Consistent effort is the key to success. in Gujarati Motivational Stories by Mital Patel books and stories PDF | સાતત્યપૂર્ણ પ્રયત્ન એ જ સફળતા

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

સાતત્યપૂર્ણ પ્રયત્ન એ જ સફળતા

સાતત્યપૂર્ણ પ્રયત્ન એ જ સફળતા


           સાર્થક કાર્ય સફળ થાય તે માટે ઘણાં બધા સંઘર્ષમાંથી પસાર થવાની, તેમાંથી રસ્તો કાઢીને આગળ ધપાવવાની, "સ્વ"બળે મથીને, સતત મચ્યા રહીને, નવી કેડી કંડારવાની જરૂર પડે છે. અડધે રસ્તે હથિયાર હેઠા મૂકી દેનાર "શ્રેષ્ઠત્વ"ને  ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી.


           બધી જ પરિસ્થિતિ પ્રતિકૂળ હોય, બધા જ લોકો આપણી વિરુદ્ધમાં જ ઉભા હોય અને ત્યારે માંહ્યલો આપણને એમ કહેતો હોય કે "આ કર" ત્યારે તે કાર્ય તમને ગમે એટલું અઘરું લાગતું હોય તો તો પણ આત્મશ્રદ્ધાના બળથી "યા હોમ પડો, ફતેહ છે આગે"કવિ નર્મદના આ શબ્દો બોલીને તે કામ કરવા કૂદી પાડવામાં જ ભલાઈ છે. કેમકે માંહ્યલો આપણો ક્યારેય ખોટો હોતો જ નથી.હા તેને સાંભળીને અનુસરવું એ મોટેભાગે આપણાં મનોબળની કસોટી કરી લેતું અઘરું કામ હોય છે .

મનથી હાર માની લેવી, એ વાસ્તવિક હાર જ છે ,
         મનથી ક્યારેય હાર ન માનવી અને સતત મથવું એ જીતનો જ પર્યાય છે .


        આપણે કોઈ ઉચ્ચ ધ્યેયની પ્રાપ્તિ માટે પ્રયત્નો પર પ્રયત્ન સતત કરવા પડે છે હાર્યા વગર, અવિરત. સાતત્યપૂર્ણ પ્રયત્ન કરતો મનેખ જ શ્રેષ્ઠ અને ઉચ્ચ ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે અને સમાજ અને દેશનો ઉદ્ધાર કરી શકે છે. જીવનમાં આવતાં પ્રતિકૂળ સંજોગોમાં મનોબળથી હારી જઈ પ્રયત્ન મૂકી દેનાર જીવનદરિયાનાં સાચાં શાશ્વત મોતીરૂપી "શ્રેષ્ઠત્વ"ને ક્યારેય પ્રાપ્ત કરી શકતા નથી.


તરણું મળે ને તરી જઈશું ,
       એવી આશ નિરર્થક છે.

અહીં તો આપબળે જીતી જઈશું ,
       એવો પડઘો ભીતર છે. 


             સતત મૂર્ખામીભર્યા અસ્તવ્યસ્ત પ્રયત્નો અને અર્જુનની જેમ ધ્યેનિષ્ઠ એકાગ્રતાથી સાતત્યપૂર્ણ પ્રયત્નમાં ફરક છે. સાચાં પ્રયત્નો ક્યારેય જડત્વના ઉત્તરાધિકારી હોતા નથી. પ્રયત્ન વહેણ જેવાં હોય છે, જે પ્રવાહને સમજી તેની દિશામાં તેની તરફ વહેતાં, સતત ધ્યેયરૂપી દરિયા તરફ આગળ વધતા રહે છે .




