત્મા સાથે મનથી યોગ સિદ્ધ કરે છે.

સતત યોગ સાધના કરે,બ્રહ્મચિંતન કરે,ધ્યાન ધારણા કરે,તેને પણ ત્રણ જન્મ લેવા પડે છે.ક્રિયમાણ,સંચિત અને પ્રારબ્ધકર્મો બળે એટલે જીવ શુદ્ધ થાય છે.અને છેવટે પરમાત્માના ચરણમાં લીન થાય છે.

 

આ પ્રમાણે ક્રમે ક્રમે ચડીને જીવ આગળ વધે અને ક્રમથી મુક્તિ મેળવે છે.

પણ સદ્યોમુક્તિમાં કોઈ ક્રમ નથી. ઠાકોરજી જે જીવ પર કૃપા કરે તેને વૈકુંઠમાં લઇ જાય છે.

રાજા ધારે તે વ્યક્તિને રાજા બનાવી શકે,તો ઠાકોરજી અસમયે પણ મુક્તિ આપે તેમાં શું આશ્ચર્ય ?

શ્રીકૃષ્ણની કૃપા-શક્તિ સર્વથી શ્રેષ્ઠ છે,શ્રીકૃષ્ણ સદ્યોમુક્તિ આપે છે.

 

પરમાત્મા વિશિષ્ઠ કૃપા ક્યારે કરે ? તો કહે છે કે-આ જીવ ખૂબ સાધન કરે,સેવા,સ્મરણ કરે પરંતુ જરાય અભિમાન થવા ના દે.અને દીન થઈને પ્રભુ પાસે રડી પડે,પરમાત્માને પ્રાર્થના કરે કે-

“નાથ,હવે કૃપા કરો,મારે હવે કોઈના પેટમાં જવું નથી,સંસારમાં રખડવું નથી.”

પરમાત્માને આવી રીતે રડતાં રડતાં જે મનાવે,તેના પર તે વિશિષ્ઠ કૃપા કરે છે.

અનેક જન્મ નાં પાપો પહાડ જેવાં છે,તે સાધનથી કેટલાં દૂર થઇ શકે?

 

તો પણ જીવ જયારે દીન બને છે,કરેલાં પાપોને યાદ કરે છે,પરમાત્માના ઉપકારોને યાદ કરે છે,

ત્યારે હૃદય પીગળે છે,આંખમાંથી આંસુ નીકળે છે.એકાંતમાં બેસીને તે લાલાજી માટે રડે છે,

પરમાત્મા માટે રડે છે,ત્યારે પરમાત્મા પણ પીગળે છે અને વિશિષ્ઠ કૃપા કરે છે.

શ્રીકૃષ્ણ તો રાજાધિરાજ છે,તેણે પૂછનાર કોણ ? ભગવાન કહે છે-કે-કાયદો મારા માટે નથી,

હું જે જીવ પર કૃપા કરું છું તેને તરત જ મુક્તિ આપું છું.

ક્રમ-મુક્તિ એ કાયદો છે,પણ ભગવાન માટે કાયદાનું બંધન નથી,તે તરત સદ્યો-મુક્તિ આપે છે.

 

 x x x x x x x x x x x xx x x x x x x x x x x x x x x x x x x x  x x xx x x x x x x x  x xx  x x xx x x  x

આવી જ ભાગવત ની તથા અન્ય ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો 

  

શ્રીમદ્દ ભાગવત ગીતા ની વાતો ને સરળ ભાષામાં  વર્ણવા નો પ્રયત્ન  કરેલો છે  જે આપ વાંચી શકો છો 

 

x x xx x x x x x x x x x x x  x x x x x  x  x x x   x x x