Bhagvat Rahasaya - 194 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 194

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 194

ભાગવત રહસ્ય -૧૯૪

 

રામ જન્મોત્સવમાં સર્વ ને આનંદ થયો છે,બધા દેવો રાજી થયા છે,ફક્ત એક ચંદ્ર નારાજ થયા છે.રામજીના દર્શન કરી,સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે.”મારા વંશ માં ભગવાન આવ્યા છે!” અતિ આનંદમાં સૂર્ય ની ગતિ સ્થિર થઇ છે,સૂર્યનારાયણ આગળ વધતા જ નથી,તે અસ્ત તરફ જાય તો –ચંદ્રને દર્શન થાય ને ? ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી કે-આ સૂર્યને આગળ જવાનું કહોને? મને તમારાં દર્શન કરવા દેતો નથી,

 

ચંદ્રને રામજીએ આશ્વાસન આપ્યું છે-કે –આજથી હું તારું નામ ધારણ કરીશ.(રામચંદ્ર)

છતાં ચંદ્રને સંતોષ થયો નહિ..એટલે રામજી કહે છે-કે-તું ધીરજ રાખઆ વખતે મેં સૂર્યને લાભ આપ્યો છે,પણ

ભવિષ્યમાં કૃષ્ણાવતાર ધારણ કરી તને એકલાને જ દર્શન આપીશ.હું રાત્રે બાર વાગે આવીશ.

બાલકૃષ્ણ પ્રગટ થયા ત્યારે આખું જગત નિંદ્રામાં હતું, ફક્ત બે જીવ જાગે છે-વસુદેવ-દેવકી અને ત્રીજો ચંદ્ર.

જે રાતે જાગે તેને કનૈયો મળે છે,સુતો હોય તેને નહિ.

 

જાગવું એટલે શું ? જાનિયે જીવ તબહિ જબ જાગા,જબ સબ વિષય વિલાસ વિરાગા..........ગીતામાં પણ કહ્યું છે-કે-સર્વ જીવોની માટે જે રાત્રિ છે-ત્યારે સંયમી પુરુષો જાગે છે,અને જયારે પ્રાણીઓ (જીવો) નાશવાન,ક્ષણભંગુર-સંસારિક સુખોમાં જાગે છે-તે સુખો તરફ જ્ઞાની મુનિઓ દૃષ્ટિ પણ કરતા નથી,

જ્ઞાની મુનિઓ માટે તે –સમય રાત્રિ સમાન છે.

 

દશરથજીએ બાળ સ્વરૂપ જોયું,અને હૃદય ભરાણું છે,પરમ-આનંદ થયો છે.

રામ-દશરથની ચાર આંખ મળી,રામ લાલાએ ગાલમાં સ્મિત કર્યું છે,દશરથ રાજા જીભ પર મધ મૂકી

રામને મધ ચટાડવા લાગ્યા, રાજાએ વશિષ્ઠને વેદ મંત્રો બોલવાનું કહ્યું.

વશિષ્ઠજી કહે છે-કે-રામના દર્શન કરી વેદો તો શું ?મારું નામ પણ ભૂલાઈ ગયું છે.હું શું મંત્ર બોલું ?

 

દર્શનમાં નામ-રૂપ ભુલાય છે ત્યારે-દર્શનનો આનંદ આવે છે.

“તત્ર-વેદા-અવેદા-ભવન્તિ”......ઈશ્વર દર્શન (ઈશ્વર સાક્ષાત્કાર થાય) પછી વેદો ભુલાય છે.

પછી વેદોની જરૂર પણ નથી.

લૌકિક નામ-રૂપની વિસ્મૃતિ થાય-(ભૂલાઈ જાય)-ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે.

 

વશિષ્ઠજીએ બાળકોનું નામકરણ કર્યું છે.

આ કૌશલ્યાનો પુત્ર છે, તે સર્વને આનંદ આપનાર છે.“રમન્તે યોગિનઃ યસ્મિન ઇતિ રામ “

તે સર્વને રમાડે છે-તેથી તેનું નામ રામ રાખું છું.

સુમિત્રાનો પુત્ર સર્વ લક્ષણ સંપન્ન છે-તેથી તેનું નામ લક્ષ્મણ રાખું છું.

કૈકયી નો પુત્ર રામ-પ્રેમથી જગતને ભરી દેશે-એટલે તેનું નામ ભરત રાખું છું,ને ચોથો પુત્ર શત્રુઓનો વિનાશ કરશે એટલે તેનું નામ શત્રુઘ્ન રાખું છું.

 

રામ વગર આરામ મળતો નથી. જીવ માત્ર આરામ-શાંતિને શોધે છે.

જીવ માત્ર શાંતિનો ઉપાસક છે.એવી શાંતિ ખોળે છે- કે જેનો ભંગ ન થાય-

રામજીની મર્યાદાનું પાલન થાય તો જ આવે શાંતિ મળી શકે.

ધર્મનું ફળ છે –શાંતિ-અને અધર્મનું ફળ છે અશાંતિ.

ધર્મની મર્યાદાનું પાલન ન કરે તેને શાંતિ મળતી નથી.સ્ત્રી-સ્ત્રીની મર્યાદામાં રહે

અને પુરુષ –પુરુષની મર્યાદા માં રહે. અને મર્યાદા જ્યાં સુધી ઓળંગે નહિ ત્યાં સુધી અશાંતિ આવતી નથી.

 

પહેલાં કરતાં અત્યારે મંદિરોમાં ને કથાઓ માં ભીડ વધારે થાય છે,એમ લાગે કે લોકો માં જ્ઞાન-ભક્તિ વધ્યાં છે,પણ મનુષ્યોને શાંતિ નથી અને તેથી-તે-શાંતિને મદિરોમાં ખોળવા જાય છે.

લોકો ધર્મ મર્યાદા પાળતા નથી અને ધર્મ (સ્વ-ધર્મ)ને ભૂલ્યા છે. ધર્મ વગર શાંતિ નથી.

ચંદ્ર,સૂર્ય સમુદ્ર –એ બધા પ્રભુ ની મર્યાદા પળે છે, સમુદ્ર પોતાની મર્યાદા છોડે તો પ્રલય થાય.

 

એક મનુષ્ય જ પોતાની મર્યાદા ભૂલે છે,લોકોને થોડા પૈસા મળ્યા,અધિકાર મળ્યા,માન મળ્યું એટલે –તેધર્મની મર્યાદા છોડે છે....મને પૂછનાર કોણ ?.....

સનાતન ધર્મ કેવો છે-તે જાણવું હોય તો રામજીના જીવનનો અભ્યાસ કરવો જોઈએ.

રામજી માને છે-હું ધર્મ-પરતંત્ર છું. રઘુનાથજી મર્યાદા પુરુષોત્તમ અને સર્વ સદગુણો ના ભંડાર છે.

રામ એ પરમાત્મા હોવાં છતાં ધર્મનું,મર્યાદાઓનું –ખુબ પાલન કરે છે.

અને કદી પણ મર્યાદા નો ભંગ કર્યો નથી.