આપણે સમાચાર કે મીડિયામાં જોઈએ ને સંભાળીએ કે અચાનક દાવાનળ ફાટી નીકળ્યો અને લાખો લોકોના ઘર ઉજડી ગયા. જાત્રાના સ્થળે એકાએક બરફ પડ્યો અને સેંકડો જાત્રાળુઓ દટાઈને મરી ગયા. બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણીમાં જબરો ભાઈ બધું પચાવી ગયો, બીજો ભાઈ દુઃખી છે. નીતિ-પ્રામાણિકતાથી નોકરી કરનાર દુઃખી થાય છે જ્યારે અનીતિ અને અપ્રમાણિકતા આચરનારા બંગલા બાંધે છે, મોંઘી ગાડીઓમાં ફરે છે અને જલસા કરે છે. નિર્દોષ માણસ જેલમાં સજા ભોગવે છે, જ્યારે ગુનેગારો બહાર છૂટા ફરે ને મોજ કરે છે. પીડિત કોર્ટ-કચેરીના ચક્કરો લગાવીને થાકી જાય છે પણ તેને ન્યાય નથી મળતો. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આવું કેમ? કેમ સાચો માણસ દુનિયામાં દુઃખી હોય છે?
બીજાને ઓછું મળે ત્યાં બુદ્ધિ ન્યાય તોળવા બેસી જાય છે અને પોતે દુઃખી દુઃખી થઈ જાય છે. પરમ પૂજ્ય દાદાશ્રીની અદ્ભુત આધ્યાત્મિક શોધ છે કે આ જગતમાં ક્યાંય અન્યાય થતો જ નથી. બન્યું એ જ ન્યાય! કુદરત ક્યારેય ન્યાયની બહાર ગઈ નથી. કારણ કે કુદરત એટલે કોઈ વ્યક્તિ કે ભગવાન નથી કે કોઈનું એના પર ચલણ હોય! ઘણા બધા સંયોગો ભેગા થાય ત્યારે એક કાર્ય બને છે. કોઈ પણ દુર્ઘટના પાછળ ઘણાં બધા કારણો હોય છે. આપણે જોઈએ કે કોઈ પહેલી વખત ચોરી કરે ને પકડાઈ જાય, જ્યારે બીજો રીઢો ચોર વર્ષો સુધી ન પકડાય. પણ કુદરતનો કાયદો એમ છે કે હિસાબ વગર એક મચ્છર પણ કરડી શકે નહીં. હિસાબ છે તો જ દંડ આવ્યો છે. માટે જીવનમાં સુખી થવું હોય તેણે એક જ વાત સમજવા જેવી છે કે પોતાની સાથે જે બન્યું તે ન્યાય જ છે.
મનુષ્યની કોર્ટમાં અન્યાય થઈ શકે પણ કુદરતની કોર્ટમાં અન્યાય કદી નથી થતો. ધારો કે, એક ચોખ્ખો માણસ સંજોગવશાત્ મજબૂરીથી ચોરી કરવા ગયો, તો તે પહેલા પ્રયત્નમાં જ પકડાઈ જશે. જ્યારે બીજો માણસ મેલો ચોર હોય, તો કુદરત એને પહેલા દિવસે ચોરી કરવામાં પ્રોત્સાહિત કરશે, એટલે કે ચોરી કરવાના સવળા સંજોગો મેળવી આપશે. આમાં ઝીણવટથી સમજીએ તો કુદરતનો જબરજસ્ત ન્યાય છે. ચોખ્ખા માણસને ચોખ્ખો રાખવો છે, એટલે એને મદદ ન કરે પણ પકડાવી દે, જેથી એ માણસ ફરી ચોરી કરતો અટકી જાય અને મોટો ગુનો ન વહોરે. જ્યારે મેલો માણસ હોય તેને કુદરત ચોરી કરવામાં મદદ કર્યા જ કરશે. પણ પછી એને જે કુદરતનો માર પડશે, તે ફરી ક્યારેય ઊંચો નહીં આવી શકે એવો મોટો માર હશે. એ માણસને અધોગતિમાં લઈ જશે. આપણી બુદ્ધિથી જોઈએ તો આપણને લાગે કે ચોખ્ખા માણસને અન્યાય થયો, પણ ખરેખર તે તેના હિતમાં થયું. આવા પુરાવા ખ્યાલમાં હોય તો જે બન્યું તે ન્યાય સ્વીકારવાનું સહેલું બની રહે.
જીવન એ પાપ-પુણ્યનો ખેલ છે. પુણ્યકર્મથી સુખ મળે અને પાપકર્મથી દુઃખ. આજે સાચો દેખાતો માણસ જે કંઈ પણ ભોગવે છે તે તેના પૂર્વના કર્મનું ફળ છે, જેના કારણો પૂર્વે સેવાયા હશે. જેમ કે, નિંદા કૂથલી કરીએ તેનું ફળ લક્ષ્મીના અંતરાય પડે અને આખી જિંદગી પૈસાની તકલીફ પડે. કોઈનું સારું થતું હોય એમાં આપણે આંતરો નાખીએ, અટકાવીએ તો આપણી ઉપર અંતરાય પડે. કોઈની શારીરિક ખોડખાંપણ ઉપર મશ્કરી કરીએ તો આપણને તેવી ખોડ આવે. આપણી પાસે પુણ્યથી જે પૈસા કે પદ મળે તેનો દુરુપયોગ થાય તો પણ પાપકર્મ બંધાય છે. ટૂંકમાં, કોઈ જીવને સીધી કે આડકતરી રીતે દુઃખ આપ્યું હોય, તો તેનાથી પાપકર્મ બંધાય અને પરિણામે આપણને દુઃખ પડે. સાચા માણસના જીવનમાં મુશ્કેલી અને દુઃખ આવે ત્યારે ધર્મનો સહારો લેવો, જેથી સમતાથી કર્મ પૂરું થાય અને વધારે અવળા કર્મો બાંધતા અટકી જવાય. મનમાં નક્કી કરવું કે પ્રાપ્ત મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો તેવું જીવન જીવવું છે.