૩૫
અણધારી મદદ!
સોઢલજીની વ્યથાનો કોઈ અંત ન હતો. તેણે કાંધલ દેવડાને તો જતો જોયો. કદાચ કોઈ વાત જાગે એવી આશા પ્રગટી. સાંજ સુધી એ પાછો દેખાયો નહિ. એ પોતે પણ સાંજે એની પાછળ પાછળ જવા માટે સાંઢણી ઉપર ઊપડ્યો. અંધારામાં એક ઠેકાણે સાંઢણી ઊભી રાખી. ત્યાં એક મોટી શિલા પડી હતી, એના ઉપર એ બેઠો. કાંધલજી હવે તો સમાચાર લઈને પાછા ફરવા જોઈએ. પાછા ફરતાં ત્યાંથી જ નીકળવું પડે તેમ હતું. અંધારામાં એ એકલો પોતાની વ્યથામાં પોતે શેકાઈ જતો હતો. બેઠો બેઠો એ વિચાર કરી રહ્યો. પાટણ ઉપર કેવી થઇ હતી? પાટણ રોળાઈ ગયું અને તે બધાના દેખતાં. એ શોકમાં પડી ગયો,
એની આગળપાછળ બધે અંધારું હતું. આસપાસમાં નાના નાના છોડ જેવું કાંટાઝાંખરાનું જંગલ હતું. એ વિચાર કરી રહ્યો. એની પાસે સાંઢણી તો નામીમાં નામી હતી. પણ તે એકલો અસંખ્ય દળની સામે શું કરવાનો હતો?
ઝાલોરગઢ જતાં પહેલાં, એણે સાંઢણીને આઘે મૂકીને ચોરની માફક તુરુકની લશ્કરગાહ ફરતો એક છાનો આંટો પણ એક રાતે લગાવી દીધો હતો. તુરુકની વ્યવસ્થા જોઇને એ છક્ક થઇ ગયો હતો.
આંહીં એની લશ્કરગાહ બહુ બહુ તો બેચાર દિવસ ગાળવા માટે પડી હતી, પણ એટલી વારમાં એણે વ્યવસ્થિત રીતે જ મુકામ કર્યો હતો. લશ્કરગાહને ફરતી ઘોડાદોડ કરતી મોટી એવી ખાઈ ખોદી કાઢી હતી. અને ચાર રેખા ઉપર પાંચ પાંચ સાંઢણીઓ દરેક છેડે, રાત-દીની ચોકી ભરી રહી હતી. એમને મદદ કરવા પાયદળનાં માણસો પણ તીરકામઠાં ધારીને તૈયાર જ ઊભાં રહેતાં. ખડી ચોકી હતી. કોઈનો ક્યાંયથી ગજ વાગે તેમ ન હતો.
સોઢલજી કેટલીયે વાર સુધી ઊંડી વ્યથા અનુભવતો ત્યાં બેઠો રહ્યો. પોતાની એકોતેર પેઢીને કલંક ચડે એવું કામ પોતે હાથે કરીને કરી બેઠો હતો એમ એને લાગી આવ્યું.
પાટણની મહારાણીને તુરુક લઈ ચાલે, ને એ વખતે પોતે દુર્ગપતિ હોય, એ કલંક જેવુંતેવું ન હતું. વંશપરંપરા એ વાત કહેવાતી રહેશે. ને એના વંશવેલાને નામોશી આવતી રહેશે. માધવ પ્રધાન તો ઠીક, એને આગળપાછળ કોઈ હતું નહિ! એના હ્રદયમાં હજારો વીંછીની વેદના ચાલી રહી હતી. એનો મર્મ મર્મ છેદાઈ રહ્યો હતો. એને આ અંધારામાં અંધારારૂપ બની જઈને નામોનિશાનથી ટળી જવાનું મન થઇ જતું. તે પોતે હવે કાંઈ જ કરી શકે તેમ ન હતો. છતાં એને મન થતું કે કાંધલજી આવી જાય, તો પોતે તલવાર લઈને દોડે. તુરુકની લશ્કરગાહ ઉપર જ ગોતે ને ત્યાં મરી ખૂટે. આટલું તો એ કરી શકે. એની વ્યથાનો અગ્નિ ઊઠી રહ્યો હતો. એનું શરીર ત્યાં ને ત્યાં બળીને ખાખ થઇ જાય, એવી ભયંકર યાતના એ અત્યારે અનુભવી રહ્યો હતો.
