ભારત જ નહીં હવે, વિશ્વ ડિજિટલ માર્કેટિંગ તરફ વળી રહ્યું છે. વેપારીઓ ડિજિટલ પ્લેટફોર્મ થકી વેપારને સરળતાથી કેવી રીતે ઓપરેટ કરી શકાય તે સંદર્ભે પણ ઘણા જાગૃત થયા છે. મોટા વેપારીઓ માટે એક ઈ-કોમર્સ વેબસાઇટ બનાવીને, પેમેન્ટ ગેટવે સુવિધા લઈને, માણસો રાખીને પોતાના વ્યવસાયને યોગ્ય રીતે સંચાલીત કરીને આગળ વધવું સરળ છે. પરંતુ મધ્યમ વર્ગના અને નાના વેપારીઓ પોતાના વેપારને આગળ વધારવા તો માગે છે, પણ તેમની પાસે પુરતું ડિજિટલ જ્ઞાન નથી. જેથી ડિજિટલ પ્લેટફોર્મને વેપાર સાથે જાેડવામાં તેમને મુશ્કેલી આવી રહી છે. તેમજ વેબસાઈટ અને એપ્લિકેશનમાં ઈન્વેસ્ટ કરવાનું ટાળે છે.
આવા તમામ નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ માટે સૌથી અસરકારક સુવિધા જાે હોય તો તે વોટ્સએપ બિઝનેસ છે. જેનો ઉપયોગ કરીને વેપારી સરળતાથી વ્યવસાયગત માર્કેટિંગ અને જાહેરાતો કરી શકે છે. જ્યારથી ભારતમાં વોટ્સએપ દ્વારા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મંજૂરી બાદ ડિજિટલ પેમેન્ટ સર્વિસ એટલે કે વોટ્સએપ પે શરૂ કરાયું છે. ત્યારથી વેપારીઓ દ્વારા પોતાના ગ્રાહકો પાસેથી પેમેન્ટ મેળવવાનું ખૂબ જ સરળ બન્યું છે. એટલું જ નહીં વેબસાઈટ બનાવડાવવી, પેમેન્ટ ગેટવે સુવિધા લેવી, ટ્રેઈન્ડ સ્ટાફ રાખવો વગેરે માથાકૂટમાંથી પણ વેપારીઓને મુક્તી મળે છે.
વોટ્સએપ દ્વારા વ્યવસાયને સંચાલિત કરવો અને તેમાં વધારો કરવો આજકાલ દુનિયામાં અને ભારતમાં જાેવા મળતો એક વિશિષ્ટ પ્રકારનો ટ્રેન્ડ છે. વોટ્સએપ કોર્પોરેશનના જાહેર કરાયેલા આંકડા મુજબ જુલાઈ ૨૦૧૯મા વિશ્વમાં ૫૦ મિલિયન એક્ટિવ યુઝર વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ સાથે જાેડાયેલ હતા. તેમાંથી ત્રણ મિલિયન એક્ટિવ યુઝર્સ માત્ર ભારત દેશના હતા. માત્ર એક વર્ષના સમયગાળામાં એટલે કે જુલાઈ ૨૦૨૦ મા એક્ટિવ યુઝરની વૈશ્વિક સંખ્યા વધીને ૭૦ મિલિયન થઇ છે. જ્યારે ભારતમાં તે સંખ્યા ૧૫ મિલિયન સુધી પહોંચીખ્તી. જે દર્શાવે છે કે, માત્ર એક વર્ષના ટૂંકા સમયમાં વિશ્વમાં ૪૦ ટકા યુઝરનો વધારો થયો છે. જ્યારે ભારતમાં આ આંક પાંચ ગણો વધ્યો છે.
વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટમા થયેલા વધારા પાછળનું મુખ્ય કારણ એ જ હતું કે, વોટ્સએપ એક વૈશ્વિક ફ્રી મેસેજિંગ એપ્લિકેશન છે. દુનિયાના તમામ સ્માર્ટ ફોન યૂઝર્સ પાસે તે ઉપલબ્ધ હોઇ શકે છે. વોટ્સએપના માધ્યમથી દુનિયાના કોઈપણ વ્યક્તિ સુધી સરળતાથી પહોંચી શકાય છે. હવેના સમયમાં તો વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટમાં કેટલોગ પણ ઉમેરી શકાય છે. જેનાથી ગ્રાહકોને સરળતાથી વ્યવસાયની સેવાઓ અને પ્રોડક્ટ વિશેની માહિતી યોગ્ય રીતે પુરી પાડી શકાય છે. પરિણામે વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ અત્યારના સમયમાં અને આવનાર ભવિષ્ય માટે એક ડિજિટલ સુપર સ્ટોરની ગરજ પણ સારશે.
વોટ્સએપ બિઝનેસ એપ્લિકેશન શું છે ?
