સાંજ પડી ગઈ હતી. મને થોડી પોઝિટિવ ફીલિંગ આવતી હતી. પપ્પા ઘરે આવ્યા પણ મમ્મીએ એમને દાદા વિશે કોઈ વાત કરી નહીં. પણ દાદી અને રોનકને કરી.
મારા ચિત્તમાં દાદાની રમણતા ચાલુ જ હતી. એમનો એ દિવ્ય ચહેરો અને એમની આંખોમાંથી નીતરતી શીતળતા, એ અલૌકિકતા મને સ્પર્શી રહી હતી.
એ રાતે આમ તેમ પાસા ફેરવતા હું સૂવાનો પ્રયત્ન કરી રહી હતી. ક્યારે આંખ મીંચાઈ ગઈ, ખ્યાલ ન રહ્યો...
‘સંયુક્તા, શું વિચારે છે?’
‘દાદા, મારી સાથે જ કેમ આવું થાય છે? મેં શું ગુનો કર્યો છે?’
‘આખું જગત પાપ-પુણ્યના કર્મોના હિસાબ ચૂકવી રહ્યું છે.’
‘પણ મેં તો એવું કોઈ પાપ નથી કર્યું.’
‘આ જનમમાં નહીં તો ગયા જનમમાં કર્યું હશે. બીજ વગર તો ફળ આવે નહીં ને!’
‘મને કોઈ સમજણ નથી જોઈતી. મને નોર્મલ દેખાવ જોઈએ છે. મારા વાળને લીધે મને જે દુઃખ છે એ દૂર કરી આપી શકશો તમે?’
‘હા.’
થોડીવાર સુધી બધું શૂન્ય થઈ ગયું. પછી મેં પોતાની જાતને અરીસા સામે ઊભેલી જોઈ. મારામાં બાહ્ય કોઈ જ ફરક નહોતો. હું અંદરથી બદલાઈ ગઈ હતી. હું આનંદમાં હતી. મને પોતાની જાત માટે કોઈ ફરિયાદ નહોતી. હું સ્વસ્થ હતી, સ્ટ્રોંગ હતી.
‘બસ દાદા, હવે મને કંઈ નથી જોઈતું. મને મારા સાચા સ્વરૂપની ઓળખાણ પડી ગઈ છે. આપની કૃપા આમ જ મારા પર રાખો.’
‘અમારા અશીર્વાદ તારી સાથે જ છે.’ દાદાએ મારા માથા પર હાથ મૂક્યો અને અદૃશ્ય થઈ ગયા.
હું ઝબકીને જાગી ગઈ. પણ આ વખતે મારા જાગી જવામાં કોઈ ચીસ કે રાડ નહોતી. હૃદયના ધબકારા રિધમમાં ચાલી રહ્યા હતા. બાજુમાં સૂતેલી મમ્મીને ખ્યાલ પણ ના આવ્યો કે હું જાગી ગઈ છું. આવું પહેલા ક્યારેય નહોતું થયું. જોયું તો વહેલી સવારના ચાર વાગ્યા હતા. હું ફ્રેશનેશ ફીલ કરતી હતી.
‘દાદા મારા સપનામાં આવ્યા? માન્યામાં નથી આવતું. માત્ર એક જ વારની મુલાકાત પછી મને સપનામાં આશીર્વાદ આપી ગયા! એમના હાથનો સ્પર્શ હજી હું મારા માથા પર ફીલ કરું છું. શું એ કોઈ દૈવી પુરુષ છે કે કોઈ દિવ્ય પુરુષ!’ હું આગળ કંઈ વિચારી નહોતી શકતી.
‘દાદાની કિંમત આંકવામાં હું ખોટી ઠરું એ પહેલા મારે દાદાને ફરી મળવું છે.’
‘મમ્મી... મમ્મી... આજે આપણે દાદાને મળવા જઈએ?’ બાજુમાં સૂતેલી મમ્મીને મેં ઢંઢોળી.
‘સંયુક્તા... અત્યારે સૂઈ જા. હજી સવાર નથી થઈ.’ પહેલા પણ ઘણીવાર ડિપ્રેસ થઈને હું આમ જ મમ્મીને ઉઠાડતી. એટલે મારી વાત સમજ્યા વિના જ એણે જવાબ આપ્યો.
‘મમ્મી... હું દાદાની વાત કરું છું.’
‘દાદા!’
‘હા, સાંભળને. મારે દાદાને મળવું છે.’
‘સારું. હું પારૂલ આન્ટીને વાત કરી જોઈશ. અત્યારે તો સૂઈ જા.’
