What is it!! in Gujarati Fiction Stories by SHAMIM MERCHANT books and stories PDF | કાઇપો છે !!

Featured Books
Categories
Share

કાઇપો છે !!

"કાઇપો છે!!" કુણાલ જોષીએ હર્ષોલ્લાસથી બુમ પાડી. વાર્ષિક ઉત્તરાયણની પતંગ સ્પર્ધામાં દસમી વખત તેના પ્રતિસ્પર્ધીની પતંગને કુણાલે કુશળતાપૂર્વક કાપી અને તેનું હાસ્ય હવામાં ગુંજી ઉઠ્યું. તેની રંગબેરંગી પતંગ ગર્વથી ઉપર ઊડીને તેની નિપુણતાને સાબિત કરી રહી હતી.
“દેવાંગ, તું મને હરાવવાનું ફકત સ્વપ્ન જ જોઈ શકે છે. સમજ્યો?” કુણાલે ટિપ્પણી કરતા, એક રમતિયાળ પડકાર સાથે તેના પિતરાઈ ભાઈ તરફ વળ્યો. "કમસેકમ આ જીવનકાળમાં, તે શક્ય નથી, ઓકે?"

જગમગતા રાજકોટના શહેરમાં મકરસંક્રાંતિ માત્ર એક ઉજવણી નહોતી - તે એક યુદ્ધનું મેદાન હતું. દર વર્ષે, સમગ્ર ગુજરાતમાંથી સ્પર્ધકો તેમના કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એકઠા થતાં અને હવા અપેક્ષાની ધાર સાથે ગુંજી ઊઠતી. કુણાલ જોશી, છેલ્લા પાંચ વર્ષથી શાસક ચેમ્પિયન, દર્શકોમાં સ્પષ્ટ સૌથી મનપસંદ ખિલાડી હતો.

બધા ઘોંઘાટ વચ્ચે, 'રાજકોટ ક્રોનિકલ' પેપરની જુનિયર રિપોર્ટર પાયલ મહેતા કુણાલની પ્રભાવશાળી ઉંચી ઊડતી જાંબલી અને સોનેરી પતંગની તસવીરો લઈ રહી હતી, જેણે બીજા હરીફોને ક્યાંય પાછળ છોડી દીધા હતા.

કુણાલની ટિપ્પણી પર પાયલે દેવાંગનો વળતો જવાબ સાંભળ્યો, “પોતાની જાતને જમીન પર રાખ કુણાલ, તારી પતંગ સાથે ઉડી ન જતો. કોણ જાણે, પવન ગમે ત્યારે દિશા બદલી શકે છે. દરેક ચેમ્પિયનને એક દિવસ પરાજયનો સ્વાદ ચાખવો પડે છે, સમજ્યો?"
કુણાલે આંખ આડા કાન કર્યા અને તેની પતંગ પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું.

દેવાંગની એક ઝલક જોઈને, પાયલને તેના લક્ષણો નફરતથી વિકૃત લાગ્યા. કુણાલ અને તેના પિતરાઈ ભાઈ દેવાંગ વચ્ચે દુશ્મનાવટની અફવાઓ હંમેશા શહેરનું ચર્ચિત વિષય રહ્યું હતું. વારસાને લઈને જોષી પરિવારનો ઝઘડો રાજકોટનું ખુલ્લું રહસ્ય હતું. દેવાંગના ચહેરા પરની અભિવ્યક્તિ ભયંકર હતી અને પાયલને વિચાર આવ્યો કે શું તે કુણાલ સામે કોઈ કાવતરું ઘડતો હશે?

અચાનક, કૃણાલે ચીસ પાડી અને જમીન પર ઢળી પડ્યો. તેની પતંગ ઘાયલ પક્ષીની જેમ નીચે સરકી આવી. આસપાસ ભીડ જમાં થઈ ગઈ અને પાયલ કુણાલ તરફ દોડી.

પાયલની નજર દેવાંગ પર પડી અને તેણે તેને ઘટનાસ્થળેથી ઉતાવળે સરકી જતા જોયો. તેની પત્રકારની વૃત્તિ સજાગ થઈ ગઈ. દેવાંગની અદૃશ્ય થવાની આતુરતાએ ઘણા પ્રશ્નો ઉભા કરી નાખ્યાં. હળબડીને અવગણીને, પાયલે ઝડપથી ફોન ઉપાડ્યો અને એમ્બ્યુલન્સ બોલાવી. કુણાલનો ચહેરો નિસ્તેજ થવા લાગ્યો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

મેડિકલ ટીમે આવીને તેને સ્ટ્રેચર પર સુવડાવ્યો. પાયલ તેની સાથે એમ્બ્યુલન્સમાં બેઠી, ઘટનાના અચાનક અને ભયાનક વળાંકના જવાબો મેળવવાનું તેણે દૃઢ સંકલ્પ લીધો. હૉસ્પિટલ જતી વખતે રસ્તામાં, કુણાલે આંખો ફફડાવી અને ટુકા શ્વાસ વચ્ચે હાફતાં હાફતાં બડબડાટ કરી, “લાગે છે, કોઈએ મને ઝેર આપવાનો પ્રયાસ કર્યો. મને... મને દોરી પર કંઈક ચીકણું લાગ્યું." તેના હાથમાં ચકામા પડી ગયા હતા જે નીલા થઈ રહ્યા હતા.

હોસ્પિટલમાં, કુણાલની હાલત સ્થિર થઈ ગઈ. પાયલે દેવાંગના અચાનક ગુમ થવાનું યાદ કર્યું અને તરત જ પોલીસને કુણાલની શંકાની જાણ કરી. તપાસ તેમને દેવાંગના ઘરે લઈ ગઈ, જ્યાં તેમને કુણાલના પતંગની દોરી સાથે મેળ ખાતી ઝેરી અવશેષોની બોટલો મળી. હવે નિર્વિવાદ હતું: દેવાંગે કુણાલને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

ન્યાયએ તેનો પીછો કર્યો અને દેવાંગની ધરપકડ થઈ, "હું તેને નફરત કરું છું!" પોલીસની પૂછપરછ દરમિયાન દેવાંગના શબ્દોમાં કડવાહટ ભરેલી હતી. “કુણાલ દરેક ક્ષેત્રમાં મારા કરતા શ્રેષ્ઠ છે, અમારી પૈતૃક સંપત્તિ પણ તેના નામે છે. મારું શું? આખી જીંદગી એનું કાઈપો છે, કાઈપો છે સાંભળી સાંભળીને મારા કાનના પડદા ફાટી ગયા!! હું તેને હંમેશ માટે મારી દુનિયામાંથી કાપી નાખવા માંગતો હતો."

નફરત અને ષડયંત્રની કિંમત દેવાંગને જેલ જઈને ચુકાવી પડી. કુણાલ સ્વસ્થ ઘરે પાછો ફર્યો, પણ હવે વધુ સમજદાર અને સાવધ. તે હજુ પણ મકરસંક્રાંતિનો હીરો છે, પરંતુ હવે પહેલા કરતાં વધુ સજાગ રહે છે; તેની આંખો આકાશમાં હશે, પરંતુ પગ ચોક્કસ જમીન પર ટકેલા છે.

શમીમ મર્ચન્ટ, મુંબઈ
________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much 

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=