જાન્યુઆરી ૨૦૧૮મા શરૂ થયેલ વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ વોટ્સએપ કોર્પોરેશન દ્વારા નિર્મિત એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ એક ઓપન સોર્સ એપ્લિકેશન છે. જે નાના અને મધ્યમ વ્યવસાયના વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. વોટ્સએપ બિઝનેસ વ્યવસાયિકોને સંદેશાઓને સ્વચાલિત તેમજ ફિલ્ટર કરીને વધુમાં ગ્રાહકોને ઝડપથી જવાબ આપવા માટેનાં ટૂલ પ્રદાન કરીને વાતચીત કરવાનું સરળ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. વોટ્સએપ બિઝનેસ વોટ્સએપ જેવી જ ઇન્ટરફેસ ધરાવતી એપ્લિકેશન છે. પરંતુ તે વ્યવસાય કરનાર તેમજ સેવા આપનાર વ્યક્તિઓ માટે એક પ્રોફેશનલ પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેનાથી પર્સનલ અને પ્રોફેશનલ સંબંધને એક ચોક્કસ રીતે વ્યવસાયિક માધ્યમથી અલગ તારવી શકાય છે. એક જ એન્ડ્રોઈડ ડિવાઈસમાં વોટ્સએપ અને વોટ્સએપ બિઝનેસ બંને અલગ એપ સરળતાથી વાપરી શકાય છે. પરંતુ વોટ્સએપ એકાઉન્ટ માટે જે નંબરનો ઉપયોગ કરેલો છે તેનાથી અન્ય નંબર તે બિઝનેસ એકાઉન્ટ માટે રજિસ્ટર્ડ કરવો વધુ હિતાવહ છે. જાે અમુક વાર વ્યવસાય માટે કોઈ ચોક્કસ પ્રકારનો મોબાઇલ નંબર ફાળવેલ ન હોય તો વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટમાં લેન્ડલાઈન નંબર પણ સેટ કરી શકો છો. જે ખુબજ મહત્વનું પાસું છે. વોટ્સએપ બિઝનેસ એપ્લિકેશન સમગ્ર વિશ્વમાં ૪૦થી વધુ ભાષાઓમાં અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર ૬૦ જેટલી ભાષામાં ઉપલબ્ધ છે. ભારતમાં કુલ ૧૧ સ્થાનિક ભાષાઓને તે સપોર્ટ કરે છે. જેમાં અંગ્રેજી, હિન્દી, બાંગ્લા, પંજાબી, તેલુગુ, મરાઠી, તમિલ, ઉર્દુ, ગુજરાતી, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે.
વ્યવસાયને કેવી રીતે વધારી શકાય છે ?
વોટ્સએપ બિઝનેસ એપ્લિકેશનમાં વ્યવસાયનો વિકાસ કરવા માટે કોઈ પણ વ્યવસાયીએ મુખ્ય પાંચ પ્રકારની લાક્ષણિકતાઓને સમજવી જરૂરી છે. તો જ યોગ્ય રીતે અને ધાર્યો વેપારનો વિકાસ થઈ શકે.
ચોક્કસ પ્રોફાઇલ બનાવવી - એકાઉન્ટના ઉપયોગ દરમિયાન એપમાં બિઝનેસની પ્રોફાઇલ સેટ કરવી ખૂબ જ મહત્વનું છે. જે પ્રકારનો તમારો બિઝનેસ હોય તે પ્રમાણે તમારે બિઝનેસ પ્રોફાઇલનું ડીપી સેટ કરો. ડીપીમાં બિઝનેસનો લોગો પણ મુકી શકો છો. કેવા પ્રકારની સેવા તમે પૂરી પાડો છો તેની માહિતી ડિસ્ક્રિપ્શનમાં લખવી જરૂરી છે. કોઇપણ વ્યક્તિ તમારા સુધી સરળતાથી પહોંચી શકે તે માટે વ્યવસાય સરનામું મેપ અંતર્ગત લોકેટ કરો. એકાઉન્ટમાં વેપારની જુદી જુદી કેટેગરી આપવામાં આવી છે. જેમાં તમારો વેપાર કઇ કેટેગરીમાં આવે છે તે પણ નિર્ધારિત કરવું જરૂરી છે. તમારે બિઝનેસ માટેનો યોગ્ય સમય અને જાે કોઈ વ્યક્તિને તમારે એપોઇન્ટમેન્ટ પણ આપવી હોય તો પણ તે તમે ત્યાં સૂચિત કરી શકો છો. બિઝનેસ માટેની સમય મર્યાદા, રજાનો દિવસ, ઈ-મેઈલ એડ્રેસ અને વેબસાઈટ, યૂટ્યૂબ, બ્લોગ વગેરે યુઆરએલ પ્રોફાઇલમાં મુકી શકાય છે.
