Raay Karan Ghelo - 38 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 38

Featured Books
Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 38

૩૮

જીવનદીપ બુઝાયો!

 

સમંદરી જાતિ છેક દધિપદર થોભી હતી. એ ત્યાં પળ બે પળ રોકાઈને તરત જ આગળ વધવાની હતી. પણ સિંહભટ્ટની નજર હવે મહારાણી તરફ પડી, અને એ લેવાઈ ગયો. મહારાણીનું શરીર લોહીથી ખરડાઈ ગયું હતું.

‘આ હા!’ એ સમજી ગયો. લશ્કરગાહમાંથી ભાગવાનું થયું ત્યારે કોઈ તુરુકની તલવાર પાછળથી કામ કરી ગઈ હોવી જોઈએ. મહારાણીબાએ અજબ જેવા ધૈર્યથી એ વખતે આ વાતની એક નાનકડી નિશાની પણ જણાવા દીધી ન હતી. એ જાણવા દીધી ન હોત તો એ ત્યાં જીવન-મરણનો પ્રશ્ન બની જાત. પણ એ ગમે તે ક્ષણે ઢળી પડવાની તૈયારીમાં હતો. સિંહભટ્ટના શોકનો પાર રહ્યો નહિ. તે ત્યાં સોઢલજીની રાહ જોતો રોકાઈ પડ્યો. એણે ગામમાં જઈને કોઈ વૈદની તપાસ કરી. એક વૈદ આવ્યો. કોઈ શ્રેષ્ઠી જાણીતો નીકળે તો એને બોલાવવા માટે પોતે જવાનું કરતો હતો, ત્યાં મહારાણીબાએ કહ્યું: ‘સિંહભટ્ટ! પેલા વડ નીચે આપણે થોભો. ત્યાં જમીન ઉપર કાંઈક પાથરો. વૈદને ત્યાં આવવા દો. આપણી ગુજરાતની ભૂમિનાં ધન્યભાગ્ય ગણો. હવે બીજો શોક ન કરતા. બીજી ધાંધલ પણ ન કરતા.’

‘બા!’ સિંહભટ્ટ વધારે એક શબ્દ પણ બોલી શક્યો નહિ. એની આંખમાંથી ખરખર ખરખર આંસુ ખરવા માંડ્યા.

‘ભટ્ટજી! તમે તો આને માથે રાખવાનું વેણ મને આપ્યું છે ને! કેમ ભૂલો છો?’ મહારાણીબા પ્રેમથી દેવળ સામે જોઈ રહી. તેને પાસે આવવાની નિશાની કરી. નાનકડી દેવળ હજી આમાં કંઈ સમજી ન હતી. પણ એ ગભરાઈ ગઈ હતી. તે મહારાણીબાના પડખામાં આવીને બેસી ગઈ.

રાણીએ તેના વાંસા ઉપર, માથા ઉપર પ્રેમથી હાથ મૂક્યો. હાથ હાથમાં લીધો, ‘દેવળ! બેટા! હિંમત રાખજે હો! જરાય ગભરાતી નહિ. સિંહભટ્ટ તને તારા બાપુજી પાસે પહોંચાડી દેશે!’*