મમ્મીને ઊંધમાં મારી તડપનો અહેસાસ ન થાય એ સ્વાભાવિક હતું. સપનાને વાગોળતી હું તકિયા પર માથું મૂકીને પડી રહી. ઊંધ તો ક્યાંય ઊડી ગઈ હતી. કંઈક સારો સંકેત મળ્યો હોય, એવી ખુશી સાથે હું દાદા સાથેના મિલનનો પ્રસંગ યાદ કરતી પલંગમાં પડી રહી.
સવારથી મારા મનમાં દાદા જ દાદા હતા. એટલામાં પારૂલ આન્ટી ઘરે આવ્યા.
‘સંયુક્તા, મજામાં છે ને?’ પારૂલ આન્ટીએ હસતા હસતા પૂછ્યું.
‘હા, હું તમને જ યાદ કરતી હતી.’
‘એમ? શું છે?’
‘દાદા...’ હું અચકાતા સ્વરે બોલી.
‘હા બોલ. દાદાનું શું?’ એમણે પ્રેમથી પૂછ્યું.
‘દાદા આજે મારા સપનામાં આવ્યા હતા.’ કહી મેં એમને આખું સપનું કહી સંભળાવ્યું.
‘શું બોલે છે?’ આન્ટીની આંખો પહોળી થઈ ગઈ, ‘હજી તો મળ્યા-ન મળ્યા જેવું જ કહેવાય અને દાદા સપનામાં આવી ગયા? આ તો દાદાની તારા પર કૃપા ઊતરી કહેવાય.’
‘સાંભળો છો રશ્મિબેન?’ મમ્મી તરત દોડતી આવી.
‘આ આપણી દીકરીને દાદાના આશીર્વાદ મળી ગયા. હવે સંયુક્તાને ચોક્કસ સારું થઈ જશે, મને ખાતરી છે.’ કહી આન્ટી મને ભેટી પડયા.
મારી નજર મમ્મી પર પડી. એ હર્ષઘેલી થઈને મને જોતી હતી. એણે મારા માથે હાથ ફેરવ્યો.
‘આન્ટી, મારે દાદાને પર્સનલી મળવું છે.’ મેં કહ્યું.
‘હા, હા, કેમ નહીં. આજે આપણે જવાનું જ છે ને?’
‘મમ્મી, તું પણ આવીશ ને?’
‘હા.’ મારી દાદાને મળવાની ઉતાવળને જોઈને એની આંખોમાં હરખ દેખાયો.
ઘણા દિવસે મારા મોઢા પર પણ આનંદ દેખાયો.
બસ, આમ મારી દાદાને મળવાની ગોઠવણી થઈ. પારૂલ આન્ટીનો મોટો ફાળો રહ્યો મને દાદા સુધી લઈ જવામાં.
અમે ત્રણે દાદા પાસે ગયા. મમ્મી અને આન્ટી દાદાના દર્શન કરીને બહાર કાનનબેન સાથે બેઠા અને હું દાદા સાથે.
દાદાનો એ જ ફ્રેશ ચહેરો, એવું જ પ્રેમાળ સ્મિત અને આંખોમાં એવું જ તેજ.
‘સંયુક્તા નામ છે ને તારું?’ દાદાએ સામેથી વાત શરૂ કરી.
‘હા.’
મારે દાદાને સપનાની વાત કહેવી હતી પણ એકદમ કહું કે નહીં એ વિચારતી હતી.
‘જ્યાં વિશ્વાસ આવે ત્યાં હૈયું ઠલવાય.’ દાદા બોલ્યા.
‘દાદા, તમને મળ્યા પછી મને બહુ શાંતિ લાગે છે. મને ખબર નહોતી કે ફરીથી તમને મળવા માટે મને આટલી ઈચ્છા થશે.’
‘એ તો આપણું હૃદય કબૂલ કરે ને, ત્યારે એવું થાય.’
‘તમે કહ્યું એ પ્રમાણે હું કરું છું. મને સારું લાગે છે.’
‘એમ? સારું સારું.’
‘દાદા, તમે આજે મારા સપનામાં આવેલા.’
‘એમ? તો તો દાદાના આશીર્વાદ મળી ગયા તને. શું સપનું આવ્યું હતું?’
મેં વિગતવાર સપનું કહ્યું. દાદા સપનાની વાત સાંભળીને પણ એટલા જ સ્થિર હતા. કોઈ જાતનો ઉછાળો દેખાતો નહોતો. એમની આવી બધી લાક્ષણિકતાઓ જ મને એક પછી એક સ્પર્શી જતી હતી.
