' ગર્ભપાત ' - ૧.
( નોંધ:- આ વાર્તાનું કથાનક સત્ય ઘટના પર આધારિત છે, પરંતુ પ્રસ્તુત વાર્તામાં સ્થળ, સમય અને પાત્રોના નામ સાથે કોઈને સીધો સંબંધ નથી.)
" મમતા બેટા અહિં આવ તો..." મમતાના સાસુ એવા માહીબાએ પોતાની પુત્રવધુ એવી મમતાબાને બોલાવી.
મમતા વરંડામાં બેઠેલા સાસુ પાસે આવીને બેઠી. મમતાબાને રાજસ્થાની બાંધણીનો પહેરવેશ બહુ પસંદ હતો તેથી એ સાસરીમાં પણ મોટે ભાગે રાજસ્થાની બાંધણીના ડ્રેસ અને સાડી પહેરતાં
" પ્રતાપ આવ્યો કે નહીં? આજે કેમ મોડું થઈ ગયું એને ક્યાંય બહાર જવાનો હતો કે? " માહીબાએ મમતાને પોતાના દિકરા વિશે પૂછ્યું..
પ્રતાપસિંહ જે મમતાબાના પતિ હતા તે આમ તો પોતાની બા કે પત્નીને મોટે ભાગે કંઈ જણાવીને ન જતા, એનો આવવા જવાનો સમય ફિક્સ ન હોય. સ્વભાવ પણ જિદ્દી અને ગુસ્સાવાળો તેથી તેને બહુ કોઈ પૂછતાછ કરતું નહીં..
પ્રતાપસિંહના બાપુ અને મહેશ્વરીબા ( જેને માહીબા કહેતાં ) ના પતિ એવા શક્તિસિંહનું થોડાં વર્ષો પહેલાં હાર્ટ એટેકના લીધે મૃત્યુ થયું હતું. પ્રતાપસિંહના નાના ભાઈ મંગલસિંહનું પણ ૧૦ વર્ષની ઉંમરમાં અકાળે અવસાન થયું હતું..
રાજસ્થાનનું રણપ્રદેશના કિનારા પાસે આવેલું એ છત્તરપુર ગામ. આઝાદી મળ્યાને દસ - બાર વર્ષો વિતી ગયાં છતાં એ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં હજુ પણ રાજાશાહીના રીત રિવાજ અને નિયમો પળાતા હતા. ગામના મોટાભાગના લોકો મજૂરી કામ કરતા અને સિમેન્ટની ફેક્ટરીમાં કામ કરતા. શિક્ષણનો વ્યાપ હજુ સુધી અહીં ફેલાયો નહોતો. મોટા પરિવાર કે પૈસાદાર લોકોના બાળકો જ બહાર ભણવા જતા.
છત્તરપુરમાં શક્તિસિંહની રાજાશાહી વખતની હવેલી હતી. શક્તિસિંહ પોતે રાજાશાહી વખતમાં આજુબાજુના ૧૫ ગામનો વહીવટ સંભાળતા હતા. શક્તિસિંહે આઝાદી મળ્યા બાદ છત્તરપુરમાં સિમેન્ટની ફેક્ટરી બનાવવાનું નક્કી કર્યું. સિમેન્ટની ફેક્ટરીનું કામ શરૂ થયાનાં બે મહિનામાં શક્તિસિંહનું મૃત્યુ થયું. શક્તિસિંહના મોટા પુત્ર પ્રતાપસિંહે એ પછી ફેક્ટરીનું કામ આગળ ધપાવ્યું..
બે વર્ષ પહેલાં જ પ્રતાપસિંહના લગ્ન બિજનૌરની રાજકુંવરી મમતાબા સાથે થયાં હતાં. મમતાબાએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હતો. પ્રતાપસિંહ પણ ઠીકઠાક ભણેલા હતા.
છત્તરપુર ગામ અને આજુબાજુના ગામોમાં હજુ પણ પ્રતાપસિંહ અને તેના પરિવારની રાજાશાહીની જેમ માલીકોમાં ગણતરી થતી હતી. તેમનો પરિવાર કે પ્રતાપસિંહ જ્યારે આજુબાજુના ગામોમાં જાય ત્યારે લોકો તેમને હાથ જોડીને માનભેર આદર આપતા.
