Diagnosis in Gujarati Adventure Stories by SUNIL ANJARIA books and stories PDF | નિદાન

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

નિદાન

નિદાન

હજી વહેલું પરોઢ થતું હતું. આછો ભૂરો ઉજાસ પૃથ્વીની આંખો હળવેથી ઉઘાડી રહ્યો હતો. સાવ ધીમી તાજા,  ઠંડા પવનની  લહેરો વહેવી શરૂ જ થયેલી. ત્યાં જ વિદીતે એકદમ દર્દભર્યા અવાજે બૂમ પાડી મમ્મીને બોલાવી.

ઘરનાં સહુ પરોઢની મીઠી ઊંઘ માણી રહ્યાં હતાં ત્યાં આ કણસતા અવાજે વિદિતે પાડેલી બુમે સહુનું ધ્યાન ખેંચ્યું.

મમ્મી તો ઊઠીને તરત વિદિતના રૂમમાં દોડી. આમ તો વિદિત કોલેજમાં ભણતો હતો અને સારો એવો સહનશીલ હતો. નાની અમથી પીડા કે ઘા ઘસરકામાં એ કોઈને કહે પણ નહીં. 

મમ્મી  જે જોયું તે માની શકી નહીં. વિદિત આમથી તેમ પોતાને ફંગોળે, પેટ બે હાથે દબાવી રાડો પડે, ટૂંટિયું વાળે, બે પગ તરત ‘વોય.. વોય..’ કરતા ખેંચે.

સ્થિતિ ખરાબ હતી. તેણે વિદિતના પપ્પાને ઢંઢોળીને ઉઠાડ્યા અને કહ્યું કે વિદિત પેટ દબાવતો, જોર જોરથી અમળાતો કણસે છે. 

પપ્પા પણ ચાદર ફેંકતા દોડ્યા. વિદિત પાસે જઈ એના પેટે હાથ સહેજ દબાવી ફેરવવા લાગ્યા  પ્રાથમિક ઉપચાર તરીકે મમ્મી દોડીને હીંગ  પલાળીને લઈ આવ્યાં અને વિદિતના પેટ પર લગાવી. 

પીડા ઘટવાને બદલે ખૂબ વધતી ચાલી. પપ્પાને થયું કે રાતે વિદિત મિત્રો સાથે કોઈ સ્ટ્રીટ ફૂડ ખાઈ આવ્યો હશે અને એ વાસી કે સ્પાઇસી હોય શકે છે એટલે અત્યારે એની અસર થઈ રહી છે. તરત  એમણે વિદિતને  એસિડિટીની દવા આપી. 

પીડા અસહ્ય વધતાં વિદિતે જ કહ્યું કે એને પેટમાં પાચનની કોઈ તકલીફ નથી લાગતી, કશુંક અસામાન્ય થઈ રહ્યું છે.

આટલી વહેલી સવારે ડોકટર ક્યાં મળે?

પપ્પા પોતાની કારમાં પાછળ સુવરાવી વિદીતને નજીકનાં પ્રાઇવેટ નર્સિંગ હોમ લઈ જવા લાગ્યા ત્યાં તેને ખૂબ જોરથી ઉબકા આવવા લાગ્યા પણ ઊલટી ન થાય. એણે મોં માં આંગળાં  નાખી પરાણે  ઊલટી કરી એમાં વિચિત્ર વાસ હતી અને સહેજ કાળું હતું.

સમય ગુમાવ્યા વગર પપ્પાએ પાડોશીની મદદથી વિદિતને ઉંચકીને કારમાં સુવરાવ્યો. કાલે વિદિત સાથે રાતે બહાર હતા એ એના એક બે મિત્રોને કાઈં બનેલું કે ખાધેલું એ પૂછવા ફોન કર્યો. ત્યાં નર્સિંગ હોમ આવી પહોંચ્યું.

એક મિત્ર નૃપેશ તરત મારતી બાઈકે  ત્યાં આવી પહોંચ્યો. રાતે એ લોકોએ ખાલી ક્યાંક કોલ્ડ્રીંક પીધેલું જે કોઈ જાણીતાં પાર્લર પરથી લીધેલું. ખાધું તો બધાએ પોતપોતાને ઘેર જ હતું.

