આપણાં પ્રધાનમંત્રી મોદીજી રાષ્ટ્રપતિ દ્રૌપદીજી, સાધુ સંતો,આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી,“cold play” ના શો થી ભારતના યુવાનોને ડોલાવનાર ક્રિશ માર્ટિન, અને 44-45 કરોડ ભાવિકો વચ્ચે એક સામ્યતા કે બધાંએ મહાકુંભમાં “ત્રિવેણી સંગમ”માં ડૂબકી લગાવી સંગમ સ્નાનનો અમૂલ્ય લ્હાવો લીધો. “સનાતન ધર્મ”ના પ્રભાવે જગતને સ્તબ્ધ કરી દીધું.
તીર્થોના રાજા પ્રયાગરાજમાં તારીખ 13-1-2025 થી 26-2-2025 સુધી ચાલનાર આ મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં એટલેકે 14-2-2025 અંદાજે 45-46 કરોડ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી પોતાની જાતને ધન્ય કરી છે. આ ત્રિવેણી સંગમ એટલે ગંગામાતા, યમુનામાતા અને ગુપ્ત સરસ્વતીમાતા એમ ત્રણેયનો સંગમ થાય એ સ્થળ.
આધ્યાત્મિક જ્ઞાન,આત્મ સાક્ષાત્કાર અને મુક્તિની શોધ કરનારા લાખો કરોડો શ્રદ્ધાળુઓ જો સંગમ સ્નાન કરે તો એને મોક્ષ ની પ્રાપ્તિ થાય અને જ્ઞાનનું અમૃત પ્રાપ્ત થાય એમ કહેવાય છે.
એવી પૌરાણિક કથા છે કે સમુદ્ર મંથન વખતે 14 મું રત્ન અમૃતકુંભ નીકળ્યો. દાનવો આ અમૃત કુંભના ભાગીદાર ન થાય માટે દેવતાઓ આ કળશ લઈ ભાગવા માંડ્યા. આમ રસ્તામાં દોડતી વખતે ચાર જગ્યાએ વિશ્રામ વેળાએ કુંભ જમીન ઉપર રાખવા જતાં ત્યાં અમૃતનું એક એક ટીપું ચાર જગ્યાએ પડ્યું. એ ચાર જગ્યા એટલે પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. દર બાર વર્ષે આ ચારમાંના દરેક સ્થળે એટલે કે દરેક સ્થળે “કુંભ મેળા”નું આયોજન થાય. એટલે એક સ્થળે “કુંભ મેળો “ થયા બાદ બરાબર ત્રણ વર્ષે બીજા સ્થળે યોજાય.
પ્રયાગરાજમાં યોજાયાના 6 વર્ષ પછી હરિદ્વારમાં ગંગાકિનારે જે કુંભ મેળો ભરાય તેને “અર્ધ કુંભ” મેળો કહેવાય અને બાકીના બે સ્થળોએ એટલે કે નાસિકના ગોદાવરી નદીના કિનારે અને ઉજ્જૈનની ક્ષિપ્રા નદીના કિનારે ભરાતો મેળો ફક્ત કુંભ મેળો કહેવાય.
એમ કહેવાય છે કે, ધર્મનો કારક ગુરુ જયારે વૃષભ/ સિંહ / વૃશ્ચિક અને કુંભ રાશિમાં ભ્રમણ કરે છે ત્યારે કુંભ મેળો યોજાય છે.
જયારે ગુરુ – વૃષભ રાશિમાં,
સૂર્ય –મકર રાશિમાં,
ચંદ્ર – કર્ક રાશિમાં આમ ગુરુ, સૂર્ય, ચંદ્ર નો વિશિષ્ટ સંયોગ હોય ત્યારે પ્રયાગમાં કુંભ યોજાય છે.
આ વખતે “મહાકુંભ”12 વર્ષના 12 ગાળા એટલે કે દર બાર વર્ષે ભરાતા કુંભ મેળાનું 12 મું આવર્તન “મહાકુંભ “ ગણાય છે. આવો અવસર 144 વર્ષ પછી આવ્યો છે.
