Karela Nakaratmak Karma Kyare Bhogavava Pade? in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | કરેલા નકારાત્મક કર્મ ક્યારે ભોગવવા પડે?

Featured Books
Categories
Share

કરેલા નકારાત્મક કર્મ ક્યારે ભોગવવા પડે?

આપણે કર્મ કઈ રીતે બંધાય છે તે સમજીએ તો તેના કેવા ફળ ભોગવવાના આવે તે સમજી શકાય. કર્મ એટલે શું? સામાન્ય રીતે આપણે નોકરી-ધંધો કરવો, સત્કાર્ય કરવા, દાન-ધર્મ કરવું એ બાહ્ય ક્રિયાઓને કર્મ કહીએ છીએ. પણ ખરેખર એ કર્મ નથી, પણ કર્મનું ફળ છે. પાંચ ઇન્દ્રિયોથી જે કંઈ અનુભવમાં આવે છે તે બધું જ કર્મફળ છે. આપણે સમાચારોમાં જોઈએ છીએ કે પ્લેન ક્રેશ થયું અને અનેક માણસો મરી ગયા! દાવાનળ ફાટી નીકળ્યો અને લોકોનાં ઘરબાર રાખ થઈ ગયા. કેટલાક જન્મતાં જ રોગથી મર્યા, કેટલાકે આપઘાત કર્યો. કેટલાકને મહેનત કરવા છતાં આખી જિંદગી પૈસા નથી મળતા તો કેટલાક ખોટા કામો કરીને પણ ધૂમ પૈસા કમાય છે. વાસ્તવિકતામાં આ બધું જ કર્મનું ફળ છે. કર્મ ક્યાં બંધાય છે તે આપણને સમજમાં નથી આવતું.
કર્મનું ફળ બે પ્રકારે મળે છે. પ્રત્યક્ષ કરેલા કર્મનું ફળ અહીંનું અહીં જ મળે. પ્રત્યક્ષ એટલે ઉઘાડું દેખી શકાય તેવું કર્મ. ઉદાહરણ તરીકે, કોઈની દીકરીના લગ્નમાં ભંગાણ પડાવ્યું હોય, તો તેનાથી સામાનું જે મન દુખાવ્યું, તેના પરિણામે આપણું મન દુખવાનું કોઈ કારણ ઊભું થશે. જ્યારે પરોક્ષ કર્મ, જે આપણને ઉઘાડું જણાતું નથી, પણ અંદર ભાવથી બંધાય છે તેનું ફળ આવતા ભવે મળશે. ઉદાહરણ તરીકે, કોઈ માણસના દસ લાખ રૂપિયાનું નુકસાન કરવાના ભાવ કર્યા હોય તો બીજા ભવમાં પોતાનું એવું જ નુકસાન થશે. પછી એ નુકસાન માટેના કારણો અને નિમિત્તો બદલાઈ શકે, જેમ કે, પોતાનો જ દીકરો પૈસા વાપરી નાખે અને દુઃખી કરે. ટૂંકમાં, સામાને જેટલું દુઃખ આપણે ધર્યું એટલું જ દુઃખ આપણને થાય. આપણે કોઈની આંતરડી ઠારી, તો કોઈ આપણી આંતરડી ઠારશે. છેવટે આપણા રાગ-દ્વેષનું જ ફળ મળે છે. રાગનું ફળ સુખ અને દ્વેષનું ફળ દુઃખ મળશે. કર્મનું ફળ ભોગવતી વખતે મનુષ્ય અજ્ઞાનતાને કારણે પાછું ગમો-અણગમો, રાગ-દ્વેષ કરે છે, જેનાથી નવું કર્મબીજ પડે છે. પછી તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે.
ઉદાહરણ તરીકે, એક શેઠ પાસે એક સંસ્થાના ટ્ર્સ્ટી ધર્માદા માટે દાન આપવા દબાણ કરે છે, એટલે શેઠ પચાસ લાખ રૂપિયા દાનમાં આપે છે. ત્યાર પછી એ શેઠના મિત્ર શેઠને પૂછે છે કે “આ લોકોને તે કયાં આપ્યા? આ બધા ચોર છે, ખાઈ જશે તારા પૈસા!” ત્યારે શેઠ કહે છે કે, “એ એકે એકને હું સારી રીતે ઓળખું છું. પણ શું કરું? એ સંસ્થાના ચેરમેન મારા વેવાઈ થાય એટલે તેમના દબાણથી આપવા પડ્યા, નહીં તો હું પાંચ રૂપિયા પણ આપું એવો નથી!” હવે પચાસ લાખ રૂપિયા દાનમાં આપ્યા તેનું ફળ એ મળ્યું કે, બહાર લોકોને શેઠ માટે ધન્ય ધન્ય થઈ ગયું, તેમની વાહ વાહ થઈ. પણ શેઠે કયું કર્મ બાંધ્યું? “પાંચ રૂપિયા પણ ના આપું!” એવું અવળું કર્મ. તેના પરિણામે આવતા ભવમાં એ કોઈને પાંચ રૂપિયા પણ નહીં આપી શકે એવી પરિસ્થતિ સર્જાશે! બીજી બાજુ, કોઈ બીજો ગરીબ માણસ એ જ સંસ્થાના લોકોને પાંચ જ રૂપિયા દાનમાં આપે છે, પણ કહે છે કે “મારી પાસે પાંચ લાખ હોત તો તે બધા જ આપી દેત!” એટલે એ જે દિલથી આપે છે, તેના પરિણામે આવતા ભવે પાંચ લાખ આપી શકે એવું ફળ મળશે. આમ બહાર દેખાય છે તે તો ફળ છે ને અંદર સૂક્ષ્મમાં કર્મનું બીજ પડે છે, જેની કોઈનેય ખબર પડે તેમ નથી. આટલું જો સમજાય તો આપણે કોઈના માટે ભાવ ન બગાડીએ.
