Aaspaas ni Vato Khas - 29 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસપાસની વાતો ખાસ - 29

Featured Books
Categories
Share

આસપાસની વાતો ખાસ - 29

29. શોક્ય                                        

" અરે કહું છું આ  સવારના પહોરમાં   નીચે ઉતરી જુના લેંઘા શર્ટ પહેરી શું કરો છો?" મેં કહ્યું.

"આપણું  સ્કુટર  સાફ કરું છું. પ્લગમાં રોજ કચરો આવી જાય છે" પતિએ કહ્યું.

"પણ ચાલુ થયું? ચા ઠંડી થઇ જાય છે, ને ઓફીસનું મોડું થઇ જશે "

"ના. પ્રયત્ન ચાલુ છે.રહેવા દે, ચા પછી ગરમ કરજે. આ ચાલુ નહીં થાય તો ઓફિસ કેવી રીતે જઈશ?"

એમના શરીરે પરસેવો, હાથ પર કાળા ડાઘા, જુના શર્ટ પર ડાઘ, ને..  ભ્રઓ.. અવાજ. પતિ વિજયી મુદ્રામાં રામ લંકા વિજય કરી આવ્યા હોય તેમ સ્મિત કરતા આવ્યા. મારે આ રોજનું હતું. પણ મધ્યમ વર્ગીય માનસિકતા, 3-4 વર્ષ વાપરેલું સ્કુટર ભંગારના ભાવે ફેંકી દેતા જીવ ન ચાલે.

 

એક રવિવારે મેં કહ્યું,"સાંભળો છો? પેલા મોલ થી અગત્યની ખરીદી કરી આવીએ , મારી મિત્રને મળી આવીએ.“  તેઓ ટીવીમાં ક્રિકેટ જોતા ઉભા થયા. સ્ફૂર્તિવાળા તો હતા જ. સ્કૂટરે  રાખેલા! અવારનવાર રસ્તે બંધ  થતાં દોરવું પડતું. તકલીફો થતી ને મિકેનિકોને રીપેર કરવા કરતાં ભંગારના ભાવે પડાવી હજાર બે હજાર ઉમેરી બીજાને ફટકારી મારવામાં જ રસ હતો, તેમ પતિનું માનવું હતું.

 

અમે સ્કુટર  સહેજ નમાવી સ્ટાર્ટ કર્યું. "નમે  એ સહુને ગમે" પતિએ જોક કરી. ગયાં. વળતાં થેલા થેલી સાથે કોઈ સિગ્નલ પર એકદમ  5 -6 સેકન્ડ બાકી હતી, સામેનો ટ્રાફિક શરુ થઈ  જતાં વચ્ચોવચ્ચ પતિએ બ્રેક મારી, ગિયર  ન્યુટ્રલ કરવા જતાં ક્લચ વાયર તુટી ગયો. મને કહે "રીક્ષામાં  ઘેર જા. રવિવારે સાંજે મિકેનિક ક્યાંથી મળે?" પતિ સ્કુટર ઢસડતા વીલા મોઢે ઘેર આવ્યા.

મેં તેમની ભાવતી ભેળની ડીશ ધરી, મિત્રના ઘરની મસાલેદાર હસવાની વાત કરી. પતિનું મોં હજુ વીલું હતું. વાતમાં ધ્યાન ન હતું. 

"શું થાય છે તમને? ક્યાં ધ્યાન છે?" મેં પૂછયું.

"કાલે સવારે મિકેનિકો 9.30 પહેલાં   બેસશે નહીં.10 વાગે તો ઓફિસ છે. બસ માટે 9 વાગે નીકળવું પડે તો રીપેર ક્યારે કરાવું?” પતિની ચિંતા.

 

ઠીક. ઈશ્વર મિકેનિક બની સાડા આઠે બેસી ગયેલા, એમની પ્રિયા એમનો ભાર ઉપાડી ઓફિસ લઈ ગઈ, સલામત લઈ આવી.