એને ખબર ન હતી, પણ આવી ઊંડી ભયંકર, હ્રદયમર્મચ્છેદી યાતનાનો શબ્દ ધરતીના પેટાળમાં પણ સંભળાય છે. આકાશના પોલાણમાં પણ જઈ પહોંચે છે. એ પડધો સાંભળવા માટે ધરતીને કાન ઊગે છે. આકાશને કાન આવે છે. એકાદ બનાવને લઈને એકાદ પળ, ધરતી ઉપર દોડી આવે છે! એ પળમાં તો યુગોનો ઈતિહાસ ભર્યો હોય છે.
સોઢલજી ત્યાં બેઠો હતો એટલામાં એણે ઝાડીઝાંખરામાં કાંઈક સળવળાટ થતો સાંભળ્યો. કોઈ ત્યાં છુપાયું હોય તેવો એને ભાસ થઇ આવ્યો. તે તરત બેઠો થઇ ગયો. અને લાંબો થઈને પહેલાં તો ધરતી ઉપર જ સૂઈ ગયો. એમ ને એમ ધીમે ધીમે જમીનસરસો ઘસડાતો અવાજવાળી દિશામાં થોડોક આગળ વધ્યો.
એને નવાઈ લાગી. કોઈ બેત્રણ જના ગુસપુસ વાતો કરી રહ્યા હતા. કોણ હોઈ શકે એનું એણે અનુમાન કરવા માંડ્યું. એટલામાં બેચાર શબ્દોનો અવાજ કાને આવતાં ચોંકી ઊઠ્યો. સ્તંભતીર્થના કોઈ ગુજરાતી જણાયા. સ્તંભતીર્થમાં તુરુકે લૂંટ ચલાવીને, કરોડો દ્રમ્મના હીરા માણેક મોટી ભેગાં કર્યાં હતાં. કેટલાય બળદોની પીઠ ઉપર કેવળ આ ભાર હતો. કોઈ તુરુકની છાવણીમાં છટક્યા હોય તેમ લાગ્યું.
સોઢલજી હવે ગોઠણભેર થઈને જરાય સંચળ ન થાય તેમ જ્યાંથી અવાજ આવતો હતો તે તરફ ગયો. કાંધલજી જરા બહાર નીકળી ન જાય એનું પણ એને ધ્યાન તો રાખવાનું હતું. એટલે એ વારંવાર રસ્તા ઉપર પણ દ્રષ્ટિ કરી લેતો હતો. ઝાડઝાંખરાની આ બાજુ એ શાંત બેઠો રહ્યો. સામેની બાજુએ કોઈ ત્રણચાર જણા ગુફતેગો ચલાવી રહ્યા હોય તેમ લાગ્યું. તેમનો અવાજ ધીમો અસ્પષ્ટ હતો. ભાષા અજાણી હતી. પણ કોઈ કોઈ ગુજરાતી શબ્દ સંભળાઈ જતા. વાતનો અતૂટ તાર મળી રહેતો હતો. જરાક દોર મળ્યો અને સોઢલજીનું મન એક હજાર વાંસવા ઊંચે ઊડવા મંડ્યું. જેવાતેવા નહિ મુગલોના સરદાર ગણતા તેવા કોઈ બેત્રણ માણસો બોલતા જણાયા. ખંભાતના કોઈ ગુજરાતીઓ પણ ત્યાં જણાતા હતા. સોઢલજીને એ કોણ હતા તે ખબર પડી નહિ. બોલ ઉપરથી મુગલો ત્રણેક જણાયા. સોઢલજી એકકાન થઇ ગયો. એમની ગુફતેગોમાં ઉતાવળો ગભરાટ ને રોષ દેખાતાં હતાં.
‘ખંભાયતસે કિતની લૂંટ મિલી – ખુદા જાણે. પણ એક બનિયા કે ઘરસે લાખ્ખોં કા જવાહર મિલ ગયા થા – તમરબેગ કુ પૂછો – મેંને વો જવાહર જમીન સે નિકાલા! ક્યૂં તમરબેગ?’
