ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 29
શિર્ષક:- ઝડપી લીધો
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ…29 ."ઝડપી લીધો"
ફરતો ફરતો હું અંબાજી આવ્યો. અંબાજીમાં મારાં કુળદેવી હતાં. કુલાચાર પ્રમાણે પ્રથમ ખોળાના પુત્રની અહીં બાબરી ઉતરાવવામાં આવતી. આબુરોડથી પગપાળા ચાલતાં ચાલતાં હું અંબાજી પહોંચ્યો. ચોમાસું શરૂ થઈ ગયું હતું. એટલે વરસતા વરસાદમાં પણ હું ચાલતો રહેતો. બે-ત્રણ દિવસ રહીને પગે ચાલતો દાંતા ગયો. અહીં કથા કરવાની ઇચ્છા થઈ. મંદિરમાં સગવડ પણ સારી હતી. લોકોનો ભાવ પણ ખૂબ હતો. પણ લગભગ સાંભળનાર શ્રોતાવર્ગ માત્ર બહેનોનો હતો. તે પણ બ્રાહ્મણ બહેનો તેમના પતિઓ અંબાજીમાં ગોરપદું કે દુકાનનું કામ કરતા. આ બહેનોએ મને ખૂબ જ ભાવથી એક મહિનો રહી જવા આગ્રહ કર્યો. પણ માત્ર બહેનો જ શ્રોતાવર્ગ હોવાથી મને ગમ્યું નહિ એટલે એક દિવસ કોઈને પણ કાંઈ કહ્યા વિના હું ચુપચાપ ચાલી નીકળ્યો.
ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો; અને ક્યાં જવું એ કશું નક્કી ન હોવા છતાં હું વેગમાં ચાલી રહ્યો હતો. માર્ગમાં એક-બે નાની નાની નદીઓ પણ આવી તે પાર કરીને પુજપુર નામના ગામે પહોંચ્યો ત્યારે વરસાદ રહી ગયો હતો. અપૂજ્ય જેવું એક શિવાલય કે અન્ય કોઈ મંદિર હતું. ત્યાં થેલી મૂકી, અને સાંજનું સ્નાન કરવા તથા કીડિયાનગરાં પૂરવા હું એક હાથમાં કમંડળ તથા બીજા હાથમાં કીડીઓ માટેના આહારનું ડબલું લઈને નીકળ્યો.
નદીના કિનારે આવેલા કૂવામાંથી જળ લીધું તથા થોડા જળવાળી નદી પાર કરીને દૂરની ઝાડીમાં ગયો. લગભગ અડધાપોણા કલાકે પાછો ફર્યો ત્યારે તો મેં જોયું કે કૂવા પાસે આખું ગામ ભેગું થઈ ગયું છે. મને ફાળ પડી કે કદાચ કૂવામાં કોઈ પડી ગયું હશે. પણ તરત જ તે શંકા નિર્મૂળ થઈ ગઈ. કારણ કે સૌની નજર મારી તરફ હતી. સૌ એકીટશે મારી તરફ જોઈ રહ્યાં હતાં. હું સાવ નજીક ગયો એટલે ટોળું આઘું ખસ્યું. એક જમાદારે મને હાથપગ ધોવા માટે પાણી કાઢી આપ્યું. હું પણ પરિસ્થિતિ જોઈને ગૂંચવણમાં પડી ગયો કે આ બધું છે શું ? કેમ મારી તરફ જ લોકો જોઈ રહ્યા છે?
વામાં પેલા જમાદારે પૂછ્યું, 'મહારાજ, તુમ્હારા દૂધ કૌનસ ? મેં જવાબ આપ્યો, 'બ્રાહ્મણ,’ તરત જ તેણે કહ્યું, “જૂઠા બોલતે હો.' મને થોડું દુઃખ તથા ખોટું પણ લાગ્યું. હું સાચું બોલું છું તોપણ આ કેમ મને જૂઠો કહેતા હશે !
લોકોનું ટોળું વધતું જ જતું હતું. ટોળામાંની એક લાજ કાઢેલી સ્ત્રી વારંવાર કહેતી હતી, ‘એ જ છે એ જ છે મારા હમ.... એ જ છે.' ટોળું મને બરાબર વળગ્યું.
વાત આમ બનેલીઃ આ ગામનો પંચાલ જ્ઞાતિનો એક છોકરો કેટલાંક વર્ષો પહેલાં અહીંથી ચાલ્યો ગયેલો. પેલી લાજ કાઢેલી સ્ત્રી તે તેની ભાભી થાય. હું જ્યારે ગામમાં પ્રવેશ્યો ત્યારે તેની નજર મારા ઉપર પડી. કાંઈક ચહેરામાં મળતાપણું હશે એટલે તે સમજી કે તેનો દિયર જ સાધુ થઈને ‘કટંબજાતરા' કરવા આવ્યો છે. તેણે આખું ગામ ભેગું કર્યું. સૌકોઈને તેની વાતમાં વિશ્વાસ હતો. મારી ચોખવટ સ્વીકારવા કોઈ તૈયાર ન હતું. હવે શું કરવું ? અંતે અમે બધાં પેલા મંદિરે ગયાં. રાત્રે સત્સંગ કર્યો, બીજા દિવસે સવારે મારે નીકળી જવાનું હતું. પણ હું નીકળી ન જાઉં તેની તકેદારી લોકોએ ચોકીપહેરો મૂકીને કરી દીધી. ખરું ધર્મસંકટ આવી પડ્યું. વારંવાર સમજાવવા છતાં પેલી ભાભી માનતી ન હતી. તેનો ઘરવાળો બહુ મક્કમ ન હતો. અંતે મોડી રાત્રે ભગવાન મારી વહારે આવ્યા. પેલા ચાલ્યા ગયેલા પંચાલ છોકરાનાં માજી આવ્યાં. તેમણે મને ધારી ધારીને જોયો અને પછી નિર્ણય કર્યો કે ના.....ના..... ..... એ નથી.' બસ, તેના નિર્ણય વાતાવરણ બદલાયું. સૌ વીખરાયાં. હું મનોમન હસતો સૂઈ ગયો.
આજકાલ કેટલીક જગ્યાએ બનાવટી જમાતવાળા જાણીકરીને કોઈ ચાલ્યા ગયેલાનું રૂપ ધારણ કરીને પછી સ્ત્રી, માતા, ભાઈઓ વગેરે સાથે છેતરપિંડી કરે છે. પહેલાં તપાસ કરે છે કે આ ગામમાં દસ-પંદર-વીસ વર્ષોમાં કોઈ છોકરો સાધુ થવા નીકળી ગયો છે કે કેમ ? જો નીકળી ગયો હોય તો પોતાનામાંથી જ કોઈ એકને તેનું રૂપ ગણાવી ભોળા લોકોને દરેક રીતે ઠગે છે.
બીજા દિવસે પેલી ભાભીએ જમાડીને જ મને મોકલ્યો.
આભાર
સ્નેહલ જાની