Raay Karan Ghelo - 32 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 32

Featured Books
Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 32

૩૨

પાટણ પાછા ફરીએ

 

કરણરાય વિચારમાં પડી ગયો. એણે ચારે તરફ દ્રષ્ટિ કરી. કોઈ દિશામાં દેખાતું જ ન હતું. હજી ઝાખું અજવાળું-અંધારું હતું. પોતે સિંહભટ્ટની રાહ જોઇને આંહીં થોભવાનું કરવું કે આગળ વધવું એનો નિર્ણય થાય તેવું ન હતું. તે ઊંડી વ્યથા અનુભવી રહ્યો. રાણીનું શું થયું હશે? વાઘોજીએ કહ્યું તેમ એના ઘોડાની દિશા જુદી થઇ હોય ને તુરુકની દોડ બીજી જ દિશામાં થઇ હોય, એમ થયું હશે? પણ એમ ન થયું હોય તો?

એની આંખે તમ્મર આવ્યાં. તેને થયું કે એણે પોતે જ પાછું ફરવું રહ્યું. એ વિચારમાં પડી ગયો. કાં તો સિંહભટ્ટ પણ સપડાયો હોય. નહિતર એ તો થોડા વખતમાં હવે દેખાવો જોઈએ. પણ એની દોડની દિશા અંધારામાં કઈ થઇ ગઈ હોય તે કોને ખબર? વળી બાગલાણ જવા માટેની મૂળ યોજના પ્રમાણે આ રસ્તાની વાત થઇ ન હતી એટલે આ રસ્તે તો એ ક્યાંથી આવે? રાજાને કાંઈ સમજાતું ન હતું. માત્ર એક જ આશ્વાસન હતું. રાણી અને સિંહભટ્ટના ઘોડાં ઘણાં નામી હતાં, એટલે કોઈ બીજો અકસ્માત ન નડ્યો હોય તો એ ઝપાટામાં નીકળી ગયાં હોવાં જોઈએ.

એ પોતે ગુજરાતની સીમા ઉલ્લંઘતો હતો. માલવામાં ઊતરીને ત્યાંથી એરંડપલ્લીનો માર્ગ સહેલો હતો. એ રસ્તો વધારે નિર્ભય પણ હતો. પણ વધુ વાત જાણ્યા વિના આંહીંથી શી રીતે ખસવું એ એ મોટો પ્રશ્ન હતો. એને એક પળભર તો થયું કે એ પોતે પાછો જ પાટણ તરફ ફરે. પણ તેથી શું થાય?

પછી એણે શાંતચિત્તે વિચાર કર્યો. કાં સિંહભટ્ટ ને રાણી સપડાયાં હોય કે વખતે એ પણ છૂટાં પડી ગયાં હોય. કાં એ સાથે સપડાઈ ગયાં હોય અથવા તો જુદાં જુદાં ભાગી છૂટ્યાં હોય. જે હોય તે ભાગી છૂટ્યાં હોય તો? તો તો બાગલાણ જવાનું છે, એ એમને ધ્યાનમાં હતું. એટલે વહેલે મોડે ત્યાં પહોંચે, સિંહભટ્ટ સાથે હોય તો વાંધો નહિ. જો સપડાયાં હોય તો? તો તો તુરુકની લશ્કરગાહમાં છાની રીતે પ્રવેશ કરીને એમનાં ખબર કાઢવામાં આવે, ત્યારે જ કાંઈ પત્તો ખાય. આ વિચારે તે વ્યગ્ર બની ગયો. તેણે વાઘોજીને કહ્યું: ‘વાઘોજી! આપણી સાંઢણીને પાછી પાટણ તરફ લ્યો!’

‘પાટણ તરફ લેવી છે, મહારાજ?’

‘હા, સિંહભટ્ટ ક્યાં છે એ જોવું પડશે.’

કરણરાય સામે સોઢલજીએ બીજો સુભટ મોકલ્યો હતો તે સોઢલજીનો જાણીતો હતો. તેનું નામ વિકોજી. તે સોઢલજીનો સગો હતો. ચારે તરફના રસ્તા અને રસ્તામાં સાધનો ઉપર એનો અજબ જેવો કાબૂ હતો. તમામ નદીરસ્તા ઉપર એ બધાને ઓળખતો લાવ્યો. મહારાજે એ અનુભવ્યું હતું.

મહારાજની વાત સાંભળીને વિકોજી વિચારમાં પડી ગયા. સોઢલજીએ એને કહ્યું હતું કે મહારાજને છેક બાગલાણના ડુંગરદુર્ગમાં મૂકીને પાછા ફરજો. ત્યાં રાજા પ્રતાપચંદ્ર છે. બીજા પણ આવી મળશે. પછી વાંધો નથી પણ પહેલા તો મહારાજને દરપળે પાટણ અને સોમનાથ આવવાનું મન થશે.

મહારાજની વાત તો બરાબર હતી. વિકોજીએ બે હાથ જોડ્યા: ‘પ્રભુ! જ આપણે જોયેલી દશ સાચી હોય તો તો સિંહભટ્ટ આ રસ્તે બે દીમાં નીકળે, આપણે આંહીં ઠેરો, હું બતાવું!’

‘પણ ન નીકળે તો?’