તમરબેગ બોલતો જણાયો, ‘મોહમ્મદશાહ સરદાર! યે તુમ્હારી બાત કોઈ ખ્યાલમેં લાનેવાલા નહિ. તુમને નિકાલા કિ દૂસરે કી કરામત સે આયાં, વો સવાલ હય નહિ. વો તાકતસે કામ લેતે હય. કોઈ ખુશી કી બાત તો હય નહિ. ક્યૂં કત્લગબેગ?’
‘ઠીક હે. તાકાત સે વો ફરમાન નિકાલતે હૈ. સબ લૂંટક માલ હાજિર કરો. બાદશાહી ખજાનેમેં છોડ દો!’
‘યે બાત તો ઠીક હૈ, કત્લગબેગ, મગર તુમ જાનતે હો. હમ ભી જાનતે હેં, યે તમરબેગ કુ ભી યાદ હૈ. જબ કૂચ હુઈ, તમ સૌદા હુઆ થા કિ શાહીખજાનેમેં લૂંટકા હિસ્સા જો કાનૂનસે મંજૂર હે, વોહી લિયા જાયેગા.’ સરદાર મોહમ્મદનો જાડો અવાજ નોખો પડી જતો હતો.
‘અચ્છા, યે બાત તો વજીરે સલ્તનત ભી મંજૂર રખતે હૈ.’ કત્લગબેગ નામવાળો સરદાર બોલતો લાગ્યો. એનો અવાજ કાંઈક મીઠાશથી જુદો પડી જતો હતો.
‘બસ તો કોઈ તકરાર રહતી હી નહિ!’
‘તકરાર તો ઇસ બાતકી હૈ, કી સરદાર! શાહીખજાનેમેં ભેજને કા માલ કિતના?’
‘શાહીખજાનેમેં ભેજને કા માલ હમને જુદા રખ દિયા હૈ. જો હીરા, માણિક, મોતી, પોખરાજ હય – વો સબ તો વઝીર સલ્તનતકી પાસ હય- ગધે પર હય, ઔર વે લોગકી પાસ હય, આપણી પાસ તો કુછ નહિ હય, વઝીરે સલ્તનતકી પાસ હમારા માલ હે. હમારી પાસ ઉસકા માલ નહિ. ફિર ભી સબ લોગકે ડેરે-ખેમેકી તલાશી લેના યે બિલકુલ ગેરઇન્સાફ હય.’
‘ઇન્સાફ, ઇન્સાન વોહી ચીજ કુ માનતા હય, જો અપને આપકી તરફદારી કરે. મૈને ખુદ અપને કાનસે સૂના હૈ કી વઝીરે સલ્તનત ઔર સિપાહસાલાર દોનો કાલ સુબેરમેં સબ ડેરે-ખેમેકી તલાશી લેનેવાલે હય!’
‘હમારે ખેમેકી ભી?’ સરદાર મોહમ્મદશાહ બોલ્યો.
‘હમારા, તુમ્હારા, તમરબેગકા ઔર સબ મોગલ સિપાઈઓકા!’
‘અચ્છા તો વો ગેરઇન્સાફ હમ લોગ કુ મંજૂર નહી!’
‘મગર તુમ લોગોંકી મંજૂરી-નામંજૂરીકી વો લોગકુ પરવા નહિ. વો તાકાતવાલે હૈ. ઔર તાકાતસે કામ લેના ઉનકુ મંજૂર હય. બોલો, અબ ક્યા કહેના હય?’
‘યે ગુજરાતી સોદાગર, ખંભાયતસે આપણી સાથમેં હય. ઘોડેકા સોદાગર હય. યે દૂસરા ગુલામ હય. દોનોંસે પૂછ લો – ખંભાયતમેં કિતના સોના થા, કિતના રૂપા થા, કિતના જરઝવાહિર થા, કિતની કિતની ચીજે થી. એક એક હુરમસે, ખુદ હમકો કમસે કમ એક લાખ ટકેકા જરઝવાહર મિલતા થા. ઔર હમને અપને હાથસે કોઈ પાંચ સૌ હુરમકી લૂટ ચલાઈ હોતી. યે અપની લૂટ. ઐસી દૂસરે સબકી. વો સબ માલ કિધર હૈ? સબ કિસકા હૈ? શાહી ખજાને કા હૈ? પૂછો યે ગુજરાતીસે?’
