Bhagvat Rahasaya - 256 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 256

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 256

ભાગવત રહસ્ય - ૨૫૬ 

 

ગોપીઓ સૂતેલા બાલકૃષ્ણલાલ ને જોતાં ધરાતી નથી.અને લાલાની ઝાંખી કરતાં તેના-એક એક અંગના વખાણ કરે છે.તે ગોપીઓના ઉદગારો કંઈક આવા છે.........

“અરી સખી,કનૈયો સૂતો હોય ત્યારે તેની ઝાંખી અલૌકિક લાગે છે”

“લાલા ના વાંકડિયા વાળ તો જો, કેટલા સુંદર લાગે છે”

“લાલા નું વક્ષ-સ્થળ કેટલું વિશાળ છે, તે બહુ બળવાન થશે”

“મને તો લાલા ના ચરણ બહુ ગમે છે,ચરણ ના તળિયાં કેવાં લાલ છે,તેમાં ધ્વજ-અંકુશ નું નિશાન સ્પષ્ટ દેખાય છે.તેને પખાળવાનું મન થાય છે”

 

“લાલાની આંખ સુંદર,કાન સુંદર,હોઠ તો વળી કેટલા સુંદર છે”

“લાલાનું મુખડું અતિ મનોહર છે,મને તો લાલાનું મુખડું જ બહુ ગમે છે”

લાલાજીનું બધુંજ સુંદર છે,મધુર છે. “અધરમ મધુરં,વદનમ મધુરં”

મહાપ્રભુજીએ તેથી જ મધુરાષ્ટકમની રચના કરી છે.

 

 

અહીં ગોપીઓ બોલતી નથી પણ તેમની ભક્તિ બોલે છે.

બાકી,જેને કેડે લંગોટી પણ નથી,તેવા વૈરાગી શુકદેવજી શું આ ગોવાલણોની કથા કરે છે ?

ના, આ તો ભક્તિની કથા છે.ગોપી એ ગોવાલણ નથી.ગોપીઓ ભક્તિમાર્ગની આચાર્યાઓ છે.

ભક્તિ કેવી રીતે કરવી તે ગોપીઓ બતાવે છે.

 

પરમાત્માના સ્વ-રૂપમાં આસક્તિ એ જ ભક્તિ છે,એક એક અંગનું ચિંતન કરતા,તન્મયતા ના થાય ,

ત્યાં સુધી સર્વાંગનું ધ્યાન થતું નથી.ગોપીઓ આજે લાલાના એક એક અંગનાં દર્શન કરે છે, ગોપીની આંખ અને મન શ્રીકૃષ્ણના એક એક અંગમાં સ્થિર છે. તેવામાં લાલા એ પાસુ ફેરવ્યું. યશોદાજી કહે છે-કે હજુ ત્રણ મહિનાનો થયો નથી અને પાસુ ફેરવે છે, મને લાગે છે લાલો,ભવિષ્યમાં મહા બળવાન થશે.

લાલાએ પાસુ ફેરવ્યું એટલે યશોદા માએ “અંગ પરિવર્તન” નામનો ઉત્સવ કરવાનો નિર્ણય કર્યો.

 

ઈશ્વરનું પ્રાગટ્ય હૃદયમાં થાય તે ઉત્સવ. લૂલીના લાડ કરવા માટે ઉત્સવ નથી.

ઉત્સવ પરમાત્મા સાથે એક થવા માટે છે. બહિર્મુખવૃત્તિને નિવૃત્ત કરવા અને અંતર્મુખ દ્રષ્ટિને સિદ્ધ કરવા માટે ઉત્સવ છે,દેહમાં હોવાં છતાં દેહભાન ભૂલવા માટે ઉત્સવ છે.

યશોદાજી વિચારે છે-કે-રોજ બ્રાહ્મણોની પૂજા કરું છું તે સારું છે,

આજે મારે ગોપીઓ અને ગોવાળોની પૂજા કરવી છે-કે જેમના આશીર્વાદથી,પુત્ર મળ્યો છે.

યશોદા એમ કહેતાં નથી કે આ ગોવાળો ગરીબ છે,તેને મારે મદદ કરવી છે.

 

દરેક જીવ ઈશ્વરનો દીકરો છે,ઈશ્વરનો અંશ છે. જે ઈશ્વરનો દીકરો છે,તેને ગરીબ કહીએ તો ઈશ્વરને ખોટું લાગે. ઈશ્વરના રાજ્યમાં કોઈ ગરીબ નથી.ગરીબી કે અમીરી એ સર્વ કર્મની ગતિ છે.

કોઈ જીવને ગરીબ માની તેનું અપમાન કરવું તે ઈશ્વરના અપમાન કરવા સમાન છે.

નમ્ર થઇને નીચી આંખ કરીને દાન આપવું જોઈએ.

દાન લેવા આવનાર ના હૃદયમાં પણ પરમાત્મા જ વસેલા છે,એમ સમજીને આપવું જોઈએ.

આપનારો ,જો દાન લેનારમાં ભગવદભાવ ન રાખે તો તે દાન સફળ થતું નથી.

એટલે જ યશોદા અહીં કહે છે-કે- મારે જાતે એક એકની પૂજા કરવી છે,એક એકનું સન્માન કરવું છે.

 - - - - - - - - - - - - - - -- --- - - - - - - - - - - -- - -  --  -- - - -  - -- - - 

આવી જ ભાગવત ની તથા અન્ય ધાર્મિક સાહિત્ય વાંચવા માટે મારી પ્રોફાઈલ ફોલો કરો અને જો આપને સારું લાગે તો અન્ય ને શેર કરો

 - - - - - - - - - - - - - - - - --  - --  - --  - - - - --  --- - -       - --  -- -  - - -- --