સગાઈ
બપોરનું તમામ કામ પતાવી નીતાબેન કેવિનનાં મમ્મી પપ્પા સાથે નિરાંતે બેઠા છે. તેમના મગજમાં કેવિન અને માનવીની સગાઈની વાત ચાલી રહી છે. તેઓ કેવિનનાં મમ્મી પપ્પા આગળ વાત કહેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે પણ ખબર નહિ અંદરથી એક ગભરામણ થઈ રહી છે. તે મૌન બનીને બેઠા છે.
"શું થયું નીતાબેન કંઈ ચિંતામાં દેખાવ છો." કેવિનની મમ્મી નીતાબેનનાં ચહેરા પર ખેંચાયેલી રેખાઓ જોઈને એમ જ પૂછી નાંખે છે.
"હા.. ના ના એવું કંઈ નથી. બસ એમ જ.." નીતાબેનને કેવિન અને માનવીની સગાઇની વાત કહેવી છે પણ તેમનું મન સંકોચાઈ રહ્યું છે.
કેવિનનાં ધબકારા વધતા જાય છે.
"હું શું કહેતી હતી." નીતાબેન કેવિનની મમ્મી સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે.
"હા કહો."
"હું એમ કહેતી હતી કે મારી દીકરી માનવી તમારા કેવિનને પસંદ કરે છે." નીતાબેનને આટલુ બોલતા બોલતા તેમના ચહેરા પરસેવો વળી જાય છે. તેમના પણ ધબકારા વધી જાય છે.
આ વાત કેવિનનાં કાને પહોંચતા તે ક્રોધે ભરાઈ જાય છે. તે પોતાનો ડાબો હાથ જોરથી પલંગ પર પછાડે છે.
"નીતા તે આ શું કર્યું? હું માનવીને નહીં તને પસંદ કરું છું." કેવિન મનોમન બબડે છે, પણ તે ગુસ્સાને કંટ્રોલ કરીને તેનાં મમ્મી પપ્પાનો જવાબ સાંભળવાની રાહ જોવે છે.
નીતાબેનની વાત સાંભળીને કેવિનનાં મમ્મી પપ્પા એકબીજા સામે નજર કરીને થોડીકવાર માટે મૌન થઈ જાય છે.
માનવી ચુપચાપ આ બધું જોઈ રહી છે. નીતાબેનને મનમાં એવું થાય છે કે મેં માનવીની સગાઇની વાત છેડીને કોઈ ભૂલ તો નથી કરીને.
"માનવી ભીંડીની સબ્જી બનાવતા આવડે છે?" કેવિનની મમ્મી સવાલ પૂછે છે.
"હા "માનવી માથું ધુણાવે છે.
"અમદાવાદ મૂકીને સુરતમાં રહેવાનું થશે તો તને ફાવશે ને?" કેવિનનાં પપ્પા માનવીને સવાલ પૂછે છે.
માનવીને તેમના સવાલમાં સમજણ ના પડી હોય તેમ તેનાં ચહેરા પર એક મૂંઝવણની રેખાઓ દોરાઈ જાય છે. કે કેવિનનાં પપ્પા શું બોલી રહ્યા છે.
"અરે તને એમ પૂછું છું કે તું સુરતમાં રહેવા તૈયાર છે ને." કેવિનનાં પપ્પા હસવા લાગે છે.
માનવીનાં ચહેરા પર એક ખુશીઓનું મોજું ફરી વળે છે. નીતાબેનનાં ચહેરા પર પણ આનંદ દેખાઈ આવે છે.
"એટલે તમને માનવી પસંદ છે ને?" નીતાબેન કેવિનનાં મમ્મી પપ્પા સામે જોઈને પૂછે છે.
"જબ મિયાં બીવી રાજી તો ક્યાં કરેગા કાજી." કેવિનનાં પપ્પા વાત પર પોતાનો સિક્કો લગાવતા બોલે છે.
"મને પૂછ્યા વગર આમને મારી સગાઈ માનવી સાથે નક્કી કરવાની પરવાનગી કોને આપી?" કેવિન મનોમન પોતાના મમ્મી પપ્પા પર ગુસ્સે થઈ રહ્યો છે.
"માનવી તને કેવિન પસંદ છે ને?" કેવિનની મમ્મી સહજ પૂછે છે.
માનવી માથું નીચે કરી હકારમાં ધુણાવે છે.
"એકવાર આપણ રાજકુમારને પણ પૂછવું પડશે ને?" કેવિનનાં પપ્પા તેની મમ્મીને કહે છે.
"મને મારા દીકરા પર પૂરો ભરોસો છે કે તે મારી વાત નહિ ટાળે. અને આમ પણ આવી દિવા જેવી દીકરી ગોતવા જઈશું તો પણ નહીં મળે." કેવિનની મમ્મી માનવી સામે જોઈને માનવીનાં વખાણ કરી રહી છે.
નીતાબેન કેવિનની મમ્મી વાત સાંભળીને મનોમન બબડે છે કે કાશ તમારી વાત સાચી સાબિત થાય. કેવિન માનવી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય. નીતાબેનને એકવાતની ખુશી પણ થઈ રહી છે કે કેવિનનાં મમ્મી પપ્પા માનવી અને કેવિનની સગાઈ માટે માની ગયાં. બીજી બાજુમાં મનમાં ચિંતા પણ થઈ રહી છે કે કેવિન જો આ વાતને નહિ માને તો??? હજુ પણ તેમના મનને કળ નથી વળી.
"છતાંય આપણે એકવાર કેવિનને પૂછી જોઈએ તેનું શું કહેવું થાય છે?" કેવિનનાં પપ્પા કેવિનની મમ્મીને કેવિન સાથે એકવાર વાત કરી લેવાની સલાહ આપે છે.
"શું તમે પણ વારેઘડીયે કેવિનને પૂછવાનું? કેવિનને પૂછવાનું? મને પૂરો વિશ્વાસ છે કેવિન ના નહીં જ પાડે." કેવિનની મમ્મી કેવિનનાં પપ્પાની વાત સિરિયસલી લેતી નથી.
કેવિન અંદર રૂમમાં ગુસ્સેથી ગરમ થઈ રહ્યો છે.
"નીતા તું મને પ્રેમ કરે છે તો પછી તે મારી સગાઈ માનવી સાથે કેમ કરવાનું વિચાર્યું?" કેવિન મનોમન બબડે છે.
"લો પહેલું કહેવાય છે ને કે જે થાય છે સારા માટે થાય છે. તે સાચું છે. કેવિનને જયારે 6 મહિના માટે અમદાવાદ આવવાનું થયું ત્યારે હું તેનાં માટે છોકરી શોધવાની કેટલી મથામણ કરતી રહેતી. અને તે છુપરુસ્તમ અમદાવાદમાં નોકરી સાથે છોકરી પણ મેળવી લીધી. શું ભગવાનનાં ખેલ છે?" કેવિનની મમ્મી ભગવાનનો આભાર માની રહી છે.
"ચાલો નીતાબેન મોં તો મીઠું કરાવો આ વાત પર. પેડા નહિ તો ગોળ ખવડાવો."
"હા લાવી." નીતાબેન ગોળઘાણા લાવીને કેવિનનાં મમ્મી પપ્પા આગળ ધરે છે.
ત્યાં કેવિન રૂમમાંથી બહાર આવે છે.
" એક મિનિટ ઉભા રહો. "
ક્રમશ :