પ્રતાપસિંહ મોટેભાગે ફેક્ટરી પર રહેતો. છત્તરપુર અને બીજા ઘણાં ગામોમાં તેમની જમીન હતી એટલે ક્યારેક ત્યાં પણ આંટો મારવા જતો. દર બે ત્રણ દિવસે ફેક્ટરી પર શરાબની મહેફિલ રહેતી જેમાં આસપાસના ગામોમાં રહેતા રાજવી પરિવારના તેમના મિત્રો આવતા.
શક્તિસિંહની મોટી હવેલીમાં હવે પ્રતાપસિંહ, તેની બા માહીબા, તેની પત્ની મમતાબા આ ત્રણ જ મુખ્ય વ્યક્તિઓ હતી. બીજા ત્રણ - ચાર નોકર અને એક હવેલીનો રખેવાળ ભીમો હતાં. એ સમયમાં અને વર્તમાનમાં પણ રાજપૂત પરિવારની સ્ત્રીઓના નામ પાછળ 'બા' શબ્દ જોડીને તેનું નામ માનભેર બોલાતું. નાની છોકરી હોય તો પણ એનાં નામ પાછળ 'બા' બોલવામાં આવતું.
માહીબાએ જ્યારે પોતાના પતિ પ્રતાપસિંહ વિશે પૂછ્યું ત્યારે મમતાબાએ કહ્યું, " એ તો ફેક્ટરી પર હશે બસ હવે આવવા જોઈએ. " મમતાબાએ ટુંકો ઉત્તર આપી દીધો કારણકે એ ક્યારે આવે તેનું નક્કી ન હોય. દારૂની મહેફિલ હોય તો સવારે પણ આવે. પણ, મમતા આ વિશે પોતાના સાસુને ક્યારેય કંઈ કહેતી નહીં. એ પોતે એક ખાનદાન પરિવારની રાજકુમારી હતી, નાની નાની બાબતોમાં માથું મારવાની કે બોલવાની તેની આદત નહોતી. તે પ્રતાપસિંહ અને પોતાના સાસુ માહિબાનું બહુ માન રાખતી.
પ્રતાપસિંહ દારૂ પીને રાત્રે હવેલી પર આવે અને નશામાં ક્યારેક મમતાબાને ગાળો બોલે તો પણ તે એક હરફ સુદ્ધાં ન ઉચ્ચારે. પ્રતાપસિંહને પોતાના હાથે જમાડે. છતાં પણ પ્રતાપસિંહના સ્વભાવ કે તેના આચરણમાં ક્યારેય સુધારો આવતો નહીં.
" મમતા તું હવે માં બનવાની છે એટલે હવે પછી વધુ ધ્યાન રાખવાનું છે. આપણાં ખાનદાનમાં જન્મ લેનારાં બાળકની બહુ સાવચેતી રાખવાની છે. " માહીબાએ મમતાને પોતાની પાસે બેસાડીને સમજાવતાં કહ્યું.
" જી, બા. હું ધ્યાન રાખીશ.." મમતાએ જવાબમાં કહ્યું.
" તારે આમ તેમ આંટા ફેરા કરવા બાકી કંઈ કામકાજ હોય તો રૂપી, ચંપા, વજશી અને સાવિત્રી તો છે જ ને. તારે બને ત્યાં સુધી કંઈ કામકાજ કરવાનું જ નહીં. " માહીબાએ આદેશાત્મક સ્વરે કહ્યું જેનું મમતાએ હકારમા માથું ધુણાવ્યું.
સાવિત્રી પોતાના બાળપણની સહેલી હતી. તેના નાની ઉંમરમાં લગ્ન પણ થઈ ગયેલાં પણ તેના ઘરવાળાનું તાવ આવવાને લીધે લગ્નના ત્રણ વરસમાં જ અવસાન થઈ ગયું હતું. તેને કોઈ સંતાન પણ નહોતું અને એ સમયમાં વિધવાના ફરી લગ્ન કરાવવાની માન્યતાનો કોઈ સ્વિકાર ન કરતું. વિધવા સ્ત્રીઓને સમાજની ઘણી ગેરમાન્યતાઓના લીધે ખૂબ સહન કરવું પડતું. મમતાબા પોતાની ખાસ બહેનપણી એવી સાવિત્રીને પોતાની સાથે છત્તરપુર લાવી હતી જેથી પોતાને અને સાવિત્રીને ક્યારેય એકલું ન લાગે.