 

વળી  એક દિવસ હાથમાં કપડું, પાણીની ડોલ, ખોતરવાની તણી. તેમનો શ્રમયજ્ઞ ચાલુ! ઘસીને ધોયું, પ્લગ  સાફ કર્યો, સીટ કવર ટાઈટ કર્યું, અરીસો એડજસ્ટ કર્યો - સાલું ધોયેલું લાગતું  હતું તો રુપાળું   પણ કામ આપે ત્યારે સારું આપે અને અટકે ત્યારે કાલે કે હવે શું થશે તેના વિચારે પતિ પણ અટકે.

હું  ‘શોલે’ ની બસંતી જેવી બોલકી તો નહીં  પણ મારા વિષયોની વાત કરવી ગમે. પાડોશણો  સાથે કૂથલી કરવા કરતાં હું જ  કોઈ  વાનગી, નવો ફેશન ટ્રેન્ડ કોઈ અવનવી સ્ટોરી - આવી વાતો કરતી. પતિને આવી વાતો કરું તો તેઓ રસ પુરાવે, તેવી જ બીજી વાત ઉમેરે પણ ક્યારેક ઓચિંતા ઉભા થઇ "11 વાગે પંપ  બંધ થાય છે. 10 વાગ્યા. ચાલ પેટ્રોલ ભરાવું" કરતા થાય ચાલતા! હું મારું બોલતી રહી જાઉં!

 

એક રાત્રે બાજુમાં સુતેલા પતિ સામે મેં  જોયું. સવારના 5 વાગ્યા હશે. આંખો ખુલ્લી, છત સામે નજર. મેં પૂછ્યું "ઊંઘ નથી આવતી? શા વિચાર માં છો?"

એમણે કહ્યું "રાતે આવતાં  હવા ઓછી લાગી. હમણાં જ ટ્યૂબેય  નખાવી છે. પંચર તો નહીં હોય ને? સવારે ચિક્કાર ગીર્દી, વચ્ચેનું સ્ટેન્ડ, ઓફિસ કેમ જઈશ?" 

અરે, ‘ગુલાબી કેમ કરી જાશો ચાકરી’ એવું તો મારે ગાવાનું હોય!!

મેં ચિડાઈ ને કહ્યું "તમે મારા કરતા નિર્જીવ  સ્કુટરનો  વિચાર વધુ કરો છો. મારી સામે હું કેવી તૈયાર થઈ  છું એ જોઈ પ્રતિભાવ આપવાને બદલે  સ્કુટર  કેવું ચકાચક લાગે છે એ  જ જોતા રહો છો.  મારી રસોઈ વખાણવાને બદલે  સ્કુટર  કેવી એવરેજ આપે છે એ જ વાત કરો છો. હું તમારો પડછાયો બની ફરું છું તેના વખાણ  કરવાને બદલે હમણાં   સ્કુટર  તકલીફ નથી આપતું એ તમને  વધુ મહત્વનું લાગે છે. શોક્ય છે શોક્ય મારી. તમે મને નહીં, એ  સ્કુટરને પરણ્યા  છો."

 તેઓ ચૂપ રહ્યા. શું બોલે હવે?

**

હમણાં હમણાં  એ ખુશ રહેતા. ઓફિસમાં બરાબર ચાલતું હશે,  સ્કુટર  તકલીફ દેતું ન હતું. રાત્રે સામેથી કહેતા "ચાલ ઠંડા પવનમાં થોડી લૉંગ ડ્રાઇવમાં  જઈ  આવીએ". 

વળી  જઈજઈને  એ શોક્ય સાથે જ જવાનું ને?  

