૩૧
રાજા કરણ ભાગ્યો!
માધવ બોલતો બંધ થયો. સોઢલજી પાછો ફર્યો કે સૌ નગરીને ફરીને નમ્યા. હવે એક એક પળ કિંમતી હતી. એટલે મહારાજ કરણરાયે તરત જ સૌ જોદ્ધાઓને લડાઈની છેલ્લી સૂચનાઓ આપી દીધી. આંહીં સોઢલજી દુર્ગપતિ લડાઈ દોરવાનો હતો. માધવ મહામંત્રી પણ રહેતો હતો. બીજા પણ સરદારો, સામંતો હતા. મહારાજ ગયા ન હોય તેમ જુદ્ધ તો આગળ ચાલવાનું જ હતું. કેસરિયાં કરવાનો વખત આવે તો એ માટે પણ તૈયારી હતી. મહારાજે સૌની પાસે જઈ જઈને વાત કરી. જે ટકે, જે રહે, જે બચે, તે બાગલાણ ભેગા થવાના હતા. ગુજરાતની એ રણભૂમિ હતી. મહારાજને એક લાગી આવ્યું. પાટણની પ્રજાને વિશ્વાસમાં લઈને અત્યારે હવે વાત કહેવાનો વખત જ રહ્યો ન હતો. એમ કરવા જતાં વાત વેડફાઈ જવાનો ભય હતો. કિલ્લા બહાર ઘડિયાંજોજન રણપંખીણી રાહ જોતી ઊભી હતી. રાણીનો તોખાર ત્યાં આવ્યો હતો. સિંહભટ્ટનો અશ્વ આવી ગયો હતો. દેવળને જગાડીને તૈયારી કરી.
નાની રાજકુમારી પહેલાં તો સમજી શકી નહિ કે, અત્યારે ક્યાં જવાનું છે. એને સમજાવ્યું કે આપણે લડાઈ કરવા જવાનું છે!
‘લડાઈ કરવા?’ તે પોતાની મધુર વાણીમાં બોલી ઊઠી: ‘આહા! બાપુ! તો તો તમે મને પણ તલવાર બંધાવો. મને થાય છે તુરુક બાદશાહનાં છોકરાં ને એના છોકરાં ને એનાં છોકરાં બધાંયને હું મારી નાખું! મને એક નાનકડો ભાલો આપો, સિંહભટ્ટ!’
‘મેં મારી ભેગો લીધો છે ને બહેન!’ સિંહભટ્ટે કહ્યું.
‘પણ એ તો તમારો, મારો ક્યાં છે?’ નાનકડી દેવળ બોલી.
સૌ હસી પડ્યાં
ત્યાં ઊભનાર સૌની આંખમાં આંસુ આવી ગયાં.
સૌ આગળ વધ્યાં.
સોઢલજી સૌને બહાર જવાનો માર્ગ બતાવવાનો હતો. તેણે એક મારગ નજરમાં રાખી લીધો હતો. એક જગ્યાએ તુરુકોએ કાંટાથોર રેતથેલા મૂકીને આડશ કરી દીધી હતી. ત્યાં કિલ્લાવાળો કિલ્લામાં છીંડું પાડે તોપણ બહારવાળાને એકદમ ખબર ન પડે તેવું હતું. સોઢલજીને એ ધ્યાનમાં હતું. તુરુકને તેઓ એ જગ્યાએથી ભવિષ્યમાં નિસરણીઓ માંડવી હતી. અને કોઈને એ શંકા ન પડે માટે બનતાં સુધી પોતાનાં માણસો એ તરફ ઓછાં ફરકતાં. હાજર હોય તોપણ ત્યાં દૂર દૂર ફરતાં રહેતાં. સોઢલજીએ એ થાનક જ નજરમાં લઇ બધાં ત્યાં આવ્યાં. રાત્રિ ભયાનક લાગતી હતી. ક્યાંયથી અવાજ આવતો ન હતો. તમરાં પણ મૂંગા બન્યાં હતાં. તુરુકની લશ્કરગાહ તદ્દન શાંત જણાતી હતી. પાટણ અત્યારે શાંતિની ગાઢ નિંદ્રા લઇ રહ્યું હતું. કોઈને લાગે કે આ છેલ્લી નિંદ્રા છે!
