Raay Karan Ghelo - 37 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 37

Featured Books
Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 37

૩૭

સમંદરી!

 

મધરાત થઇ. સોઢલજી તુરુકની છાવણીની આસપાસ એક ઠેકાણે પડ્યો હતો. થોડી વારમાં એણે એક ઝીણો પંખી જેવો અવાજ સાંભળ્યો. એ સમજી ગયો. મોગલ સરદારોએ પોતાના સિપાઈઓને તૈયાર રહેવાની નિશાની આપી દીધી હતી. પણ સોઢલજીનો જીવ હજી ખોળિયામાં ન હતો. એને મોટામાં મોટી બીક હવે કાંધલજીની લાગતી હતી. 

આજનું કામ પાર પાડવા, જરૂર શાંતિથી હતી. રાહ જોવાની, એક પણ ઉતાવળા ન થઇ જવાની. અને કાન્હડદેનો આ વીરપુરુષ વીજળી મળે તો વીજળી ઉપર ઘા કરે તેવો હતો. કાન્હડદેવના ભાઈ માલદેવે એક વખત આકાશી વીજળી સાથે લડાઈ કરી કહેવાતી હતી. આંહીં બધે એ પરંપરા હતી. અને પોતે પણ એ જ પરંપરાનો આદમી હતો. પણ આજે એ સમજ્યો હતો. આજે એનું વહન ભગવાને પોતે ઉપાડ્યું હતું. મદદ જેવી અણધારી હતી, તેવી જ સંગીન હતી. મોગલો એક હોય તેમ ઊઠે, એટલે આખી લશ્કરગાહ હાલકડોલક થઇ જવાની. ઠેર ઠેર ગેરવ્યવસ્થા જામવાની. ત્યાં બે સાંઢણી સવારો ઊભા હતા. થોડું પાયદળ હતું. કાંધલજીનો હુમલો થાય કે તરત જ. સોઢલજીને દોડવાનું હતું. ત્યાં જ ઉલૂગખાનનો તંબૂ હતો. એના પર મંમૂશાહ પોતે ત્રાટકવાનો હતો.

આ બધી વાત એ ફરીફરીને યાદ કરી ગયો. એક જરા જેટલી પણ ગફલત ન થાય એનું એને બહુ જ ધ્યાન રાખવાનું હતું. એક જરા ગફલત, અને એના જીવનમાં નર્મદાજળ કે અર્બુદાની ખીણ લખાઈ ગયાં હતાં.

હવે નાસીપાસી આવે, તો, એને જીવવાની ઈચ્છા ન હતી.

શિકાર કરવા બેઠેલા વાઘની તલબથી એ ત્યાં ખાડામાં પડ્યો હતો.

લશ્કરગાહ સામે જ દેખાતી હતી. થોડા ચોકીદારો સિવાય બધે ઘારણ વળી ગયું હતું. મંમૂશાહે કાંધલજીની શિખામણ અક્ષરશ: માણી લાગી. કોઈને જરા જેટલી શંકા પડી હોય તેમ લાગ્યું નહિ.

થોડી વાર ભયંકર શાંતિ ફેલાતી લાગી. એક પળ પછી પહેલાનાં પંખીના અવાજ જેવો જ બીજો અવાજ થયો. 

જવાબમાં કોઈક એક સહેજ ઝાડની ડાંખળી પવનથી ચાલે તેમ ચલાવી લાવી. સોઢલ ચમકી ગયો. તેનો હાથ તલવાર ઉપર ગયો. તે જ વખતે તેની ઉપર એક કાંકરી પડી. કોઈકે દૂરથી ફેંકી લાગી. પોતે આંહીં છે એ કાંધલજી વિના બીજા કોઈને ખબર ન હતી. કાંધલજી પાછળ આવી પહોંચ્યો હોય તેમ લાગ્યું.

પણ સોઢલજી કાંઈ વિચાર કરે તે પહેલાં તો ભયંકર અવાજો સાથે ઉલૂગખાનનો તંબુ ઘેરાઈ જતો જણાયો. એક પળમાં તો એણે કોઈકને ત્યાંથી ભાગતો જોયો. સોઢલજી તીરની ઝડપે દોડ્યો. મંમૂશાહ ઉલૂગખાનના તંબૂને ઘેરી વળ્યો. તેને પોતાની, ઉઘાડી તલવારે ઉલૂગખાનના તંબૂમાં જતો જોયો. એ પોતે એકદમ પાસેના તંબૂમાં પેસી ગયો. એના આનંદનો પાર રહ્યો નહિ. સિંહભટ્ટ પોતે ત્યાં તલવાર લઈને બારણા પાસે જ ઊભો હતો. ‘કોણ છે?’ સિંહભટ્ટે બૂમ મારી. પણ સોઢલે તરત એને કહ્યું: ‘ભટ્ટરાજ! દોડો દોડો! મારી સાથે દોડો, હું સોઢલજી છું. મોટો બળવો થયો છે. મોગલો ઊઠ્યા છે. લાભ લ્યો! અપની સાંઢણી ત્યાં પાછળને ખીજડે ઊભી છે. મહારાણીબા ક્યાં છે?’

