૩૦
માધવ મંત્રીની સલાહ
આ તરફ યુદ્ધના દિવસો તો હવે વધારે ને વધારે કપરા થતા ગયા. લંબાતા ગયા. તુરુકો પાટણને જીત્યા વિના ક્યાંય જવા માગતા ન હતા, એ નક્કી હતું. પ્રજાનું નૈતિક બળ ટકી રહ્યું હતું. પણ તુરુકોનો પથારો ચારે બાજુ પડ્યો હતો. એટલે વ્યવહાર ખોટવાઈ ગયો હતો. બહારથી એક ચકલું પણ પાટણમાં ફરકે તેમ ન હતું. આંહીંથી બહાર જવું પણ મુશ્કેલ હતું. ધાન્ય હતું, પણ તે ખૂટવાની અણી ઉપર. પાણીનો પુરવઠો આપનારી સરસ્વતી નદીની સરવાણીમાં, કાંઈક વાંધો તુરુકોએ ઊભો કરી દીધો હોવો જોઈએ એમ લાગતું હતું. પાણી ખૂટવાની બૂમો આવવા મંડી હતી.
એ બૂમો લાંબી ચાલે તો એક દિવસ અચાનક જ બધો સામનો તૂટી પડે. પાણી વિના કોઈ જીવી શકે નહિ. કરણરાય સમજી ગયો. કોઈકે પાણીની પૂરવઠાની જીવાદોરી તુરુકને બતાવી દીધેલી હોવી જોઈએ. ખંભાયતના અનેકોને તુરુકોએ સાધ્યા હોવાની વાત ઊડતી હતી તે સાચી હોવી જોઈએ. કરણરાય સમયને ઓળખી ગયો. એક જબ્બર યુદ્ધ માટે તૈયાર થયા વિના બીજો કોઈ ઉપાય જ હવે ન હતો. એને માટે જેવો આજનો દિવસ હતો, તેવો કાલનો ન હતો. ગમે તે વખતે યુદ્ધ પરાણે માથા ઉપર આવી પડે, ત્યારે એમાં ઉત્સાહ નહિ હોય. કરણરાયે જેમ બને તેમ નિર્ણય કરવામાં લાભ જોયો. એણે નિશ્ચય કરવાનો હતો, કેસરિયાં જુદ્ધનો. એ અડગ હતો.
મધરાતનો સમય હતો. તુરુકોની ભયંકર હિલચાલના સમાચાર હેરકોએ આપ્યા હતા. એમણે ખાઈઓ પાછી પૂરી દેવામાં સફળતા મેળવી હતી. એટલે કિલ્લાના મૂળ સુધીનો વ્યવહાર એમણે ફરીને સ્થાપી દીધો હતો. એમની યુદ્ધસભાઓ મળતી હતી. ગમે તે ક્ષણે એક ભયંકર હલ્લો કરવાનો એમનો નિર્ણય હતો. એ હલ્લો નિર્ણયાત્મક થવાનો.
પાણીનો પ્રશ્ન વિકટ થાય તે પહેલા, કેસરી જુદ્ધનો નિર્ણય પાટણે પણ કરવો જ રહ્યો. ગમે તે પળે તુરુક કિલ્લો ભેદે એ ભય પણ હવે માથે હતો. ઘણા દિવસો સુધી થોભવું પડ્યું તેથી હવે એ અધીરો થયો હતો. ચોમાસું એ માથે લેવા માગતો ન હતો. કિલ્લા ઉપર આવવા માટે છેક નીચેથી ઢોળાવ રસ્તો તૈયાર કરવો કે મજબૂત હલ્લો કરવો એ વિચાર એમને ત્યાં ચાલી રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધ મોળું હતું. એટલે એક મોટો હલ્લો કરવાની એની નેમ જણાતી હતી. એની હિલચાલ એ પ્રકારની બની રહી હતી.
એ સમાચાર મળતાં મહારાજ કરણરાયે પણ કેસરી જુદ્ધના નિર્ણય માટે જ સૌને બોલાવ્યા. પ્રભાત થતાં જ એક મોટો હલ્લો લઇ જવાનો મહારાજનો ભીષણ નિશ્ચય હતો. સૌ સરદારો એ નિર્ણય સાંભળીને શાંત બની ગયા. કેસરિયાં કરવાનાં હતાં.
મહારાજનો નિર્ણય સૌ સાંભળી રહ્યા. કોઈ કાંઈ બોલ્યું નહિ. સોઢલજી હતો, સિંહભટ્ટ હતો, કેસરીજી હતા. મહારાણી, માધવમંત્રી બધાં હતાં, પણ કોઈ કાંઈ બોલ્યા નહિ. મહારાજે પૂછ્યું:
‘કેમ કોઈ કાંઈ બોલતાં નથી? આપણે તુરુકને હાથે આંહીં કિલ્લામાં સપડાઈએ એના કરતાં છૂટું મેદાન આપણને વધારે ફાવશે. પછી તો ભગવાન સોમનાથ જે દી દેખાડે તે. પણ કોઈ કાંઈ બોલતાં કેમ નથી? મારો નિર્ણય ખોટો લાગે છે?’