મેં કહ્યું "ચાલો આપણે બે ચાલતાં જ જઈએ. રસ્તો પણ ખુલ્લો ને એમનું ફેસ્સીનેશન - સ્પીડ પકડવાનું, ને હા, કંટ્રોલ પૂરો. લાઈફમાં પણ કેટલાક માઇલસ્ટોન સ્પીડ પકડીને જ કવર કરવા પડે. કંટ્રોલ પણ રાખવો પડે, ગતિ પણ જાળવવી પડે. પણ એમાં એ માહેર  હતા. કહેતા કે થોડી  સબ્ર કર. સાઈ  મંદિરની બહાર લખ્યું છે, "શ્રદ્ધા, સબૂરી, ભક્તિ". એરીયર, ઇન્ક્રીમેન્ટ આવે એટલે સેકંડહેંડ  કાર  લઈ  લઈએ. એ વખતે અમારી આસપાસ ઘેર ઘેર કાર  ન હતી. લોકો થોડી જૂની ફિયાટ કે રોલો પાડનારા 2-4 વર્ષ ફેરવેલી મારુતિ વેચવા કાઢતા  ને નોકરિયાતો પાડોશીઓ પર રોફ જમાવવા  ‘neighbour's envy owner's pride’  એ જૂની ફિયાટ કે મારુતિ ખરીદતા. મારે એમને કાર લેવરાવવી ન હતી, માત્ર નવું સ્કૂટર લે તો રોજની તકલીફમાંથી છૂટે.

 

મને વાંધો પતિ સામે એ જ હતો કે  એ જો  સ્કુટરમય  કે એની તકલીફમય થઇ જાય તો દુનિયાની કોઈ તાકાત  નથી કે તેમનું ધ્યાન બીજે દોરે.

 

એક વખત હું માંદી પડી. કમર, ગળાનો  દુખાવો થયો. મેં કહ્યું "મારે ડોક્ટર પાસે જવું પડશે." 

એમણે  કહ્યું, "પેલા ઓર્થોપેડિકની એપોઇન્ટમેન્ટ  લઇ લે.  સ્કુટર  ભગાવશું, પહોંચી જાશું.” 

અરે, એના ગયેલા જમ્પરના ઉછાળે તો ન થતો હોય તો  પણ  દુખાવો  થાય! ક્યારેક છાને ખૂણે  થતું-  આ માણસ મને  સ્કુટર  પાછળ બેસાડી બમ્પ આવતા ઉછાળે છે તેના કરતાં હાથમાં  ઊંચકી  ક્યારેક ઉછાળતો હોય તો હું પડતાં પડતાં તેમના ગળે હાથ ભરાવી "બાહોં કે હાર તુમ્હેં હમને બરસોં પહલે પહેનાયે થે" ગાઉં.

 

કહો ના કહો, બહાર પડેલાં, ઠીક ચાલે કે રગડતું, પોલિશ કરેલાં સુંદર ચકાચક રંગનાં   સ્કુટરની મને ઈર્ષ્યા  આવતી.  તેના જ અરીસામાં હું મારી મધ્યમ વર્ગની થાપટો  ખાધેલું  સહેજ  ઢળતું  યૌવન  જોઈ મનોમન ક્ષોભ  પામતી. તેઓની મજબૂરી કે જે પણ હતું, 18 કી.મી. જવું ને આવવું. એક કલાક એના ઘુરકાટમાં મગ્ન. પણ મારી સાથે એક કલાક તો શું, દસ મિનિટ પણ નોનસ્ટોપ ભાગ્યે જ વાત કરી હશે. મને મારી એ ‘શોક્ય’ની  ઈર્ષ્યા  આવતી  પણ લગ્ન પછી તુરતનો ચાંચમાં ચાંચ પરોવી બેસવાનો ઉમંગ ક્યાં સુઘી    ટકે?

 

એક દિવસ કોઈ  તહેવાર હતો. મારે પિયર જલ્દી જવાનું હતું. એ જમાનો ઓલા  ઉબેરનો નહીં. 'વાતચીત ભાઈ' રીક્ષાવાળાને કહી રાખેલું કેમ કે સામાન તો હતો જ. ગાડીને એક કલાક બાકી. ‘વાતચીત ભાઈ’ એની  બેનડીની વહારે ન આવ્યો. દ્રૌપદીનાં  ચીર કૃષ્ણએ  પૂરેલાં  પણ અહીં તો પેટ્રોલ પુરાવવા પણ કોઈ ન આવ્યો. 

બહાર ઊભાં.  રીક્ષા કાં તો ભરેલી, કાં તો મળે જ નહીં. હવે માત્ર 25 મિનિટ. હૃદય  જે ધડકે? જે ધડકે? 

