28. વાડ વગર વેલા ન ચડે
એ જાણીતી કહેવતનો અર્થ છે કે કોઈ નક્કર પીઠબળ સિવાય લોકો પોતાના સ્વાર્થની વાત આગળ વધારી શકતા નથી.
અમુક ઘટના કે ઘટનાક્રમ બને તેના મૂળમાં જઈએ તો કંઇક બીજું જ જોવા મળે.
પોતાનો સ્વાર્થ સાધવા માગતા લોકો પાછળ વાડ બની બીજાઓને ઉશ્કેરીને પરેશાની કરે છે, કરાવે છે. એ વેલાઓ વાડ વગર ચડી શકતા નથી એટલે કે એમના ઉશ્કેરણીજનક પ્રયત્નો પાછળ કોઈ બીજા જ હોય છે, જે છુપાયેલા હોય છે.
તો હું આ કહેવતને લગતી મારી વાત કરું.
હું આ મોટાં શહેરની આ ખૂબ પ્રતિષ્ઠિત સોસાયટીનો સેક્રેટરી છું. શિક્ષિત, ઉચ્ચ આવક ધરાવતા લોકોની 50 બંગલાની આ સોસાયટી છે. આસપાસની સોસાયટીઓ કરતાં અમારી સોસાયટી ઘણી સ્વચ્છ છે. વ્યવસ્થિત પાર્કિંગ થાય છે અને અંદરના રસ્તાઓ સુંદર વૃક્ષોથી શોભે છે. અહીં રહેતા લોકોમાં સારો એવો સંપ અને ભાઈચારો છે.
થોડા વખત પહેલાં સોસાયટીનો સિક્યોરિટી ગાર્ડ મને મળવા આવ્યો. એ કહે “સાહેબ, મારા ના પાડવા છતાં 25 નં. વાળા શાહ સાહેબ ગાડીને શેરીમાંથી ટર્ન મારવાની જગ્યાએ જ પાર્ક કરે છે. બીજી ગાડીઓ વાળા કહે છે એમની ગાડી શાહ સાહેબની ગાડીને ટચ કર્યા વગર નીકળે એમ નથી.”
હું શાહસાહેબને વિનંતી કરવા ગયો તો કહે “લોકોની વંડીઓ અંદર લેવરાવો કે બહાર વાવેલા આસોપાલવ ગુલમહોર કપાવો. હું મારી જગ્યાએથી ગાડી નહિ હટાવું. બાકી પાર્કિંગ માટે હું કોઈને નડતો નથી.”
મેં તેમને સમજાવ્યા કે સોસાયટીનો અંદરનો રસ્તો પણ દરેક સભ્યે ખરીદેલી પ્રોપર્ટીમાં આવી જાય છે. એનો પણ હકક છે કે વ્યવસ્થિત પાર્કિગની જગ્યા મળે અને બીજાની ગાડીને નુકસાન ન થાય એમ ગાડી બહાર પણ નીકળી શકે.”
એમનો જવાબ તૈયાર હતો - “ભાઈ સેક્રેટરી, આ ગુલમહોર કે આસોપાલવનાં થડ દીવાલને અડીને છે. એ જગ્યા ન રોકે. એની ઘટા તો 8-10 ફૂટ ઉપર હોય. છતાં થડ મને વચ્ચે આવે છે, બધાને આવતાં હશે. એનું પહેલાં કરો, પછી મને કહેવા આવો.”
અત્યારે હું દલીલ કર્યા વગર નીકળી ગયો.
વળી થોડા દિવસ થયા ત્યાં સોસાયટીનો કચરાવાળો આવ્યો. કહે કે “સાહેબ, મારે ઘર બહાર મુકેલો કચરો જ લેવાનો હોય છે. 32 નં. વાળાં હેમાબહેન કહે છે કે અમે કોથળીમાં કચરો બહાર મુકીએ તો તું ગાડીમાં નાખીને લઇ કેમ ન જાય? તારા પગારમાં ગાડીમાં કચરો નજીકની કચરાપેટીમાં લઈ જવાનું આવે છે. એ ઘરનો હોય કે બહારનો.”
મેં હેમાબહેનને કહ્યું કે કદાચ થોડો કચરો બહાર પડે તો એ તો વળાઈ જશે પરંતુ સોસાયટી સ્વચ્છ રાખવાની બધાની સંયુક્ત જવાબદારી છે. તમે કચરો બહાર ઢગલો ન કરો. સોસાયટીનો રૂલ છે કે રસ્તાઓ પર કચરો ફેંકવો નહીં.”