‘નિર્ણય તો બરાબર છે મહારાજ!’ માધવમંત્રી બોલ્યો: ‘પણ અમને એક બીજી જ વાત સૂઝી છે.’
‘હા બોલો ને! બીજી શી વાત છે? એ સારી લાગે તો એ કરીએ.’ માધવ મહામંત્રી કાંઈક જવાબ આપવા જતો હતો, એટલામાં એક સનસનાટ કરતું તીર ત્યાં રાજમહાલયના ચોગાનમાં જ આવીને પડ્યું. કરણરાયે તે જોયું. રક્ષક પોતે જ તીર લઈને આ બાજુ આવી રહ્યો હતો. તીરને છેડે કાંઈક બાંધેલું લાગ્યું. સંદેશો આપવા માટે કાંઈક ફેંકેલું હોવું જોઈએ. છતાં સાવચેતીથી તેને લેવામાં આવ્યું. માધવ મહામંત્રીએ એને છેડેથી સંદેશો લીધો, તીર ફેંકનારનું નામ હતું પંજૂ ઇક્કો. માધવે તે વાંચ્યું.
‘શું છે? સંદેશો કોનો છે? દોસ્ત કે દુશ્મન?’ કરણરાયે પૂછ્યું.
‘મહારાજ! નુસરતખાન વજીરે છેલ્લો સંદેશો મોકલ્યો લાગે છે.’
‘શું? શું છે? બોલો તો. વાંચો બધા સાંભળે!’
‘હે રાયરાયન! શું કરવા નાહકનો હાથે કરીને આ બધાનો નાશ વહોરી લે છે? “બુલ મુજફ્ફર મુહમ્મદશાહ સિકંદર સાનીકો દુનિયાકા બાદશાહ માના જાતા હૈ. જબ તક કાબા દુનિયા કે કિબૂલા રહે, તબ તક ઉસકા રાજ સબ ઇન્સાન પર રહે” સિકંદર સાનીની દોસ્તી કરવા માટે આ છેલ્લી તક હું આપું છું. તમારા કદ માપ આકારની એક સોનાની બૂત તૈયાર કરો. તેની ડોકમાં તાબેદારીની નિશાની બતાવવા માટે સોનાની સાંકળ પહેરાવો. એને અમારા લશ્કરગાહમાં મોકલી આપો. એના બદલામાં તમને દોસ્તી મળશે. રાજ રહેશે. ગુઝારમાં જગ્યા મળશે. નહિતર જ્યારે પણ અમે કિલ્લો લેશું ત્યારે બધાને લૂંટી લેશું. બધું બાળીને ખાખ કરી દેશું. બૈરાં-છોકરાંને ઉપાડી જાશું, હે હઠીલા આદમી! વજીર નુસરતખાન આ છેલ્લી તક આપે છે!
લોકો આ જુદ્ધને ઘેલડાનું જુદ્ધ કહેશે, ઘેલા આદમી!’
કરણરાય મનમાં ને મનમાં સમસમી ગયો. તેની સમક્ષ આખો ઈતિહાસ તરી આવ્યો. ‘પોતાને ભયંકર સ્વપ્ન આવ્યું તે. રાણી કૌલાદેવીએ સ્વપ્નું જોયું હતું તે. સોઢલજી ચાંગદેવનો નિર્ણય લાવ્યો હતો તે. બધામાં એક જ વાત હતી. રખડી મરવાની! આ વજીર નુસરતખાને શું ખોટું કહ્યું હતું?’ તે મનમાં ને મનમાં વિચારી રહ્યો. ‘કેવળ ઉજ્જવળ રાજપૂતી સિવાય બીજું કોણ આમાં સહાયક છે? આ જુદ્ધને અંતે પોતાની સર્વનાશ છે.’ એ વાતની વઝીરના કાગળમાં યાદી આવતાં રાજા કરણરાય જરાક લેવાઈ ગયો. તે મહારાણી સામે જોઈ રહ્યો. સોઢલજી ઉપર એક દ્રષ્ટિ કરી. માધવ મહામંત્રીનું મન માપવા તેની સામે જોઈ રહ્યો. અંતે પોતે ઉગ્ર નિર્ણય કરતો હોય તેમ પોતાના બંને હાથને જોરથી દાબીને શાંત બેઠો રહ્યો.
રાણી કૌલાદેવી એનો કેસરિયો નિર્ણય કળી ગયી હતી. તે પ્રેમથી રાજાની સામે જોઈ રહી.
સામંતો, સરદારો, મુખ્ય મંડલેશ્વરો, હવે રાજા આ સંદેશાનો શું જવાબ આપે છે તે સાંભળવા માટે અધીરા થઇ ગયા.