પતિ કહે: "એક જ રસ્તો છે, તારી શોક્ય!”

 

મને હસવા સાથે ખીજ ચડી. અત્યારે એનો ભરોસો થાય? કાલે જ કાર્બ્યુરેટર  ઓવરફ્લો  થતાં  ધક્કા મારેલા.  પરંતુ, પતિએ મારી ઈર્ષ્યા સાથે મારા જ ફાટેલા બ્લાઉઝથી એના પર હાથ ફેરવ્યો. નમાવ્યું "નમે તે  સહુને ગમે" કહી દસ, બાર, પચીસ, ત્રીસ કીક મારી, કોલ્ડ સ્ટાર્ટ આપ્યું, ને એણે  ‘ઘરરર..’ કર્યું. પતિનું મુખ સોળે  કળાએ  ખીલી ઉઠ્યું.  કહે, "ચાલ બેસ".  

"પણ સામાન?"  મેં કહ્યું.

"રખાય એટલું ખોળામાં રાખ, હું હેંડલ  સુધી ખસીને  બેસું છું. ઉભી રહે, બીજી બેગ  ફૂટરેસ્ટ પર રાખી ભરાવી દઉં".  

હું  ભારતીય નારી આખરે પતિ અને મારી ‘શોક્ય’ને શરણે ગઈ. 

20 મિનિટ બાકી!!  ‘હે રામ! હે મારી શોક્ય, લાજ રાખજે.‘ મેં મનોમન કહ્યું અને અમે ઉપડયાં, કહો કે ઉડ્યાં. ટ્રાફિકમાં પણ  ડાબે, જમણે ઘુસાડતાં કાંટો  35. 40, 45.. ખુલ્લા રસ્તે 60.. 80!! વળી એ જ બમ્પ પરથી કુદવું, મારું કચ્ચીને સ્પેર વ્હીલ  પકડવું. પતિનો સ્પર્શ તો શક્ય જ ન હતો, મોટી બેગ સામાન સાથે અથડાઈ.  મને પણ અથડાઈ. ચલાવી લીધું.

અને.. સ્ટેશનના પગથીએ!

એમણે  સધિયારો આપ્યો- “હજુ 5 મિનિટ બાકી છે. ચિંતા નહીં કરતી."

તેમણે  મજુરને બોલાવી કહ્યું: "અરે મજુર, બેનને ... પ્લેટફોર્મ પર સામાન  સાથે મૂકી આવ. જલ્દી."

મને કહ્યું: “ચાલ. આવજે. મને ને તારી શોક્યને યાદ કરજે."

એ જ ‘ઘુરરર....’ ઘૂરકાટી. પતિએ યુટર્ન  માર્યો. પાછળ શ્વેત ધુમ્રસેર દેખાઈ. આજે મને પણ શોક્ય પર વહાલ ઉપજ્યું.  મારા ‘એ’ નો ભાર વહન કરતી  એ શોક્યએ આજે મારી પણ લાજ રાખી હતી તો પોતાની આબરૂ પણ મારી પાસે ઊંચી કરી હતી. મેં મનમાં ગાયું "ગડ્ડી  ચલી રે છલાંગા મારતી, મેનુ યાદ આયે મેરે યાર કી".  આ છલાંગ તો ખરાબ જમ્પર સાથે રસ્તાના બમ્પ ની!

 

મને ખાતરી હતી કે એમને મારા વિના એકલું નહીં જ  લાગે, શોક્ય સાથે છે ને? રોજ ધોવાશે, ઘસીને લુછાશે,  પ્લગ પોઇન્ટ એડજસ્ટ થશે, વહાલથી પંપાળાશે,  રોજ વહાલ ભરી અમીદ્રષ્ટિ પામશે અને બગડશે તો ‘કાલે શું થશે’ ના વિચારમાં એ ખોવાયેલા રહેશે  પણ મારા વિના  સુના તો નહીં જ પડે.

મારી શોક્યને ભેળવીને જાઉં છું ને?

 

***