એમણે રોકડું પરખાવ્યું “ સેક્રેટરી સાહેબ, બધું રૂલ પ્રમાણે ન થાય. સાહેબ, સહેજ એડજસ્ટ તો કરવું પડે. આ 25 નં. વાળા શાહસાહેબની કાર વચ્ચે પડી રહીને અમને નડે છે એને તમે એડજસ્ટ કરો જ છો ને?”
એમને કચરાવાળા સાથે ને કચરાવાળાને એમની સાથે એડજસ્ટ થવા માંડ સમજાવ્યાં ત્યાં વળી કોઈએ રાતના 11 વાગે ગેઇટ બંધ કરી સવારે 5 વાગે ખોલવા પર વાંધો ઉઠાવ્યો. એ કહે અમારે રાત્રે એરપોર્ટ થી ફ્લાઇટ દોઢ વાગે આવે છે તો શું બહાર સુઈ રહેવું?
જો કે મેં સમજાવ્યું કે ચોકીદાર તો ગેટ ખોલે જ છે. પણ બસ, એમને તો ગેઇટ ખુલ્લો જ જોઈતો હતો ને બીજાઓ ને સિક્યોરિટીના કારણોસર બંધ કરાવવો હતો.
આમ રોજ સવાર પડે ને કાંઈક નવું ઊભું થાય, જે અત્યાર સુધી નહોતું થતું.
પ્રોબ્લેમો વધતાં મેં સોસાયટીની મિટિંગ બોલાવી. આટલાં વર્ષોમાં પહેલી જ વાર મિટિંગમાં અફડાતફડી મચી. મેઇન્ટેનન્સના વર્ષે વીસ હજાર વધુ છે બાજુની સોસાયટીમાં પંદર હાજર છે, તેઓ ઘેર ઘેર કચરો પણ ઉપાડે છે, લાઈટો શેરી દીઠ 3 ઓછી છે, ગાર્ડ ઉદ્ધત છે, પેવર ના પૈસા ક્યાં ગયા, સેક્રેટરી તથા પ્રમુખ જઈએ ત્યારે મળતા નથી… વગેરે એક પછી એક ફરિયાદો ઉઠવા લાગી. જો કે મેં કહ્યું કે હું સેક્રેટરી તરીકે રાત્રે 11 વાગે કે સવારે 6 વાગે પણ ફોન લઉ છું. છતાં ચારે બાજુ આક્ષેપબાજી અને હો હા થઇ પડી.
+++
આટલા સંપ વાળી અને સુશિક્ષિત લોકોની સોસાયટીને શાનું ગ્રહણ લાગ્યું? એમાં પણ મારૂં વ્યક્તિ તરીકે બધાને માન છે. તો શું થઇ રહ્યું છે?
મને લાગ્યું દુખે પેટ અને કુટે માથું જેવું- કઇંક બીજી જ મુખ્ય સમસ્યાને બદલે સામાન્ય સમસ્યાઓ દ્વારા દરેક પોતાનો કક્કો ખરો કરવા, બીજાઓ પર છવાઈ જવા માંગે છે. એમ કરી સોસાયટીનું વાતાવરણ બગાડવા માંગે છે.
હું પ્રમુખશ્રીને મળ્યો. એમને પણ ખ્યાલ નહોતો આવતો કે આવું અવારનવાર શા માટે થઇ રહ્યું છે.
થોડા વખતમાં પ્રમુખશ્રીનાં અનુભવી પત્ની મીરાં કાકી, જેઓ રોજ સાંજે સોસાયટીનાં ગાર્ડનમાં બેસવા જાય છે એ વાત લાવ્યાં. 18 નં. વાળા જીજ્ઞેશભાઈને બંગલાના પહેલા માળે ટ્યુશન ક્લાસ કરવા હતા. તેઓ સફળ થાય તો 15 નં. વાળાં દિપ્તીબહેન બ્યુટીપાર્લરની મોંઘા ભાડે દૂર રાખેલી જગ્યા છોડી અહીં ઘરમાં જ ધંધો કરવા માંગતાં હતાં. 15 ને 18 નંબર તો ખુબ ઘરોબો ધરાવતા સામસામેના બંગલા.