રાજવી પરિવારો પણ કુરિવાજોથી બાકાત ન હતાં. માહીબાએ એક વિધવા અને વાંઝણી સ્રીને પોતાની હવેલીમાં રાખવા બાબત વિરોધ કરેલો પરંતુ મમતાબાની જીદ આગળ તેને કડવો ઘૂંટડો ગળે ઉતારવો પડેલો છતાં સાવિત્રીને હંમેશા તે ઘૃણા અને નફરતના ભાવથી જ બોલાવતાં.
પોતે માં બનવાની છે એ વાતની જાણ જ્યારે મમતાબાને થઈ ત્યારે તે બહુ ખુશ થઈ. સૌથી પહેલાં આ ખુશ ખબરી પ્રતાપસિંહને જણાવી પરંતુ પ્રતાપસિંહે જોઈએ એવો પ્રતિભાવ ન આપ્યો, ' સારું, ધ્યાન રાખજે ' એટલું કહીને તેણે વાત વાળી લીધી હતી.
માહીબાને પોતે દાદી બનવાની છે એ વાતની ખુશી તો થઈ પણ બીજા કંઈક અલગ ભાવ પણ તેના ચહેરા પર તરી આવ્યા હતા.
એક પછી એક ત્રણ મહિના પસાર થઈ ગયા. ડોક્ટર પાસે ચેકઅપ કરાવવાનું હતું એટલે મમતાએ દવાખાને જવાની વાત માહીબાને કરેલી.
" હું પ્રતાપને કહીશ એટલે એ તેના એક ડોક્ટર મિત્ર છે એની જોડે વાત કરી લેશે પછી તમે બંને જઈ આવજો. " માહીબાએ મમતાને થોડી ધીરજ રાખવા કહેલું.
એ દિવસે સાંજે સાત વાગ્યે પ્રતાપસિંહ પોતાની રાજાશાહી વખતની ખુલ્લી જીપમાં હવેલી પર આવ્યો. માહીબાએ વજશી દ્વારા સાંજનું જમવાનું પતાવીને પ્રતાપસિંહ પોતાને મળે એવો સંદેશો મોકલ્યો.
સાંજનું વાળુ પતાવીને પ્રતાપસિંહ ઉપર આવેલા માહિબાના કક્ષમાં ગયો. માહિબાના રૂમની બહાર એક વિશાળ ખંડ હતો જેમાં બેઠકો થતી. દિવાલ પર પોતાની ભૂતકાળની પેઢીઓની ઝાંખી કરાવતા રાજાઓના મોટા ફોટાઓ હતા. શિકાર કરેલા પ્રાણીઓના મ્હોંરાઓ હતાં. જૂનું રાચરચીલું અને મૂર્તિઓ બહુ કિંમતી હતાં. માહીબાનો એ બેઠક ખંડ અને કક્ષ એમના અમીરપણાની ચાડી ખાતાં હતાં.
પ્રતાપસિંહ બેઠક ખંડમાં આવ્યો એટલે માહિબાએ એને બેસવા માટે કહ્યું. પ્રતાપસિંહ માહિબાની સામેના સોફા પર ગોઠવાયો.
" જી, બા તમે મને બોલાવ્યો? શું કંઈ વાત છે? " પ્રતાપસિંહે તરત મુદ્દા પર આવીને પૂછ્યું."
મમતાને ત્રીજો મહિનો શરૂ થઈ ગયો છે. હવે એને તારા ડોક્ટર મિત્ર પાસે લઈને જવાનું છે અને એના ગર્ભમાં દિકરો છે કે દિકરી એ જાણવાનું છે." માહીબાએ પ્રતાપસિંહને આદેશાત્મક સ્વરે કહ્યું.
"જી, બા. હું કાલે જ મારા ડોક્ટર મિત્ર ધવલ દવેને મળી લઉં છું. " પ્રતાપસિંહે જવાબ આપતાં કહ્યું.
" આપણાં ખાનદાનની પરંપરાની તો તને ખબર જ છે, લગ્ન પહેલાં તને બધું જણાવી દીધું છે. પેઢીઓથી આપણે ત્યાં દિકરાઓ થતા આવ્યા છે. બે દિકરાઓ પછી જો દિકરી હોય અને વંશના જ્યોતિષ આદેશ આપતા તો જ દિકરીનું પાલન પોષણ થતું બાકી દૂધ પીતી કરી નાખવામાં આવતી. " માહીબાએ પ્રતાપસિંહને ફરી યાદ કરાવતાં હોય એ રીતે કહ્યું.
