જીવનમાં ઘણા એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને દ્વિધામાં મૂકી દે છે, કે “હું સફળ નહીં થાઉં તો?”, “મને બધાથી અલગ નહીં પાડી દે ને?”, “લોકો મને સ્વીકારશે?”, “હું બરાબર તો કરું છું ને?” વગેરે. આ દરેકની પાછળ એક છૂપો ભય હોય છે કે “લોકો શું કહેશે?” અને મહદ્અંશે આ ભય કાલ્પનિક હોય છે.
એક બ્રાહ્મણ ખભે બકરું લઈને જંગલના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં ત્રણ ઠગ આવ્યા. તેમણે વિચાર્યું કે આ બકરું પડાવી લેવું છે. એટલે ત્રણે બ્રાહ્મણના રસ્તે એક-એક કિલોમીટરના અંતરે ઊભા રહ્યા. પહેલા ઠગે બ્રાહ્મણને રોક્યા અને પૂછ્યું, “મહારાજ! બ્રાહ્મણ થઈને ખભા ઉપર આ કૂતરું લઈને જાઓ છો?” એટલે બ્રાહ્મણ ચમક્યા અને કહ્યું, “ના, આ બકરું છે.” એક કિલોમીટર જેટલું ચાલ્યા તો બીજો ઠગ મળ્યો અને કહ્યું, “મહારાજ! હાય હાય, આ શું અનર્થ કરો છો? બ્રાહ્મણના ખભે કૂતરું શોભે?” એટલે બ્રાહ્મણ થોડા ઘભરાયા, પણ પછી બોલ્યા “આ કૂતરું નથી, બકરું છે.” તેઓ આગળ વધ્યા પણ મનમાં શંકા સળવળી. એટલામાં ત્રીજો ઠગ આવ્યો ને કહ્યું, “મહારાજ! આ શું? ઘરે જઈને નહાવું પડશે તમારે. કૂતરાને આમ અડાતું હશે?” એટલે બ્રાહ્મણની માન્યતા ફરી કે, “બધા કહે છે એટલે કૂતરું જ છે.” અને તરત ખભેથી બકરું ઊતારીને ચાલતી પકડી. પછી તો ત્રણે ઠગોએ ભેગા થઈને બકરાનું શાક કરી નાખ્યું! લોકોની વાતમાં આવીને પોતાની માન્યતા બદલી નાખવી એ મૂર્ખામી દર્શાવતું આ સુંદર દ્રષ્ટાંત છે.
વાસ્તવિકતામાં “લોકો શું કહેશે?” કે “સમાજમાં કેવું દેખાશે?” એ એક પ્રકારનો અહંકાર છે. લોકોમાં આપણું ખરાબ દેખાય તો અહંકારને ઠેસ વાગે છે અને સારું દેખાય તો અહંકાર ચગે છે. એટલે બધું આપણું પોતાનું જ ઊભું કરેલું છે. કોઈ નવરું નથી કે કોઈને પડી પણ નથી. નવ્વાણું ટકા આપણે જ માની લીધેલું હોય છે કે, “મારું ખરાબ દેખાશે” કે “લોકો મને આમ કહેશે.” હકીકતમાં કોઈ કહેવા આવતું નથી.
