Nitu - 107 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 107

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 107


નિતુ : ૧૦૭ (પુનરાગમન) 


"વિદ્યા સામે કોઈ કમ્પ્લેઇન મેં કરી જ નથી!" આવેશમાં આવતા નિકુંજ ઇન્સ્પેકટર રોહિત પર ભડક્યો.

કટુ હાસ્ય કરતા એ બોલ્યો, "રિલેક્સ મિસ્ટર નિકુંજ. હું જાણું છું કે તમે આવી ફરિયાદ નથી કરી. પણ બીજું ક્યાં કોઈ જાણે છે! થોડી જ વારમાં આ ન્યુઝ મીડિયા મારફતે બધી જગ્યાએ ફેલાઈ જશે. વિદ્યા તો..." એક હાથ ઊંચો કરી નાગફણી જેવો આકાર બનાવી નીચે લાવતા કહ્યું, "ફિશ્શ્શ્સ..." અને હસવા લાગ્યો. 

એનું હસવું નિકુંજથી સહન ના થયું, એ ગુસ્સે ભરાયો અને દાંત કઠણ કર્યા. ઉભો થઈ એકદમથી ઇન્સ્પેકટર પર ચડી આવ્યો અને એનો કાંખલો ઝાલી લીધો. એ વધુ કંઈ કરે એ પહેલા બાજુમાં ઉભેલા બે કોન્સ્ટેબલ આવ્યા અને એને પાછો બેસાડી દીધો. ફરીવાર ઉભો ના થાય એ માટે બંનેએ એને કસીને પકડી રાખ્યો. ખુરશી પર બેઠા બેઠા એ જોર કરી રહ્યો હતો. 

"આ તને બહુ ભારે પડી જશે ઈન્સ્પેકટર..." એ તાડૂક્યો.

રોહિત આગળ આવ્યો. પોતાનો કોલર અને ટોપી વ્યવસ્થિત કરતા ગંભીર થઈ કહેવા લાગ્યો, "જો વિદ્યાને હેમખેમ જોવી હોય તો મોઢું બંધ રાખી ચૂપચાપ બેસ. નહિતર તને તો જાણ જ છે, એ ઘરમાં એકલી છે. રોનીના માણસો એના ગેટની સામે જ ઉભા છે. મારુ કહ્યું ના માન્યું તો આગળ કંઈ પણ થઈ શકે છે. ચિંતા ના કર. એમાં પણ નામ તો તારું જ આવશે. પોતાના બોસથી ત્રાસી એના એક એમ્પ્લોયીએ એના પર હૂમલો કર્યો અને ઝપાઝપીમાં ટાઈમ્સના માલિક, વિદ્યાનું ખૂન થઈ ગયું. અમારા માટે આ બધું કરવું સહેલું છે. એટલે કોઈ જાતની ચાલાકી વાપર્યા વિના અમે જેમ કરીએ છીએ એમ કરવા દે. એમાં માત્ર વિદ્યાનું આર્થિક નુકસાન જશે. નહિતર, જીવનું પણ નુકસાન જઈ શકે છે." 

પોલીસ સ્ટેશનની બહાર એક સાથે ઘણા બધા વ્યક્તિઓનો ઘોંઘાટ સંભળાવા લાગ્યો. એક કોન્સ્ટેબલ આવ્યો અને કહેવા લાગ્યો, "સાહેબ... સાહેબ... વિદ્યા સામે શોષણનો કેસ થયો છે એવું સાંભળી મીડિયા અને પ્રેસ વાળા આવ્યા છે. એ લોકો અંદર આવવા માંગે છે." 

ઈન્સ્પેક્ટરે એના પરથી નજર હટાવી અને કહ્યું, "એ કોન્ફ્રન્સ મેં જ બોલાવી છે. એ લોકોને બહાર બેસાડ. ખુરશીની વ્યવસ્થા કર હું આવું છું." 

"ઠીક છે સાહેબ." કહી સલામ કરીને તે જતો રહ્યો. રોહિત મનમાં કંઈક વિચારતો હતો. નિકુંજના મગજમાં રોનીની ચાલને સમજવાની મથામણ ચાલવા લાગી. એણે વિદ્યાને સુરક્ષિત જગ્યા ગોતવા માટે કહેવા ફોન કાઢ્યો. એ હજુ એનો નમ્બર શોધી રહ્યો હતો એવામાં રોહિતે એના હાથમાંથી ફોન છીનવી લીધો. 