" જી, બા. હું આપણાં ખાનદાનની એ પરંપરા ને જાણું છું. મમતા આમ તો બહુ ભણેલી ગણેલી છે છતાં એણે આપણાં રીત રિવાજોનું પાલન કરવું જ પડશે. " પ્રતાપસિંહે મક્કમ સ્વરે કહ્યું.
" એ બધું તો ઠીક છે પણ હવે દૂધ પીતી કરવાના રિવાજો નથી. જો એવું કરીએ તો સમાજમાં અને આસપાસના ગામોમાં આપણી ઈજ્જત ન રહે એટલે ન કરે નારાયણને દિકરી હોય તો પછી આગળ શું કરવું એ તું સમજે છે ને! " માહિબાએ ચહેરા પર કુટીલતાના ભાવો લાવીને કહ્યું.
" એ બધી ચિંતા તમે મારા પર છોડી દો. હું બધું જાણું છું કે મારે શું કરવાનું છે એ! " પ્રતાપસિંહે આશ્વાસન આપતાં કહ્યું.
એ ત્યાંથી સીધો પોતાના શયનખંડમાં આવ્યો અને મમતાને જણાવ્યું કે આપણે કાલે ડોક્ટરને મળવા જવાનું છે. તું સવારે તૈયાર થઈને રહેજે. એટલું જણાવીને એ ફરી પાછો રાત્રે ફેક્ટરીએ જવા નિકળી ગયો. મમતા એકદમ ખુશ થઈ ગઈ. એને એવું લાગતું હતું કે પ્રતાપસિંહને પણ આવનારા બાળકની ચિંતા છે પરંતુ મમતા પોતે મૂળ હકીકતથી અજાણ હતી.
બીજા દિવસે સવારે પ્રતાપસિંહ આવ્યો એ પછી મમતાબા અને પ્રતાપસિંહ તેમની ખુલ્લી જીપમાં જેસલમેર જવા માટે નિકળ્યાં જે છત્તરપુરથી આશરે ૨૫ કિમી જેટલા અંતરે હતું.
જેસલમેરમાં પ્રતાપસિંહના મિત્ર ડો.ધવલ દવેનું દવાખાનું હતું. ડો. ધવલ દવે અવારનવાર પ્રતાપસિંહની ફેક્ટરી પર યોજાતી મિજબાનીની મોજ માણવા માટે પણ આવતો.
ડો. ધવલ દવેના દવાખાને પહોંચીને મમતાબા એકદમ ખુશ હતાં. એક તો પ્રતાપસિંહ તરત જ દવાખાને બતાવવા માટે રાજી થઈ ગયા હતા અને બીજું કે પોતે માં બનવાની હતી એ વાત એને અંદરથી રોમાંચિત કરી રહી હતી.
ડો. ધવલ દવેએ તે બંનેનું સ્વાગત કર્યું અને થોડીવાર પોતાની કેબિનમાં બેસાડ્યાં. પરિવાર અને બીજી થોડી આડીઅવળી વાતો કરી. થોડીવાર પછી ડો. ધવલ દવેએ મમતાબા અને પ્રતાપસિંહને એક વોર્ડમાં લઈ જઈને અમુક જરૂરી ટેસ્ટ કર્યા. મમતાબાને થોડીવાર ત્યાં જ આરામ કરવા જણાવીને બંને પોતાની કેબિનમાં પાછા આવ્યા.
" બધું નોર્મલ છે અને બાળકના વિકાસની શરૂઆત થઈ ગઈ છે. ચિંતા કરવા જેવું કશું નથી. " ધવલ દવેએ હસતા સ્વરે કહ્યું.
" ગર્ભમાં રહેલું બાળક દિકરો છે કે દિકરી એ મારે જાણવું છે." પ્રતાપસિંહે અધિરાઈ પૂર્વક કહ્યું.
એ વાત સાંભળીને ધવલ દવેએ થોડીવાર કંઈ જવાબ ન આપ્યો, પછી કંઈક વિચારીને ખોંખારો ખાઈને કહ્યું.
