'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્કી કરી રાખ્યું છે કે હું તીસ બત્રીસ ની ઉંમરમાં જ લગ્ન કરીશ. ત્યાં સુધી હું ને મારું કરિયર... હાલ તો મને આ લગ્નમાં બિલકુલ પણ રસ નથી.' કહી રેખા દરવાજો પછાડી પોતાના રૂમમાં જતી રહી.
રેખાની ઉમર બાવીશ વર્ષની હતી. તે એસબીઆઇ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગમાં કામ કરતી હતી. તેના માતાપિતા ચાહતા હતા કે તે હવે નોકરી છોડીને કોઈ સારા મુરતિયા સાથે લગ્ન કરી લે. પરંતુ રેખા આવું નહતી ઈચ્છતી. તે પોતાના જીવનની દરેક સંભાવનાઓને માણી લેવા માંગતી હતી. એવું નહતું કે રેખા લગ્ન જ નહતી કરવા ઈચ્છતી, રેખા લગ્ન તો કરવા ઈચ્છતી હતી, પરંતુ તીસ બત્રીસની ઉમર પછી.
'તે જ એને માથે ચઢાવી છે. મારી આટલી ના પછી પણ તે એને નોકરી કરવાની છૂટ આપી. પક્ષીની પાંખો એક વખત ખુલી જાય તો તે પાંજરા તરફ પાછી નથી વળતી. આ ઉંમરમાં લગ્ન નહિ કરે તો ક્યારે કરશે? એક વાર ઉમર જતી રહી તો છોકરા દીવો લઈ શોધેય નથી મળતા.' રેખાના પપ્પા સંજયભાઈએ કહ્યું.
'ચાલ, હું સમજાવું છું રેખાને.' ખુરશી ઉપર બેસીને છાપું વાંચી રહેલા રેખાના દાદાએ કહ્યું. ને છાપું ટેબલ ઉપર રાખી તે રેખાના રૂમમાં ગયા.
'શું થયું બેટા આમ ગુસ્સે થઈ કેમ આવી?'
'તમે જ કહો દાદાજી આ કોઈ ઉમર છે લગ્ન કરવાની? હજુ તો હું ફકત બાવીસ વર્ષની છું. હાલ હજુ તો મેં ઊડતાં શીખ્યું છે ને આ લોકો મારી બેય પાંખો કાપી દેવાની ફિરાકમાં છે. મારી દુનિયા ફરવાની ઉંમરમાં મને કેદી બનાવવા માંગે છે.'
'તને એવું કેમ લાગે છે કે લગ્ન વ્યક્તિને કેદી બનાવી નાખે છે?'
'દાદાજી, જો તમે પણ મને લગ્ન માટે રાજી કરવા આવ્યા હોય તો પ્લીઝ રહેવા દેજો. મને લગ્નમાં બિલકુલ રસ નથી.'
'ના રે ના તને લગ્ન માટે રાજી કરવા થોડી આવ્યો છું? હું તો ફકત એ જાણવા માટે આવ્યો છું કે એવું તો શું છે તારા દિમાગમાં જેણે તને લગ્નની આટલી મોટી વિરોધી બનાવી નાખી છે.'
'તને આવું કેમ લાગે છે કે લગ્નમાં વ્યક્તિ કેદી બની જાય છે.' દાદાજીએ ફરીથી પૂછ્યું.
'મારી એક ફ્રેન્ડ હતી, આંચલ! હસતી, ખેલતી એક આઝાદ પંખી, પરંતુ જ્યારથી તેના લગ્ન થયા તે પાંજરાનું પંખી બની ગઈ છે.' રેખાએ નિસાસો નાખતા કહ્યું.
'તો વાત આમ છે. બસ આ જ કારણ છે જેના લીધે તું...?'
'મને આવું લાગે છે કે પહેલા મારે કરિયર સેટ કરવું જોઈએ, જો હું ત્રીસ બત્રીસની ઉમરે લગ્ન કરું તો મને લાગે છે હું ત્યારે થોડી વધુ મેચ્યોર હોઈશ. એટલે લગ્નને વધુ સારી રીતે હેન્ડલ કરી શકીશ. અને આમેય બુદ્ધિશાળી લોકો મોડા જ લગ્ન કરે છે તમે જ જોઈ લો ને વિદેશમાં લોકો કેટલા મોડે લગ્ન કરે છે.'
