વહેલી પરોઢે જ્યારે સૂર્યનારાયણ રન્નાદેને સંધ્યાએ મળીયે કહીને ક્ષિતિજ પર જવાની તૈયારી કરતા હોય, ક્ષિતિજ પર સૂર્યનારાયણના આગમનને આવકારવા પૂર્વ દિશાના દિક્પાલે લોકધર્મના ભગવા રંગની રંગોળી પાથરી હોય અને એ ભગવા રંગ વચ્ચે ક્યાંક સફેદ અને ક્યાંક આછેરા શ્યામ વાદળો, એ આગમનને આવકારતા તોરણીયા બની ડોકતાં હોય અદ્દલ એવો જ રંગ વહેલી પરોઢથી મિથિલા નરેશ જનકરાજાના રાજદરબારમાં જામ્યો હતો. રાજદરબારમાં જ્યાં જુઓ ત્યાં ભગવા વસ્ત્રોવાળા, કોઈ સફેદ તો કોઈ કાળી દાઢીવાળા, રુદ્રાક્ષ કે તુલસીની માળા વાળા, કોઈ કમંડળ વાળા તો કોઈ ખપ્પર અને મંત્ર દંડ વાળા સાધુઓ અને ઋષિમુનિઓ અત્રે તત્રે સર્વત્રે વિરાજમાન હતા.
મહારાજા જનકે બધાને વંદન કરી સન્માન પૂર્વક બેસાડ્યા અને ગંભીર મુખમુદ્રા સાથે પોતે પોતાના સિંહાસન પર આરૂઢ થઈ બોલ્યા;
"હે મહાજ્ઞાની ઋષિજનો અને સાધુજનો, આપ સૌને મેં મારા મનમાં ઉદભવેલા એક પ્રશ્નના નિરાકરણ માટે અહીં આમંત્રિત કર્યા છે. થોડા સમય પહેલા એક ગ્રંથના વાંચન દરમિયાન મેં એક વાક્ય વાંચ્યું કે એક પેંગડામાં પગ ભરાવી બીજા પેંગડામાં પગ નાખવા જેટલા સમય માત્રમાં માનવ આત્મસિદ્ધિ મેળવી શકે! શું આ શક્ય છે?"
ઋષિ અને સાધુગણમાં ગણગણાટ વ્યાપી ગયો અને થોડીવારે કેટલાક અગ્રગણ્ય ઋષિઓએ એ બાબતે હકારાત્મક અભિપ્રાય આપ્યો અને કહ્યું કે હા એવું શક્ય છે.
આંખોમાં એક અનેરી ચમક સાથે ભ્રમરોને ઉપર તરફ ખેંચી, જનકરાજાએ પ્રશ્ન કર્યો;
"શું તમારામાંથી કોઈ આ સિદ્ધિ મને અપાવીને ગ્રંથમાં લખેલી એ વાતને સિદ્ધ કરી બતાવે એવા વિદ્વાન છે?"
રાજદરબારમાં સન્નાટો છવાઈ ગયો. બધા નિરુત્તર રહ્યા.
જનકરાજાની દ્રષ્ટિ વ્યગ્રતા પૂર્વક રાજદરબારમાં બેઠેલા તમામ સાધુઓ, ઋષિઓ ઉપર ફરી વળી. તમામના મસ્તક નત હતા.
સારી એવી વાર સુધી કોઈનો પ્રત્યુતર ન મળતાં અસ્થિર થયેલા જનકરાજાએ ખિન્નતા પૂર્વક પૂછ્યું;
"તમારામાંથી કોઈ એવો યોગી નથી જે આ વાતને સિદ્ધ કરી આપે અને મને ક્ષણવારમાં આત્મસિદ્ધી આપી શકે?"