" આ વાત આમ તો કોઈને જણાવી ન શકું પરંતુ તું મારો મિત્ર છે એટલે હું તને જણાવીશ." ધવલ દવેએ ગંભીર મુખ મુદ્રામાં જવાબ આપ્યો.
" ગર્ભમાં રહેલા બાળક વિશે મને જલદી જણાવ. " પ્રતાપસિંહે એ જ અધીરાઈથી પૂછ્યું.
" ભાભીબાના ગર્ભમાં રહેલું બાળક દિકરી છે. " ધવલ દવેએ ધીમા અવાજે કહ્યું.
આ સાંભળીને પ્રતાપસિંહની મુખ મુદ્રાઓ બદલાઈ ગઈ. તે કોઈ કાળે પહેલું સંતાન દિકરી હોય એ સ્વિકારવા તૈયાર નહોતો. તેણે મનમાં બધું વિચારીને પછી અત્યંત ધીમા અવાજે ધવલ દવેને કહ્યું.
" ધવલ, મારે પહેલું સંતાન દિકરી હોય એ હું ઈચ્છતો નથી. તું ગમે તેમ કરીને આ ગર્ભનો નાશ થાય અથવા ગર્ભની અંદર જ એ મરી જાય એવું કંઈક કર. " પ્રતાપસિંહે પોતાના કુટીલ ઈરાદાઓ જણાવતાં કહ્યું.
ધવલ દવે આમ તો ઘણાં વર્ષોથી પ્રતાપસિંહ સાથે ફરતો અને મિજબાનીઓનો ભાગ બનતો હોવાથી એ એની ઘણી વાતોથી વાકેફ હતો. પ્રતાપસિંહ ઘણીવાર નશામાં પોતાને દિકરો જ થાય એવા બકવાટ કરતો એ વાતની એને ખબર હતી.
થોડીવાર મનમાં કંઈક વિચારીને પછી ધવલ દવેએ કહ્યું." હું એ બધું તારા ખાતર કરી દઈશ અને ભાભીબાને પણ એ વાતનો અહેસાસ નહીં થાય કે ગર્ભમાં રહેલું સંતાન અચાનક કેવી રીતે મરી ગયું! પરંતુ, મારી નીચેના એક બે કર્મચારીઓને ચૂપ કરવા થોડી બક્ષીસની જરૂર પડશે. " ધવલ દવેએ કુટીલ હાસ્ય સાથે કહ્યું.
" કેટલા જોઈએ બોલ! મુંઝાતો નહીં. " પ્રતાપસિંહે ફૂલાઈને કહ્યું.
" પાંચ હજાર." જાણે અગાઉથી નક્કી કરી લીધું હોય એમ રકમ જણાવતાં ધવલ દવેએ કહ્યું.
" મળી જશે પણ તું કઈ રીતે આ બધું કરીશ એ તો જણાવ. " પ્રતાપસિંહે આશ્ચર્યથી પૂછ્યું.
" હું જે દવાઓ આપું છું એ ભાભીબાને ત્રણ દિવસ ખવડાવી દેજો એટલે થોડા સમયમાં બધું બરાબર થઈ જશે. " ધવલ દવેએ સમજાવતાં કહ્યું. પ્રતાપસિંહે જવાબમાં હામી ભરી.
બંને ફરી એ વોર્ડમાં આવ્યા. ધવલ દવેએ અમુક દવાઓ આપી જે ક્યારે અને કેવી રીતે પીવાની છે એ મમતાને જણાવી દીધું.
જેસલમેરમાં બે - ત્રણ કલાક ફરીને સાંજે બંને છત્તરપુર આવ્યાં. મમતાબાના ચહેરા પર ખુશી દેખાઈ આવતી હતી પરંતુ પ્રતાપસિંહ અંદરથી એકદમ વ્યાકુળ અને નાખુશ હતો. એણે એ વાતની કાળજી રાખી કે પોતાના મનના ભાવો ક્યાંક મમતા જાણી ન જાય એટલા માટે એ ઉપરથી ખુશ હોવાનો ડોળ કરી રહ્યો હતો.
માહીબાને પ્રતાપસિંહે બધું જણાવી દીધું હતું. પહેલાં તો તેને ગર્ભમાં દિકરો ન હતો એ વાત જાણી રીસ ચડી પરંતુ પછી પોતે પોતાની જાતને સંભાળી લીધી કારણકે પ્રતાપસિંહના જણાવ્યા અનુસાર ગર્ભમાં રહેલી દિકરીનો જન્મ નહીં થાય.