‘તો બાગલાણમાં મલે!’

‘દશ આપણે સાચી નીરખી હોય વિકોજી! પણ રાત અંધારી હતી. તુરુક કેટલાક લાગતા હતા?’

‘પગપાળા વધુ હતા પ્રભુ! ઘોડેસવારો ઓછા હતા. ને એમાંથી કોઈ પણ જયશ્રી તોખારને પહોંચે એ વાતમાં માલ નથી. મહારાજની આજ્ઞા હોય તો વાઘોજી પાછો ફરે, કાં હું પાછો ફરું. કાં અમે બંને જઈએ. મહારાજને આહીં બે દિવસ એક ઠેકાણે રહેવાનું થઇ જશે. આપણો એક ઘણો જ વિશ્વાસુ ઠાકોર આંહીં છે.’

મહારાજ કરણરાયે કાંઈ જવાબ આપ્યો નહિ. તે વિચારમાં પડી ગયા હતા.

વિકોજી, મહારાજની વાણી સાંભળીને ધ્રૂજી ગયો હતો. હવે પાછું ફરવું એટલે હાથે કરીને વાઘની બોડમાં સપડાવા જવું. આ રસ્તે મુહડાસાથી આગળ તુરક જ પડ્યા હોવાનો સંભવ હતો. એટલે તેણે મહારાજને ફરીને કહ્યું: ‘મહારાજ! આંહીં બે દી થોભો. મારો એક ઓળખીતો આંહીં છે. તેની રાજભક્તિમાં લેશ પણ કહેવાપણું નથી. હું અને વાઘોજી બંને પાછા ફરીએ. બંને તપાસ કરીને આવી જઈએ. 

કરણરાયના ચહેરા ઉપર અકથ્ય વેદના આવી ગઈ. પોતે નગરી તો તજી દીધી, દેશ તજી દીધો, પણ છેવટે રાણી અને પુત્રો પણ તજી દીધાં એમ? એટલો બધો એ અધમ બની ગયો હતો? આટલું બધું એનું પતન થયું હતું?

વિકોજી એના મનની વાત કળી ગયો. તે ડાહ્યો, સમજુ અને સમયનો જાણકાર માણસ હતો. તેણે કહ્યું: ‘મહારાજ! સંકટ આવ્યું છે. અને એનો રસ્તો પણ મળી રહેશે. આકરી ઉતાવળ તો આપણને ભેખડે ભરાવે એટલે આમ કરવાનું છે. જેમને માટે કાંઈક કરવાનું છે, તેમને માટે કરવાનું પણ રહી જશે. અને ઉતાવળ ન કરી હોત તો થઇ શકત એ વસવસો જીવનભર મનમાં રહી જશે. એટલે મહારાજ આજ્ઞા કરે. હું ને વાઘોજી પાછા જઈએ. તુરુકની લશ્કરગાહમાં પણ દગાખોર છે. મુગલા છે. એમને સાધીને એક દિવસમાં હું સાચી વાત લાવી આપું. મારા ઉપર ભરોસો મૂકો મહારાજ! મહારાજ મને ઓળખતા નથી, પણ સોઢલજી મને સારી રીતે જાણે છે. વાઘોજી ઓળખે છે, હું કામમાં પાછો નહિ પડું!’

એટલામાં એકાદ સાંઢણીસવારને આ દશમાં આવતો જોઇને વિકોજી એના તરફ વળ્યો. એણે એને રોક્યો. વિકોજી ખુશખુશાલ થઇ ગયો. પોતાનો જાણીતો માલ તરફનો એક નાનકડો ભીલ ઠાકોર નીકળ્યો. તે માળવા તરફ જતો હતો. એણે રસ્તામાં બે સવારોને ગાંડી દોડમાં જોયા હતા. વિકોજીએ એને વિશ્વાસમાં લીધો. એને વાત કરી. કરણરાય પાસે શું બોલવું તે સમજાવ્યું. મહારાજ આંહીંથી પાછા ફરે, તો તો પોતે કાળી ટીલી લઈને પછી સોઢલજીને શું મોં બતાવે? એટલે વિકોજીએ એની સાંઢણી રોકી. એને કનકરાય પાસે લઇ ચાલ્યો: ‘મહારાજ! આમની સાંઢણીએ બે સવારોને ગાંડી દોડમાં જતાં જોય છે! એ આ બાજુથી જ આવી રહ્યો છે. એ આપણા જ હોવા જોઈએ.’

‘કેવા હતા? કઈ તરફ ગયા? તમે ક્યાં જોયા?’

‘કેવા હતા તે તો મહારાજ! અંધારામાં કાંઈ કળાય તેમ ન હતું. પણ એમની દોડ મેદપાટની દિશાની હતી!’

‘પાછળ કોઈ હતું?’

‘ના. ના. પાછળ કોઈ જણાતું ન હતું. પણ એમની પોતાની દોડ ગાંડી હતી, એટલું દેખાણું છે.’