કિલ્લાની ભીંતોને છેક નીચેથી ધીમે ધીમે ખોદવાનું કામ ક્યારનું થઇ રહ્યું હતું. બહુ જ સાવચેતીથી ભીંતો ખોદવાવાળાએ, એક છીંડું પાડી રાખ્યું હતું. સોઢલજીની વ્યવસ્થા ચોક્કસ હતી. પહેલાં એક માણસ ધીમેથી બહાર ગયો. ભીંતની આડે તો તુરુકોએ ઊભી કરેલી વાડ ને કાંટા-ઝાંખરાંની દીવાલો હતી. એટલે એ બે ભીંતોની વચ્ચે ફરતો હોય તેમ કેટલેક સુધી પોતે ફરી આવ્યો.
કોઈ ત્યાં ફરકતું નથી, એ જોઇને એને આનંદ થયો. એણે દૂર દૂર દ્રષ્ટિ કરી. કેટલાંક તાપણાં આસપાસ બળતાં હતાં. ત્યાં માણસોના પડછાયા પણ નજરે પડતા હતા. એ દિશા મૂકી દેવાની હતી. તે અંદર આવ્યો. સૌને બહાર દોર્યા. તાપણાની દિશા તરફ ધ્યાન ખેંચ્યું. કરણરાયને એ દિશા છોડી દેવાની હતી. ધીમે ધીમે અંધારામાં સૌ આગળ વધ્યાં. રાય કરણરાયની સાંઢણી થોડે આઘે ઊભી હતી. વાઘોજીની સાથે એક સુભટ બેઠો હતો. તેની પાછળ મહારાણી કૌલાનો ઘોડો હતો. સિંહભટ્ટનો અશ્વ બંનેની પાછળ ઊભો હતો. ત્રણે પાણી ગતિમાં સરખાં નીકળે તેવાં હતાં. ઘોડા ઉપર ભાગવું ફાવે. જંગલમાં નીકળી જવાય. ઊપડવાને એક ક્ષણ જ હતી. મૂંગા મૂંગા શોક દબાવીને સૌ મહારાજ કરણરાયને બે હાથ જોડીને નમી રહ્યા. એક સહેજ અવાજ થાય તેમ ન હતું. મહારાજે બે હાથ જોડ્યા. વિદાય લીધી. શોકછાયા ત્યાં બધે, ઢળી ગઈ. ભારે હૈયે પાછળ રહેનારા સૌ અંદર ગયા.
ઉપડનારાઓએ આસાવલ સ્તંભતીર્થની દિશા પકડી, ત્યાંથી નવસારિકા થઈને તે બાગલાણ પ્રદેશમાં ઊતરી જવા માગતા હતા. જોકે બધા જ રસ્તા ઉપર, મહારાજને બહાર નીકળ્યા પછી, એકને બદલે બીજો માર્ગ લેવો પડે તોપણ વાંધો ન આવે, એવી રીતે વાત તો ગોઠવાઈ ગઈ હતી. નદીઓ આવે તેને પાર કરવાની વેતરણ પણ સોઢલજીના ધ્યાન બહાર ન રહી હતી. સોઢલજી કેટલાક છૂટાછવાયા સવારો બધી તરફ તરત મોકલી દેવાનો હતો. નવસારિકા પછી સૌ ભેગા થવાના હતા.
રાય કરણરાય હવે ગુજરાતની સીમા ઉપરનો આ જબરદસ્તી ડુંગરી કિલ્લો લઈને, ત્યાં રણથંભ રોપવા માટે નીકળ્યો હતો. કિલ્લો અજેય હતો. એની આસપાસ ભયંકર જંગલ હતું. તુરુકને હંફાવવા માટે આ સ્થળ એણે પસંદ કર્યું. તેમાં દેવગિરિ પાસે હોવાનો મોટો લોભ હતો. રામચંદ્રને તુરુકો સાથે વેર હતું જ. તુરુકને દેવગિરિ આવવા-જવામાં બાગલાણ બેઠાં ઠીક ઠીક પજવી શકાય. દક્ષિણપંથના પણ એ માર્ગમાં હતું. ગુજરાતનો સીમાડો ત્યાં હતો. ત્યાંથી આખા ગુજરાતનું રખોપું રાખવાવાળા રાખી શકે તેમ હતું. આખું દંડકારણ્ય (ડાંગ) એની સમક્ષ પડ્યું હતું. કંથકોટ કરતાં આ વધારે યોગ્ય હતું. તેની આસપાસ કુદરતી ડુંગરમાળાઓનું અડગ રક્ષણ હતું. ધાન્યપાણીનો ત્યાં કોઈ દિવસ તોટો પડે તેમ ન હતો. તુરુક એને શોધે તોપણ, આ દિશાની યાદ એને એકદમ આવે તેમ ન હતું. એને એ સોમનાથ વનસ્થળીમાં ગયેલો ધારે. મહારાજના ભાગેડુ પગલાં એકદમ મળી ન જાય, એને માટે પણ સોઢલજી બંદોબસ્ત કરવાનું ચૂક્યો ન હતો. એણે ઠીક દૂર સુધી આડે પંથે ઘાસરસ્તો લેવાનું ભોમિયાને કહ્યું હતું.