ડો. ધવલ દવેના જણાવ્યા અનુસાર મમતાએ રોજ દવાઓ લેવાનું ચાલુ કર્યું. મમતાને એમ હતું કે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ તકલીફ ન થાય એ માટેની આ દવાઓ હશે.
સતત ત્રણ - ચાર દિવસ સુધી દવાઓ લીધા બાદ એક દિવસ સવારે મમતાને ઉલટીઓ થવાનું શરૂ થયું. પેટમાં પાણી પણ ટકતું નહોતું. શરીર આખું અંદરથી સળગી રહ્યું હોય એવું લાગતું હતું.
સાવિત્રી સતત તેની સેવામાં હાજર હતી. તેને મમતાબાની બહુ ચિંતા થતી હતી. " બેન બા, હું તો કહું છું કે કોઈ ભેગા સમાચાર મોકલીને તમારા ધણીને તેડાવી લઈએ જેથી તમને દવાખાને લઈ જાય. મને લાગે છે કે તમને કોઈ ભારે તાવ આવી ગયો છે." સાવિત્રીએ ચિંતિત સ્વરે કહ્યું.
અચાનક માહીબા ત્યાં આવી પહોંચ્યા અને સાવિત્રીની વાત તેણે સાંભળી અને કહ્યું, " એલી છોડી, તારે કોઈ છોકરાં હતાં નહીં એટલે તને આવી બધી ખબર ન પડે. ગર્ભાવસ્થા દરમિયાન આવું થતું હોય એમાં વારેવારે કંઈ દવાખાને જવાનું ન હોય."
પોતાની દુઃખતી રગ માહીબાએ દબાવી છે એ જાણવાં છતાં સાવિત્રી કંઈ બોલી ન શકી કારણકે, આવાં ટોણાં તેણે અવારનવાર માહિબા પાસેથી સાંભળ્યાં હતાં.
" લાગે છે માહીબા ઠીક કહી રહ્યાં છે. એકાદ દિવસમાં સારું થઈ જશે. વારંવાર આવી હાલતમાં બહાર જવું ઠીક નહીં રહે." મમતાએ સાવિત્રીને સમજાવતાં કહ્યું.
પોતાની વાતની ધારી અસર થઈ છે એવું જાણી માહીબા બીજી તરફના પોતાના ઓરડામાં જતાં રહ્યાં. પ્રતાપસિંહ એ દિવસે સાંજે હવેલી પર ન આવ્યો એટલે હવે તે સવારે જ આવશે એ બધાને ખબર હતી.
અચાનક અડધી રાત્રે માહિબાને પોતાના પેટમાં અતિશય દુઃખાવો ઉપડ્યો. જાણે પ્રસુતિ થવાની હોય એવો એ ભયંકર દુઃખાવો હતો. સાવિત્રી દોડીને મમતાબા પાસે આવી. તેણે રાડ પાડીને માહીબાને જગાડ્યા. સાવિત્રીએ ભીમાકાકાને તાબડતોડ ફેક્ટરી પર પ્રતાપસિંહને બોલાવવા મોકલ્યા.
મમતાબાએ થોડીવાર સુધી કાળજું કંપી જાય તેવી ચીસો પાડી. સાવિત્રી પણ સતત રડતી હતી. થોડીવાર પછી મમતાને પોતાના અંદરથી કંઈક બહાર આવતું હોય એમ લાગ્યું. એકાએક પોતાના શરીરમાંથી લોહી સાથે એક નાનકડું લોહીથી લથબથ ગાંઠ જેવું નીકળી ગયું.
માહીબાએ આ જોઈને મમતાને આશ્વાસન આપતાં કહ્યું, " લાગે છે મમતા તને કસુવાવડ થઈ છે. "
કસુવાવડની વાત જાણીને મમતા જાણે બેભાન જેવી થઈ ગઈ. પ્રતાપસિંહ પણ થોડીવારમાં આવી ગયો હતો. એને અંદરથી થોડી ધરપત થઈ કે બધું ધાર્યા મુજબ થઈ ગયું છે.
