હંમેશા બધી વાતમાં હા પાડનારી મારી વહાલી મમ્મી આજે જીદે ચડી હતી. કોઈ વાતે માનવાને તૈયાર ન હતી. સુહાની હારી થાકીને ખાટલામાં ઉંધે મોઢે પડી રડી રહી હતી.
મમ્મીના પેટનું પાણી પણ હાલતું ન હતું. પપ્પા હજુ ઓફિસથી આવ્યા ન હતા. પપ્પા ઘરમાં ન આવે ત્યાં સુધી, સુહાની રૂમ બહાર નહી આવે, તેવું મનમાં વિચારી રહી. આજે તેને રડવાનો થાક લાગ્યો. રડવાની બહુ આદત ન હતી. રડૅ પણ શાને માટે. મમ્મી તેમજ પપ્પા કોઈ વાતની ના પાડતા નહી.
સુહાનીનું વર્તન ખૂબ સુંદર હતું. આજે એવું તો શું બનાઈ ગયું કે મમ્મી હા પાડતી ન હતી. આખરે સુહાની થાકી. ક્યારે તેની આંખ બંધ થઈ ગઈ અને સપનની દુનિયામાં પ્રવેશી ગઈ. જુવાનીમાં સ્વપના પણ એના આવે જેને આપણે ખૂબ પ્રેમ કરતા હોઈએ . સ્વાનામાં ગુલતાન સુહાની પપ્પા બારણું ખટખટાવતા રહ્યા હતા તે સાંભળી ન શકી .
‘સુહાની, સુહાની બેટા’ પપ્પાની રાડ સાંભળી સુહાની ઉભી થઈ અને બારણું ખોલ્યું.
‘શું પપ્પા આટલી મોટેથી રાડ પાડવાની’ ? મારું સ્વપનું ભંગ થઈ ગયું.
‘વાહ ઉપરથી ચોર કોટવાલને ડંડે’. ક્યારનો બારણું ખટખટાવું છું. આવીને જો ટેબલ પર જમવાની થાળી ઠંડી થઈ ગઈ. ‘
‘માફ કરજો પપ્પા તમને હેરાન કર્યા.’ મમ્મીની સામે જોયું પણ નહી. મમ્મીએ પપ્પાને આવતાની સાથે વાત સમજાવી હતી. બાપ દીકરી મોજથી જમી રહ્યા હતા. મમ્મી ગરમ રોટલી બનાવી બંનેને પ્રેમથી પિરસતી હતી. સુહાની ખાતી હતી મસ્તીથી પણ મમ્મીની સામે જોતી નહી.
છેલ્લી રોટલી લઈ મમ્મી ટેબલ પર જમવા બેઠી. જેવી મમ્મી બેઠીકે સુહાની, ‘મારું પેટ ભરાઈ ગયું કહીને ઊભી થઈ ગઈ. મમ્મી અને પપ્પા બંને કંઇ પણ બોલ્યા વગર જમી રહ્યા.
પપ્પા જમીને બહાર વરંડામાં આવ્યા. મમ્મી બાઈને કામ બતાવી રહી હતી.
‘પપ્પા, હું મમ્મી સાથે નથી બોલવાની’ ?
‘શું થયું કે તો ખરી”?
‘પપ્પા, મમ્મી મને હા નથી પાડતી’
‘શાને માટે, કહે તો ખબર પડે’.
‘પપ્પા, તમે મમ્મીને જ પૂછી જુઓને’ !
‘મારે તારે મોઢેથી સાંભળવું છે. મમ્મીને કદાચ બધું બરાબર યાદ ન હોય .’
‘પપ્પા, તમે કોઈ દિવસ પિકનિક પર જવાની ના પાડી નથી. આ વખતે અમે સહુ જાપાન જવાનું નક્કી કર્યું છે. માત્ર પંદર દિવસ માટે. આમારા વર્ગના ૧૦ છોકરાઓ અને ૧૫ છોકરીઓ. કોલેજનું છેલ્લું વર્ષ છે. મમ્મી હા પાડતી નથી’.
‘બેટા તું ઓળખે છે તારી મમ્મીને. ના પાડવા પાછળ્નું કોઈ કારણ જરુર હશે. ‘
‘પપ્પા હવે હું કાંઈ નાની નથી. મને બધી સમજ પડે છે. ‘
‘ હા, બેટા તારા પર વિશ્વાસ છે. કિંતુ તારા વર્ગના તારા બધા મિત્રો પર વિશ્વાસ કરવો યોગ્ય લાગતો નથી. કારણ તો તને પણ ખબર છે. જો તારે જાપાન જવું હોય તો પરીક્ષા પછી આપણે ત્રણ સાથે ફરી આવીશું. હવે સુહાની શું બોલે ! પપ્પા પણ મમ્મીની ગાડીમાં બેસી ગયા હતા.
બે દિવસ મોઢું ચડાવીને ફરી. પછી સમજી ગઈ ,દાળ નહી ગળે,એટલે સીધી થઈ ગઈ. બધા મિત્રો ફરીને પાછા આવી ગયા. ફરવાની મજા આવી. એવી વાતો સાંભળી સુહાની દુખી થતી.
બે મહિના પછી ખબર પડી, ત્રણ છોકરીઓ ‘મા’ બનવાની હતી.
સુહાની છળી મરી !