૩૬
મધરાતે શું થયું?
મુગલ સરદારની આ અણધારી સામનો કરવાની તૈયારીની વાતથી સોઢલજી એવા તો મીઠાં સ્વપ્નમાં પડી ગયો કે કાંધલજીએ આવીને તેના ખભા ઉપર હાથ મૂક્યો ત્યારે જ તેણે જાણ્યું કે કાંધલજી પાછા આવ્યા છે. એ જાગી ગયો. ને કાંધલજી ને એની સાથેના ચારે સાથીદારોની સાંઢણીઓ ત્યાં રસ્તામાં આવીને ઊભી રહી ગઈ હતી. કાંધલજી એકલો જ આંહીં એને જોઇને આવ્યો હતો.
કાંધલજી આવીને ઊભા રહ્યા કે તુર્ત જ સોઢલજીએ પૂછ્યું: ‘કાં સિંહ કે શિયાળ?’
‘સિંહ ભા! સિંહ!’ કાંધલજીએ જવાબ વાળ્યો.
‘શી રીતે?’
‘આ એને આપણે માન રાખવું નથી. એ જાણે છે કે રાજપૂતી રંડાઈ ગઈ છે. આંહીં ઝાલોરગઢમાં રજપૂતી જીવે છે. એકબીજાને કોલ થયા છે, એટલ અમારે દખ માથે લડાઈ વોરવાનું હતું. પણ ત્યાં તો સૌના ભગવાન છે.’
સોઢલજી ચમકી ગયો. આને પેલા મોગલ સરદારો રસ્તામાં ભેટી ગયા લાગે છે. તો તો વાત એકદમ જ સીધી ઊતરે.
એણે ઉતાવળે પૂછ્યું: ‘રસ્તામાં તમને કોઈ મળ્યું હતું?’
‘રસ્તામાં? હા, પણ તમને કેમ ખબર પડી?’
‘એ આંહીં હતા!’
‘આંહીં હતા? કોની વાત કરો છો?’
‘તમે કોની વાત કરો છો?’
‘અલાવદ્દીન બાદશાહના મોગલ સરદાર મંમૂશાહ – મોહમ્મદશાહની તમે કોની વાત કરો છો?’
‘હું પણ એની જ!’
‘મહારાજ કાન્હડદેવજી સાથે એને જૂની ઓળખાણ છે, અલાવદ્દીન સુરત્રાણના દરબારની. એ રસ્તે મળ્યા. સુખદુઃખની વાત થઇ. એણે પણ ઈજ્જત આબરૂનો સવાલ આવી પડ્યો છે. મેં એને શિખામણ આપી. ઉલૂગખાન કે નસરતખાન બેમાંથી એકે માને તેમ નથી. કાં એ કહે છે તેમ કરો. ગેરઇન્સાફ લાગે તો અચાનક સામનો કરો. બાકી આ ખંભાયતના ગુલામને ને સોદાગરને રજૂ કરીને મફતના એને ચેતવી દ્યો માં!’
‘હા.’ સોઢલજીને વાત ગમી ગઈ. ‘પછી શું કહ્યું એણે?’
‘કાંધલજી પાસે સર્યો: ‘અરધી રાત વીતે ને એ તૂટી પડવાના છે. અમે પણ વેણ આપ્યું છે. એના ભાઈ ઉપર દિલ્હીના સુરત્રાણનો કાંઈક કોપ ઊતર્યો છે. એ સમાચાર પણ જોગાનુજોગ આજે સાંજે જ આવ્યા છે. અમે મદદ કરવાના. તમે પણ આવજો ને!’
સોઢલજીને મંમૂશાહની સામનાની વાત કાંધલજીએ કરી અને સોઢલજીની આંખમાં આનંદનાં આંસુ આવી ગયા. હજી સુધી તેણે કાંધલજીને મહારાણીબાની વાત કરી ન હતી. હવે કહેવી કે નહિ તેનો એ વિચાર કરી રહ્યો.
‘પણ કાંધલજી! તમારે તો બાદશાહ સાથે કોલ છે. તમે મંમૂશાહને મદદનું વેણ આપ્યું છે?’
‘ઝાલોરગઢનું મુખ્ય સેન. આંહીં આવે કે એવી કોઈ વાત પ્રગટ જ નહિ થાય. અમે માત્ર ચૂંટેલા માણસોને હમણાંજ બોલાવીએ છીએ. આંહીં અમારે આંગણેથી સોમૈયા ભગવાનને તુરુક લઇ જાય, એના કરતાં તો અમારાં મડદાંને શિયાળિયાં ગીધડાં ચૂંથે એ સારું. હવે સોમૈયાને એ ઉપાડી રહ્યો. બીજું શું?’
‘કાંધલજી! મારે તમારી પાસે એક માગણી કરવી છે.’ સોઢલ એના પગમાં નમી પડ્યો હતો. તે ગદગદ કંઠે થઇ ગયો હતો. એને આ બધું કોઈ ઈશ્વરી સંકેત સમું ભાસતું હતું.