તેમ છતાં ક્યારેક કોઈ સામેથી કહેતું આવે કે “તમે આમ કરો છો, એ બહુ ખોટું કરો છો.” તો આપણે ત્યાં પોતાની જાતને ચકાસી જોવી કે, “હું બરાબર તો કરું છું ને? સાચા રસ્તે છું કે ખોટા? મારાથી કોઈને દુઃખ થાય, કોઈનું નુકસાન થાય એવું તો નથી થતું ને?” જો એવું કશું ન હોય તો પછી લોકોથી ડરવાની જરૂર નથી. બહુ ત્યારે આપણા હિતેચ્છુને પૂછી જોવું. જેમ કે, કોઈ વ્યક્તિ નાની ઉંમરે ધર્મ કે સત્સંગમાં વળી જાય તો સમાજ એને વગોવે કે “આ ભણીગણીને કમાવાની ને મોજશોખ કરવાની ઉંમરે આ શું માંડ્યું છે?” પણ તેનો પોતાનો અંતરાત્મા કહે કે આ માર્ગ હિતકારી છે તો પછી આગળ વધવું. જ્યાં આપણે આડા માર્ગે દોરાતા નથી ત્યાં સમાજનો, લોકોનો ડર બાધારૂપ છે. મહાન પુરુષોનું જીવનચરિત્ર જોઈશું, તો સમજાશે કે તેમણે જીવનમાં કોઈ નિશ્ચય કે ધ્યેય બાંધ્યો, પછી “લોકો શું કહેશે?” ને પ્રાધાન્ય નથી આપ્યું. ત્યારે જ તેઓ સફળ થઈ શક્યા!
આ બાબતનું એક સુંદર દૃષ્ટાંત છે. એક ઉંદરને સાત પૂંછડીઓ હતી. બીજા બધા ઉંદર તેને “ઉંદર સાત પૂંછડિયો”, “ઉંદર સાત પૂંછડિયો” એમ ચીડવતા હતા. એટલે ઉંદરે એક પૂંછડી કપાવી નાખી. પણ બીજા ઉંદરો હવે તેને “ઉંદર છ પૂંછડિયો”, “ઉંદર છ પૂંછડિયો” એમ ચીડવવા લાગ્યા. કંટાળીને ઉંદરે એક એક કરીને બધી પૂંછડીઓ કપાવી નાખી, તો પણ લોકોનું ચીડવવાનું બંધ ન થયું. છેવટે કોઈ પૂંછડી ન રહી તો બધા તેને “ઉંદર બાંડો”, “ઉંદર બાંડો” એમ ચીડવવા લાગ્યા. એટલે પોતે નક્કી કરેલા ધ્યેયના માર્ગે, લોકોની વાતમાં આવીને ફંટાઈ જવું નહીં. આ ઉંદરની જેમ કોઈ આપણી ભૂલ દેખાડે તો ત્યાં શાંતિથી કહેવું કે, “સારું ધ્યાન રાખીશ.” અને પછી નિષ્પક્ષપાતી રીતે તપાસ કરવી કે ખરેખર આપણામાં ભૂલ છે? જો ખરેખર આપણામાં ભૂલ હોય તો સુધારવી, અને ન હોય તો અવગણના કરવી. પણ લોકોની વાતમાં આવીને નકારાત્મક વિચારોમાં ગૂંચવાઈ ન જવું.
આપણે સારા દેખાવના ખૂબ પ્રયત્નો કરીએ અને લોકો આપણને આજે “બહુ સારા માણસ” નું સર્ટિફિકેટ આપશે. પણ આવતીકાલે આપણે લોકોમાં ભૂંડા દેખઈશું તો રાતોરાત સર્ટિફિકેટ બદલાઈ જશે. એટલે લોકોના આપેલા તકલાદી સર્ટિફિકેટની કોઈ કિંમત નથી. એના કરતા તો સ્કૂલ કે કૉલેજના સર્ટિફિકેટ સારા, જે એક વાર મળે પછી આખી જિંદગી બદલાય તો નહીં!
બીજી બાજુ, ખોટું કામ કરવામાં લોકસંજ્ઞાનો ભય રાખવો હિતકારી છે, કારણ કે તે આપણને ખોટું કરતા અટકાવશે. જેમ કે, કોઈ યુવાન ચોરીછૂપીથી વ્યસન કરનાઓના કુસંગમાં ફસાયો હોય, પણ “કોઈ જોઈ જશે તો?” એ ભયથી પોતે વ્યસનને અડે જ નહીં તો તેના માટે હિતકારી નીવડે છે. જે પોતે ચોખ્ખા છે તેને “લોકો શું કહેશે?” નો ભય નથી હોતો.