Nitu - 75 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 75

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 75


નિતુ : ૭૫ (નવીન તુક્કા) 


નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબીન તરફ ડગ ભર્યા. નવીને ફરી તેને પૂછ્યું, "નીતિકા! તું એક જ મિનિટમાં બધું ભૂલી ગઈ?" તે થોભાઈ. રડમસ અવાજે નવીન આગળ બોલ્યો, " નીતિકા, તું મને પસંદ આવી ગઈ છે અને હું ખરા દિલથી તને ચાહું છું. તું એકવાર મારી સામે જો."

આવી કપરી સ્થિતિમાં તેના માટે બોલવું વસમું હતું. તે નવીન તરફ ફરીને બોલી, "નવીન... પ્લીઝ! મારા માટે આપણો સંબંધ મિત્રતાથી વિશેષ કંઈ નથી. મારા વિચાર તું તારા મનમાંથી કાઢી નાખ."

"નીતિકા... " તે આગળ ના બોલી શક્યો. ભાવુક થઈ નીચે જોયું અને નીતિકા પોતાની કેબીન તરફ જવા ફરી કે તેની સામે વિદ્યા ઉભેલી. વિદ્યાની અચાનક ઓફિસમાં થયેલી ઉપસ્થીતીએ સૌને અવાક કરી દીધા.

"મેડમ..." નીતિકા રડતા રડતા બોલી. નવીને પણ ઊંચું માથું કરીને વિદ્યા સામે જોયું. નવીન આગળ આવ્યો અને વિદ્યાને કહેવા લાગ્યો, "મેમ હું જાણું છું કે ગઈ વખતની જેમ આજે પણ મેં તમારા નિયમોથી ઉપરવટ થઈ આપની અવહેલના કરી છે. મારી આ બેદરકારી માટે તમે આજે જો મને કોઈ પનિશમેન્ટ આપવા માંગતા હોય તો હું એના માટે તૈય્યાર છું. મેં પ્રયત્ન ખાલી એટલો કર્યો કે હું નીતિકા સામે મારી વાત મૂકું.""

એક હાથ ઊંચો કરતા વિદ્યાએ તેને અટકાવ્યો, "એક મિનિટ નવીન. તમારી બંને વચ્ચે જે થયું એ બધું જોયું મેં. મને કોઈ પ્રકારના એક્સ્ક્યુઝની જરૂર નથી. બંને મારી કેબિનમાં આવો, મારે તમારી બંને સાથે વાત કરવી છે."

વિદ્યા પોતાની કેબિનમાં ગઈ અને પોતાનું બેગ ટેબલ પર મૂક્યું કે નિતુ અને નવીન બંને અંદર આવ્યા. બહાર બધું જોતા અનુરાધાએ કહ્યું, "આ તો આપણી એક્સપેક્ટેશન કરતાં કંઈક અલગ જ બની ગયું."

અશોક બોલ્યો, "સાચે, મને એ નથી સમજાતું કે નીતિકા ના શું કામ કહે છે?"

અનુરાધા બોલી, "એની પાસે એવું કોઈ કારણ તો છે જ નહિ કે એ ના કહે, એ પણ નવીન જેવા માણસને!"

ભાર્ગવ કહે, "હશે... તો જ ના કહી હોય. ઈવન ઈટ, આપણે તો એ પણ નહોતા જાણતાને કે એના મનમાં નવીનની જેમ કંઈ છે કે નહિ."

સ્વાતિ બોલી, "જે થયું એ જવા દો. મેડમેં બંનેને અંદર બોલાવ્યા છે. શું વાત કરવાના હશે? એ વિચારો. યાદ છેને ગઈ વખતે તેણે નવીનને સ્ટ્રીક વોર્નિંગ આપેલી. આજે એની શું એક્શન હશે?"

"હા યાર. મેડમ છેને દરેક વખતે કોણ જાણે ક્યાંથી આવા ટાઈમે જ પ્રગટ થઈ જાય છે." કટાક્ષ કર્યો અને પછી વિચારતા અનુરાધા બોલી, "ભાર્ગવભાઈ, આજે એ નવિંન સામે શું એક્શન લેશે?"

"જોઈએ. હવે તો જે કરવાનું છે એ બધું એને જ કરવાનું છે. થવાનું હતું એ તો બધું થઈ ગયું." દરેકનું ધ્યાન વિદ્યાની કેબીન તરફ હતું. તમામ સ્ટાફ અંદરથી નવીન વિદ્યાનો કેવો આદેશ લઈને બહાર નીકળશે? એ જાણવું હતું.

ગુમસુમ પરંતુ આતુર એવા નવીને કેબિનમાં આવી વિદ્યાને પૂછ્યું, "મેડમ... સોરી. બટ ટેલ મી કે આજે પણ મેં આપનો અનાદર કર્યો છે?"