એક શ્વેત દાઢીમૂછ અને જટાધારી ઋષિમુનિએ ઊભા થઈ કહ્યું;
"રાજન આત્મસિદ્ધિ ક્ષણવાર માત્રમાં સિદ્ધ થઈ શકે એ વાત સાચી છે. છતાં પણ જેટલી ધારીએ એટલી સરળ પણ નથી. એ માટે મનને ખૂબ જ એકાગ્ર કરવું પડે અને એટલા માટે જ આ સિદ્ધિ શક્ય હોવા છતાં દેવદુર્લભ પણ ગણાય છે."
" તો તમારામાંથી કોઈએ પણ એ સિદ્ધિ પ્રાપ્ત કરી નથી? તમારામાંથી કોઈ એ સિદ્ધિ મને પણ પ્રાપ્ત કરાવી શકે એવા સમર્થ નથી?"
અપ્રસન્ન મુખમુદ્રા સાથે જનકરાજાએ કહ્યું.
ઉભા થયેલા ઋષિમુનિ સહિત તમામ ચૂપ તેમજ નતમસ્તક રહ્યા. થોડીવારની શાંતિ બાદ વ્યાકુળ થયેલા જનકરાજાના પડછંદ અવાજના પડઘા રાજદરબારમાં ગુંજી ઉઠ્યા.
"તો શું અહીં ઉપસ્થિત તમાત ઋષિમુનિઓ અને સિદ્ધ ગણાતા એવા તમામ સાધુઓ નામ માત્રના પંડિત અને સિદ્ધો છે? સિદ્ધિઓના નામે ઢોંગ કરી, ભિક્ષાટન, ભેટ કે દક્ષિણા પર જીવન નિર્વાહ કરનારાઓ જ છે? કારાવાસ ને લાયક છે! કારાવાસ ને લાયક છે! સિપાઈઓ આ તમામ ઢોંગીઓ ને કારાગૃહમાં બંધ કરી દો."
અવાજના પડઘાઓનું શમન થાય એ પહેલા તો સૈનિકો છૂટયા અને નત મસ્તક બેઠેલા એક એક ઋષિઓ અને સાધુઓને પકડીને કારાગૃહમાં કેદમાં પુરી દેવામાં આવ્યા.
વાત વાયુવેગે મિથિલા નગરીમાં પ્રસરી, લોકો જનકરાજા પર ફિટકાર વરસાવવા લાગ્યા. વિરોધના વંટોળ ઉઠ્યા પણ જનકરાજા એક ના બે ન થયા. વાત ઊડતી ઊડતી અષ્ટાવક્ર ઋષિને કાને આવી. અને અષ્ટાવક્ર ઋષિ જનકરાજાના મહેલે પધાર્યા. જનકરાજાએ તેમનું યથાયોગ્ય સન્માન કર્યું અને પોતાનાંથી ઉચ્ચ આસને બેસાડ્યા. અષ્ટાવક્ર ઋષિએ અન્ય ઋષિઓ અને સાધુઓને કારાગૃહમાં કેદ કરવા પાછળનું કારણ પૂછ્યું ત્યારે જનકરાજાએ આત્મસિદ્ધી અને તેની ત્વરિત પ્રાપ્તિ વિશે અષ્ટાવક્ર ઋષિને પૃચ્છા કરી.
અષ્ટાવક્ર ઋષિએ કહ્યું;
"રાજન ગ્રંથમાં લખેલી એ વાત હું તમને આત્મસિદ્ધિ અપાવી સિદ્ધ કરી આપીશ પણ એ પહેલાં તમે આજે જ કારાગૃહમાં બંધ તમામ ઋષિઓ અને સાધુઓને મુક્ત કરો અને આવતી કાલે પ્રાતઃકાળે જંગલમાં મારી કુટિરે એકલા આવજો."
જનકરાજાએ તમામ ઋષિઓ, સંતોને મુક્ત કર્યા અને બીજા દિવસે વહેલી સવારે એકલા જ અષ્ટાવક્ર ઋષિની કુટીરે પહોંચી ગયા. અષ્ટાવક્ર ઋષિએ તેમને શિષ્ય બનાવીને ક્ષણવાર માત્રમાં આત્મજ્ઞાન આપ્યું અને એ પછીથી જનકરાજા વિદેહી તરીકે ઓળખાવા લાગ્યા.