નર્સિંગ હોમમાં રાતની ડ્યુટીમાં રહેલ નર્સે તરત કહ્યું કે કેસ સિરિયસ લાગે છે. તેણે ડોકટરને તરત ફોન કર્યો. વિડિયો કોલ પણ કર્યો.  ડોકટરે પણ કહ્યું કે સ્થિતિ સિરિયસ છે. સામાન્ય ફૂડ પોઝનિંગ લાગતું નથી.

વિદિતના  પપ્પા તો બે ઘડી  શૂન્યમનસ્ક થઈ ગયા. ત્યાં તો નૃપેશે જ કહ્યું કે તે આ શહેરની સરકારી હોસ્પિટલ વિદિતને લઈ જશે.  શહેર પ્રમાણમાં નાનું એવું પણ જિલ્લા મથક હતું.

સમય ગુમાવ્યા વગર વિદિતને પોતાની પાછળ પોતાને પકડીને બેસવા કહ્યું. બાઇક મારી મૂકી. 

થોડું આગળ જતાં વિદિતે કહ્યું કે તે બેસી શકતો નથી. તેના બોલવામાં પણ લોચા વળતા હોય એવું લાગ્યું.  સલામતી ખાતર નૃપેશે એક કપડું પોતાની અને વિદિતની કમર ફરતે વિંટ્યું અને પપ્પા કાર લાવે એ પહેલાં તો શેરીમાંથી, સવારના લગભગ ખાલી રસ્તાઓ પર રોંગ સાઈડ પર પણ થતો હોસ્પિટલ આવી પહોંચ્યો. સીધી ઇમરજન્સી વિભાગમાં  તેણે બાઈક રાખી દીધી. એક ફ્રી એટેન્ડન્ટ સ્ટ્રેચર પણ લઈ આવ્યો. નૃપેશે કદાચ એની હથેળી ગરમ કરી દીધી.

કેસ કઢાવે ત્યાં તો સ્ટ્રેચર પાસે ડોકટર આવી ગયેલા.

એ જુનિયર ડોકટરે બીપી માપ્યું. એકદમ પડી રહ્યું હતું. વિદિતના હાર્ટબીટ્સ ઘડીમાં એકદમ ઝડપી બને, ઘડીમાં એકદમ ધીમા. એણે સિનિયર ડોકટરને તરત બોલાવ્યા. એ સાથે બીજા બે ડોકટરો પણ આવી પહોંચ્યા.

સિનિયર ડોકટરની સામે જ વિદિતને સખત ઊબકાઓ આવ્યા અને બેવડ વળી જવા લાગ્યો. એનાથી રહેવાયું નહીં. પોતાને બચાવી લેવા રાડો  પાડવા લાગ્યો.

ડોકટરે તરત જ પેટ આજુબાજુથી દબાવી કહ્યું કે વિદિતનું એપેન્ડીક્સ કદાચ ફાટવા ઉપર છે. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે.

એમણે વિદિતનું બીપી અને  તેના હાર્ટબીટ્સ  સામાન્ય રહે એની દવા તરત જ બોટલ ચડાવી આપવા માંડી.

તરત મુખ્ય સર્જનને બોલાવાયા. તેઓ કદાચ નજીક ક્વાર્ટરમાં જ હશે. તેઓએ સિનિયર ડોકટરની સલાહ મુજબ તરત ઓપરેશન થીયેટરમાં વિદિતને શિફ્ટ કરાવ્યો અને ક્યાં ચીરો મૂકવો તેની તપાસ આખી ટીમ  કરવા લાગી.

વિદિતને તેમણે પોતાનાં સિમ્પ્ટમ્સ કહેવા કહ્યું. વિદિત સરખું બોલી શકતો ન હતો. લોચા વળતા હતા.

પેટમાં કશી મોટી ગરબડ જરૂર હતી પણ અત્યારે સોનોગ્રાફી કરવાનો કે એવો સમય ન હતો. સર્જનને લાગ્યું કે સિનિયર ડોકટર સાચા જ લાગે છે, એપેન્ડીક્સ ફાટવાની તૈયારીમાં છે.