"નહિ નવીન... " તેઓને કદાચ હતું કે વિદ્યા રોષે ભરાઈને તેમને કડવા વચન સંભળાવી કોઈ સજા આપશે. પરંતુ વિદ્યાએ નિખાલસતા બતાવતા કહ્યું, " ... તે મને ખોટું લાગે એવું કશું નથી કર્યું. પણ તે જે કર્યું છે એનાથી નિતુને જરૂર ખોટું લાગ્યું હશે. તું કોઈ જાતનો ફોર્સ ના કર. નિતુ શું કામ ના કહે છે એ હું જાણું છું. પ્લીઝ તું આ વાતને અહીં જ સમાપ્ત કરીદે. નીતિકનાં ઈન્કાર કરવા પાછળ એક વિશેષ કારણ છે અને એને ઉજાગર કરવા કરતાં, કે પછી એને કોઈ જાતનો ફોર્સ કરવા કરતા તું એને એના હાલ પર છોડ અને આ બધું ભૂલી જા."

"પણ મેડમ..."

"નવીન. સ્ટોપ ઓલ રાઈટ નાવ."

એક લાંબો શ્વાસ લઈને નિતુ સામે જોઈ તે બોલ્યો, "ઓકે." નીતિકાએ રડતા રડતા એની વાત તો સાંભળી પરંતુ એની સામે આંખ ઊંચી કરીને જોવાની તસ્દી ના લીધી. આ જોઈ વિદ્યા બોલી, "નીતિકાને અહીં જ રહેવા દે. તું પ્લીઝ બહાર જઈને મારા આવવાની રાહ જો."

નવીન ત્યાંથી ચાલ્યો ગયો. નિતુ પાસે જઈ વિદ્યાએ તેના તરફ ખુરશી કરી "બેસ.." કહ્યું અને બાજુની ખુરશીમાં પોતે બેઠી. ગુમસુમ નિતુ વિદ્યા સામે જોતા બોલી, "મેં તો એને એક સારો દોસ્ત માન્યો હતો. હું નહોતી જાણતી કે એ મારા વિશે દોસ્તીથી વિશેષ વિચારી લેશે."

તેને સમજાવતા વિદ્યા બોલી, "નિતુ લૂક. નવીનમાં કોઈ ખોટ નથી પણ એ એક ભોળો માણસ છે. રહી વાત તારી તો તને હું સારી રીતે જાણું છું. મને ખબર છે કે નવીન માટે તારા મનમાં ક્યારેય કોઈ લાગણી જન્મી જ નથી અને ભવિષ્યમાં પણ નહિ જન્મે."

નિતુ તેની સામે જોઈ રહી અને વિદ્યાએ તેનો હાથ પોતાના હાથમાં લઈને પાંચેય આંગળી ભીડી મજબૂતાઈથી પકડી, "હું બે દિવસથી વિચારી રહી હતી. આજે આવીને હું તને કહેવાની હતી પણ જોને... તારું અને નવીનનું વચ્ચે આવી ગયું."

"મેમ" અજ્ઞાત ભાવે નીતિકા તેની સામે જોઈ રહી. વિદ્યાએ તેને ઉભી કરી કહ્યું, "ફર્ગેટ ધીસ ઓલ. મારી સાથે ચાલ." તેની સામે હસતી વિદ્યા તેનો હાથ પકડી બહાર ચાલી.

ઓફિસમાં બધો સ્ટાફ તાજી બનેલી ઘટના અંગે ચર્ચા કરી રહ્યો હતો. નવીન બહાર આવ્યો એ જોઈને એનું આખું ગ્રુપ એના તરફ ચાલ્યું, "શું થયું? શું કહ્યું મેડમે?" ભાર્ગવ જાણવાની ઉત્સુકતાથી બોલ્યો.

નવીને વિલાયેલા મોઢે જવાબ આપતા કહ્યું, "કંઈ નહિ. એ શું કહેવા માંગતા હતા એનું મને કળણ જ ના પડ્યું. એનું કહેવાનું હતું કે નીતિકા ઈન્કાર કરે છે એટલે હું નીતિકાને મનાવવાનાં પ્રયત્નો છોડી દઉં."

સ્વાતિ બોલી, "નીતિકાએ કંઈ ના કહ્યું?"

નવીન બોલ્યો, "એણે તો મારી સામે પણ ના જોયું."

નિસાસો નાખતા અશોકે કહ્યું, "હમ... એનો અર્થ કે તું એના સપના જોવાનું છોડી દે ભૈ..."

સ્વાતિ કહેવા લાગી, "અરે! એમ કેમ છોડી દે?"

એટલામાં વિદ્યા નિતુનો હાથ પકડી બહાર આવી. કરુણા અને નીતિકાની નજર એક થઈ. જે રીતે વિદ્યાએ તેનો હાથ પકડેલો હતો એ જોઈ કરુણા સ્તબદ્વ બની ગઈ. શું થવાનું છે? એ નીતિકા કે કરુણા બેન્નેમાંથી કોઈ સમજી શકતું નહોતું. સ્ટાફના દરેક લોકોનું ધ્યાન વિદ્યા અને નિતુ સામે જ હતું. નિતુ નીચે માથું કરી ઉભી રહી. વિદ્યાએ દરેક સાંભળી શકે એ રીતે કહ્યું, "આજે મારે તમને દરેકને એક વાતથી માહિતગાર કરવા છે."

