આજકાલ ભારત દેશમાં છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. પહેલાંના વખતમાં જીવનમાં એક જ વખત લગ્ન કરતા હતા, પછી તેને આખી જિંદગી નિભાવતા. પણ મોડર્ન યુગમાં ભણતર ઊંચું ગયું અને સાથે સાથે ગણતર નીચું ગયું છે. પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ વધી ગયો છે, જ્યાં ચાર વખત ડિવોર્સ લેવાનું સામાન્ય ગણાય છે. વિદેશમાં ઊંચું ભણતર મેળવવા ગયા અને દેખાદેખીથી ત્યાંના સંસ્કાર અહીં લઈને આવ્યા. તેમાંય ટી.વી, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઝડપી યુગમાં વેસ્ટર્ન વર્લ્ડના વાયરા ભારતમાં આવ્યા અને ડિવોર્સનું કલ્ચર પેઠું. એટલું જ નહીં, સ્ત્રી-પુરુષમાં સમાનતા હોવી જોઈએ એવી માન્યતાને કારણે પતિ-પત્નીમાં એકબીજા પ્રત્યેના આદરનું સ્થાન અહંકારે લઈ લીધું. પતિ-પત્ની એક જ કલાક માટે જો એકબીજા સાથે ઝઘડ્યા હોય તો પણ ડિવોર્સ માટે વિચારવાનું શરૂ કરી દે છે. સમય જતાં, જેમ ઘર્ષણ વધે છે તેમ ડિવોર્સ લેવાનો તેઓનો આ વિચાર વધુ તીવ્ર થાય છે અને એક બીજમાંથી મોટું વૃક્ષ બની ઊભું રહે છે. પરિણામે આજકાલ ફટાફટ ડિવોર્સ લેવાના કિસ્સા બને છે. શું છુટાછેડા એ મનની શાંતિ પાછી મેળવવા માટેની ચાવી છે? વાસ્તવિકતા જઈએ તો ડિવોર્સને અંતે કોઈ સુખી થતું નથી. ઊલટું કુટુંબમાં બધા દુઃખી થાય છે.
ડિવોર્સના કારણો ઘણીવાર એટલા નજીવા હોય છે કે સાચી સમજણથી તેને નિવારી શકાય. પણ સાચી સમજણ મેળવવી ક્યાંથી? દુનિયામાં આદર્શ પતિ કે પત્ની બનવા માટે ન કોઈ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે કે ન કોઈ સર્ટિફિકેટ કોર્સ ઉપલબ્ધ છે.
જુદી જુદી પ્રકૃતિ અને અથડામણ
પતિ-પત્ની દિવસ-રાત એકબીજાની જોડે રહે છે. કુદરતનો નિયમ એવો જ હોય કે બે વિરોધી વિચારસરણીવાળા જ એક ઘરમાં ભેગા થાય. પતિને બહાર ફરવાનું ગમે, તો પત્નીને ઘરમાં રહેવાનું. પતિને ચા ભાવે તો પત્નીને કૉફી, પત્નીને પિઝ્ઝા ખાવા હોય તો પતિને ખીચડી. પરિણામે અથડામણ અને ઝઘડા ઊભા થાય છે. દુનિયામાં ભાગ્યે જ એવા કોઈ પતિ-પત્ની મળશે જેમના દરેક વિચારો, દરેક પસંદ, દરેક મત એકબીજાને મળતા આવે. એમાંય સ્ત્રી અને પુરુષ બંનેનું બંધારણ જ જુદું જુદું હોય એટલે એમના પ્રાકૃતિક ભેદો રહેવાના જ. ત્યારે બેમાંથી એક જતું કરે, સામાને એડજસ્ટ થઈ જાય તો સંસાર નભે. પણ રોજેરોજ થતી નાની અથડામણો મોટું સ્વરૂપ લઈ લે ત્યારે વાત વણસે છે.