એટલામાં તો કૌલાદેવી પોતે જ તલવાર લઈને બહાર આવતી દેખાણી. સોઢલજીએ મહારાણીબાને તરત બહાર આવવા માટે કહ્યું: ‘બા, દોડો દોડો! ભાગવાનું છે, દોડો!’

કૌલાદેવી સમજી ગઈ. એ દેવળને ઉઠાડવા અંદર દોડતી હતી, પણ ત્યાં તો શોરબકોરથી કુંવરી જાગીને એની પાછળ જ આવી હતી. સોઢલજીએ એની આંગળી પકડી. એને બહાર લીધી. મહારાણી તરત એની પાછળ ચાલી. સિંહભટ્ટ સૌની પાછળ હતો. એ જ વખતે તંબૂમાંના સિપાઈઓએ બૂમ પાડી, ‘દોડો દોડો! નહરવાલની રાણી ભાગી!’

અને એ સિપાઈઓ તલવાર લઈને પાછળ પડ્યા. પણ એટલામાં તો ઉલૂગખાનના તંબૂના બહાર જ કોઈને પડેલ જોતાં એ ત્યાં જ થોભી ગયા. એમનાથી મોટો ચિત્કાર પડાઈ ગયો. સુરત્રાણનો ભાણેજ પોતે ત્યાં કપાઈ પડ્યો હતો. મંમૂશાહ ઉલૂગખાનને ખોળવા મહારાણીવાળા તંબૂમાં પેઠો.

એ વખતે સોઢલજી જે મહારાણી ને સિંહભટ્ટ ઝડપથી તંબૂની પાછળ નીકળી ગયા અને એકદમ દોડતાં ઝાંપા પાસે પહોંચી ગયાં.

સોઢલજી હજી તો ખીજડાના ઝાડની દશ નોંધે છે, ત્યાં એણે એક મોટું તોતિંગ લાકડું ખાઈ ઉપર મુકાઈ ગયેલું દીઠું. મંમૂશાહે બહાર ભાગવાનો વખત આવે તો વાંધો ન આવે એવી ચેતવણીથી એ ત્યાં મૂક્યું લાગ્યું.

સોઢલજી એકદમ લશ્કરગાની બહાર દોડ્યો ગયો. મહારાણીબા એની પાછળ જ હતાં. સિંહભટ્ટે દેવળને ખંધોલે ઉપાડી લીધી હતી. 

એ સીધાં જ ખીજડાના ઝાડ પાસે આવ્યાં. સમંદરી ઉપર મહારાણી ચડી બેઠાં. વચ્ચે દેવળ આવી ગઈ. સિંહભટ્ટ પાછળ આવ્યો. એકદમ રાયકાએ સાંઢણી ઉપાડી જ મૂકી. સોઢલજીએ એને દશની વાત તો કરી હતી. પણ અત્યારે તો એ માંડ ‘દધિપદરને પંથે’ એમ બોલ્યો ન બોલ્યો ત્યાં તો, સમંદરી અંધારામાં અદ્રશ્ય થઇ ગઈ હતી. 

સોઢલજી પોતાની સાંઢણી ઉપર બેઠો હતો. એનું મન હવે નચિંત હતું. હવે એ ભલે પકડાઈ જાય ને એની ચામડી ઉતરડાઈ જાય. એણે જિંદગીનું કામ પૂરું કર્યું હતું. 

પણ એ જોખમ લેવા માગતો ન હતો. એ પણ ઝડપથી જ સાંઢણી ઉપર દોડ્યો. લશ્કરગાહમાં ભયંકર કાપાકાપી ને તીરભાલાની રમઝટ બોલી રહી હતી.

કોઈએ ભયંકર અવાજે મોટેથી બૂમ પાડી: ‘કૂતરાઓને ખતમ કરો! ખતમ કરો! એમણે મારા ભાઈ મલેક અઈઝુદ્દીનને મારી નાખ્યો છે. કૂતરા મંમૂશાહને ખતમ કરો!’

સોઢલજીને પણ કૂદીને આ બળવામાં ભાગ લેવાનું મન થઇ આવ્યું. પણ તેને મહારાણીબા પાછળ દોડવાનું હતું. પણ તે અવાજ ઓળખી ગયો. અવાજ નુસરતખાન વઝીરે સલ્તનતનો હતો અને એનો સગો ભાગી કપાઈ ગયો હતો. એટલે બળવો જેવોતેવો ન હતો. આખા લશ્કરગાહમાં ઠેર ઠેર લડાઈ જ લડાઈ ચાલી રહી હતી.

કોઈક પોતાના માણસો સાથે એક મોટા ગાડા તરફ દોડતા દેખાયા. સોઢલજીએ એ ગાડું દિવસે જોયું હતું. એને યાદ આવ્યું. સોમૈયા ભગવાન એમાં હતાં. ત્યારે દોડનાર કાંધલ દેવડો હોવો જોઈએ. પણ સોઢલજીથી હવે જોવા થોભાય તેમ હતું નહિ. એણે સમંદરી પાછળ ખંખેરી મૂકવાનું હતું. એને પળ ગુમાવવી પોસાય તેમ ન હતી. તેણે ઝડપથી ખંખેરી મૂક્યાં.

રણભૂમિ બનેલા લશ્કરગાહમાંથી, હજી વધારે ને વધારે ભયંકર લડાઈના અવાજ આવી રહ્યા હતા.