*ઝીયાબર્નીએ આ બળવાની વાત લખી છે. મુણહોત નેણસીની ખ્યાતમાં પણ છે. ઝાલોરગઢ પાસે અલાઉદ્દીનનો ભાણેજ ને નુસરતખાનનો ભાઈ બે બળવાખોરોના હાથે મરાયો છે. આ બળવાખોર જેવોતેવો ન હતો. મંમૂશાહ માટે પાછળથી અલાઉદ્દીનને પોતાને રણથંભોર આવવું પડ્યું હતું. મંમૂશાહ ‘હમીર હઠ’વાળા હમીરને મળી ગયો હતો. આ રણથંભોરના જુદ્ધ વખતે પણ દિલ્હી ઉપર મોગલોનો હુમલો થયો, ને બાદશાહને દિલ્હી જવું પડ્યું હતું. નુસરતખાન વજીરનું મરણ પણ આ રણથંભોરની લડાઈમાં જ થયું હતું. ઝીયાબર્નીએ કરણરાયની રાણી, દીકરી વગેરે પકડાયાની વાત લખી છે. પણ પછી જેમ મલેક કાફૂરનો ખાસ ઉલ્લેખ, બાદશાહને પેશ થયેલી લૂંટફાટની મહત્વની બીના ગણીને કર્યો છે. એવો કોઈ ઉલ્લેખ દેવળ કે રાણી વિષે એણે કર્યો જ નથી. ઈતિહાસ વાંચનારાઓનું ધ્યાન આ અગત્યની વાત ઉપર જ ગયું નથી, એટલું જ નહિ પાછળના કોઈ પ્રસંગમાં પણ તેમનાં નામ એણે આપ્યાં નથી. નુસરતખાન ઉલૂગખાને ઝાલોરગઢના બળવાવળી વાત જુક્તિથી તાત્કાલિક દાબી દેવા માટે ત્યાં નમતું જોખીને સૌની લૂંટફાટનો હિસાબ માંડી વાળ્યો હતો ને કોઈ જાતની તપાસ ચલાવી ન હતી. બળવાખોરો ભાગી છૂટ્યા હતા. તેમની પૂંઠ પણ પકડી ન હતી. કૌલાદેવી પણ આ વખતે ભાગી ગયેલી.

દેવળ પણ કાંઈ બોલી શકી નહિ. તેની આંખમાંથી પણ આંસુ વહી રહ્યાં હતાં. મહારાણીબાનો જીવનદીપક હવે પળ બે પળનો પ્રશ્ન હતો. સિંહભટ્ટને શું કરવું તે કાંઈ સૂઝતું ન હતું. તે ચારે તરફ નજર નાખવા મંડ્યો – ક્યાંક સોઢલજી દેખાય? પણ સોઢલજી ક્યાંય દેખાતાં ન હતા!

એટલામાં એક દશમાંથી માર માર કરતી કોઈ સાંઢણી આવી રહેલી દેખાઈ.

દુશ્મન કે દોસ્ત એ કાંઈ ખબર પડે તેમ ન હતું. સિંહભટ્ટ એક પળ મહારાણીબા પાસે જાય, એ પળ પાછો આ સાંઢણીસવારને જોવા માટે આગળ આવે. એનો જીવ ખોળિયામાં ન હતો. એને થતું હતું કે આમાં જો કોઈ દુશ્મન પાછળ પડ્યો હશે તો ભારે થઇ જશે. આવનાર શંકા પડતો કે દુશ્મન લાગે તો તેને એ પાસે આવે તે પહેલાં વીંધી નાખવા માટે એ તૈયાર ઊભો રહ્યો. 

પણ દિશા દુશ્મનની ન હતી. એટલામાં સાંઢણી દેખતાં જ સિંહભટ્ટને આનંદ થઇ ગયો. તે હર્ષનો પોકાર પાડી ઊઠ્યો. સાંઢણી ઉપર બે જણા હતા. આગળ બેઠેલ વાઘોજીને એણે તરત ઓળખ્યો.

મહારાણીબાએ એને પૂછ્યું: ‘સિંહભટ્ટ! કોણ આવ્યું?’

‘મહારાજ આવે છે, મહારાણીબા!’ સિંહભટ્ટે ઉતાવળે આનંદભર્યા અવાજે કહ્યું.

‘મહારાજ? આ...હા! ઓ...હો! હે ભગવાન તું...’ અને મહારાણીબા હર્ષના આવેશમાં જરાક બેઠાં થઇ ગયાં. પણ જેવાં બેઠાં થયાં તેવાં જ પાછાં પડી ગયાં. વૈદે તેમણે તરત પાછાં સુવાડી દીધાં. પણ આ હર્ષાતિરેક આ અવસ્થામાં ભારે પડી ગયો હતો. મહારાણીબાનું માથું એક તરફ ઢળતું જતું હતું.

સિંહભટ્ટ વાઘોજીને જોવાનું પડતું મૂકીને દોડ્યો. તેણે વૈદની સામે જોયું. વૈદની આંખમાં આંસુ હતાં. તેને મૂંગા આકાશની સામે આંગળી ચીંધી.