તેની આંખો પહોળી થઈ ગઈ, પોતાનો ફોન પાછો લેવા એ ઉભો થવા ગયો પણ એ પહેલા ફરીથી બંને કોન્સ્ટેબલે એને પકડી લીધો. એકે એના ખભાથી એને ઝાલી રાખ્યો હતો, તો બીજાએ એ છટકી ના શકે એ માટે એનો હાથ પાછળની બાજુ મરડી રાખ્યો અને બીજા હાથે ગળું દાબી રાખ્યું. 

રોહિતે ફોન સ્વીચ ઓફ કરી દીધો અને કહ્યું, "જ્યાં સુધી કેસનો નિર્ણય ના થાય ત્યાં સુધી આ ફોન મારી પાસે જ રહેશે. કોઈ જાતની ચાલાકી વાપરવાની કોશિશ નહિ. સમજ્યો?" ધમકી આપી તે બહાર ચાલ્યો ગયો. 

બાકીના ઘણાં ખરા કોન્સ્ટેબલો અને સ્ટાફના માણસો બહાર કોન્ફ્રન્સ માટે રોહિતની પાછળ ગયા. નિકુંજ આગળ શું કરવું એ અંગે જ વિચાર કરી રહ્યો હતો. એવામાં રમણ એની પાસે આવ્યો. 

"તારે અહીં આવવાની જરૂર જ નહોતી. મેં તને કહ્યું હતુંને કે વિદ્યાને લઈને કોઈ સેફ જગ્યાએ ચાલ્યો જા." 

"હા પણ આ બધી શું ગેમ ચાલી રહી છે એ તો જાણવું પડશેને. એમ સંતાયને ક્યાં સુધી બેસી રહેત. હવે મને સમજાય છે." નિકુંજ ગહન વિચારમાં ડૂબતા બોલ્યો. 

રમણે પૂછ્યું, "શું?" 

"એ જ, કે જે.સી. અને રોની શું ગેમ રમી રહ્યા છે." 

"એટલે?"

"રોનીએ પહેલાં હુડસન પાસે ડીલ કરવરાવી અને પછી પુલીસ સ્ટેશનમાં ખોટી એફ આર આઈ. જેથી વિદ્યાનું નામ ડૂબે અને એની સાથે ભવિષ્યમાં કોઈ કામ કરવા તૈય્યાર ના થાય. જે.સી. બ્રાન્ડે એડવાન્સમાં પેમેન્ટ એટલા માટે જ કર્યું, કે કેસ થયા પછી એ ડીલ કેન્સલ કરે. આનો અર્થ છે કે આ ડીલને કેન્સલ કરવા માટે જ કરવામાં આવી છે. એ લોકો ટાઈમ્સ પાસે નુક્સાનીનો કરાર કરી જેટલા પૈસા લીધા છે એ રિટર્ન લઈ લેશે અને ટાઇમ્સનું નામ ડૂબશે!" 

"એ બધું થઈ જશે નિકુંજ. પણ તું અહિંથી એટલી આસાનીથી નહિ નીકળી શકે. મેં પ્રયત્ન કર્યો છે કે શક્ય એટલા ઓફિસરોને આપણી તરફેણમાં કરું. પણ બે ત્રણ કોન્સ્ટેબલ સિવાય અન્ય કોઈ રાજી નથી થયું. જ્યાં સુધી કોઈ નિવેડો નહિ આવે ત્યાં સુધી વિદ્યા જોખમમાં છે. તારી સિવાય કોઈ બીજું છે જે એને બચાવે?" 

"મિહિર." તે તુરંત બોલ્યો. 

રમણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને પૂછ્યું, "એ ક્યાં છે? એનો નંબર આપ, હું હમણાં જ એને કોલ કરી બધી જાણ કરું છું." 

તેની સામે જોઈ નિકુંજે કહ્યું, "એ તો વતન ગયો છે! હજુ પહોંચ્યો કે નહિ એની મને જાણ નથી!" રમણે ગ્લાનિ કરતા એની સામે જોયું. 