ભોમિયો પછી પાછો ગયો. અંધારઘેરી રાતમાં રાજા, રાણી ને સિંહભટ્ટ આગળ વધ્યાં. કોઈ ઠેકાણે હજી સુધી એમને કોઈ મળ્યું ન હતું. રાજાને એ નવાઈ લાગતી હતી. તુરુક એટલો બધો અસાવધ હોઈ શકે નહિ. એના મનમાં કાંઈક અમંગલની શંકા ઊભી થતી હતી. આ પ્રમાણે કોઈ જ આ રસ્તે દેખાતું ન હતું. એ જાણે કે ગોઠવી કાઢ્યું હોય તેવું લાગવા મંડ્યું.
અંધારઘેરી રાતમાં રણપંખીણીની ગતિ ગજબની હતી. એની સાથે રહેવા જતા તોખાર જયશ્રીના હાંજા ગગડે તેવું હતું. એટલે પંખીણીને જરા ધીમી ચલાવવાની હતી.
એક ઠેકાણે એક વોંકળો આવ્યો. એક તરફ થોડાં ઝાંખરાં ઝાડવાં હતાં. ખાખરાના જંગલ જેવું હતું. આમાં કોઈ બેઠું હોય તો એકદમ કળાય તેમ ન હતું. રાજાને ક્યારની શંકા પડવા માંડી હતી કે વિચક્ષણ જેવો તુરુક, આટલી બધી વાત અંધારામાં જવા ન દે. એને તો પંખીણીને આધારે અંધારું તરી જવાનું હતું. એમ એ સમજ્યો હતો. એવાં જ બે ઘોડાં પણ નામી હતા. હાથતાળી દઈને જવું રમતવાત હતી. પણ આહીં તો એમનું પાણી માપવાનો વખત જ આવ્યો હતો. કોઈ રસ્તે ફરકતું જ ન હતું.
કદાચ આસાવલ તરફ કોઈ ફરકે તેવો સંભવ નથી એમ તુરુકે માની લીધું હોય. તેને ખબર હોય કે કાં કંથકોટ ભણી ભાગવાવાળા ભાગે, કાં જૂનોગઢનો રસ્તો લે, કે સોમનાથ જવા, આ તરફ કોઈ જગ્યા સંઘરે તેવી ન હતી. એટલે કદાચ તુરુકે આ તરફ થોડું ધ્યાન આપ્યું હોય અને હવે તો પાટણથી ઠીક દૂર એ આવ્યાં હતાં. એટલે હવે કોઈ મળવાનો સંભવ જ ન હતો. પણ જેવા તેઓ આ વોંકળા પાસે નીકળ્યા કે એકદમ પાછળના ઝૂંડમાંથી માણસો નીકળી પડ્યાં. મહારાજની રણપંખીણીને ઘેરો વાળીને કેટલાય ભાલાધારીઓ ત્યાં ઊભેલા દેખાયા. મહારાજે ધાર્યું કે ભીલડાં લૂંટવા આવ્યા લાગે છે. તેમણે ત્રાડ પાડી: ‘કોણ છો અલ્યા? મુસાફરને રોકો છો?’