27નં. માં વળી શ્યામશરણ પંડ્યા ને જ્યોતિષ કાર્યાલય ખોલવું હતું. 25નં. વાળા શાહ સાહેબે જ કહેલું કે આપણે આપણા ઘેર બેઠાં કમાઈએ એમાં સોસાયટીમાં કોઈના બાપનું શું જાય?
અમારી કારોબારીએ જ ઠરાવેલું કે પાર્કિંગની સમસ્યા, શાંતિનો ભંગ, કચરો ફેંકવો, અજાણ્યા લોકોની અવરજવર- આ બધું ટાળવા સોસાયટીમાં કોઈને પણ ધંધો કે આર્થિક પ્રવૃત્તિ પોતાના બંગલામાં કરવા દેવી નહીં. આમાં અસામાજિક તત્વો પણ પગ કરી જાય. ટ્યુશનક્લાસમાં આવતી જતી છોકરીઓને સીટી મારતા બહારના છોકરાઓને એક વાર મેં ટપારેલા.
પરંતું જીજ્ઞેશભાઈ કે દિપ્તીબેનનાં પ્રોફેશન ચાલુ રાખવા અને વારંવાર થતી ક્ષુલ્લક ફરિયાદો વચ્ચે સંબંધ શું? મેં પ્રમુખશ્રીને પૂછ્યું. પ્રમુખશ્રીએ તુરત પકડી પાડ્યું - “આ બધાંનાં મૂળમાં શાહ સાહેબ છે. તેમને સોસાયટીનો બંગલો બારોબાર ટ્રાવેલવાળાને ભાડે આપવો હતો. તેમનું ઘર સાઈડના ગેઇટ પાસે જ છે. સોસાયટીને બહારના રસ્તે જે થાય એનો વાંધો નથી પણ કોઈને ભાડે આપવા પેટે સોસાયટીને જે વધારાની ફી આપવી પડે કે એક થી વધુ વાહન પાર્ક કરવાનો ચાર્જ વધારે આપવો પડે એનો એમને વિરોધ છે. તેમણે જ્યોતિષી શ્યામશરણને, તેમણે હેમા બહેનને, તેમણે તેઓ જ્યાં ફેસિયલ કરાવવા જાય છે તે દીપ્તિ બહેનને, એમ એક પછી એક વાંધાઓ લેવા ચડાવ્યાં.
મૂળ મુદ્દો સોસાયટીમાં ધંધો નહીં કરવાનો કે ભીડભાડ, અસ્વચ્છતા ટાળવાનો બાજુપર રહી ગયો. રોજ નવી ફરિયાદનું સમાધાન કરવામાં જો એકને જતું કરીએ તો બીજો તૈયાર જ બેઠો હોય.
મીરાં કાકીએ કહ્યું “વાડ વગર વેલા ન ચડે. આ શાહ સાહેબ પોતાના સ્વાર્થ માટે બધાને ઉશ્કેરે છે. તો આમાંનું કાંઈ જ્યાં સુધી એમને વશમાં નહીં લઈએ ત્યાં સુધી થઈ શકશે નહીં.”
મેં તથા પ્રમુખશ્રીએ શાહસાહેબને પાર્કિંગ અંગે નોટિસ ફટકારી અને ભાડે આપે તો પોલીસ વરીકેશન, સોસાયટીને જાણ વગેરે અંગે તાકીદ કરી. શાહસાહેબને અહીં દાળ ગળશે એમ લાગ્યું નહીં. પોતાનું હવે ચાલશે નહીં એમ લાગતાં બાજુની સોસાયટીમાં બંગલો લઇ લીધો અને ટ્રાવેલનો ધંધો ત્યાં શરુ કર્યો.
અમે પણ તેઓ ટ્રાન્સફર ફી ભરે પછી જ કાગળ આપવાનો આગ્રહ રાખ્યો.
શાહસાહેબ ગયાને પછી હેમાબહેન કે દીપ્તિ બહેન તરફથી કોઈ નવી ફરિયાદ થઈ નહીં.
શ્યામશરણજી નજીકના ગેરેજમાં જ્યોતિષ કાર્યાલયનું પાટિયું મારી બેસી ગયા.
સોસાયટીમાં ફરી શાંતિ પ્રવર્તી રહી.
વાડ જ ન રહી તો પછી વેલા તો કરમાઈ જ જાય ને?
***