             કામચોર લોકોનું સૌથી ગમતું બહાનુ "આ તો થાય એમ જ નથી", "આટલાં વર્ષોથી આવું જ છે એટલે હવે તે ન બદલી શકાય" પ્રયત્ન ન કરવા પડે તે માટે તેમની પાસે બહાનાનુ લિસ્ટ તૈયાર જ હોય છે . અમુક વખત સો ટકા સફળ થવું જરૂરી પણ હોતું નથી, પણ સાતત્યપૂર્ણ અને ખરાં દિલથી કરેલ પ્રયત્નોથી ઘણાખરા અંશે સફળતા ચોક્કસ મળતી જ હોય છે. ભલે 100% ન હોય. જેટલાં પ્રયત્ન કરશો એટલો પગાર મળશે એવું કોઈ નિયમ હોય તો પ્રયત્ન સો ટકા ઓટોમેટિક થવા માંડે. ઘણીવાર અમુક લોકોને પ્રયત્ન જ નથી કરવા હોતા. ગમે તેવાં સંજોગોમાં કે પરિસ્થિતિમાં જજમેન્ટલ બન્યા વગર, સતત પોતાનાથી થતા પ્રયત્ન કરવામા આવે, સતત મથવામાં આવે, સતત અલગ અલગ આયામોએ પ્રયોગો કરવામાં આવે, તો જે તે કાર્યમાં સફળતા મળે જ છે. દરેક પ્રયત્ન કંઈક નવું શીખવી જાય છે અને એ શીખેલ ફળશ્રુતિને પાયો બનાવી તેના પર નવીન પ્રયત્નનુ ચણતર સતત કરતાં રહેવું પડે છે .


              સૌથી નજીકના સંબંધોને સદાય જીવંત રાખવા, મઘમઘતું રાખવા, આત્મીયતાનું બોડિંગ મજબૂત બનાવી રાખવા, ઉમંગથી લાગણીને જીવંત રાખતા પ્રયત્ન સતત કરવા પડે છે. એઝ ગ્રાન્ટેડ લઇ લીધેલ સંબંધોમાંથી ધીમે ધીમે રસઐક્ય ઘટતું જાય છે. જીવંતતા ઘટતી જાય છે.


         એ જ રીતે સફળ થવું અને સફળતાને ટકાવી રાખવી, પચાવવી, તેને ઉચ્ચતમ સ્તર સુધી લઈ જવી, તેમાંથી નિસ્પૃહભાવે અહમને બાદ કરી, સતત પોતાની સમૃદ્ધિ વધારતા રહેવું તે માટે સતત સ્વસુધારણા નિરપેક્ષ ભાવે કરતા રહેવું, સમય પ્રમાણે પરિવર્તનને અપનાવતા રહી, નવીન કંઈક પોતાનામાં ઉમેરતા રહી, સમૃદ્ધ થતા રહેવું પડે છે. અંકુરણ થયેલ બીજને પણ જો યોગ્ય માવજત સમયાંતરે સિંચન ન આપવામાં આવે તો તેને "છોડત્વ" અને પછી "વૃક્ષત્વ"નો દરજ્જો પ્રાપ્ત થતો નથી. તેનું બાળમૃત્યુ થાય છે. તેવી જ રીતે મનમાં ઊઠેલ કોઈ નવીન વિચાર, નવીન ધ્યેયને પણ જો પ્રયત્નોનુ સિંચન કરવામાં ન આવે તો એક ઉત્તમ વિચારનું પણ બાળમૃત્યુ થાય છે .


             જીવનમાં જ્યારે જિજીવિષાના મૂળિયા કમજોર પડે, ત્યારે અંતરમનમાં ડૂબકી લગાવી, પ્રશ્નો પૂછી સજાગપણે પ્રયત્ન કરી, જીવવાનો ફરી ઉમંગ મનમાં પ્રગટાવવાનો હોય છે. જો મનથી હારી ગયા તો જિજીવિષા કોરી પડી જાય છે. 


સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે

કેટલાંક કર્મો વિષે ઢીલ નવ ચાલે
શંકા ભય તો બહુ રોજ હામને ખાળે

હજુ સમય નથી આવિયો કહી દિન ગાળે
જન બહાનું કરે નવ સરે અર્થ કો કાળે

ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે

- નર્મદ

મિત્તલ પટેલ 
"પરિભાષા"