કરણરાયને હૈયે કાંઈક ધરપત વળી. વિશ્વાસ આવ્યો. રાણી પાસે ને સિંહભટ્ટ પાસે બહુ જ નામી ઘોડા હતા, એ બીજું આશ્વાસન હતું. એ ઘોડાંને કોઈ પહોંચે તેમ તો ન હતું. થોડી વાર પછી પેલો ઓઢી ગયો. એટલે વિકોજીએ કહ્યું: ‘મહારાજ! ત્યારે હવે હું મેદપાટ તરફ જાઉં. વાઘોજી પાછા પાટણને રસ્તે જાય. એટલે મહારાજને બે દિવસમાં રજેરજ વાત મળી જશે!’ 

‘પણ તો આપણે જ મેદપાટ ભણી ઊપડીએ?’

‘મહારાજ! હવે આ સમાચાર મળ્યા છે. એ માણસ એ તરફથી જ આવ્યો છે. એણે આપેલી વાત ખાતરીલાયક જણાય છે. પછી નાહકની વળી આપણી વાત લંબાઈ જાય એવો મારગ શું કરવા લેવો? મેદપાટ જઈને શું? જો મને મળશે તો તો હું લઈને આવું છું. ને નહિતર બે દિવસમાં સિંહભટ્ટ આ રસ્તે નીકળવો જ જોઈએ. બીજો કોઈ મારગ જ ક્યાં છે? આંહીં મહારાજને કોઈ ન કળે એવી રહેવાની સોઈ પણ છે. અમે જેવા ગયા, તેવા જ પાછા આવ્યા સમજો. વાતનો મેળ મળ્યો એટલે હવે વાંધો નહિ! એનું વર્ણન આપણી વાતને જ લાગુ પડે તેવું છે.’

વિકોજી નસીબદાર લાગ્યો. જેના ખેતરમાં એ મહારાજને રાખવાની ગોઠવણ કરવા માગતો હતો, તે માણસ પણ સાંતીડું જોડીને અત્યારમાં આ તરફ આવતો જણાયો.

વિકોજી એકદમ એને રોકવા માટે દોડ્યો. પેલો માણસ તો ગળગળો થઇ ગયો. તે હાથ જોડીને દોડતો જ આવ્યો. થોડી વાર પછી પાટણપતિ એક નાનકડા ખેતરના એક ઝૂંપડા જેવા મકાનમાં આવીને ઊભો રહ્યો.

વિકોજી ને વાઘોજી મહારાજની રજા લઈને તરત બંને, પોતપોતાને કામે ઊપડ્યા. એમને બીક હતી. મહારાજે માંડ આ નિશ્ચય કર્યો હતો. પાછા ફરવાની વાત ઉપાડે તો કાળી ટીલી આવે તેવું હતું. એટલે એ તત્કાલ ઊપડ્યા. બે દિવસમાં સમાચાર લઈને એ પાછા ફરવાના હતા. અને મહારાજ કરણરાય ત્યાં સુધી આંહીં રોકાવાના હતા. બીજો ઉપાય ન હતો, સમય કેવો દગાખોર છે!

આ તરફ પાટણમાંથી કરણરાય ગયા પછી  માધવ મહામંત્રીની દિલની વ્યથાનો કોઈ પાર ન હતો. એક તો પોતે અભિમાની હતો. અભિમાનમાં ને અભિમાનમાં એણે, કાંઈનું કાંઈ કરી નાખવાની ઝંખનાઓ સેવી હતી. એ બધી અફળ ગઈ હતી. અભિમાનીના પડખે કોઈ ચડતું નથી. એ પ્રમાણે એની પડખે પણ કોઈ ચડ્યું નહિ. પ્રતિસ્પર્ધીઓ તો એની મૂર્ખાઈ જ આગળ કરી રહ્યા હતા. એ પણ કહી રહ્યા હતા, ‘માધવને બદલે વસ્તુપાલ તેજપાલ હોત તો સુરત્રાણનું સેન દિલ્હીની ભાગોળમાં આજે બેઠું હોત!’ કરણરાયે એ વાદળ વિખેરવા ઘણી મહેનત કરી હતી. પણ એ છુપાઈ ગયું એટલું જ. અદ્રશ્ય થાય તેમ તો એ ન હતું. પ્રજા નાની બનતી જાય, તેમ એના મતભેદો મોટા થતા જાય. અને દરેક વર્ગ પોતાને જ તેજપુંજ માનવા મંડે. પાટણમાં પણ એ જ દશા હતી. છતાં માધવને હૈયે એક ધરપત હતી. એણે ગુજરાતના રાજાને નામોશી લેવા દીધી ન હતી. નામની ખાતર ફના થઇ જનારો એક વીર આવી ગયો, એટલું ઈતિહાસને નોંધ્યા વિના છૂટકો ન હતો. 

ક્યાં દેવગિરિનો રામચંદ્ર અને ક્યાં આ કરણરાય? એકે પોતાની સમૃદ્ધિ લૂંટાવા દીધી. જાત પણ લૂંટાવા દીધી, નામ પણ લૂંટાવા દીધું. અને છેવટે ભીલમ જેવા વજ્જર પુરુષના સિંહાસનને પણ નમવા દીધું.

જ્યારે કરણરાયે ફનાગીરીનો પંથ લીધો. એને ખાતરી હતી. સર્વનાશ એની સામે છે. પણ એને ભેટવા માટે એ દોડ્યો. એણે નામ જવા ન દીધું. મહારાજ સિદ્ધરાજના સિંહાસનને એણે પોતે સામે ચાલીને નીચું પડવા ન દીધું. તે ન જ દીધું. એનો આ મહાન વિજય હતો. 