‘તો તને તારા દેખાવ માટેનું દુઃખ છે?’
‘હા, દાદા. એના કારણે હું આખી જિંદગી હેરાન થઈ છું. બધા લોકોએ મને તરછોડી છે, કેટલાય લોકોની મજાકનો ભોગ બની છું. પણ આમાં મારો શું વાંક છે? આ કંઈ મારા હાથમાં થોડું છે?’
‘સાચી વાત છે. એ તારા હાથમાં નથી. તો જે આપણા હાથમાં ન હોય એના પર દુઃખી થવાને બદલે જે આપણા હાથમાં છે એના પર ધ્યાન દેવું જોઈએ.’
‘મારા હાથમાં શું છે, દાદા.’
‘ઈનર બ્યૂટી!’
‘ઈનર બ્યૂટી?’ હું સમજવાનો પ્રયત્ન કરતી હતી.
‘હા, આ દેહનો દેખાવ, એની સુંદરતા એ આઉટર કહેવાય. સુડોળ કાયા, સુંદર ચહેરો, સારા અંગઉપાંગ, વાળ, નખ એ બધું આઉટર બ્યૂટીમાં જાય.’
‘અને ઈનર બ્યૂટી?’ મેં પૂછ્યું.
‘સ્વભાવ એ ઈનર બ્યૂટી કહેવાય.’
મેં કોઈ રિસ્પોન્સ ન આપ્યો.
‘ગમે એવા રૂપાળા હોય પણ જો સ્વભાવ ખરાબ હોય તો લોકો એને પસંદ કરે?’
મેં ધીમેથી નકારમાં માથું હલાવ્યું.
‘પણ હાર્ટિલી હોય, સેવાભાવી હોય, કોઈને દુઃખ ન આપતી હોય, એવી વ્યક્તિ દેખાવમાં સારી નથી તોય લોકો એને પસંદ કરે કે નહીં?’
હું વિચારવા લાગી.
‘અપંગ હોય પણ હસમુખી હોય, કાયમ આનંદમાં રહેતી હોય અને સાથેવાળાને પણ કાયમ ખુશમાં જ રાખતી હોય તો લોકો એને પસંદ કરે કે નહીં, શું લાગે છે તને?’
‘હા’ મારો અવાજ ધીમો હતો, ‘છતાં દાદા, લોકો બહારનો દેખાવ પણ એટલો જ જુએ છે.’
‘એ તો શરૂઆતમાં જુએ. પછી સ્વભાવ જોતા થઈ જાય. કારણ કે, દેખાવમાં ખૂબ સુંદર હોય પણ ઘમંડી હોય, આપણને નીચા ગણતી હોય, વાતે વાતે આપણને ઉતારી પાડતી હોય તો એની સાથે આપણી ફ્રેન્ડશિપ કેટલી ટકે?’
હું નિરુત્તર હતી.
‘એમ જ થઈ જાય કે ભાઈ, તારો દેખાવ તારા ઘેર. હું આ ચાલી. થાય કે નહીં?’
‘હા, થાય.’
‘એટલે વાળ નથી એનું જરાય દુ:ખ લગાડવા જેવું નથી.’
‘પણ દાદા, લોકોની મજાક મારાથી સહન નથી થતી. મને બહુ દુ:ખ થાય છે.’
‘જ્યાં સુધી તને લોકોની મજાકનું દુઃખ લાગે છે, ત્યાં સુધી એમને તારી મસ્તી કરવાની મજા આવશે. અને તું દુ:ખી થઈશ જ. તું અસર રહિત થઈ જા. તો એ લોકોને પછી તારી મસ્તી કરવાની મજા નહીં આવે અને ધીમે ધીમે બંધ કરી દેશે.’
‘કઈ રીતે અસર રહિત થઉં?’
‘સાચી સમજણથી. જેનો કોઈ ઉપચાર નથી, એની ચિંતા કરાય નહીં, એનું દુઃખ લગાડાય નહીં. ખરેખર એને દુઃખ કહેવાય જ નહીં. માટે એને ખુશી ખુશી સ્વીકારવાનું હોય.’
‘કેવી રીતે સ્વીકારું? લોકો મને સ્વીકારતા નથી, હું કોઈની સાથે મિક્સ નથી થઈ શકતી.’ મારો અવાજ થોડો ખેંચાયો.
‘લોકો આપણને સ્વીકારતા નથી, એનું દુ:ખ આપણે શું કામ માથે લઈ લઈએ?’