ગુજરાતી ઘોડાનો સોદાગર હતો. તે બોલતો જણાયો: ‘ભાઈ સા’બ! હું તો ઘોડાનો સોદાગર છું. મારી પાસે કાંઈ જરજવાહિર નથી. મને તમે મફતનો ભેગો લઇ ચાલ્યા છો!’
‘મગર યે બાદ સચ્ચ હૈ યા જૂઠ?’
‘ભૈ! મને તો આમાં એક અક્ષર સમજાતો નથી!’
‘યે ગુલામ સમજાએગા, બોલો સરદારકુ સમજાઓ. સમજો ફિર જવાબ દો.’
ગુલામ કહેવાતો હતો. તે બોલતો લાગ્યો: ‘જુઓ, આ લોકની આમ વાત છે. આંહીં શાહીદળમાં આ બધા મોગલ સૈનિકો છે. તેમની સંખ્યા જેવીતેવી છે. એ બધી લૂંટમાંથી પાંચમો ભાગ લેવાનો સોદો કરીને લડવા આવ્યા છે. હવે આ લૂંટનો માલ, શાહીખજાનામાં આંહીંથી જ આપી દેવાની વાત વઝીરે ને સિપાહસાલારે જાહેર કરી છે. આ લોકનું કહેવાનું છે કે આંહીં નહિ, દિલ્હી જઈને તમામ લૂંટનો માલ ભેગો કરો. તેમાંથી તમારો ભાગ શાહીખજાનામાં લઇ લ્યો. બાકી અમારો ભાગ અમને સૌને વહેંચી દો!’
‘એ તો બરાબર છે. તો પછી વાંધો શું છે?’ સોદાગર બોલ્યો.
‘વાંધો આ છે કે આપણા ખંભાતે હદ કરી નાખી છે. ત્યાંની લૂંટ દેખીને હવે સૌ મૂંઝાણા છે. ખંભાતમાં ઝાઝી ખટપટ મોગલોએ ચલાવી લાગે છે. એમને થાય છે કે આ માલ મોગલો પચાવી પડશે. માટે આંહીંથી જ સૌ પાસેથી ભેગા કરી લ્યો. આ મોગલો એમ કરવાને પણ તૈયાર છે.’
‘તો તો એમની તકરાર પતી ગઈ. એમાં આપણે શું?’
‘આપણને તો ખંભાતના જાણકાર તરીકે, આ લોકો વઝીર પાસે રજૂ કરવા માગે છે. ને કહેવા માંગે છે કે વઝીરે સલ્તનત પાસે ખંભાયતનું જરઝવાહિર છે તે પણ ભેગું લાવો, પછી ભાગ પાડો. સિપાહસાલારે હુકમ કર્યો છે કે બધાના તંબૂ તપાસો. લૂંટનો માલ ભેગો કરી લ્યો. આ સરકારોના તંબૂ પણ કાલે સવારે તપાસવા માગે છે. આ બધા એને ગેરઇન્સાફ માને છે!’
સોદાગર બોલ્યો: ‘અલ્યા! હવે આ મરે કે જીવે એમાં આપણે શું છે? એમને મરવા દે ને!’
ગુલામ સાંભળીને હસી પડ્યો: એટલે મોહમ્મદશાહે એક ઠોસોં લગાવ્યો: ‘સાલે, હમ લોગો કી મશ્કરી કરતે હો!’
‘અરે મશ્કરીકી બાત નહિ જનાબ! મેં યે સોદાગરકુ અચ્છી તરહસે બાત સમજમેં લાનેકી કોશિશ કર રહા થા. વો ભી બોલતે હય, કમસે કમ એક એક લાખ ટકેકી આમદની હરેક સિપાઈ કુ મિલેગી. ખાલી ખંભાયતકી લૂંટસે! વો આમદની હો જાયગી યે સોદાગર હિસાબ કિતાબકા બડા જાનદાર આદમી હય. ઔર ખંભાયતકા હરેક કિસમકા શાહુકારકા જાણ પહિચાનવાલા હય!’
‘અચ્છા તો હમેરી સાથમેં વાપસ ચલો. હમ અપની બાત વઝીરે સલ્તનતકી પાસ રજૂ કરતે હૈં. વો મંજૂર કર લેતા હૈ તો અચ્છા. નામંજૂર કરતા...’
