Sky Force in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | સ્કાય ફોર્સ

Featured Books
  • فطرت

    خزاں   خزاں میں مرجھائے ہوئے پھولوں کے کھلنے کی توقع نہ...

  • زندگی ایک کھلونا ہے

    زندگی ایک کھلونا ہے ایک لمحے میں ہنس کر روؤں گا نیکی کی راہ...

  • سدا بہار جشن

    میرے اپنے لوگ میرے وجود کی نشانی مانگتے ہیں۔ مجھ سے میری پرا...

  • دکھوں کی سرگوشیاں

        دکھوں کی سرگوشیاںتحریر  شے امین فون کے الارم کی کرخت اور...

  • نیا راگ

    والدین کا سایہ ہمیشہ بچوں کے ساتھ رہتا ہے۔ اس کی برکت سے زند...

Categories
Share

સ્કાય ફોર્સ

સ્કાય ફોર્સ

-રાકેશ ઠક્કર

 

         જેમના દિલમાં દેશભક્તિની ભાવના છે એ ભારતીય એરફોર્સના પાયલોટ્સની સત્ય ઘટનાઓ પર આધારિત ‘સ્કાય ફોર્સ’ માટે ગૌરવ અનુભવશે. દેશભક્તિની આ ફિલ્મમાં નકારાત્મક બાબતો શોધવા જેવી નથી. અગાઉ કેટલાક એમ કહેતા હતા કે રિતિકની ‘ફાઇટર’ ની નકલ જેવી લાગે છે પણ એમણે સ્વીકાર્યું છે કે એ ખોટા હતા. વાર્તા બાબતે ‘ફાઇટર’ પાછળ રહી જાય એમ છે.    

કોઈ ફાલતૂ વાત કરવાને બદલે પહેલા જ દ્રશ્યથી સીધી મુદ્દા પર આવતી માત્ર બે કલાકની ફિલ્મનો પહેલો ભાગ એટલો ઝડપથી આગળ વધે છે અને બાંધી રાખે છે કે ઈન્ટરવલ આવી ગયો એનું ધ્યાન રહેતું નથી. બીજા ભાગમાં ફિલ્મ સસ્પેન્સ થ્રીલર હોવાનું લાગે છે. અગાઉ એરફોર્સ પર ફિલ્મો આવી છે પણ ‘સ્કાય ફોર્સ’માં ઇમોશન છે એવા કોઈમાં અનુભવવા મળ્યા નથી.

 

ફિલ્મનું અંતિમ દ્રશ્ય કોઇની પણ આંખ ભીની કરી દે એવું છે. એમાં અક્ષયકુમારે પાત્રના દિલની લાગણીઓને ચહેરા પર એવી રીતે વ્યક્ત કરી છે કે એનો જવાબ નથી. અક્ષયકુમાર જ્યારે પણ કોઈ યુનિફોર્મમાં દેખાય છે ત્યારે એમ થયું છે કે તે આ યુનિફોર્મ માટે જ બન્યો છે. અગાઉની દેશભક્તિની ફિલ્મોમાં અક્ષયકુમાર જામ્યો જ હતો. આ વખતે અક્ષયકુમાર લાઉડ એક્ટિંગથી બચીને રહ્યો છે. દેશભક્તિના સંવાદ સનીની જેમ વધારે મોટેથી બોલ્યો નથી.

 

અક્ષયકુમાર અમિતાભ બચ્ચનના રસ્તે હોય એમ લાગે છે. અમિતાભે એકથી વધુ હીરોવાળી ફિલ્મો કરીને પણ એ ફિલ્મ પોતાની હોવાનું સાબિત કર્યું હતું. અમિતાભ સાથે વિનોદ, શશી, શત્રુધ્ન, ધર્મેન્દ્ર જેવો કોઈ બીજો મોટો સ્ટાર રહેતો હતો અને એ ફિલ્મ હિટ જ રહેતી હતી. અક્ષયકુમારનું પણ એવું જ છે. તેની સાથે એકથી વધુ હીરો હોવા છતાં એ વધારે છવાઈ જાય છે. વીર સાથે અક્ષયકુમારની મિત્રતા સાથેની ટ્યુનિંગ સારી છે.

 

વીર પહાડિયા પહેલી ફિલ્મ મુજબ સારું કામ કરી ગયો છે. એ થોડી વધુ મહેનત કરીને આજની પેઢીના બીજા હીરોને સ્પર્ધા પૂરી પાડી શકે છે. તેણે અભિનેતા તરીકે નહીં સ્ટાર તરીકે શરૂઆત કરી છે. વીરની પત્ની તરીકે સારા અલી ખાન નાની ભૂમિકામાં પ્રભાવિત કરે છે. અક્ષયકુમારની પત્ની તરીકે નિમરત કોરનું કામ સારું જ છે પણ ભૂમિકા મહત્વની ન હતી. શરદ કેલકર પાકિસ્તાની તરીકે નાની ભૂમિકામાં છાપ છોડી જાય છે.