ત્યાં તો વિદિતના પપ્પા પણ આવી પહોંચ્યા. એમણે સર્જનને અને ડોકટરને જણાવ્યું કે સામાન્ય રીતે, હંમેશ વિદિત પૂરો સહનશીલ હતો, પીડામાં પણ સ્વસ્થ રહેતો. એનું આરોગ્ય ઘણું સારું હતું અને કોલેજની સ્પોર્ટ્સ ટીમ માં પણ હતો. એ કાઈં અસામાન્ય ખાય પીવે એમ ન હતો અને ગઈકાલે રાત્રે મોડે સુધી વાંચીને સૂતો ત્યાં સુધી તે બરાબર હતો.

કદાચ એણે ઝેર પીધું હોય? કદાચ મા બાપને કહ્યું ન હોય એવું પણ કારણ હોય. પોલીસને કહેવું પડે પણ પહેલાં તો એને ઊલટી કરાવી દેવી પડે. એમણે પ્રયત્ન કર્યો પણ આ શું? વિદિતનો ડાયેફ્રામ જ ઢીલો પડતો લાગ્યો. વિદિતને શ્વાસ લેવામાં તકલીફ થતી લાગી.

ત્યાં એનેસ્થેટીસ્ટ આવી પહોંચ્યા. એમણે ઓપરેશનની તૈયારીઓ જોઈ.  આટલા ડોક્ટરોએ જોયું તો સાચું નિદાન હશે જ. તેમણે એનેસ્થેસિયા આપતા પહેલાં વિદિતને એક થી દસ ગણવા કહ્યું. વિદિત એ ગણી તો શક્યો નહીં, એ ઊંડાં ઘેનમાં જતો લાગ્યો. એની પાંપણો પણ ઢળીને બીડાઈ જતી લાગી. 

“He is sinking. Fast. Take him first to the ICU and put him on ventilation. Immediately.” એમણે કહ્યું અને પોતે જાતે વિદિતને ઊંચકી નજીકનાં  સ્ટ્રેચર પર સુવડાવ્યો. જુનિયર ડોકટર સમજી ગયો અને એ સ્ટ્રેચર ધકેલતો બહાર દોડ્યો. એનેસ્થેટિસ્ટ વિદિતને તમાચા મારતા, હલબલાવતા દોડ્યા. આઇસીયુ માં વેન્ટિલેટર પર વિદિશને મુકતાં જ તેમણે કહ્યું કે આ કેસ એપેન્ડીક્સનો છે જ નહીં, પોતાને એ સર્પદંશ નો લાગે છે.

સર્જન અને એમ.ડી. મેડીસીન ડોકટર જોઈ રહ્યા. એની સાથે સંમત થઈ શક્યા નહીં  એ એમનાં મોં પર સ્પષ્ટ દેખાતું હતું. એનેસ્થેટિસ્ટ સાહેબે તરત ઓક્સીજન ચાલુ કરી પોતે કોઈપણ રીતે વિદિતને જાગતો રાખવા પ્રયત્ન કરી રહ્યા .

સમય ખૂબ ઓછો હતો અને વિદિતની સ્થિતિ એકદમ ઝડપથી ક્રિટીકલ બની રહી હતી. કૃત્રિમ વેન્ટિલેટર હોવા છતાં એ શ્વાસ લઈ શકતો ન હતો. 

મેડિસીનના નિષ્ણાત ડોક્ટરને પણ અવગણી એનેસ્થેટિસ્ટ સાહેબે પોતાના જોખમે એન્ટીવેનમ બે  ઇન્જેક્શન મગાવ્યાં. એક તાબડતોબ હોસ્પિટલના સ્ટોરમાંથી મળ્યું. બીજું એમણે ગમે ત્યાંથી લાવવા બહાર નૃપેશને કહ્યું અને જ્યાં મળી શકે એવા સ્ટોરમાં પોતે ફોન કર્યો.

આઇસીયુમાં નર્સોને એક વાર આ પેશન્ટ કોઈ રીતે ઘેનમાં ન જાય અને ગમે તેમ કરી શ્વાસ લેતો રહે એ જોવા તાકીદ કરી.

તરત જ તેઓએ વિદિતના પપ્પાને બોલાવ્યા અને પૂછ્યું કે  વિદિતને સાપ કરડ્યો હોય શકે? એમનાં ઘરમાં સાપ નીકળ્યો હતો?

પપ્પાએ કહ્યું કે તેમનાં ઘરમાં સાપ નીકળ્યો નથી. હા. તેમનું ઘર ખેતરો પાસે છે. ક્યારેક જ ખેતરોમાં સાપ નીકળે છે પણ ઘરમાં ક્યારેય આવ્યો નથી.