કસ્ટમર લેબલિંગ - વિશ્વમાં વેપાર કોઇ પણ હોય તેના ગ્રાહકો એક સમાન હોતા નથી. અમુક ગ્રાહકો એવા હોય છે, જે પહેલેથી સાથે જાેડાયેલા હોય. જયારે અમુક ગ્રાહકો નવા હોય અને અમુક કોઈ ચોક્કસ પ્રકારની વિનંતીને આધારે જાેડાયેલા હોય છે. આ બધા જ ગ્રાહકો માટે એક ચોક્કસ પ્રકારની પ્રાયોરિટી સેટ કરવી ખુબ જ જરૂરી હોય છે. આવા ગ્રાહકો માટે પ્રાયોરિટી સેટ કરવા માટે જે પ્રકારની સુવિધા વોટ્સએપ બિઝનેસ એપ્લિકેશનમાં આપવામાં આવી છે. તેના થકી વેપારી ગ્રાહકોને લેબલિંગથી એક અલાયદી ઓળખ આપી શકે છે. તે માટે એપ્લિકેશનમાં પહેલેથી ઉપલબ્ધ લેબલનો પણ ઉપયોગ કરી શકો છો. જેથી વેપારી તેમના ગ્રાહકોને લેબલિંગના આધારે તેમને જરૂરી સંદેશા મોકલી શકે. એટલું જ નહીં એપ્લીકેશનમાં તે ઉપરાંત પણ નવા લેબલિંગ પણ બનાવી શકાય છે.
ક્વિક રીપ્લાય સુવિધા - વ્યવસાયમાં ગ્રાહકો ઘણીવાર પ્રશ્નો પૂછતા હોય છે. દરેક ગ્રાહકને એવી અપેક્ષા હોય છે કે, તેમને ઝડપથી રીપ્લાય મળે. પરંતુ જ્યારે ઘણા બધા ગ્રાહકો એકસાથે મેસેજ કરતા હોય ત્યારે તે શક્ય બનતું નથી. પરિણામે ક્વિક રીપ્લાય એવી સુવિધા છે કે જેની મદદથી વ્યવસાયી દરેક ગ્રાહકને એમના પૂછવામાં આવેલ પ્રશ્નો અનુસાર ઝડપથી રીપ્લાય આપી શકે છે. જે પ્રકારનો રીપ્લાય આપવો છે તે મેસેજ વિભાગમાં ટાઈપ કરવામાં આવે છે અને ત્યારબાદ એ મેસેજને રીપ્લાય કરવા માટે એક ચોક્કસ પ્રકારનું શોર્ટકટ માળખું તૈયાર કરવામાં આવે છે.
સ્ટેટિસ્ટિક્સ - કોઈ પણ વેપારના વિકાસ માટે તેનો આંકડાકીય ડેટા ખૂબ જ મહત્વનો હોય છે. એ ડેટાને આધારે જ કોઈપણ વ્યક્તિ યોગ્ય ર્નિણય લઈ શકે છે. જેમ વ્યવસાય અર્થે કેટલા મેસેજ ગ્રાહકને મોકલવામાં આવ્યા, કેટલા મેસેજ ગ્રાહકને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, કેટલા મેસેજ ગ્રાહકે રીડ કર્યા છે, કેટલા મેસેજ વેપારીએ મેળવ્યા છે, આ બધી જ બાબતની આંકડાકીય માહિતી આપવામાં આવેલી હોય છે. પરિણામે કોઈપણ વ્યવસાયી ડેટાને આધારે ધંધાની ફીડબેક પોલિસી અને સ્ટ્રેટજી નિર્ધારિત કરી શકાય છે.
ઓટો રીપ્લાય - અમુકવાર ગ્રાહકો પોતાની જરૂરીયાત પ્રમાણે વેપારીને વ્યવસાય દ્વારા નિર્ધારિત કરેલા સમય પહેલા કે પછી અથવા રજાના દિવસે પણ મેસેજ કરતા હોય છે. વ્યવસાય માટે એ તમામ પ્રકારના મેસેજ પણ એટલા જ મહત્વના હોય છે. પરંતુ સાથે વેપારી માટે સ્વંત્રતતા પણ એટલી જ મહત્વની છે. પરિણામે વેપારી વ્યિક્તગત રીતે મેસેજ કરી શકતો નથી. ઓટો રીપ્લાય મેસેજ એક એવી સુવિધા છે જેનાથી ગ્રાહકને કોઈપણ પ્રકારની નારાજગી ના લાગે તે પ્રમાણે યોગ્ય પ્રકારનો રીપ્લાય આપવામાં આવે છે.
બિઝનેસ કેટલોગ શું છે?
કેટલોગ ખૂબ જ અગત્યની સુવિધા છે. જેના દ્વારા કોઈ પણ વ્યવસાયી દ્વારા આપવામાં આવતી સેવા તેમજ વેંચાણ અર્થેની ચીજાેના ફોટાને પ્રદર્શિત અને શેર કરાવામાં આવે છે. વધુમાં વસ્તુ કે સેવાનું નામ, ડિસ્ક્રિપ્શન, કિંમત, વિશેષતાને પણ સાથે પ્રદર્શિત કરી શકાય છે. કેટલોગને બે રીતે શેર કરી શકાય છે, એક શોર્ટ લિંક અને બીજું ફોટો લિંક દ્વારા. કેટલોગ સુવિધા ઉમેરાયા બાદ વોટ્સએપ બિઝનેસ એપ્લિકેશનની અસરકારકતામાં ખુબ જ વધારો થયો. કેટલોગ સુવિધા દ્વારા ગ્રાહક બહુ સરળતાથી તમામ પ્રોડશ્ટ અને સેવાને સમજી શકે છે.