પણ જવાબમાં ‘અલ્લા હો અકબર!’ ના મોટા અવાજ સાથે સેંકડો ભાલાધારીઓએ મહારાજની રણપંખીણી ઉપર જ સીધો હુમલો કર્યો. અને બીજી તરફ ચારે બાજુથી ‘હુજ્જા હુજ્જ’ જેવો રણનાદ ઊપડ્યો. કારણરાય ચોંકી ઊઠ્યા. એણે પોતાની જાત તુરુકોથી ઘેરાયેલી દીઠી. એણે ઝડપથી ભાલો લીધો. પણ આવા પ્રસંગને ટેવાયેલી રણપંખીણી ગજબની ચપળ નીવડી. હજી તો એક પણ ભલો એના અંગને સ્પર્શે તે પહેલાં, તો જેમ આકાશમાં પંખી ઊડે, જેમ તીર સોંસરવું જાય, જેમ ગગનમાં વીજળી ચમકી જાય તેમ એણે ગજબનો કૂદકો લીધો. માણસોના અનેક ભાલો એમ ને એમ અદ્ધર રહી ગયા. અને હજી તો એ બધા સમજે કે શું થયું કે શું ન થયું, એ પહેલાં તો, એ બધાના માથા ઉપરવટ થઈને આઘે નીકળી ગઈ. નીકળી ગઈ એમ નહિ, એ તો નીકળતાં વેંત જ, જાણે પવનમાં જવાને ટેવાયેલી હોય તેમ જ, એ જ ગતિને ગતિમાં ચાલુ કરી દઈને, ઊડવા જ મંડી! રણપંખીણી જેનું નામ, બત્તડદેવે પોતે જેને આવા કોઈ રાજભય પ્રસંગ માટે જ, ઘરના છોકરા પેઠે ઉછેરેલી, જેને વાઘોજી જેવાનો હાથ અડક્યો, જેને હવામાંથી, અવાજમાંથી, વાતમાંથી, અરે! નજરમાંથી, તરત વસ્તુ પકડવાની ટેવ પડી ગયેલી, એ પંખીણીને મહારાજ કરણ રાયે ઘણું પછી ફેરવવા માટે એક આંચકો માર્યો, પણ એ પાછી ફરે તે પહેલાં તો ‘મહારાજ! હું જાઉં છું! મહારાજ! હું જાઉં છું! તમે હવે પાછા ન ફરો. પાછા ન ફરો, પાછા ન ફરો. મહારાજ! પાછા ન ફરો! અમે મારી મૂકીએ છીએ.’ ત્રણ-ચાર વખત ઉતાવળી, આદ્ર સ્વરની, વ્યથાભરેલી વાણી સંભળાણી અને હજી તો મહારાજ કરણરાય પણ પાછા ફરવાનો નિર્ણય કરે તે પહેલાં, એ વાણી સંભળાતી બંધ પણ થઇ ગઈ. અંધારામાં જ કેટલાક ઘોડેસવારો દોડ્યા જતા લાગ્યા. અને ‘અલ્લા હો અકબર!’ના ચારે તરફથી આવી રહેલા અવાજ સાથે, ભાલાધારીઓ મહારાજની પાછળ આવવાના ફાંફા મારતાં દેખાયા! કોણ કઈ દિશામાં ગયું, તે જાણવું મુશ્કેલ બની ગયું.
અંધારામાં કાંઈ દેખાતું ન હતું. પણ મહારાજને શંકા થઇ. મહારાણીનો ને સિંહભટ્ટનો બંને અશ્વ સપડાઈ ગયા હોય. મહારાજા કરણરાયે તરત વાઘોજીને બૂમ પાડી: ‘વાઘોજી! સાંઢણી પાછી ફેરવો!’ પણ એટલામાં તો ‘મહારાજ! મહારાજ! મારી ખાતર પણ હવે પાછા ન ફરો! હવે પાછા ન ફરો! અમને કોઈ પહોંચે તેમ નથી. અમે ત્યાં મળીશું!’ એમ એક મોટી બૂમ સંભળાણી.
રાજાએ મોટા ભયંકર સિંહનાદે, ‘અલ્યા એ તુરકડા ઊભો રે’! ઊભો રે. જુદ્ધ આપતો જા...’ એમ બે-ત્રણ વખત બૂમ પાડી. પણ આ ઘોડા ઉપર મહારાણી લાગે છે, એટલું જાણતા જ તુરક એવા આનંદમાં આવી ગયા, એટલા ગેલમાં પડી ગયા, કે રાજાની પાછળ જવાનું બીજા થોડાક પદાતીઓ માટે રહેવા દઈને, જે થોડા, ઘોડા, ઘોડા ઉપર સવાર હતા, તે તો તરત જ સિંહભટ્ટ અને મહારાણીની પાછળ જ પડ્યા. એમની દોડની દિશા અંધારામાં કળવી મુશ્કેલ હતી.
રાજાએ પોતાની સામે પદાતીઓ દીઠા. એણે તીર છોડ્યાં. બે-ત્રણ ઢળી પડ્યા. તેઓને એમને એમ મૂકીને, તેણે મહારાણીબાની દિશા તરફ રણપંખીણીને દોડાવી.