એક કે બે દિવસ જ જો માધવે આ નિર્ણય મોડો કર્યો હતો તો મહારાજને કેસરિયાં કર્યે જ છૂટકો હતો. દુર્ગે ઘણું લાંબુ ખેંચ્યું હતું.* હવે એ કાં નમતું જોખવું પડે, કાં કેસરિયું જુદ્ધ દેવું પડે. ત્રીજો રસ્તો ન હતો. 

*ઉલૂગખાન નુસરતખાન ૧૨૯૭ની શરૂઆતમાં સૈન્ય લઈને નીકળ્યા. ઈ.સ. ૧૨૯૮માં પાછા દિલ્હી ફર્યા. લગભગ સોળ માસ થયાનો ઉલ્લેખ છે. પાટણનો ઘેરો લાંબો ચાલ્યાનો સંભવ આ ઉપરથી. 

કરણરાય ગયા તેને બીજે દિવસે સાંજે જ તુરુકનો હલ્લો ભયંકર હતો. એની ‘સંગેમગરિબી’ની અસર ઘણી બળવાન હતી. એની આગ ફેલાવતી મીનજનિકો ભયંકર ન હતી, હોલવાઈ જતી. પણ એનો વરસાદ સતત ચાલુ રહેતો. લશ્કરી ગેરવ્યવસ્થા સરજવામાં એનો જેવો તેવો ફાળો ન હતો. માધવ મહામંત્રી મનમાં ને મનમાં સમસમી ગયો. જો મેદપાટે ટકાવ કર્યો હોત, તો કદાચ પાટણ પૂરું તૈયાર થઇ શક્યું હોત. પણ એ વાત હવે સંભાર્યે શું? હવે તો સોમનાથ ઉપર પણ ભય હતો. સોરઠી સેના ને કેટલાક નામી સરદારો ત્યાં રોકાઈ રહ્યા હતા. તુરુકે એક દળ ત્યાં રવાના કર્યાનું સંભળાતું પણ હતું.

એટલે હવે માધવે મરણિયો નિર્ણય જ લેવાનો હતો. મહારાજા કરણરાય દેખાતા ન હતા. એ વાતે લોકોમાં સાંજ સુધીમાં તો અનેક ગપ્પાં ઊડતાં કર્યા. કોઈએ ગપ્પુ માર્યું કે મહારાજ તો તુરુકના સેનમાં સોનાની સાંકળ ને પોતાનું પૂતળું લઈને, ક્યારના પહોંચી ગયા છે. હેમરાજ સોનીએ વાતને ટેકો આપ્યો કે એ પૂતળું એણે જ બનાવ્યું હતું!

કોઈએ કહ્યું મહારાજ રણમાં પડ્યા છે, ને માધવ મંત્રી વાત છુપાવે છે. તુરુકને સામે ચાલીને એ જ આખું નગર સોંપી દેવાનો લાગે છે. કોઈ બોલ્યા, નાગરભામણો, વાણિયાઓનો વૈભવ દેખી શકતો નથી એટલે ઉપર ઊભા રહીને લૂંટાવવા માટે આ બધું કરી રહ્યો છે! નહિતર રાજા નથી પછી જુદ્ધ કેવું? જે વિરોધ શમી ગયો જણાતો હતો, તે કરણરાયની ગેરહાજરીમાં હવે ઉગ્ર સ્વરૂપમાં પ્રગટ થવા માંડ્યો. દરેક પક્ષને લાગ્યું કે પોતાના નુકસાન માટે સામેનો પક્ષ જ જવાબદાર છે અને પક્ષો પણ વધતા જતા હતા. 

સોઢલજી દુર્ગપતિને નિરાંત ન હતી. આજ દિવસ સુધી એ રાતદિવસ કિલ્લાની આસપાસ ફરતો રહ્યો હતો. તુરુકનું સેન કિલ્લા તરફ વ્યવસ્થિત રીતે આગળ ધસતું હતું. કિલ્લો ચડીને અંદર કૂદી પડી હાથોહાથના જુદ્ધમાં આવી જવાનો એમનો નિર્ણય સ્પષ્ટ દેખાતો હતો. એ પરિણામ અટકાવવું હોય તો તત્કાળ કેસરિયાં કર્યે જ છૂટકો હતો.

સોઢલજીએ સૌને બોલાવ્યા. બધા ત્યાં આવ્યા. મહારાજ ત્યાં હતા નહિ. માધવ મહામંત્રી શાંત બેઠો હતો. નગરજનોને હવે વિશ્વાસમાં લીધા વિના છૂટકો ન હતો. તેમાંનો કોઈ દગો કરવા પ્રેરાય તો પરિણામ ખતરનાક જ આવે. 

સૌ આવ્યા એટલે માધવ મહામંત્રી જ બોલ્યો: ‘આપણે કાલે પ્રભાતે કેસરિયાં જુદ્ધ આપવાનો નિર્ણય કર્યો છે. સૌ પોતપોતાનાં હથિયાર લઈને આવે. આ છેલ્લું યુદ્ધ હશે. કાં આપણે જીતીએ છીએ, કાં એ જીતે છે! કાલે દરવાજા ખૂલી જાય છે બીજો ઉપાય નથી.’