 

ફિલ્મમાં પહેલી વખત ભારત-પાકના મુદ્દાને અલગ એંગલથી રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મની શરૂઆતમાં જ બતાવી દેવામાં આવ્યું છે કે એમાં પાકિસ્તાનને વિલન તરીકે બતાવવામાં આવ્યું નથી. આ ફિલ્મ ભારત-પાકની દુશ્મની સુધી સિમિત નથી એમાં માનવતા પણ બતાવવામાં આવી છે. ‘સ્કાય ફોર્સ’ ની બધી જ બાબતની ગુણવત્તા એટલા માટે પણ વધુ છે કે ‘મેડોક ફિલ્મ્સ’ દ્વારા ‘સ્ત્રી 2’ કરતાં વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. ચાર લેખકો અને બે નિર્દેશકો સંદીપ કેવલાની અને અભિષેક અનિલ કપૂર છે. ‘સ્ત્રી 2’ ના નિર્દેશક અમર કૌશિક ‘સ્કાય ફોર્સ’ ના નિર્માતા છે અને એમના સહાયક અભિષેકને નિર્દેશનમાં તક આપી છે.

 

હોલિવૂડના સ્તરનું એક્શન જ નહીં તનિષ્ક બાગચીનું સંગીત પણ ફિલ્મનું જમા પાસું છે. ‘માઈ’ અને ‘ક્યા મેરી યાદ આતી હૈ’ ગીતો દર્શકોને ભાવનાત્મક રીતે જોડે છે. ‘દૂસરા ગાલ નેતા દીખાતે હૈ, ફૌજી નહીં’ જેવા દમદાર સંવાદ સાથે ફિલ્મ દેશભક્તિનું જ નહીં બલિદાનનું પણ જીવતું જાગતું ઉદાહરણ બની રહે છે. ફિલ્મ એ વાત બતાવે છે કે આઝાદી સરળતાથી મળી ન હતી. ૬૦ વર્ષ પહેલાંનો સમય જીવંત કરવામાં આવ્યો છે.

 

અત્યાર સુધીની યુદ્ધ ફિલ્મોની પૃષ્ઠભૂમિ મોટાભાગે ભારત-પાકનું 1971 નું યુદ્ધ રહ્યું છે. પહેલી વખત 1965 ના ભારત-પાક વચ્ચેના યુદ્ધની સાચી વાર્તા બતાવવામાં આવી છે. ફિલ્મ સંપૂર્ણ રીતે યુદ્ધ પર આધારિત નથી એ બાબત વધુ સારું કામ કરી જાય છે. એનો સ્ક્રીનપ્લે એટલો મજબૂત છે કે ક્યાંય કોઈ દ્રશ્યમાં કંટાળો આવતો નથી. લેખકોનો એ કમાલ છે કે પહેલા દ્રશ્યથી છેલ્લા દ્રશ્ય સુધી વાર્તા સાથે દર્શક જોડાઈ રહે છે. VFX એટલું અસલ છે કે એરિયલ એક્શન વખતે આંખ પડદા પરથી ખસતી નથી. કેટલાક દ્રશ્ય હજુ લાંબા રાખવામાં આવ્યા હોત તો પણ વાંધો આવ્યો ના હોત. કેટલાક પાયલોટસની વાતો હજુ વધુ હોત તો એ દ્રશ્યો પણ મજેદાર બન્યા હોત. 

 

અક્ષયકુમાર પર હિટ ફિલ્મ આપવાનું દબાણ હતું. એ ‘સ્કાય ફોર્સ’ પછી ઓછું થયું છે. લાંબા સમયથી અક્ષયકુમારની ફિલ્મો નિષ્ફળ જઈ રહી હતી. ફિલ્મને આટલો સારો આવકાર મળશે એવી કોઈને કલ્પના ન હતી. ‘સ્ત્રી 2’ પછીની ‘મેડોક ફિલ્મ્સ’ ની આ ફિલ્મ હોવા છતાં ખાસ હાઇપ ન હતી. 26 જાન્યુઆરી પ્રસંગે દેશભક્તિની આ ફિલ્મને સમીક્ષકોએ પસંદ કર્યા બાદ દર્શકોને રસ જાગ્યો હતો અને વર્ડ ઓફ માઉથથી પસંદ કરવામાં આવી છે. અક્ષયકુમારે ઘણા વર્ષ પછી 2025 માં સફળ પુનરાગમન કર્યું છે.