બહાર રોહિત આવી આગળ મુકેલી એક ખુરશી પર બેસી ગયો. ખુરશીની સામે એક ટેબલ ગોઠવવામાં આવેલું જેમાં દરેક મીડિયાના માઈક રાખેલા હતા. એની સામે ઘણાં બધા મીડિયાના અને પ્રેસના લોકો બેઠા હતા. પોતાની પેન અને પેપેર લઈ તેઓ તૈય્યાર થઈ ગયા, તો આવેલા દરેક મીડિયાના કેમેરા ચાલુ થઈ ગયા. રોહિતે કોન્ફ્રન્સની શરૂઆત કરી. 

"આ કોન્ફ્રન્સ એક ખાસ હેતુથી બોલાવવામાં આવી છે. થોડાં જ સમયમાં નામના મેળવી ચુકેલી આપણા શહેરની માર્કેટિંગમાં અને એડ્વર્ટાઇઝમાં સૌથી મોખરે ટાઈમ્સ માર્કેટિંગ એન્ડ મેગેજીન પર ફોર્સ લેબરનો કેસ કરવામાં આવ્યો છે. તેના જ એમ્પ્લોયી એવા નિકુંજે, કે જે ત્યાં ઓપરેટર તરીકે જોબ કરી રહ્યા હતા. એને ખૂબ જ ઓછી સેલેરી આપીને અને વધુ પડતું કામ કરાવવા એની હેડ વિદ્યા મલ્હોત્રા દ્વારા દબાણ કરવામાં આવતું હતું. જોબ છોડવાનું કહેતા તેના દ્વારા ધમકી પણ અપાતી હતી. ફરજ પરની પોલીસે આ અંગે વિદ્યા સામે સેક્શન 374 કામ કરાવવા માટે અને ધમકી માટે સેક્શન 506ની કલમ નીચે ગુન્હો નોંધ્યો છે." 

એક મીડિયા કર્મીએ સવાલ કર્યો, "સર, શું નિકુંજ અત્યારે ત્યાં જ કામ કરે છે?" 

રોહિતે સાવધાની પૂર્વક જવાબ આપ્યો, "હા. હાલ એ ત્યાં કામ કરે છે પણ જોબ છોડવાનું કહેતા એને ધમકી મળી હતી અને રેજિગ્નેશન કેન્સલ કરતા એમણે આ કેસ નોંધાવ્યો છે. એણે વિદ્યાના ડરને લીધે પોલીસ સિક્યોરિટી માંગી છે અને એ અહિં અમારી સાથે જ રહેવાનું કહી રહ્યા છે. અમે સમજાવ્યા છતાં એને ભીતિ હતી એટલે સેફટી માટે અમે એને અહીં અમારી સાથે જ રાખ્યા છે." 

એક પ્રેસવાળાએ પૂછ્યું, "સર શું વિદ્યાની ધરપકડ થશે?" 

"ના. અત્યારે અમને એની ધરપકડ કરવા અંગે ઓર્ડર નથી મળ્યો. પણ એને જલ્દીથી પુલીસ સ્ટેશનમાં હાજર થવા કહેવામાં આવ્યું છે. એની પુછપરછ બાદ કેસ કોર્ટમાં આગળ ચાલશે." 

રોહિતે પોતાનું કથન પૂર્ણ કર્યું અને પ્રેસ તથા મીડિયાનું કામ ચાલુ થઈ ગયું. ત્યાંથી ઉભા થઈને પોલીસ મથકની સામે ઉભા ઉભા જ રીપોર્ટરોનું રિપોર્ટિંગ ચાલવા લાગ્યું. દરેક ટીવી ચેનલોમાં આ ન્યુઝ પવન વેગે બ્રેકીંગ ન્યુઝ તરીકે ફ્લેશ થવા લાગ્યા. "સુરતમાં રહેલી દેશની સૌથી ટોપની ટાઈમ્સ માર્કેટિંગ એન્ડ મેગેજીન કંપની દ્વારા પોતાના કર્મચારીઓનું શોષણ કરવાનો મામલો બહાર આવ્યો છે. આ બધું જ એના માલિક વિદ્યા મલ્હોત્રાના ઈશારા પર થતું હતું. તેઓ પોતાના એમ્પ્લોયીને ઓછું વેતન આપી વધારે કામ કરાવી રહ્યા હતા." 