મતભેદ અને મનભેદ
દરેક વ્યક્તિ પાસે પોતાનો વ્યૂ પોઈન્ટ હોય છે, અને દરેક પોતાના વ્યૂ પોઈન્ટથી જે વાત દેખાય તેને સાચી ઠરાવવા પોતાની વાતનો આગ્રહ રાખે છે. પણ સંબંધોમાં જ્યારે મતભેદ બહુ વધી જાય ત્યારે ઝઘડા વધે છે અને છેવટે વાત અબોલા ઉપર આવી જાય છે. પતિ-પત્નીના જીવનમાં આવા નાના-નાના મતભેદની એક-એક ઈંટ મૂકાતી મૂકાતી બંને વચ્ચે આખી દીવાલ ઊભી થઈ જાય છે. પોતાના વ્યૂ પોઈન્ટની ખેંચમાં ને ખેંચમાં સંબંધ તૂટી જાય છે! મતભેદ થાય ત્યાં સુધી ચલાવી લેવાય પણ એ વધીને મનભેદ થઈ જાય, બેઉના મન જુદાં પડી જાય તો મુશ્કેલી સર્જાય છે. પછી વાત ડિવોર્સના આરે આવીને ઊભી રહે છે.
મોટી ઉંમરે લગ્ન
આજકાલ યુવાનો ત્રીસની ઉંમર વટાવી જાય પછી લગ્ન કરવાનું પસંદ કરે છે. કારણ કે ભણવામાં, કમાવામાં, કરિયર બનાવવામાં, એમ પોતાની મહત્વાકાંક્ષા પાછળ જીવનનાં વર્ષો હોમાઈ જાય છે. એટલું જ નહીં, આજકાલ લગ્ન પહેલાં બધા અનુભવો લેવાનો સિલસિલો ચાલુ થયો છે, એટલે પોતાને યોગ્ય જીવનસાથીની શોધમાં મોડું થઈ જાય છે. જેમ જેમ ઉંમર વધે તેમ જીવનના દરેક પાસા માટેના પોતાના અભિપ્રાયો મજબૂત બને અને બીજા સાથે એડજસ્ટ થવાની, સહન કરવાની, જતું કરવાની શક્તિ ઘટે. પછી નાની ખીટપીટ મોટું સ્વરૂપ લઈ લેતાં એકબીજા સાથે નભાવવું મુશ્કેલ લાગે અને લગ્નમાં ભંગાણ પડ્યા વગર રહે નહીં.
ફ્રેન્ડશીપનો અભાવ
પતિ-પત્ની લગ્ન પહેલાં કદાચ એકબીજાના મિત્ર તરીકે રહેતા હોય. પણ લગ્ન પછી વર્ષો જતાં એકબીજા માટે બંધાયેલા નેગેટિવ અભિપ્રાયો, દિલ પર કોતરાઈ ગયેલી નોંધ, અપેક્ષાઓ અને આક્ષેપોનો બોજો વધે છે. પરિણામે એકબીજાના દોષ જોવાનું અને એકબીજાને દુઃખ આપવાનું વધે છે. પતિ-પત્ની કમ્પેનિયન તરીકે રહે તો લગ્નજીવન દીપે. જેમ કોઈ વ્યક્તિ સાથે ફ્રેન્ડશીપ ટકાવી રાખવી હોય તો આપણે એની સાથે એડજસ્ટ થઈને રહીએ, એની થોડીઘણી નબળાઈઓ ચલાવી લઈએ. જો એવું ના કરીએ તો ફ્રેન્ડશીપ તૂટી જાય. એક ફ્રેન્ડની જેમ પતિ-પત્નીમાં સુમેળ રાખીએ તો ક્લેશ ઘટી જાય.
લગ્નેતર સંબંધો
આજકાલ સમાજમાં લગ્નેતર સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર)નું પ્રમાણ વધ્યું છે, જે છૂટાછેડાનું મોટું કારણ બન્યા છે. ઘરમાં કંકાસ વધે પછી બહાર બીજા પાત્ર પાસેથી થોડું આશ્વાસન મળતાં ત્યાં રાગથી જોડાઈ જવાય છે. તો ઘણીવાર પતિ કે પત્ની કોઈ કારણ વગર અન્ય વ્યક્તિના પરિચયમાં આવે અને આડા સંબંધો બાંધે છે. પરિણામે લગ્નજીવનમાં એકબીજાને વફાદાર નથી રહેતા. પોતાના પતિ કે પત્નીના આવા સંબંધ છે તેની જાણ થાય પછી લગ્નજીવન નભાવવું મુશ્કેલ થઈ પડે છે. પતિ કે પત્નીના લગ્નેતર સંબંધ હોય, પતિ દારૂડિયો હોય અને ઘરે આવીને મારપીટ કરી પૈસા પડાવી લેતો હોય, એવા સંજોગોમાં ડિવોર્સ બંને માટે હિતકારી રસ્તો સાબિત થાય છે.