રેખાની વાત સાંભળી દાદાજી સહેજ હસ્યા. તો તું કહેવા માંગે છે જે વહેલા લગ્ન કરે છે તે મૂર્ખ હોય છે?
હોઈ શકે!
'ઓહ, તને ખબર છે મેં પણ વહેલા લગ્ન કર્યા હતા. અંદાજે ચોવીસની ઉમરે... મેં અને તારી દાદીએ લવ મેરેજ કર્યા હતા. શું તને ખબર છે વહેલા લગ્ન કરવા પાછળ શું લોજિક હોય છે?'
'ના દાદાજી, હું નથી જાણતી.'
'વ્યક્તિની ઉમર જ્યારે વીસ બાવીસ વર્ષની હોય છે ત્યારે તેના વિચારો ને માન્યતાઓ ફ્લેક્સિબ્લ હોય છે. પરંતુ જ્યારે વ્યક્તિની ઉમર ત્રીસ બત્રીસ ની થાય છે, ત્યારે તેની માન્યતાઓ અને તેના વિચારો જડ થઈ ચૂક્યા હોય છે. મોટા ભાગના જે તલાક, જે ડિવોર્સ થાય છે તેની પાછળનું એક મુખ્ય કારણ આ પણ છે. મોટી ઉમરમાં લગ્ન થવાને લીધે તેઓના વિચારો જડ થઈ ચૂક્યા હોય છે, જેના લીધે તેઓ એકબીજાના વિચારો સ્વીકારી શકતા નથી. અને પછી તલાક...' સહેજ રૂકી દાદાજીએ આગળ કહ્યું. 'હા આનો મતલબ આમ નહિ કે તલાકનું ફકત આ એક જ કારણ છે, આના બીજા પણ કારણો હોઈ શકે છે, પરંતુ આ પણ એક મહત્વનું કારણ છે.'
'દેખ બેટા, તારે લગ્ન 'કરવા' 'ના કરવા' એ ફેંસલો સંપૂર્ણ તારો જ હોવો જોઈએ. હું તો માનું છું કે વ્યક્તિના પોતાના જીવનના દરેક નિર્ણયો એના પોતાના જ હોવા જોઈએ. જો પોતાના જીવનના નિર્ણયો આપણે બીજા કોઈથી ઈનફ્લુએન્સ થઈને કરીએ, તો આપણા આ જીવનનું કોઈ મતલબ નથી. જીવન આપણું છે તો આ જીવનને કેવી રીતે જીવવું એ સો ટકા આપણા દ્વારા જ નક્કી થયેલું હોવું જોઈએ.'
રેખાના રૂમમાંથી બહાર નીકળતા દાદાજીએ ફરીથી આગળ કહ્યું. 'જો બેટા, જિંદગી જીવવાની આટલી ઉતાવળ કદી ના કરવી કે જેથી જીવનમાં આગળ નીકળી જ્યારે તું પાછળ ફરી દેખે તો પછતાવાના પડછાયા સિવાય તને કંઈ જ ન દેખાય.'
દાદાજીના શબ્દોએ રેખાને વિચારતી કરી મૂકી. 'દાદાજીની વાત સાચી હતી. પરંતુ પોતાની આઝાદી...?' રેખાએ વિચાર્યું.
દરવાજો ખોલી રેખા રૂમની બહાર આવી. રેખાના ચહેરા ઉપર એક સ્માઈલ હતી.
'તો શું વિચાર્યું, રેખા?'
'હું લગ્ન કરવા તૈયાર છું, પરંતુ એકાદ બે વર્ષ પછી, ત્યાં સુધી હું મન મૂકીને ફરવા ઈચ્છું છું. ને પોતાની પાંખો ફેલાવી આ પંખી પોતાની મરજીના નિર્ણયો લઈ આકાશમાં ઉડવાની તૈયારી કરવા લાગ્યું.'
- પ્રવિણ રાજપુત 'કન્હઈ'