‘પણ મહારાજ ક્યાં છે? કોઈકે સવાલ કર્યો: ‘મહારાજ વિના અમને દોરશે કોણ?’

‘દોરનાર સોઢલજી દુર્ગપતિ આંહીં આ બેઠા!’

‘અને મહારાજ?’

‘મહારાજ બહાર ગયા છે!’

‘હવે વાતમાં એવું મોં શું કરવા નાંખો છો મહાઅમાત્યજી! મહારાજ ભાગી ગયા છે. એમ ચોખ્ખું બોલી નાખોને!’

‘મહારાજ ભાગી નથી ગયા.’ માધવે ઉતાવળે કહ્યું, ‘મેં એમને સલાહ આપી છે. યુદ્ધનો રણધ્વજ બીજે રોપવાનો છે. મહારાજ વિના એ કોણ રોપે? મહારાજ એ રોપવા માટે ગયા છે!’

‘અમને આમ લૂંટાવવા’તા તો પહેલેથી સંધિની વાત કરવી હતી નાં? અમે માલમિલકત લઈને ભાગી તો જાત! પણ તમારે મંત્રીજી! એમ હતું કે વાણિયા ભલે લૂંટાતા!’

‘અને નાગરો નહિ લૂંટાય?’

‘નાગર પાસે છે શું કે તુરક એને લૂંટે? સમુદ્ર પારની લક્ષ્મી તો શ્રેષ્ઠીઓએ ભેગી કરી છે. આજ હજાર વર્ષે પાટણનો રાજા પાટણને આમ છોડીને ભાગે, એવી સલાહ આપનારો એને મંત્રી મળ્યો! કેસરિયાં કરવા માટે તો અમે પણ તૈયાર હતા. પણ તમે મહારાજને ખોટી સલાહ આપી છે!’

માધવ વધારે ઉગ્રતાથી બોલ્યો: ‘મેં મહારાજને નામોશીભર્યું પગલું લેવરાવ્યું નથી. મેં એમને જુદ્ધ જીતવાનો માર્ગ બતાવ્યો છે. જ્યારે દેવગિરિના યાદવ રામચંદ્ર જેવા નામોશીભરી સંધિ સ્વીકારી રહ્યા છે, ત્યારે પાટણપતિ કરણરાય એકલો, અણનમ જુદ્ધનો રણથંભ રોપે છે, એ આપણે સૌને માટે અભિમાનનો વિષય છે. મરવાની ઈચ્છાથી હું જુદ્ધે ચડવાનો છું. હું તમારી સૌની સાથે છું. પણ હું આંહીં બચીશ તો બાગલાણના દુર્ગે જવાનો છું. આપણા સૌને માટે મહારાજે બીજું રણક્ષેત્ર ત્યાં ઉઘાડ્યું છે. આંહીંથી હવે ત્યાં દોડવાનું છે!’

‘આંહીંથી હવે ત્યાં દોડવાનું છે! દોડો તમે...’ કોઈકે ટોણો માર્યો, ‘જે રાજાએ પ્રજાને દગો દીધો, જે મંત્રીએ એવી સલાહ આપી, અમારે મનથી એ હવે ઊતરી ગયા!’

વિરોધને શાંત પાડવા માટે સોઢલજી પોતે ઊભો થઇ ગયો. તેણે બે હાથ જોડ્યા: ‘સરદારો! સૈનિકો! નગરજનો! સૌ મારી વાત સાંભળો. મહારાજને અમે પરાણે ધક્કેલી કાઢ્યા છે. મહારાજ ક્યાંક હશે, તો પાટણ ઊભું રહી શકશે. મહારાજ જવા તૈયાર ન હતા. અમે મરણાંતે પાટણ જાળવવાનું વેણ આપ્યું છે. તે પછી જ મહારાજ ગયા છે. પાટણ સામેથી નમવાનું નથી.’

‘પણ ત્યારે એ પહેલેથી કીધું હોત તો? નગરી બચી ન જાત?’

‘શી રીતે બચી જાત? તુરુક કોઈને છોડે તેમ નથી. તમે એને દ્રમ્મ આપીને છૂટી જાશો એમ આશા રાખતા હો તો એ ઝાંઝવાના જળ છે. દ્રમ્મ આપો, એટલે એ વધારે માગે. એની માગણીનો કોઈ અંત જ નથી. બધાના એ અનુભવ છે. પણ એ વાત હવે જવા દો. આપણે કાલે પ્રભાતે દરવાજા ખોલી નાખવા છે. તમે સૌ એ માટે તૈયાર બનો.’

‘કાલે શું કરવા? લડ્યા છો ત્યારે તો હવે અંત સુધી લડો!’

સોઢલજી બોલતાં અટકી ગયો. પાણી ધાન્યની વાત કહીને આમને ભડકાવવા એ હવે નકામું હતું. એને ખબર હતી. પાટણ બે દિવસ પણ ટકે તેમ નથી.

