Bhagvat Rahasaya - 253 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 253

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 253

ભાગવત રહસ્ય - ૨૫૩

 

પૂતના રાક્ષસી છે.પણ સ્વરૂપને બદલી ને આવી છે.સુંદર દાગીના પહેર્યા છે ને હાથમાં કમળ છે.તેમ વાસના બહારથી રળિયામણી લાગે છે,પણ અંદરથી તો તે રાક્ષસી છે.

પૂતના ત્રણ વર્ષના બાળકને મારે છે,ચાર કે ચારથી વધુ ઉમરના બાળકોને મારતી નથી. કેમ ??તો-તેની પાછળના જુદા જુદા તર્કો બતાવ્યા છે.

 

તર્ક-૧-સત્વ,રજસ અને તમસ-આ ત્રણ ગુણોવાળી(પ્રકૃતિ) માયામાં જે ફસાયેલા છે તેને પૂતના મારે છે.જે સંસાર સુખમાં ફસાયેલા છે તે સર્વ બાળકો છે (બાળકમાં બુદ્ધિ નથી),તેને અજ્ઞાન (પૂતના) મારે છે.પણ-સંસારનો મોહ છોડીને જે ઈશ્વરમાં લીન થયેલા છે,તે ગુણાતીત (ગુણોથી –પ્રકૃતિથી-માયાથી પર છે તે) ને આત્મ-સ્વ-રૂપનું જ્ઞાન (બુદ્ધિને) થયેલું હોય છે-તેને અજ્ઞાન (પૂતના) મારી શકતી નથી.

 

તર્ક-૨-જીવાત્માની ચાર અવસ્થાઓ છે.(૧) જાગ્રત (૨) સ્વપ્ન (૩) સુષુપ્તિ (૪) તુર્યગા (તુરીય)

પ્રથમ ત્રણ અવસ્થામાં અજ્ઞાન છે (સ્વ-નું વિસ્મરણ છે)-તે અજ્ઞાન હોવાથી (પૂતના) પજવે છે,પણ

ચોથી તુરીય અવસ્થામાં જીવ બ્રહ્મ-સંબંધ કરે છે,જ્ઞાન આવે છે તેને અજ્ઞાન (પૂતના) ત્રાસ આપતું નથી.

જાગ્રત અવસ્થામાં પૂતના આંખ પર બેસે છે,આંખ ચંચળ થાય એટલે મન ચંચળ થાય છે,એટલે

વાસના (પૂતના) વધારે ત્રાસ આપે છે.સ્વપ્ન ને સુષુપ્તિમાં પણ વાસના મરતી નથી.અને ત્રાસ આપે છે.

 

પૂતના આવી ત્યારે ગોકુલની ગાયો વનમાં ચરવા ગઈ હતી અને નંદજી મથુરા ગયા હતા-

આ હકીકત શું બતાવે છે ? તો કહે છે-કે-

--ગાયો (એટલેકે (ઇન્દ્રિયો) વનમાં (એટલેકે ઈશ્વરના વિયોગમાં-વિષયો તરફ) ફરે, તો –

પૂતના (એટલે કે વાસના) ઘરમાં (એટલેકે મનમાં) આવશે.

--નંદ (એટલે કે જીવ) ગોકુલ (એટલે કે હૃદય-આત્મા-પરમાત્મા) છોડીને –

મથુરા (એટલેકે દેહસુખ-દેહધર્મમાં) જાય ત્યારે ગોકુળમાં (હૃદયમાં) પૂતના (વાસના) આવે છે.

 

અથવા તો-જો બીજી રીતે કહીએ તો-

--નંદ ((જીવાત્મા) શ્રીકૃષ્ણ (પરમાત્મા)થી વિમુખ બને અને કંસ (કામ)ને મળવા જાય –અને-

ગાયો (ઇન્દ્રિયો) વનમાં (વિષયો તરફ) જાય –એટલે અજ્ઞાન (અવિદ્યા) આવે છે-

અને આ અજ્ઞાન (અવિદ્યા) એ સઘળા દોષોને લાવે છે.

 

અજ્ઞાન (અવિદ્યા)થી પાંચ દોષો ઉત્પન્ન થાય છે. અને મનુષ્ય “વિવેક”નું ભાન ગુમાવે છે

(૧) દેહાધ્યાસ (૨) ઇન્દ્રિયાધ્યાસ (૩) પ્રાણાધ્યાસ (૪) અંતઃકરણાધ્યાસ (૫) સ્વ-રૂપ વિસ્મૃતિ

નંદબાબાએ કહેલું કે લાલાને સાચવજો,પણ અહીં જેને જાણતા નથી એવી સ્ત્રી (પૂતના) ઘરમાં જાય છે,

ત્યારે બધા પહેરો ભરે છે-તેમ છતાં તેને કોઈ પૂછતું નથી કે-તમે કોણ છો ?કેમ અંદર જાઓ છો?

બધાને “સ્વરૂપ-વિસ્મૃતિ” થાય છે.પૂતના નું સ્વરૂપ જોઈને નોકરો,યશોદા,ગોપીઓ બધા ભુલાવામાં પડ્યા.

 

પૂતનાએ કેશમાં વેણી પહેરી હતી,તેની “સુગંધ” થી “દેહાધ્યાસ” થયો,તેનું રૂપ જોઈ “ઇન્દ્રિયાધ્યાસ” થયો,

અને તેથી “સ્વ-રૂપ વિસ્મૃતિ” થઇ-એટલે તેને ઘરમાં જતાં કોઈ રોકતું નથી.

પૂતના નંદબાબાના ઘરમાં ઘુસી ગઈ. બધા પૂતનાને જુએ છે.પણ-

ભાગવતમાં લખ્યું છે-કે-બાલકૃષ્ણલાલે પૂતનાને જોઈ ને આંખો મીંચી દીધી છે.

 

પુતનાએ યશોદાજી ને કહ્યું કે હું બ્રાહ્મણની સ્ત્રી છું,તમારાં લાલાને આશીર્વાદ આપવા આવી છું,તમારાં લાલા ને હું ધવડાવીશ તો તે પુષ્ટ થઇ જશે.યશોદામા બહુ ભોળાં છે,તેમને કોઈ દુર્જન દેખાતો નથી.

લાલાને સોંપી માં ઘરમાં ગયા.અને પુતનાએ લાલાજીને ગોદમાં લીધા છે.

પૂતના ઉપર ઉપરથી સુંદર વ્યવહાર કરતી હતી પણ તેનુ હૃદય ઘણું કુટિલ છે.પુતનાએ સ્તન પર ઝેર

લગાડેલું છે. બાલકૃષ્ણલાલ તેના પ્રાણો સાથે દૂધ ધાવવા લાગ્યા.

પૂતના બુમ પાડવા લાગી-મને છોડી દે-મને છોડી દે.ત્યાં તો ભગવાને તેના પ્રાણ ચૂસી લીધા.

પૂતના-ચરિત્રની પાછળ રહસ્ય છુપાયેલું છે.લાલાજીની દરેક લીલા પાછળ રહસ્ય છે.

 

 - - - - - - - - - - - - - - - - - - - - - - - -