આ બાજુ સર્જન તો ખૂબ ગુસ્સે થઈ ગયા. ઇમરજન્સીમાં જો પેશન્ટનું આંતરડું કે એપેન્ડીક્સ ફાટી જાય તો? એમ. ડી. મેડિસીન સર પણ એનેસ્થેટિસ્ટની મઝાક કરવા લાગ્યા કે અહીં શહેરની સોસાયટીમાં સાપ ક્યાંથી આવે? અને કરડ્યો હોય તો હાથ, પગ, પેટ, ક્યાંક તો ચિન્હ દેખાય ને?

એનેસ્થેટિસ્ટ સરે બીજું ઇન્જેક્શન આવતાં ફરીથી  આઈસીયુમાં વિઝિટ લીધી. બીજા કોઈ  માનતા હતા નહીં પણ તેઓ હવે સ્યોર હતા કે આ તો સર્પદંશ નો જ  કેસ છે. એમાં પેશન્ટના શરીરમાં ઝેર દાખલ થાય એટલે પેટમાં સખત પીડા થાય, આંતરડાંમાંથી ઝેર  ચેતાતંત્રને અસર કરે એટલે પેશન્ટ બેભાન થવા લાગે, એના ધબકારા ધીમા પડી જાય અને પેશન્ટ સાવ થોડો સમય કોમામાં રહી મૃત્યુ પામે. તેમણે  જોખમ લઈ બીજું ઇન્જેક્શન  પોતે જ આપ્યું અને ફરીથી વિદિતનું આખું શરીર તપાસ્યું. ક્યાંય દંશ દેખાયો નહીં.

એમણે ‘દોઢ ડહાપણ‘ કરી કોઈ પેશન્ટની જીંદગી આ હોસ્પિટલમાં લાવ્યા પછી જોખમમાં મૂકી એ માટે ઓપરેશન માટે તૈયાર ડોકટરો દ્વારા તરત મુખ્ય સુપ્રિટેન્ડેન્ટને ફોન અને ફેક્સ થયો. શિસ્તભંગનાં કાગળ તૈયાર થવા લાગ્યાં. જો કે વિદીતની આઇસીયુ માં સારવાર ચાલુ રહી.

એનેસ્થેટિસ્ટ સરે  મોટાં શહેરમાં પ્રેક્ટિસ કરતા પોતાના એક  મિત્રને ફોન કરી વિગતો કહી. એમણે પણ કહ્યું કે આ લક્ષણો સો ટકા એપેન્ડીક્સ કે ફૂડ પોઇઝનિંગનાં નથી જ.  પણ સાપ કરડ્યા વગર ઝેર કેમ ચડે? દંશ ની જગ્યાએ કોઈ લાલ ચાઠું, ભૂરું કે કાળું નાનું સર્કલ કે એવું હોય જ.

એમણે પોતાના હજી હમણાં જ MBBS થઈ કોઈ  ગામડાંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા અને ખેડૂત બેકગ્રાઉન્ડ માંથી આવતા વિદ્યાર્થીને ફોન કર્યો. એ કહે ક્રેટ સ્નેક કરડે તો એનો કરડ સોય જેવો લાંબો અને અત્યંત તિક્ષ્ણ હોય છે જે વાળ કરતાં પણ પાતળો હોય છે. મચ્છર કરડે તો હજી દંશ દેખાય, ક્રેટ સ્નેક નો ન દેખાય. એ મોટે ભાગે ઉંદરો ખાવા ફરે છે પણ ક્યારેક મનુષ્ય એના માર્ગમાં વચ્ચે આવે તો આ રીતે કરડી શકે.

હવે એનેસ્થેટિસ્ટ સરે વિદિતનાં માબાપને બોલાવીને પૂછ્યું કે વિદિત એના રૂમમાં નીચે સુવે છે કે કોટ પર. મમ્મી કહે આમ તો કોટ પર. ગઈ કાલે વાંચતાં વાંચતાં નીચે સૂતો હતો.

પણ સાપ ક્યાં? 

તેઓએ ઘેર જઈ આજુબાજુ તપાસ કરી. બે ત્રણ દિવસથી એક કાળો અને શરીરે   ફરતી રિંગો કે વલયો જેવા ચમકતા પીળા પટ્ટા વાળો  સાપ પાછળ ખેતરમાં દેખાયેલો જે એ ખેતરના લોકોએ લાકડીથી ભગાવેલો.