સોઢલજી બોલ્યો: ‘કાલે મંગલ મુહુર્ત છે. આપણે હજી બળમાં છીએ, ત્યાં છેલ્લો દાવ નાખી લઈએ. આપણે દરવાજા ન ખોલીએ તોપણ હવે એ દુર્ગ લઇ શકે તેવી તાકાત જમાવી શક્યો છે. એ આંહીં કેટલો વખત પડ્યો રહ્યો તેનો વિચાર કરો. એમાં એ જમાવટ કરતો જ ગયો. માટે હવે કાલે જ સૌ ‘જય સોમનાથ!’નો ઘોષ જમાવવા માટે ઘેર ઘેરથી આવો.’

‘અત્યારે વાદવિવાદ છોડો. મહારાજ કરણરાયને ભીરુ કહેનારા પાગલ છે. અને એને પાગલ ગણનારા ભીરુના પણ ભીરુ છે. મહારાજે લીધેલું પગલું ગુજરાતનું જુદ્ધ ચાલુ રાખશે. આ તુરુકની સામે કોઈએ જુદ્ધ ચાલુ રાખ્યું નથી. એ ચાલુ રાખવું, એ જેવી તેવી વાત નથી. તમે મદદ કરશો તો હજી એ જિતાશે. આમ અંદર અંદર અંટસ ફેલાવતા રહીશું – તો આપણે સૌ પડીશું! તુરુકને અપના વર્ગભેદની પડી નથી. એને મન તો આપણે બધા જ સરખા છીએ.

‘અમે કાલે પ્રભાતે રણમેદાન ગજવીએ છીએ. સૌ તેમાં આવે. દરેક સશક્ત માણસ એમાં ભાગ લે. આપણે જુદ્ધ આપ્યે જ છૂટકો છે. આજે એનો ઘોષ થાય છે. કાલે પ્રભાતે રણનાદ ગાજશે. બીજી વાત હવે મૂકો. બોલો જય સોમનાથ!’

સૌ વિખરાયા. પણ કરણરાય ભાગી ગયો ને મહામંત્રી માધવે એને ભગાડ્યો, એ વાતની જબ્બર અસર પડી ગઈ હતી. બીજે રણધ્વજ રોપવાની વાત, જે સમજુ ને શૂરવીર હતા તે સમજ્યા. જે અણસમજુ હતા તે ખિજાયા. જે સ્વાર્થી હતા, તે ટીકા કરતા રહ્યા. જે યોદ્ધા હતા, તે આવતીકાલની તૈયારીમાં પડી ગયા.

સોઢલજીએ અણનમ રીતે દુર્ગની તૈયારી આદરી. હજી પણ એ ભાંગતોડ સમી કરતો આખી રાત દુર્ગ પાસે જ ફરતો રહ્યો. પ્રભાત પહેલાં તુરુક અંદર પેસી ન જાય, એની હવે સંભાળ લેવાની હતી. તુરુકે ઘણે ઠેકાણે બુરજ નીચે દુર્ગની કેદ સુધીના માટીઢોળાવ ઊભા કરી દીધા હતા. ત્યાંથી એ નિસરણીઓ ચડાવીને અંદર કૂદી પડે તેમ હતો.

સોઢલજી બધે ફરતો રહ્યો. કરણરાય માટે પાડેલું છીંડું એણે જાણીજોઈને સમરાવ્યું ન હતું. એક તો એવે સ્થળે હતું કે ત્યાં બહારથી બહુ જણાનું ધ્યાન હજી પણ પડ્યું ન હતું. વળી ત્યાં તુરુકોએ કરેલી કૃત્રિમ આડશ એને ઘણી ઉપયોગી જણાતી હતી. 

તે અરધી રાતે એકલો ત્યાં કરણરાયના છીંડા પાસે ઊભો હતો. બહાર દૂરદૂરથી તુરુકોની ધમાલના અવાજો આવી રહ્યા હતા. કાલે આવનાર  જુદ્ધની એ કલ્પના કરી રહ્યો હતો. પોતે દરવાજો છોડવો – કે દરવાજા પાસે જ, મુખ્ય સામનો કરવા માટે ઊભા રહેવું અને લડી ખપવું એ નિર્ણય લેવા માટે એ આમતેમ ફરતો હતો. એની નજર સમક્ષ વીર બત્તડદેવની મૂર્તિ તરતી હતી.

એટલામાં એણે છીંડા પાસે કાંઈક ખખડાટ થતો સાંભળ્યો. એક માણસ પ્રવેશ કરી શકે તેવું નાનું છીંડું હતું, એટલે એક રીતે એને ફાયદાકારક લાગ્યું હતું. ગમે તે માણસ આ તરફ ઊભો રહે તો આવનારને તળ રાખી લે. 

તેણે ખખડાટ સાંભળ્યો. એટલે એ પોતે જ એ તરફ ધીમે પગલે ગયો. જઈને તૈયાર થઈને ઊભો રહ્યો.

બહારથી કોઈ માણસ પ્રવેશ કરવા મથી રહ્યો  હોય તેમ જણાયું. સોઢલજીને નવાઈ લાગી. કોણ હશે? તેણે વિકોજીને સૂચના તો બરાબર આપી હતી – કે મહારાજને છેક બાગલાણ સુધી જાળવવાના છે. છતાં પણ મહારાજ કરણરાય એ કરણરાય હતા. એને જુદ્ધ છોડવું, મરણથી પણ વસમું લાગ્યું હતું. એ પોતે તો પાછા આવ્યા ન હોય?