અંધારામાં અને અફાટ મેદાનમાં એક ભયંકર દોડ થઇ રહી હતી. કરણરાયે રાણીની દોડની દિશા સાધીને વાઘોજીને સાંઢણી મારી મૂકવા કહ્યું. થોડે સુધી રાજાને એ દોડ નજરમાં રહી. પણ પછી બધું એકદમ અંધારામાં જાણે અંધારું ગળી ગયું હોય તેવું અદ્રશ્ય થઇ ગયું. ગમે તે દિશામાં દોડ થતી હોય તેમ જણાયું. રાજાને વાઘોજીને એમની પાછળ પાછળ જ સાંઢણી લેવાનું કહ્યું હતું. પણ થોડી વાર પછી વાઘોજીને લાગ્યું કે, ભગવાને તુરુકને દિશા ભૂલાવી લાગે છે. એણે સાંઢણીને બીજી દિશા તરફ વાળી, ‘વાઘોજી!’ રાજાએ કહ્યું, ‘આપણે તુરુકની દિશા જ જાળવી રાખો ને?’
‘પણ પ્રભુ! તુરુક દિશા ભૂલ્યા લાગે છે. આપણાં ઘોડાં તો બીજી દિશા તરફ વળી ગયાં જણાય છે. અંધારામાં ખબર પડતી નથી. પણ દિશા બદલાઈ છે. આગળ બીજું તો કોઈ જતું લાગતું નથી. આઘે નીકળી ગયાં છે.’
‘તો આપણે એમની પાછળ જ અનુમાને રહીએ... આપણે ભૂલતા તો નથી? વાઘોજી?’
‘તુરુકની ઘોડદોડ બીજી દિશામાં છે એમ જણાય છે. આપણાં ઘોડાંએ બીજી દિશા પકડી લાગે છે. અંધારામાં કાંઈ ખબર પડે તેવું નથી!’
‘શું થયું, કોણ ગયું, ક્યાં ગયું? કોણ આવ્યા હતા, એ કાંઈ સમજાતું ન હતું. અને પછી તો અવાજ પણ મંદ થતા ગયા. માત્ર સાંઢણી વેગ ભરી જતી હતી. એની ગતિએ સૌને ક્યાંયના ક્યાંય રાખી દીધા. પણ હજી સિંહભટ્ટ કે મહારાણીના અશ્વ દેખાયા નહિ. પ્રભાતનું ઝાંખું અજવાળું થવા માંડ્યું, ત્યારે રાજાએ કોઈ ક્યાંય દેખાય છે કે નહિ એ જોવા માટે એક આતુર લાંબી દ્રષ્ટિ ચારે તરફ ફેંકી. પણ કોઈ જ ક્યાંય દેખાતું ન હતું. એની પાછળ આવી રહેલા ભાલાધારીઓ તો ક્યાંયના ક્યાંય ફેંકાઈ ગયેલા હોવા જોઈએ. પરંતુ ઘોડદોડનો પણ કાંઈ પત્તો નહિ. કાં બધા છૂટાછવાયા જુદી જુદી દિશામાં ભાગી ગયા, કે પંખીણીની ચાલને કોઈ પહોંચે તેવું જ રહ્યું, પણ શું થયું તે રાજાના ધ્યાનમાં કાંઈ આવ્યું નહિ. હવે શું કરવું એનો મોટો વિચાર થઇ પડ્યો. તેણે વાઘોજીને પૂછ્યું: ‘વાઘોજી! આ સામે શું લાગે છે?’.
વાઘોજીએ કહ્યું: ‘મહારાજ! આપણે દોડમાં ને દોડમાં દશ ભૂલ્યા છીએ!’
‘પણ આ સામે શું દેખાય છે? કોઈ મોટો દુર્ગ લાગે છે!’
‘મહારાજ! આપણે આડા નીકળી ગયા એમ લાગે છે. આ સામે દેખાય છે એ દુર્ગ હું ભૂલતો ન હોઉં તો દધિપદ્રનો દુર્ગ હોવો જોઈએ!’
‘દધિપદ્ર?’
‘હા પ્રભુ! લાગે છે એવું!’
મહારાજ કરણરાયને પણ રણપંખીણીની ગતિએ નવાઈ પમાડી.
એણે ગુજરાતને છેડે પોતાને આણી મૂક્યો હતો.
પણ એને મનને ભયંકર અશાંતિ ફોલી રહી હતી. એની રાણી ક્યાં હતી? દેવળ ક્યાં હતી? સિંહભટ્ટ ક્યાં હતો?
એ દૂર દૂરની ડુંગરમાળા તરફ જોઈ રહ્યો.