Bhagvat Rahasaya - 259 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 259

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 259

ભાગવત રહસ્ય - ૨૫૯

 

શકટા-સુર ચરિત્રનું રહસ્ય એવું છે-કે-મનુષ્યનું જીવન-એ –ગાડું છે,અને જો આ જીવન-ગાડાની નીચે પરમાત્માને રાખવામાં આવે તો-પરમાત્મા તે જીવન-ગાડાને ઠોકર મારશે, અને જીવન-ગાડું ઉંધુ પડી જશે.સામાન્ય રીતે જે વસ્તુ પ્રધાન (મુખ્ય) હોય તેને ઉપર રાખવામાં આવે છે અને ગૌણ વસ્તુને નીચે રાખવામાં આવે છે. પરમાત્મા એ મુખ્ય છે અને વિષયો તે ગૌણ છે,પણ જેના જીવનમાં વિષયો મુખ્ય હોય અને પરમાત્મા ગૌણ હોય તેનું ગાડું ઉંધુ પડે તો તેમાં શું આશ્ચર્ય ? જેના જીવનમાં પરમાત્મા ગૌણ થઇ જાય છે તેના જીવનમાં પૈસો મુખ્ય થઇ જાય છે.

 

મહાત્માઓ કહે છે-કે-ગૃહસ્થાશ્રમ એ ગાડું છે,પતિ-પત્ની એ બે પૈડાં છે. આ ગાડા પર શ્રીકૃષ્ણ ને પધરાવો.

આ જીવન ગાડાના સારથી શ્રીકૃષ્ણ છે.ઇન્દ્રિયો એ ઘોડા છે,શરીર રથ છે.પ્રભુને કહો-કે નાથ તમારે શરણે આવ્યો છું,અર્જુનની જેમ જ મારા શરીર રથ ઉપર સારથી બની તેને સીધે માર્ગે લઇ જાવ.

જેના શરીર રથના સારથી ઈશ્વર બનતા નથી –તો-તેના શરીર રથનો સારથી “મન” બને છે,

અને “મન” જો સારથી બને તો જીવન રથને ખાડામાં નાખે છે.

 

રોજ તો કેટલાકનું ગાડું સીધું જાય છે,પણ રવિવાર આવે તો ગાડું અવળું જાય છે. તેઓ સમજે છે-કે-

રજાના દિવસે ખૂબ ખાવાનું-ખૂબ ઊંઘવાનું.આ સારું નથી. “વીર” થવાનો વાર “રવિવાર” છે.

મનુષ્યના જીવનમાં ભોગ મુખ્ય નથી,પણ ભગવાન મુખ્ય છે. ગાડું અવળા માર્ગે જાય,-કે -ભગવાનને

ગૌણ બનાવી ગાડાના નીચે રાખે તો ભગવાન તે ગાડું ઉંધુ પાડે છે.

 

જેના જીવનમાં ભક્તિ મુખ્ય છે તેના જીવનમાં ભોગ ગૌણ થઇ જાય છે.અને જે –

ભક્તિને ગૌણ ગણે છે-તેના જીવનમાં ભોગ મુખ્ય થઇ જાય છે.

આપણા ધર્મમાં ચાર પુરુષાર્થ માન્યા છે-ધર્મ-અર્થ-કામ-મોક્ષ.

પહેલો ધર્મ અને છેલ્લો મોક્ષ છે –તે બંનેની વચ્ચે અર્થ અને કામ છે.

એટલે કે –અર્થ (પૈસો) અને કામ-એ –ધર્મ અને મોક્ષની મર્યાદા માં રહી ને પ્રાપ્ત કરવા જોઈએ.

માનવ જીવનમાં અર્થ અને કામ એ ગૌણ છે,જયારે ધર્મ અને મોક્ષ એ મુખ્ય છે.

અને આ ધર્મ અને મોક્ષ –જે મુખ્ય છે-તે ગૌણ બને તો ગાડું- અધોગતિ-રૂપ ખાડામાં જાય છે.

 

શકટા-સુર –એ કામ,ક્રોધ,લોભ છે.અને આ શકટા-સુર છાતી પર ના ચડી બેસે-તેના માટે નો ઉપાય બતાવતાં એક સંત કહે છે-કે-શકટા-સુર-લીલા કરી ત્યારે શ્રીકૃષ્ણ ૧૦૮ દિવસના હતા.માળાના મણકા ૧૦૮ છે.માળા હાથમાં લઇને ભગવાનના નામની માળા ફેરવવાથી શકટા-સુર છાતી પર ચડી નહિ બેસે.

માળા સાથે મૈત્રી કરો તો શકટા-સુર શાંત થશે,અને માળા સાથે મૈત્રી નહિ કરો તો શકટા-સુર માથે ચડી

બેસશે. કામ,ક્રોધ,મોહનો વેગ સહન કરવો હોય તો પરમાત્માના આશ્રય સિવાય બીજો ઉપાય નથી.

 

આ શકટા-સુરનું નામ “ઉત્કચ” હતું,તે હિરણ્યાક્ષનો પુત્ર હતો.તેણે ઋષિનું અપમાન કર્યું,એટલે ઋષિએ

શ્રાપ આપ્યો-“તું સૂક્ષ્મ રૂપે થઇ જા” ઉત્કચે માફી માગી.એટલે ઋષિએ કહ્યું કે શ્રીકૃષ્ણના ચરણનો સ્પર્શ થશે એટલે તારો ઉદ્ધાર થશે.ઉત્કચ (શકટા-સુર) સૂક્ષ્મરૂપે ગાડામાં આવી ને રહેલો હતો.શ્રીકૃષ્ણના ચરણ સ્પર્શ થી તેનો ઉદ્ધાર થયો.

 - - - - -  - --  - - - -- - -- -- - - - - - - - - - - -

આવી જ ભાગવત ની તથા અન્ય ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો

 - - -  - - - -  - - - - - - - - - - - - - - - - - - -- - - - - - --