મહારાજને પાટણ છોડવું ગમ્યું ન હતું, એટલે વખતે અચાનક આવી ચડે, તો એમનાં વિષે એ અશક્ય ન હતું.

પણ એને બહુ વાર રાહ જોવી પડી નહિ. આવનારના પગ પહેલાં દેખાયા.

પગની બેડી પર નજર પડતાં જ સોઢલજી ચોંકી ગયો: ‘અરે! મહારાજ જરૂર પાછા આવ્યા. આ તો વાઘોજી જ લાગે છે!’ 

તે શાંત ઊભો રહ્યો. વાઘોજીને અંદર આવવા દીધો. જેવો વાઘોજી એક તરફ વળ્યો કે સોઢલજીએ એના ખભા ઉપર હાથ ઠબકાર્યો:

‘વાઘોજી! તમે ક્યાંથી? આમ ક્યાં ચાલ્યા?;

પણ જવાબ આપવાને બદલે વાઘોજી તો બાઘાની જેમ સોઢલજીની સામે જોઈ જ રહ્યો. તે કાંઈ બોલી શક્યો નહિ.

સોઢલજીએ ફરીને તેને પૂછ્યું. પણ વાઘોજી તો જવાબ આપવાને બદલે ધ્રુસકે ધ્રુસકે રડતો ત્યાં નીચે જ બેસી ગયો.

સોઢલજીના પેટમાં ધ્રાસકો પડી ગયો. તેણે તેને ધીમેથી શાંત કર્યો: ‘અરે! પણ વાઘોજી વાત શું છે એ તો કરો! મહારાજ ક્યાં છે?’

‘કાળી ટીલી મને વળગી ગઈ પ્રભુ! મારું જીવતર ધૂળ થઇ ગિયું. હવે જીવું તો’ય શું? મરું તો’ય શું? ભારે થઇ છે!’

‘પણ શું છે વાઘોજી! બોલો તો ખરા? શું થયું? મહારાજ ક્યાં છે?’

વાઘોજી રોતો રોતો બોલ્યો: ‘મહારાણીબા...’

સોઢલજીના દિલમાં જાણે એક અગન જ્વાળા પડી ગઈ તેણે ઉતાવળે પૂછ્યું: ‘મહારાણીબાનું શું છે વાઘોજી? બોલો ઝટ વાત કરો. પછી રો’જો!’

‘મારી જિંદગીમાં મારા રખોપામાંથી કોઈ આઘુંપાછું થયું નથી. આજ જેવી તેવી વાત થઇ નથી, રાણીબા જેવાં રાણીબા, મારા રખોપામાંથી ગયા...’

‘પણ ગયાં ક્યાં? ઝટ વાત કરો ને!’ સોઢલજીએ વાઘોજીની વાત કરવાની રીત આકરી થઇ પડી.

‘અમને રસ્તામાં તુરુકનો ભેટો થયો. સૌ છૂટા છૂટા થઇ ગયા. મહારાજની સાંઢણી એક દશે લીધી. મહારાણીબાનાં ઘોડાં બીજી દશે ચડી ગયાં. તુરુકોના ઘોડાં વાંસે પડ્યાં. મહારાણીબાને તુરુકો ઘેરી વળ્યા. ઉપાડી ગયા!’

‘હેં શું કહો છો વાઘોજી? ઉપાડી ગયા? સિંહભટ્ટ ક્યાં હતો?’

‘સિંહભટ્ટ ને બધા ઝપાટામાં આવી ગ્યા છે!’

‘પણ ત્યારે મહારાજ ક્યાં છે?’ 

‘મહારાજને હું છેક દધિપદર પો’ચાડી આ વાતની ખરી ખબરું લેવા સાટુ પાછો ફર્યો. રાતે અંધારે તો કોઈ વાત સમજાઈ ન હતી. મહારાજ ત્યાં દધિપદરમાં છે!’

‘અને મહારાણીબા, સિંહભટ્ટ, કુમારીબા, એ બધાં ક્યાં છે?’

‘કોને ખબર ક્યાં છે?’ વાઘોજી બોલ્યા: ‘વખતે આંઈ હોય. વખતે તુરુકે રવાના જ કરી દીધાં હોય. સવારો થોડા હતા. પાયદળ ઝાઝું હતું. અચાનક હલ્લો થ્યો. એટલે સૌ નોખાંનોખાં પડી ગયાં. કોઈ આમ ભાગ્યાં, કોઈ તેમ ભાગ્યાં. વખતે બાગલાણ પોં’ચ્યા હોય, કોને ખબર શું થયું? રણપંખીણી તો બધાને ઠેકીને મહારાજને ઉપાડીને ચાલી... નીકળી. દધિપદર જતી ઠેકરાણી.’

સોઢલજી સજ્જડ થઇ ગયો. તેને શું બોલવું તે સૂઝ્યું નહિ. કોને વાત કરવી તે સૂઝ્યું નહિ. શું કરવું તે પણ ઘડીભર સૂઝ્યું નહિ. તે સૂનમૂન થઇ ગયો. પોતાના જ બંદોબસ્તની આ ખામી હતી. એ વિચાર આવતાં તેનું  માથું શરમથી નીચું ઢળી પડ્યું. એક ક્ષણ એને તુરુકની લશ્કરગાહમાં એકલું દોડવાનું મન થઇ આવ્યું.