‘અરે! અરે! પણ સોઢલજી! શું છે? વિપત્તિ તો રજપૂતો માથે પડતી આવી છે. એ બિચારીને બીજું કોણ સંઘરે તેમ છે? સૌ સંપત્તિને સંઘરે છે. એટલે એને રખડતી રખડતી ભગવાને આપણી પાસે મોકલી છે. એ તો આવે ને જાય! આવતી કાલે તમે પાટણમાં રાયને પાછા જોશો!’
‘પણ કાંધલજી! એક વાત ભારે થઇ છે. મહારાજ તો જાણતા પણ નથી. મારું નાક કપાઈ ગયું છે!’
‘શું છે એવું સોઢલજી? એવું શું થયું છે?’
‘મહારાણીબા આંહીં છે!’
‘હેં?’ કાંધલજી તો ઊભો ને ઊભો ધરતી સાથે જડાઈ જ ગયો. એક પળભર તે બોલી શક્યો નહિ.
‘શું કહો છો? મહારાણી કૌલાદેવી આંહીં છે? ક્યાં છે?’
‘તુરુકોના હાથમાં!’
‘હેં? શી વાત કરો છો? ત્યારે તમે અત્યાર સુધી બોલ્યા કેમ નહિ?’
સોઢલજીએ બે હાથ જોડ્યા. એને કાંઠે આવેલું વહાણ ડૂબવાનો ભય લાગ્યો. ‘કાંધલજી! રાતને પણ કાન છે. આપણે બહુ ધીમેથી વાત કરી લઈએ. વખત થોડો છે. આ છેલ્લી તક છે.’
‘શેની છેલ્લી તક?’
‘મારે તમને એ જ કહેવાનું છે. મને પણ ભેગો લ્યો. ભગવાન કરશે તો મહારાણીબને હું છૂટાં કરી શકીશ!’
‘અરે... હા!... ત્યારે તો સોઢલજી! મહારાણીબાનો તંબૂ ઉલૂગખાનની હારોહાર હોવો જોઈએ. મને સુરત્રાણનો ભાણેજ મળ્યો ત્યારે જ, પાસેનો એક તંબૂ કાંઈક વધારે ચીવટથી સંભાળમાં લેવાતો જણાયો હતો. બસ, ત્યારે તો મહારાણીબા ત્યાં જ હોવાનાં!’
‘કાંધલજી! મારે વેણ આ નાખવાનું છે. તમારે ત્યાં જે નામીમાં નામી સાંઢણી હોય, પછી ભલે એ મહારાજ કાન્હડદેવની પોતાની હોય – પણ મને એ કાઢી આપો. જો ફત્તેહ મળે તો તરત જ ખંખેરી મૂકવા માંગુ છું. એક પળ પણ આંહીં કાઢવી નથી!’
કાંધલજી વિચાર કરી રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું: ‘સોઢલજી! આ તો રાજપૂતી લૂંટાઈ ગયાની વાત તમે કરી નાખી છે. મને પેટમાં અગન પ્રગટ્યો છે.’
‘કાંધલજી! ભગવાને આ અણધારી વાત ઊભી કરી છે. આપણે હવે ધીરજ ને શાંતિ રાખીએ. આ વાત તો કોઈને – ખુદ મહારાજને પણ તમે કહેતા નહિ. મેં કોઈને કરી નથી. મને એક નામીમાં નામી સાંઢણી કાઢી આપો!’
‘સાંઢણી તો તમને એવી આપું કે જાતી બાગલાણમાં સૂરજ ઉગાડે! એક ઘડીએ જોજન એક કાપે. કહેવતમાં નહિ, કામમાં. પછી શું? મારી સમંદરી જ લઇ જાઓ. અરે રાયકા...’
કાંધલજીએ બૂમ મારી. સોઢલજીને લાગ્યું કે આ જુદ્ધરસિયો બેપરવા આદમી કાંઠાનું વહાણ ક્યાંક ડુબાડી મારશે. એણે ધીમેથી કહ્યું: ‘કાંધલજી! એક વાત કહું. રાત જેવું ધાબું છે. આંહીં સુરત્રાણનું સેન પડ્યું છે. આપણે છાનું મારણ કરવું છે. તમે એક વાત આજનો દી પાળો, મુદ્દલ એક શબ્દ બોલતા નહિ. કોઈ પૂછે તો કાંઈ કહેવાનું જ નહિ. સમંદરીને લઈને રાયકાને કહો કે ત્યાં લશ્કરગાહને માર્ગે ક્યાંક છાનો ઊભો રહે.
ત્યાં એક મોટો ખીજડો છે. ત્યાં એ ઊભો હશે. એની એ એંધાણી. અને તમને એ ઠીક પડશે. ઉલૂગખાનના તંબૂની તરફ જ પાછળના ભાગમાં એ આવ્યો છે. તમે નીકળી જ જજો. રોકાતા નહિ.’
બંને જણા મૂંગા થઇ ગયા. પછી કાંધલ દેવડો પોતાના માણસો તરફ વળ્યો.