આ ન્યુઝ ટાઈમ્સમાં કામ કરી રહેલા દરેક વ્યક્તિ જોઈ રહ્યા હતા. ન્યુઝ આવતાની સાથે જ ઓફિસમાં અશાંતિ છવાય ગઈ. સ્ટાફનું દરેક વ્યક્તિ ઉચાટમાં હતું. દરેક લોકોને આ ન્યુઝ સાચા લાગી રહ્યા હતા. પોતાની કેબિનમાં બેઠેલા શાહને આ ન્યુઝ જોઈને આઘાત લાગ્યો. એની નજર બહાર સ્ટાફ પર ફરતી હતી. તેઓની અનિશ્વિતતાને તે જોઈ શકતા હતા. પણ બધી ચોખવટ કરી શકાય એમ નહોતું. 

તે કેબિનમાંથી બહાર આવ્યા તો લગભગ દરેક વ્યક્તિ ત્યાં હાજર હતી. આ અંગે તે કંઈક કહેશે એવી આશા સાથે દરેક લોકો તેની સામે જોઈને ઉભેલા હતા. શાહ સમજી ગયા સ્ટાફ આ કેસ અંગે સ્પષ્ટીકરણ માંગવાની ઈચ્છા રાખે છે. તેણે કહ્યું, "જુઓ, જે કંઈ થઈ રહ્યું છે એ બધું એક ગેર-સમજ છે. જ્યાં સુધી કોઈ સોલ્યુશન ના આવે ત્યાં સુધી આ અંગે શક્ય હોય તો કોઈ સવાલ નહિ કરતા. વિદ્યા મેડમ ઓફિસ નહિ આવે. માટે ત્યાં સુધી આ ઓફિસ હું સંભાળવાનો છું. બધા પોતાનું કામ વ્યવસ્થિત રીતે જ કરશે એવી આશા રાખું છું." 

તે હાથ જોડતા નીચું માથું કરીને અંદર જતા રહ્યા. કેબિનમાં જઈને એણે સૌથી પહેલા નિકુંજને કોલ કર્યો. ફોન બંધ આવ્યો. બીજી વખત ટ્રાય કરી પણ સમ્પર્ક ના થયો. એણે રમણના ફોનમાં ફોન કર્યો. તે સ્ટેશનમાં હતો. રોહિત અને નિકુંજ આમને સામને બેઠેલા. તેના ફોનની રિંગ વાગી, શાહનો નમ્બર જોયો એટલે એ બહાર જતો રહ્યો. 

"રમણભાઈ. નિકુંજ ક્યાં છે? અને આ ન્યુઝમાં ઈન્સ્પેકટર..." 

"એ બધું એક ષડયંત્ર છે શાહ. આવું સ્ટેટમેન્ટ એટલા માટે આપવામાં આવ્યું જેથી એ નિકુંજને પોતાની નજર સમક્ષ રાખી શકે અને એના પર કોઈ સવાલ ના થાય. કાલે વિદ્યાની સ્ટેશનમાં હાજરી થશે એ પછી એ વધારે સમય સુધી એને નહિ રાખી શકે. પણ તમે વિદ્યાની સુરક્ષામાં ચૂક ના કરતા. આ લોકો કોઈ પણ હદ સુધી જવાની તૈય્યારી કરીને બેઠા છે." 

"હું અત્યારે જ વિદ્યા પાસે જાઉં છું." 

"એની જરૂર નથી. કોઈ અપડેટ મળશે તો હું તમને અથવા વિદ્યાને કોલ કરીશ. નિકુંજનો ફોન ઈન્સ્પેકટર પાસે છે. એટલે એમાં મેસેજ ના કરતાં. બાકીની વાત પછી." 

"ઠીક છે." કહીને એણે ફોન રાખ્યો. રમણ ફરી સ્ટેશનમાં અંદર ગયો. શાહ પોતાની કેબિનમાં ચિંતાતૂર હતા. એવામાં કેબિનમાં લાગેલી ટીવીમાં ન્યુઝ આવ્યા, "ટાઈમ્સમાં ચાલી રહેલા કર્મચારીઓના દબાણ પર લોકો ભડક્યા. કેટલાંક લોકો વિદ્યા મલ્હોત્રાનાં ઘર સુધી પહોંચી ગયા અને તેના ઘર બહાર હલ્લો મચાવી રહ્યા છે." 

આ ન્યુઝ જોતા જ શાહનો શ્વાસ અધ્ધર ચડી ગયો. ટીવીમાં દેખાય રહેલું ચિત્ર ભયભીત કરનારું હતું. કેટલાક ગુંડા જેવા લગતા લોકો ટોળું લઈને વિદ્યાના ગેટ પર ચડવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓના હાથમાં લાકડીઓ, પથ્થરો અને સળિયા જેવા સાધનો હતો. 