અજાણતા પણ કોઈ ખોટું કર્મ કર્યું હશે તો તેનું ફળ ભોગવવું પડે છે. તેનું એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે, બે ભાઈબંધો ચાલતા હોય અને તેમના રસ્તે બે મોટા વંદા પસાર થતા હોય. તેમાં એક ભઈબંધનો પગ અજાણતા જ વંદા ઉપર પડ્યો અને વંદો કચડાઈ ગયો. પણ બીજા ભાઈબંધે વંદો જોયો એટલે એને કચડી કચડીને મારી નાખ્યો. હવે બંનેએ એકસરખું પાપકર્મ કર્યું. આ ખોટું કર્મ કરવાનો બેઉને દંડ પણ સરખો મળે. ધારો કે, બંનેને બે ધોલ અને ચાર ગાળો મળે એવી સજા થઈ. પણ બંનેના ભોગવટામાં ફેર પડે. ફક્ત સમજવા માટે લઈએ કે જેણે અજાણતા વંદો મારી નાખ્યો હતો, એ માણસ બીજે ભવ મજૂર તરીકે કામ કરતો હોય. હવે, કોઈએ એને બે ધોલ મારી અને ચાર ગાળો ભાંડી. પણ એણે થોડે દૂર જઈને બધું ખંખેરી દીધું અને કોઈ અસર ના થઈ. જ્યારે બીજા ભાઈબંધે વંદાને કચડીને માર્યો, તે બીજે જન્મે ગામમાં આગેવાન તરીકે પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો. હવે એને કોઈએ બે ધોલ મારી અને ચાર ગાળો ભાંડી, તો આગેવાનને કેટલાય દિવસો સુધી ઊંઘ ના આવી. એટલે જાણીને કરેલા કર્મનું ફળ વધારે દુઃખદાયી નીવડે છે. માટે સમજીને કર્મ કરવું, કારણ કે, આપણે જે કંઈ કરીએ છીએ, તેની જવાબદારી સંપૂર્ણપણે આપણી પોતાની જ છે.
આપણે એવા નકારાત્મક કર્મો ન કરવા જેનાથી કોઈને દુઃખ થાય. આપણને સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપવું. જેમ આપણે બાવળિયા વાવીએ અને પછી એમાં કેરી ઉગવાની આશા રાખીએ તો ચાલે નહીં ને? જેવું વાવીએ એવું ફળ મળે. જેવા કર્મ આપણે કર્યાં છે, એવું ફળ આપણે ભોગવવાનું છે. અત્યારે કોઈને આપણે ગમે તેમ અપશબ્દો બોલી ગયા, તો સામો તે દિવસથી ગાંઠ બાંધે અને બદલાની ભાવના કરે કે ક્યારેક ભેગો થાય ને સામે સંભળાવી દઉં. એટલે કોઈ આપણને ગમે તેમ બોલી જાય તો આપણે જમે કરવું. પૂર્વે આપણે ના ગમતા શબ્દો બોલ્યા હોઈશું એટલે આપણને એવા શબ્દો આવે છે. જો ગમતું હોય તો નવું ધીરવું અને ન ગમતું હોય કે સહન ન થતું હોય તો નવું ધીરવું નહીં. જમે કરીને હિસાબ પૂરો કરવો. કારણ કે, આ જગતમાં કર્મનો સિદ્ધાંત ચોક્કસ છે. આ દુનિયા એક સેકન્ડ પણ ન્યાયની બહાર નથી ગઈ.
ભારત જેવા આધ્યાત્મિક રીતે વિકસિત દેશમાં બાળક નાનું હોય ત્યારથી તેને પાપ-પુણ્ય કર્મની સમજણ પીરસવામાં આવે છે કે, “ખોટું કરીશ તો પાપ લાગશે, આમ ન કરાય.” ટૂંકમાં, “બીજાને સુખ આપવાથી પુણ્ય બંધાય અને બીજાને દુઃખ આપવાથી પાપ બંધાય.” બસ આટલી જ જાગૃતિ આખો દિવસ રાખ્યા કરવી! છતાં ભૂલેચૂકે કોઈને દુઃખ અપાઈ જાય તો તરત જ પાછા ફરવું. જે જીવને આપણા વર્તનથી, વાણીથી કે મનથી દુઃખ પહોંચ્યું હોય, તેની અંદર બિરાજેલા આત્મા પાસે માફી માંગવી. હૃદયપૂર્વક પસ્તાવો લેવો જોઈએ અને ફરી આવી ભૂલ નહીં કરું એવો દ્રઢ નિશ્ચય થવો જોઈએ. આટલું જ જો સાચા દિલથી મનમાં કરી લઈએ તો પણ તેનું ફળ સુધરે છે.