‘યે સબ બાત તો અચ્છી હય. મગર આપણી બાત ભી ચોક્કસ કર લો...’
ત્રણ જણા એકદમ ધીમા અવાજમાં ખાનગી મસલત કરતા જણાયા.’
સોઢલજીને લાગ્યું કે ચોક્કસ આ લોકો આજે કાંઈ નવાજૂની કરવાનો મેળ કરી રહ્યા છે. છેલ્લે ઊઠતાં ઊઠતાં ને બોલ્યા: ‘ઉસકી તાકાત ભી હમ લોગ આજ દેખ લેંગે. રાતક બારા ઘંટા બાદ – ઔર દો ઘંટેકે પહેલે – સબ તૈયાર હો જાના.
‘ઔર દિલ્હી સે ભી ખબર તો આયા હય. સરદાર કે ભાઈકી ખુદ બાદશાહ સલામતકી નારાજી હો ગઈ હય. ઇધર જાના. ઈજ્જત લૂંટાના, ઔર આપણી લૂંટ ભી ઉસ લોગ કુ દે દેના, ઇસ બાતસે તો યેહી અચ્છા હય કી ઇધર અચ્છી તરહસે મુકાબલા કર લેના, ઔર ફિર દેખા જાયગા. કોઈ બી મિલ જાયગા. રણથંભોર હે, ઝાલોર હે – સબ નામી કિલ્લે હેં.’
સોઢલજીનો હરખ માતો ન હતો. રાતના બાર ને બેની વચ્ચે આ લોકો કંઈક નવાજૂની કરવાના હતા.
એમને એણે લડતમાં જોયા હતા. સાંઢણીઓ ઉપર ચડીને એમના અગન જેવા ચહેરા જ્યારે લડાઈમાં ઉશ્કેરાતા, ત્યારે જાણે એમની આંખો સોંસરવી વીંધી નાખે એવી ભયંકર ને ક્રૂર બની રહેતી. જાણે કે વચ્ચે ગળાનો ભાગ જ ન હોય તેમ એમનાં માથાં શરીર સાથે ચોંટેલા હતા. માથા ઉપર બકરાના ચામડાની ટોપીઓ ઓઢીને જ્યારે એ લડાઈમાં ઉતરતા ત્યારે જાણે એક મરે ત્યાં દસને દોડવાનું હોય એમ ટોળાબંધ ઊતરતા.
સોઢલજીને લાગ્યું કે આ મુગલોને, જો તુરુક સામે જામી જાય, તો પોતે વસ્તુઓનો લાભ ઉઠાવી શકે. એટલા માટે તુરુકના લશ્કરગાહ પાસે જ આખી રાત ફરતું રહેવું ઠીક છે.
એટલામાં મુગલ સરદારો પોતાના લશ્કરગાહમાં જવા માટે એકબીજાથી જુદે જુદે રસ્તા ચાલતા થયા. સોઢલજીએ સાંભળ્યું હતું કે બાદશાહી ફરમાન મુજબ કોઈ અમીર એકબીજાને મળી શકતા નહિ કે ગુફતેગો કરી શકતા નહિ. એ વાત સાચી જણાઈ. આ બધા પણ જુદે જુદે રસ્તે જ અંદર જવા માટે ઊપડ્યા હતા. સોઢલજીને મન થઇ આવ્યું કે પેલા ગુલામને કે સોદાગરને જો પકડી પાડ્યા હોય તો આખી વાત મળી જાય. પણ એમ કરવા જતાં વખતે આ વાત બગડી જાય એટલે એણે દોટ મૂકવાની તૈયારી કરતા પોતાના પગ ઉપર ખૂબ કાબૂ મૂકી દીધો.
ત્રણ મુગલ સરદારોના વિદાયવેળાના શબ્દોએ એની રહીસહી શંકા ઉડાવી દીધી હતી.
છૂટા પડતાં એ બોલી રહ્યા હતા. હુઝ્ઝાહુઝ્ઝ ખુઝ્ઝાખુઝ્ઝ.’
એમના આ લડાઈના શબ્દોને સોઢલજીએ ઘણી વખત સાંભળ્યા હતા.
મોગલ સરદારો સામનો કરવાના તાનમાં હતા એ ચોક્કસ.
તે કાગને ડોળે કાંધલજીના આવવાની રાહ જોતો ત્યાં બેઠો.