એ જ ન્યુઝ પોલીસ સ્ટેશનમાં રોહિત અને નિકુંજ તથા રમણ પણ જોઈ રહ્યા હતા. રોહિતે રાક્ષસી હાસ્ય બતાવતા કહ્યું, "બનાવટી છે. રોનીના માણસો છે. ભૈ શું જબરો ખેલ ખેલ્યો છે રોનીએ. જો એના માણસોએ વિદ્યાનું કામ તમામ કરી નાખ્યું તો મોબ લિંચિંગમાં ખપી જશે. નહિ તો એના ખૂનનો આરોપ તારા પર ઢોળી દેવામાં આવશે." 

રોહિતે નોંધ્યું કે નિકુંજ એકદમ શાંત બેઠો છે. એને આશ્વર્ય થયું. પૂછ્યું, "તને ચિંતા નથી થતી તારી ખાસ ફ્રેન્ડની?" 

નિકુંજ તટસ્થ થઈ બેઠો હતો. ચેહરા પર કોઈ ભાવ નહિ. તેણે ટીવીમાં જોયું. ગુંડાઓ ગેટ તોડવાની કોશિશ કરી રહ્યા હતા. સામેની બાજુ વોચમેન એકલો ઉભેલો. એણે શક્ય ત્યાં સુધી ગેટને તૂટવા ન દીધો. પહેલા માળ પર ઉભેલી વિદ્યા દરેકને દેખાઈ રહી હતી. એને જોતા એ ટોળું ગાંડુ બની રહ્યું હતું. બધા સાથે મળી ગેટને ધક્કો મારી રહ્યા હતા. વોચમેનથી થતું જોર થઈ ચૂક્યું હતું. પણ પછી દરવજો તોડવામાં તેઓ સફળ રહ્યા. 

વોચમેન આડો ફર્યો પણ એની કેટલી ઔકાત? ટોળું એને પછાડી આગળ ચાલ્યું. ઘરના નોકરોને પહેલા બહાર જતા કરી દેવામાં આવ્યા હતા. ડ્રાયવર શાહને છોડવા ઓફિસ ગયો હતો અને વધેલા વોચમેનને બાંધી દેવામાં આવ્યો. પોલીસ સ્ટેશન અને ટાઈમ્સમાં દરેક લોકો જોઈ શકતા હતા કે વિદ્યાને હમણાં જ મારવામાં આવશે. તેઓ મન ફાવે એમ તોડફોડ કરતા અંદર પહોંચી ગયા. આખું ઘર શોધી લીધું પણ વિદ્યા કશેય ના દેખાય. 

જે ન્યૂઝની વાટ જોવાતી હતી એ આવ્યા જ નહિ. ઈન્સ્પેક્ટરના ફોનમાં ફોન આવ્યો અને તેના માથામાં પસીનો બાજી ગયો. ફોન રાખી એણે નિકુંજ સામે જોયું અને પૂછ્યું, "એ લોકોએ આખા ઘરમાં જોયું. વિદ્યા નથી. એક મિનિટ પહેલા જ તો પહેલા માળ પર દેખાય રહી હતી. અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ?" 

સાંભળીને નિકુંજ હસતા લુચ્ચાઈ પૂર્વક બોલ્યો, "શું વાત કરો છો ઈન્સ્પેકટર! વિદ્યા નથી?" તે હસવા લાગ્યો અને બોલ્યો, "ઘરના દરેક સભ્યને છૂટા પાડી ખરો મોકો શોધીને પણ વિદ્યા તમારે હાથ ના લાગી! રોનીને કહેજે કે આ વખતે એ એકલી નથી. તને શું લાગે છે? ખેલ ખેલતા માત્ર રોનીને આવડે છે. હુંહ... રમત તો હજુ શરુ થઈ છે. ક્યાંક એનો દાવ ઉલ્ટો ના પડે એનું ધ્યાન રાખજો." 

એ આરામથી બેસી ગયો. બીજી બાજુ એના માણસો વિદ્યાના ઘરના એક એક ખૂણા ચકાસી રહ્યા હતા. પણ એ ક્યાં અને કેવી રીતે ચાલી ગઈ એની જાણ કોઈને ના થઈ.