‘તો ક્યાં જાઉં? કેવી રીતે સામનો કરું આ બધાનો?’
‘ધીરજથી અને સમજણથી.’
‘સમજી સમજીને હું થાકી ગઈ છું.’
‘જે સમજણથી થાક લાગે એ સમજણ જ ન કહેવાય.’
‘તો તમે જ કહો હું શું સમજુ? મને પણ બીજી છોકરીઓની જેમ સારા દેખાવાનું મન તો થાય ને?’
અમારી વાત ચાલુ હતી, ત્યાં તો કાનનબેન અંદર આવ્યા અને દાદાને ધીમેથી કંઈક કહ્યું.
‘સંયુક્તા, આજે આપણે જે વાતો કરી એને પચવા દે થોડું. એના પર વિચાર કરજે. પણ સાથે સાથે હું કહું એવું કરીશ?’
‘શું?’
‘તને યોગા-પ્રાણાયામ આવડે છે?’
‘હા.’
‘તારે રોજ એ કરવાના.’
‘તને બીજું શું ગમે?’
‘ડ્રોઈંગ ગમે.’
‘સાઈકલિંગ ગમે?’
‘હા.’
‘તો એ પણ કરવાનું.’
‘પછી સાંજે ઘરે કૃષ્ણ ભગવાનની આરતી કરવાની, એમના ફૂલોનો હાર બનાવવાનો. કરીશ એવું બધું?’
‘હા.’
‘તો કાલથી કરજે.’
‘હા.’
હું દાદાને પગે લાગી. દાદાએ આશીર્વાદ આપ્યા. ‘અમે પ્રાર્થના કરીશું. બધું સારું થઈ જશે, હં!’
એ દિવસે પણ હું ઘણા અંશે હળવી થઈ ગઈ હતી. ઘરે જઈને મેં દાદા સાથે કરેલી વાતો મમ્મી, દાદી અને રોનકને કહી. બધા બહુ ખુશ થયા. રાત્રે દાદાની વાતો વાગોળતા વાગોળતા હું સૂઈ ગઈ.
બીજા દિવસથી હું મારામાં અને ઘરના વાતાવરણમાં બદલાવ અનુભવવા લાગી. હું એની એ જ હતી અને મારી રૂમ પણ એની એ જ હતી. છતાં આજે મારા રૂમની દીવાલો મને ખાવા નહોતી આવતી. ન તો હું પોતાની જાતને કોસતી હતી. હું ખૂબ શાંત હતી.
આમ તો મારી અવદશા જોઈને અત્યાર સુધી મારા ઘરનાએ મને એમાંથી નીકળવાના ઘણા ઉપાયો બતાવ્યા હતા. પણ મારું મન તે સ્વીકારતું નહોતું. પણ દાદાના શબ્દો મારા માનસ પર એવી અસર કરી ગયા કે એમના કહ્યા પ્રમાણે અનુસરવા માટે મારું દિલ તરત માની ગયું.
ધીમે ધીમે મેં પ્રાણાયામની શરૂઆત કરી અને મમ્મીએ રોજ ઘરમાં આરતીની. હું શાંતિથી બેસતી. ક્યારેક સૂતા સૂતા સાંભળતી. દાદીની મદદથી હું ફૂલોની માળા બનાવવા લાગી. ઘરનું વાતાવરણ દુઃખ અને ઉચાટની જગ્યાએ હળવું બનતું ગયું.
મારામાં પણ ફરક હતો અને મમ્મી, બા અને રોનકમાં પણ.
એ લોકો બધું કામ મારી પાસે બેસીને કરતા. હું કોઈને જાકારો નહોતી આપતી. હું ઘરના સાથે થોડી વાતો કરતી થઈ. એ લોકો મને પ્રેમથી સાંભળતા. મેં મારા નસીબ પર રડવાનું, એને કોસવાનું છોડી દીધું.
ધીમે ધીમે મમ્મીએ પપ્પાને પણ વાત કરી. પપ્પા પણ મારામાં આ અશક્ય બદલાવ જોઈને રાજી થયા. તેઓ પણ ધીમે ધીમે આરતીમાં જોડાયા. ઘરનું વાતાવરણ ભક્તિ અને આનંદમય બની ગયું.
ઘરના બધા મનોમન દાદાનો ઉપકાર માનવા લાગ્યા. સાથે સાથે પારૂલ આન્ટીનો પણ.
અમને ખુશ જોઈને પારૂલ આન્ટીનો હરખ પણ સમાતો નહોતો.