કરુણા અને નીતિકાએ એકબીજી સામે જોયું. કરુણાએ ઈશારો કર્યો, "શું છે?" નીતિકાએ સહેજ અમથું નકારાત્મક માથું હલાવતા કહ્યું, "મને નથી ખબર."

વિદ્યા સહેજ હસી. એના ચેહરા પર કોઈ વાતનો ઉલ્લાસ દેખાઈ રહ્યો હતો. તેણે નિતુ સામે જોતા ઉમેર્યું, "હું છેલ્લા બે દિવસથી મુંબઈ હતી. પરંતુ સતત મિસ્ટર શાહના સંપર્કમાં હતી.  અમે બંનેએ ભેગા મળીને એક ડિસિઝન લીધું છે. મિસ્ટર શાહનું આ છેલ્લું વીક છે. આવતા મહિનાથી શાહ રિટાયર થઈ રહ્યા છે. ત્યારે મેં અને મેનેજર શાહે નિર્ણય લીધો છે કે એના રિટાયરમેન્ટ પછી ટાઈમ્સ માર્કેટિંગના નવા મેનેજર તરીકે મિસ નીતિકા ભટ્ટ કામ કરશે."

વિસ્મયતાથી નિતુ વિદ્યા સામે જોઈ રહી. વિદ્યાએ એના ચેહરાને ટપારતા સ્માઈલ આપી કહ્યું, "ઈટ્સ યોર ગુડવિલ નિતુ, યુ ગોટ ધીસ. કોંગ્રેચ્યુલેશન્સ." અને તે પોતાની કેબિનમાં ચાલી ગઈ. ઉપસ્થિત સ્ટાફના મેમ્બર નવીનનું કરેલું પ્રપોઝ એક જ ક્ષણમાં ભૂલી ગયા અને હસતા મુખે નીતિકાને અભિનંદન પાઠવવા લાગ્યા. એક પળમાં શું નું શું થયું એ નિતુની ગ્રહણ શક્તિ કરતા પ્રચંડ હતું. દરેક લોકો વારા ફરતી એને અભિનંદન પાઠવી રહ્યા હતા. પરંતુ અત્યાર સુધી એનો ખાસ એવો દોસ્ત નવીન એકબાજુ મોં લટકાવી ઉભો રહ્યો. અનુરાધા એન્ડ ગ્રુપના સભ્યો તેને ફરજ બજાવતાં અભિનંદન પાઠવી નવીન પાસે ચાલ્યા ગયા. કરુણા નિતુની પાસે આવી અને કહ્યું, "કોન્ગ્રેચ્યુલેશન્સ."

તે બોલી, "સોરી કે હું તને સમજી ના શકી."

"કમોન નિતુ, એ બધી વાતને ભૂલી જા. સી તારા માટે આટલા મોટા ખુશીના સમાચાર છે. એને એન્જોય કર."

"જો શક્ય હોય તો આપણે આજે મળીશું."

"શ્યોર."

નિતુએ એક મુસ્કાન આપી અને તુરંત પોતાની પ્રતિક્રિયા બદલતા તે તલ્લીનતાથી વિદ્યાની કેબિન તરફ જોવા લાગી. કરુણાએ પૂછ્યું, "શું થયું?"

"હું હમણાં આવું." કહી તે વિદ્યાની કેબીન તરફ ચાલી. "નિતુ ... નિતુ... " તેણે હળવા સાદ કર્યા. પછી આજુ બાજુ નજર કરી તે ચૂપ થઈ ગઈ અને પોતાની જગ્યાએ જતી રહી.

કેબિનમાં આવી વિદ્યાએ પોતાનાં બેગમાંથી પોતાનું લેપટોપ કાઢી ટેબલ પર મૂક્યું. બેગની ચેઈન બંધ કરતી હતી એવામાં નિતુ પ્રવેશી. તે પાછળ ફરી, "ઓહ... નિતુ." કહી તે ફરીથી પોતાના કામમાં લાગી ગઈ, "શાહ હવે એક વીક માટે છે અને તારી પાસે એક સારો મોકો છે. આ આખું વીક તું એની પાસેથી ઘણું બધું શીખી શકીશ. મારુ માન તો એની સાથે રહીને તું આપણી ઓફિસનાં વિષયમાં અને શાહના કામ અંગે ઇન્ફોર્મ થઈ જા."

નીતિકા હળવા પગે આવી અને અવળું ફરીને ઉભેલી વિદ્યાની પીઠ પર માથું ઢાળીને રડવા લાગી. વિદ્યાના શબ્દોમાં રોધન થયું. તે અકળાઈને પાછળ ફરી અને પૂછવા લાગી, "નિતુ! શું થયું? તું રડે છે કેમ?"