મમતાને દુઃખ ન લાગે એ કારણે પ્રતાપસિંહ બીજે દિવસે જેસલમેર ધવલ દવે પાસે લઈ ગયો. બધું ચેકઅપ કરીને એણે પણ કસુવાવડ થઈ છે એ વાતની પુષ્ટિ કરી અને મમતાને આશ્વાસન આપ્યું.
આ બધું બની ગયા પછી મમતાએ બે ત્રણ દિવસ સુધી કંઈ ખાધું નહીં. પોતાનું બાળક આમ અચાનક ગર્ભમાં મરી ગયું એનો એને ઘેરો આઘાત લાગ્યો હતો. સાવિત્રીના સમજાવવાથી મમતાએ ફરી રાબેતા મુજબ જીવવાનું શરૂ કર્યું.
આમને આમ આ વાતને દોઢ વર્ષ વિતી ગયું. મમતા સિવાય બધાં એ વાતને લગભગ ભૂલી ગયાં હતાં. એક દિવસ સવારે ઉઠીને મમતાને ઉલટીઓ શરૂ થઈ. જ્યારે પહેલી વખત પોતાને ગર્ભ રહ્યો હતો એવાં જ લક્ષણો ફરી દેખાયાં. સાવિત્રીએ આ વાતની જાણ માહિબાને કરી કે મમતાબાને ફરી ગર્ભ રહ્યો છે. મમતા ફરી ગર્ભવતી થઈ એ જાણીને બધાં ખુશ થયાં.
અઠવાડિયા પછી એક રાત્રે સાવિત્રીને પોતાના રૂમ બહાર કોઈનાં પગલાંઓનો અવાજ સંભળાયો. તેને નવાઈ લાગી કે અડધી રાત્રે કોણ હશે? તે જાગી અને દરવાજો ખોલીને બહાર જોવા આવી. સાવિત્રીનો રૂમ નીચે હતો. બહાર કોઈ દેખાયું નહીં એટલે પોતાનો વહેમ હશે એમ જાણી તે ફરી પોતાના રૂમમાં જવા લાગી.
હજુ તે માંડ પોતાના રૂમના દરવાજા પાસે પહોંચી ત્યાં અચાનક કોઈ નાની છોકરીના હસવાનો અવાજ આવ્યો. તે એકદમ ડરી ગઈ કારણકે હવેલીમાં એ વખતે કોઈ નાનું છોકરું હતું જ નહીં.
અધ્ધર શ્વાસે અને ધ્રજતા શરીરે તે ફરી બહારના હોલ તરફ આવી પરંતુ કોઈ તેને દેખાયું નહીં. અચાનક એક જગ્યાએ તેની નજર સ્થિર થઈ ગઈ. તેના મોઢામાંથી ચીસ નિકળતાં રહી ગઈ.
બહાર મોટા હોલમાં બીજી તરફ આવેલા સોફા પર કોઈ નાની છોકરી બેઠી હોય એવું તેને લાગ્યું. તે ઊભી હતી ત્યાંથી તો તેને માત્ર એ છોકરીના વાળ જ દેખાતા હતા. હોલની બારીઓ ખુલ્લી હોવાથી બહારથી આવતા પવનમાં તે છોકરીના વાળ હવામાં ઉડી રહ્યા હતા.
સાવિત્રી બધી હિંમત ભેગી કરીને દબાતા પગલે તે સોફા તરફ જવા લાગી. જ્યારે તે એકદમ નજીક પહોંચી ત્યારે તેને તે કોઈ પૂતળું હોય એવું લાગ્યું. એકદમ નજીક આવીને જોયું તો તેને પરસેવો વળી ગયો.
" આ તો માહીબાની બાળપણની ઢીંગલી છે જે લગ્ન સમયે પોતાની સાથે લાવ્યાં હતાં, પરંતુ એ ઢીંગલી તો ઉપર માહિબાના કબાટમાં પડી રહેતી હોય. આ ઢીંગલી આવી રીતે અહીં કોણે મૂકી હશે? મને જે સંભળાયો એ હસવાનો અવાજ કોનો હશે? " મમતાએ ગળે થુંક ઉતારતાં વિચાર્યું. તેનું લોહી જાણે થીજી ગયું.
Part 2 Loading....
અત્યાર સુધીની વાર્તા તમને કેવી લાગી એ વિશે આપના પ્રતિભાવો જરૂરથી જણાવશો.