સિંહભટ્ટ ત્યાં મહારાણીબા પાસે બેસી ગયા. તેણે મોટેથી રડતે અવાજે કહ્યું: ‘બા! બા! વાઘોજી આવ્યા છે...’

પણ મહારાણીબાની આંખ જેવી ઊઘડી તેવી જ પછી મીંચાઈ ગઈ.

એટલામાં વાઘોજી ને વિકોજી બે ત્યાં આવીને ઊભા રહ્યા. આ દ્રશ્ય જોઇને સૂનમૂન થઇ ગયા. એમને મહારાજ કરણરાયે સિંહભટ્ટની ફરી તપાસ માટે જ મોકલ્યા હતા.

‘બા! વાઘોજી મહારાજનો સંદેશો લઈને આવ્યો છે.’

મહારાજનો ‘સંદેશો’ શબ્દ કાને પડતાં મહારાણીબાના જીવમાં જીવ આવતો જણાયો: ‘તેમણે જરાક આંખ ઉઘાડી મંદ અવાજે કહ્યું: ‘મહારાજનો સંદેશો? કોણ છે?’

‘વાઘોજી છે બા! મહારાજનો સંદેશો લાવ્યો છે!’

વાઘોજી તો બોઘા જેવો ઊભો રહ્યો. એને મહારાજે એક મહામૂલ્યવાન વીંટી કામગીરી માટે ભેટ આપી હતી. પણ એનો અત્યારે ઘણો સરસ ઉપયોગ છે એ કાંઈ સમજે તેમ ન હતો. 

પણ વિકોજીએ તરત ઝડપથી વાઘોજીને આંગળીમાંથી એક હીરારતનજડિત વીંટી કાઢીને સિંહભટ્ટના હાથમાં આપી: ‘મહારાણીબાને આ સંદેશો મહારાજે મોકલાવ્યો છે. કહેવરાવ્યું છે: હવે જલ્દી આવી પહોંચો!’

મહારાણીબા એ સાંભળી રહ્યાં. સમજતાં લાગ્યાં. એના ચહેરા ઉપર એક અનોખો આનંદ આવી ગયો. હોઠમાં રમતું સ્મિત ફરક્યું.

સિંહભટ્ટના હાથમાંથી મહારાણીબાએ હાથ લાંબો કરીને વીંટી લીધી: ‘ભટ્ટજી! અમારા જીવન જોડાણ વખતે મહારાજે આ પહેરી હતી. મને યાદ છે. અત્યારે ખરે ટાણે જ એ આવી પહોંચી!’

તેણે પોતાની બંને આંખો ઉપર વીંટી મૂકી, માથા ઉપર મૂકી. થોડી વાર હાથમાં રાખીને તેની સામે જોઈ રહ્યાં. પછી બહુ જ શાંતિથી દેવળદેવીની સિંહભટ્ટને સોંપણ કરતાં મંદ અવાજે કહ્યું: ‘ભટ્ટરાજ, દેવળને મહારાજ પાસે લઇ જજો... એને બાગલાણનો દુર્ગ જોવો છે.’ તેમણે દેવલનો હાથ પ્રેમથી હાથમાં પકડ્યો: ‘મહારાજને કહેજો, આ મારી છેલ્લી યાદી છે...’

‘અને મહારાજને...’ 

મહારાણીબાના શબ્દો ક્ષીણ, મંદ, અતિ મંદ થતા જતા હતા. સૌની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વહી રહ્યા હતા. કોઈ બોલી શકતું ન હતું. જોઈ શકતું ન હતું. મહારાણીબાના છેલ્લા શબ્દો સંભળાયા: ‘અને મહારાજને મારા પ્રણામ...’

‘કહેજો’ એમ મહારાણીબા કમલાવતી બોલી શક્યાં નહિ. દેવી એના હાથ ઉપર માથું મૂકીને છાને મંદ કરુણ અવાજે રોવા મંડી! દૂર દૂરથી એ વખતે સોઢલજી આવતો દેખાયો.