“મહાકુંભ” એવો ઉત્સવ છે જે વિજ્ઞાન, આધ્યાત્મિક અને ખગોળ શાસ્ત્રને જોડે છે. દરેક હિંદુ તહેવાર અને ધાર્મિક વિધિ પાછળ શાસ્તરોકત આધાર રહેલો છે.
એમ પણ કહેવાય છે કે સંગમમાં સ્નાન કરવા દેવી, દેવતાઓ, સપ્તર્ષિ કહેવાતા સાત ઋષિઓ અને ભારદ્વાજ મુનિ પણ સૂક્ષ્મ સ્વરૂપે અહીં સ્નાન કરવા આવે છે જેમને આપણે જોઈ નથી શકતા પણ એમના સ્નાનને લીધે એમની દિવ્યતા અને તપ પણ સંગમના એ પાણીમાં આવે છે એટલે એ પાણીનો સ્પર્શ શ્રદ્ધાળુઓને પણ મળે છે.
મહાકુંભમાં સૌ પ્રથમ તપસ્વી સાધુ સંતો, અખાડાના સાધુ બાવા (13 અખાડા ) સ્નાન કરે છે. ત્યાર પછી સામાન્ય લોકોને આ લાભ મળે છે એટલે એ તપસ્વીઓની દિવ્યતા સંગમના પાણીમાં મળે છે. તમે વિચારી શકો કે આ જળ કેટલું પવિત્ર હશે એનો પુરાવો છે કે કરોડો લોકોના સ્નાન કરવા છતાં કોઈ રોગ કે મહામારી નડી નથી. આધ્યાત્મિકતાની પરમ સમીપે પહોંચી શ્રદ્ધાળુઓ આ ક્ષણને જીવનની અમૂલ્ય ક્ષણ માને છે.
“મહાકુંભ” માટે ઉત્તર પ્રદેશ સરકારે ઉત્તમ વ્યવસ્થા કરી છે. જેમકે 10 લાખ વાહનો માટે પાર્કિંગ ની વ્યવસ્થા, વિશ્વનું સૌથી મોટું AI સહાયીત કેન્દ્ર, વિશ્વનું સૌથી મોટું AI સહાયીત “ Lost and found” કેન્દ્ર, તેમજ વિશ્વની સૌથી મોટી AI સહાયીત “Traffic and Crowd control” વ્યવસ્થા કરી છે. આથી જ આ વખતના મહાકુંભ ને “ડિજિટલ મહાકુંભ” પણ કહેવાય છે જ્યાં ધર્મ અને ટેક્નોલોજીનો અદ્ભૂત સંગમ થયો છે.
પર્યાવરણ ની દેખરેખમાં પણ કોઈ કસર બાકી નથી રાખી. “એક થેલા એક થાલી” નું સૂત્ર રાખ્યું છે . સંગમમાં પધરાવેલ કૂલ, નાળિયેર તેમજ હાર વગેરે ને આધુનિક મશીનો દ્વારા પાણીમાંથી બહાર કાઢી રિસાયકલ કરવામાં આવ છે. નિયમીત સફાઈ થતી રહે છે. પ્રયાગરાજના પ્રેમાળ લોકો, પોલીસ કર્મચારીઓ, સફાઈ કામદારોને શત શત પ્રણામ. ગરીબ તવંગર બધાં શ્રદ્ધાળુઓ કોઈપણ ભેદભાવ વગર,આ પવિત્ર મેળામાં એક સાથે સંગમમાં ડૂબકી મારી ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા પ્રતિબધ્ધ છે એટલે આ દ્રશ્ય કદાચ આખી દુનિયામાં દુર્લભ છે.
“સનાતન પરમો ધર્મ” અને સત્ય છે. મહાકુંભ એ ફક્ત ત્રણ પવિત્ર નદીઓનો નહિ પણ મન, શરીર અને આત્માનો ત્રિવેણી સંગમ છે. “મહાકુંભ” માં અનેક જાતિ, દેશ, વિદેશ, સંપ્રદાય ના કરોડો લોકોએ એક સાથે આવી સામાજિક સંવાદિતા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપ્યું છે. આખા વિશ્વએ ભારતની ભાવના “વસુધૈવ કુટુંબકમ” ની નોંધ મહાકુંભના માધ્યમથી લીધી છે.