ઘરમાં બધાંએ જોયું. ખાળમાં સીધા લીસોટા હતા. પાછળ કોઈ ઉંદર મરેલો પડેલો. સાપ આવીને કરડ્યો હોય એ હવે નક્કી થયું.

આઇસીયુ માં વિદિત હવે શાંતિથી શ્વાસ તો લેતો થયેલો પણ હજી આંખ માંડ ખોલી શકતો હતો. પેટમાં  સખત પીડા થતી હોય એમ લાગતું હતું તેમ આઇસીયુની નર્સોએ કહ્યું.

એનેસ્થેટિસ્ટ માટેનો તો શિસ્તભંગ અને સર્વિસ ટર્મિનેટ નો લેટર પણ તૈયાર થઈ ગયેલો. સુપ્રિટેન્ડેન્ટ  અંદરથી કશું  વિચાર કરવા જેવું લાગતાં હજી સાંજ સુધી રાહ જોવા તૈયાર થયા અને લેટર પોતાનાં ખાનામાં મૂકી દીધો.

એનેસ્થેટિસ્ટ દોડતા સીધા એમની ઓફિસમાં જ આવ્યા અને હેલ્થ સેન્ટર ના ડોકટરે કહેલ તે જણાવ્યું.

હોસ્પિટલની અને  સરકારની આબરૂનો સવાલ હતો. એ બેય ડોકટર અને સર્જન ગયા આઇસીયુ માં. વિદિતના પગ એક બિલોરી કાચ લઈ ખુદ એનેસ્થેટિસ્ટ તપાસવા લાગ્યા. આખરે પગનાં તળિયાંમાં ખૂબ બારીક છિદ્ર જોયું. ચોક્કસ પણે એ સર્પદંશ હતો.

સુપ્રિટેન્ડેન્ટે લેટર હજી નીચેનાં ખાનામાં દબાવી દીધો અને કેસ પેપરમાં એનેસ્થેટિસ્ટ પાસે જ નિરીક્ષણ લખાવ્યું.

મોડી રાત્રે. એન્ટીવેનમ ઇન્જેક્શન હવે હાઈ પાવરનું આપવામાં આવ્યું. પેશન્ટ શ્વાસ લેવા લાગેલો.  હવે વેન્ટિલેટર હટાવી લઈ પેશન્ટને સુઈ જવા દેવાયો.

એ જ રાતે વિદિતના પપ્પાને ઘરની પાછળ જ એવો જ કાળો, પીળા પટ્ટાઓ વાળો સાપ દેખાયો. એને હવે ગામના સાપ પકડનારા પાસે પકડાવી કોથળામાં નાખી  વસ્તીથી દૂર છોડી દેવામાં આવ્યો.

વિદિતને હવે જનરલ વોર્ડમાં લેવાયો. પૂરા ચાર દિવસની સારવાર પછી જ્યારે એને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો ત્યારે એનો મિત્ર નૃપેશ લેવા  આવેલો. વિદિતે એના હાથમાંથી બાઈકની ચાવી લઈ લીધી. પહેલાં પેલા એનેસ્થેટિસ્ટ સર ને પગે પડ્યો પછી જાતે બાઈક ચલાવી મંદિર અને ઘેર ગયો! બીજા દિવસથી કોલેજે પણ જવા લાગ્યો.

વિદિતનું કુટુંબ એનેસ્થેટિસ્ટ સાહેબની કેબિનમાં મીઠાઈનું બોક્સ લઇને ગયું ત્યારે તેઓ ટેબલ પર રાખેલ શિવજીની મૂર્તિ પરના સાપ પર હાથ ફેરવી રહ્યા હતા. બાજુમાં અગરબત્તી ચાલુ હતી. સામે કોઈ મેડિસીન ની બુક ખુલ્લી હતી.

તેમણે પહેલાં તો મીઠાઈ લેવાની ના પાડી. કહે કે એક ડોકટર તરીકે એમણે એમની ફરજ બજાવી છે. 

(વારાણસી નાં ટાઈમ્સ ઓફ ઇન્ડીયામાં આવેલ એક સમાચારને આધારે. આ  સંપૂર્ણ સત્ય ઘટના છે.)

સુનીલ અંજારીયા