*****************
વર્ષોબાદ જનકરાજાના એક સેવકે તેમને પ્રશ્ન કર્યો.
" મહારાજ આપ દેહધારી હોવા છતાં પણ વિદેહી તરીકે શા માટે ઓળખાઓ છો? મને આ વાત સમજાતી નથી."
જનક રાજાએ કહ્યું;
"આ પ્રશ્નનો ઉત્તર હું થોડા દિવસો પછી જરૂરથી આપીશ."
થોડા દિવસો વીત્યા એટલે એક દિવસ તક જોઈ પૃચ્છક સેવકને વાંકમાં લઈ જનકરાજાએ તેને બીજે દિવસે સંધ્યા સમયે શૂળી પર લટકાવી દેવાનો આદેશ આપી દિધો. જે દિવસે શૂળી પર લટકાવવાનો હતો એ દિવસે બપોર પહેલા મંત્રીજીને તેમના ઘરે મોકલી તેને મહેલમાં જમવાનો આદેશ કરવામાં આવ્યો.
પૃચ્છક સેવક જ્યારે જમવા બેઠો ત્યારે તેને તમામ વાનગીઓ મીઠા કે ગોળ વગરની પીરસવામાં આવી અને એ જમી લીધો પછી જનકરાજાએ તેને પૂછ્યું;
"સાચું કહેજે આજે જમવાની વાનગીઓનો સ્વાદ કેવો હતો?"
સેવક બિચારો દયામણા આવાજે બોલ્યો;
"મહારાજ સંધ્યાકાળે શૂળીએ લટકવાના વિચારોમાં રસોઈના સ્વાદની મને ખબર જ નથી. જેવું હતું તેવું મે અનિચ્છાએ પણ ખાઈ લીધું."
ખડખડાટ હાસ્ય સાથે જનક રાજાએ કહ્યું;
"હવે તારા પ્રશ્નનો ઉત્તર! ભોજનના સમયથી સંધ્યાકાળ વચ્ચે ઘણો સમયગાળો હતો પણ સંધ્યાકાળે જે થવાનું છે, તેના વિચારમાત્રથી તારી રુચિ ભોજનમાં પણ ન રહી. નશ્વર એવા દેહમાં વસતી તારી આત્મા, તારી ચેતના દેહમોહમાં સપડાઈ અને તું એટલી હદે ભાન ભૂલી ગયો કે ભોજન સમયની ત્યારની તારી વર્તમાન પળોને પણ ખુશીથી માણવાનું વીસરી ગયો. જ્યારે હું દેહધારી હોવા છતાં પણ એક આત્મા કે ચેતના રૂપે રહીને, ઈશ્વર તરફથી મળેલા અમુલ્ય એવા જીવનના વર્તમાનની દરેક પળોને નિશ્ચિંત પણે ખુશ થઈને માણું છું. એટલે જ હું વિદેહી કહેવાવ છું. વળી તને શૂળીએ લટકાવવાનો આદેશ એ તને તારા પ્રશ્નનો ઉત્તર આપવા માટે રચેલું એક પ્રપંચ માત્ર હતું. એટલે હવે ફરી ભોજન કક્ષમાં જા અને નિશ્ચિંત બની તારી ક્ષુધા સંતોષ."
તત્કાલીન (વર્તમાનમાં પણ!) મારું મારું કરીને આવતીકાલની, આવતીકાલની પેઢીની કે ભવિષ્યની ચિંતામાં રહી બીજાનું કરી નાખીને પણ ખુદનું સાજુ કરી લેનારાં અને અમૂલ્ય એવા પોતાના વર્તમાન જીવનની દુર્ગતિ કરનારા એવાં અનેક અગણિત જીવડાઓની સરખામણી જનકરાજાના વિદેહીપણાં સાથે કરતો અને મનમાં મોતમાં થી ઉગર્યાંના ખુશીના ભાવ લઈ એ સેવક ભોજન કક્ષ તરફ રવાના થયો.