એટલામાં વાઘોજી બોલ્યા: ‘મહારાજ પોતે પાછા ફરતા’તા.’

‘હા, પછી?’

‘પછી વિકોજીએ સમજાવ્યા, ત્યાં વળી કોઈક સાંઢણી સવારે સમાચાર આપ્યા કે બે ઘોડેસવારોને એણે ગાંડી દોડપાટ કરતાં રાતે જોયા હતા. એ આ બાજુથી આવી રહ્યો હતો. એ બંને ઘોડેસવારો ઈડરિયા તરફ ભાગી છૂટ્યા!’

‘ત્યારે તો એ જ મહારાણીબા ને સિંહભટ્ટ. મહારાણીબાને જયશ્રી તોખારને કોઈ પહોંચે તેમ તો હતો જ નહિ. એટલા માટે તો એ અશ્વ લીધો હતો. ત્યારે તમે કેમ કહો છો કે મહારાણીબા સપડાયાં છે? એ તો સિંહભટ્ટ ને બધા એ બાજુથી રસ્તો કાઢશે.’ સોઢલજીના કાંઈક જીવમાં જીવ આવ્યો.

‘તુરુકોને વાત કરતા સાંભળ્યા... ને હું આંઈ દોડ્યો!’

‘આહીં મને ખબર કરવા?’

‘ના. ના. તમને ખબર તો ખરી, પણ મારે તો મારું મરણ સુધારવાની વાત હતી.’ વાઘોજી હજી પોતાના જ તાનમાં હતો. ‘મારા રખોપામાંથી આજ દી સુધી કોઈ એક ચીથરું પણ લઇ ગ્યું નથી, એક વરસનું છોકરું પણ. આજે મેં જિંદગીને છેલ્લે પાટલે પે’લવે’લાં રાણીબા જેવા રાણીબાને ખોયાં. હું હવે આંઈ જુદ્ધમાં મરવા માટે આવ્યો છે! મારે મહારાજને પણ સમાચાર દેવા જવા નથી!’

‘જુદ્ધમાં મરવા માટે આવ્યા છો? અરે! વાઘોજી શી વાત કરો છો? એ વાત છોડો. તમે પાછા મહારાજ પાસે દોડો. કાલે આંહીં જુદ્ધ થશે. ત્યારે મહારાજ નાસી ગયાની જાણ તુરુકને થઇ જશે. એ વખતે ગુજરાત ફરતાં બધાં નાકાં ઝપાટાબંધ રોકી લેશે. તમે દોડો. મહારાજને હવે પહેલાં બાગલાણ પહોંચાડી આવો. મહારાણીબાને ઊની આંચ આવી હોય તેમ તમારી વાત ઉપરથી લાગતું નથી. તમે નાહકના ભડકાવી માર્યા. ને કાલે જુદ્ધમાં હલ્લો થશે. લશ્કરગાહ તરફ બધા દોડશે. એટલે જે હશે તે કાલે બધી ખબર! તમે મહારાજને બાગલાણ પોં’ચાડીને પછી આવો.’ 

‘સોઢલજી! એ જે હોય તે, પણ મને આંઈ મરવા માટે રોકાઈ જવા દો. બીજું તો કાંઈ નહિ, મારા જીવને ધરપત થાય. તમે કો; છો પણ હજી મારું માંયલું માનતું નથી. મને આંઈ રહેવા દો!’

‘અરે! ગાંડા કાઢો માં વાઘોજી! રણપંખીણીને લઈને આવ્યા છો નાં? ઝપાટાબંધ પાછા દોડો, અત્યારે જ દોડો.  જઈને મહારાજને ખબર કરો. આંહીં કાલે જુદ્ધ થઇ જવાનું છે. તુરુક આંહીંથી સ્તંભતીર્થ દોડવાનો છે. સોમનાથ દોડવાનો છે. મોઢેરક દોડવાનો છે. મહારાજને બાગલાણ દુર્ગ ભેગા કરો. અને તમે પાછા ઈલદુર્ગ બની આવીને ભીલ જોદ્ધાઓને બાગલાણ ભણી મોકલવાની કામગીરી ઉપાડો. બધાને હવે કામગીરી ઉપાડવાની છે. અને નાહકના બધાને ભડકાવતા નહિ. તમે કહો છો – તુરુકને વાતો કરતા સાંભળ્યાં. શું વાત કરતાં સાંભળ્યા, મહારાણીબા પકડાયા છે એમ?’

‘ના ના, એ તો કે’, રાયની બીબી પણ આવી જશે, ને રાય પણ આવી જશે. ને હવે બધાંય ફસાઈ જશે!’

‘અરે વાઘોજી! ત્યારે મેં કહ્યું તેમ હમણાં ને હમણાં તમે પાછા ફરો. થાકોડો લેવો હોય તો બે ઘડી આંહીં જ લાંબુ કરો. પછી તરત ઊપડો.’

પણ સોઢલજીને નિરાંત ન હતી. વાઘોજી થાકોડો લેવા લાંબો પડ્યો કે તરત સોઢલજી મહામંત્રી માધવને કહેવા માટે ગયો.