સૌ જાણતા હતા કે જે જવાબ આપવો હોય તે આજ કે કાલમાં જ આપવાનો છે, પછી તો વાત હાથમાં નહિ હોય. કાગળ વંચાતા સુધી સૌ શાંત હતા. કાગળ વંચાઈ રહ્યો. રાજાએ બધા સામે ફરીને જોયું. ધીમેથી કહ્યું: ‘બોલો, શું જવાબ આપવો છે? એની પાસે બળ ઘણું છે. એ કિલ્લો તોડી શકશે એ નક્કી છે. આપણે નક્કી કરવાનું છે. એને કિલ્લો તોડવા દેવો – કે આપણે સામે દોડવું?’
‘સામે દોડો, બાપ! બત્તડદેવ સામે દોડ્યો’તો’, કેસરીજી મોટેથી બોલ્યો. બોલીને ડોસો ઊભો થઇ ગયો. એ ધ્રૂજતો હતો. ‘આ સમો છે બાપ! આવો સમો પછી ક્યારે આવવાનો હતો?’
‘સોઢલજી! તમે કેમ બોલ્યા નહિ?’
‘મહારાજ!’ સોઢલજી અર્થભરી વાણી બોલ્યો: ‘મેં તો પ્રભુ! જે કહેવાનું હતું તે કહી દીધું છે. અણનમ જુદ્ધના હજાર રસ્તા છે. બાકી મારા પૂરતું તો અત્યારે દુર્ગપતિ છું. મહારાજે મને ત્યાં મૂક્યો છે. હું દરવાજે જ ખડી તલવારે ઊભો હોઈશ. લડીશ, મરીશ, પડીશ કે બચીશ તો ત્યાં જ. એ સ્થાન હું છોડી ન શકું! મારું સ્થાન તો મહારાજે અવિચળ થાપી દીધું છે. એટલે મારે બોલવાપણું ક્યાં છે? હું તો ક્યારનો કેસરિયાંને વરી ચૂકેલો છું.’
‘મહારાજ! હવે આપણે કેસરિયાં જ કરવાનાં છે એમ?’ સિંહભટ્ટ બોલ્યો.
‘કેમ તમને નવાઈ લાગે છે, ભટ્ટરાજ?’
‘નવાઈ ન લાગે? અમે તો ઠીક.’ સિંહભટ્ટ અર્થભરેલી રીતે મંત્રી સામે જોઇને બોલ્યો: ‘પણ મહામંત્રી જેવા બોલતા નથી એની નવાઈ લાગે છે. પછી બહુ મોડું થાશે ત્યારે બોલ્યા ન બોલ્યા બધું સરખું હશે.’
માધવે બે હાથ જોડ્યા: ‘મહારાજ! ભટ્ટજીની વાત સાચી છે. અમારે કહેવાનું આટલું જ છે. કેસરિયાં જુદ્ધ કરવું હોય તો એ કરવાવાળાનો આંહીં ક્યાં તોટો છે? મહારાજ નિર્ણય કરે તેટલી જ વાર છે!’
‘નિર્ણય કર્યો જ છે મહેતા! એમાં બીજા શા લેખ વાંચતા’તા? કાલે પ્રભાતે સવારમાં, સૂર્યોદય વખતે, રાજજોષીને બોલાવો, ભાટ ચારણ દસોંદીને દાન આપવા મંડો. રણગીતો શરુ કરાવો. ઢોલ, શરણાઈ, ભેરી નફેરી, રણશિંગા ઉપડાવો.
‘આ પાટણનગરીને આપણે આજે છેલ્લી જેવી છે તેવી, જોઈ લઈએ. કાલે હવે દરવાજા પૂરેપૂરા ખોલી નાખો સોઢલજી! આપણને બત્તડદેવે મારગ બતાવ્યો છે, ભલે તુરુક માનતો હોય કે એ જીતી ગયો. અંતે જીતી તો આપણે જ જઈશું. લૂંટારુઓ ક્યાંય જીતતા નથી. જીતે છે રજપૂતી. આપણે લડાઈ માગવા નહોતા ગયા. એને લડવું જ છે તો ઘેર ઘેર સંદેશો મોકલી દો. કાલે કેસરિયાં છે. આવવું હોય તે દોડ્યા આવે!’
‘એ જ નિર્ણય હોય મહારાજ! તો બીજો સંદેશો પણ મોકલાવી દો!’ રાણી કૌલાદેવીએ શાંત મક્કમતાથી કહ્યું.
‘શું?’
‘કાલે જૌહર પણ છે. રાજચોકમાં સૌ આવી જાય. જેને લહાવો લેવો હોય તે!’ રાણીએ નિશ્ચલતાથી કહ્યું. સાંભળનારા સૌ ધ્રૂજી ગયા. પણ તમામના ચહેરા ઉપર નિશ્ચયની ભીષણતા આવવા માંડી. કેસરી જુદ્ધના વિચારે ઘણાને આનંદ આપ્યો હતો. કેટલાકને આ કંટાળાભરેલું ગોફણિયા જુદ્ધ છોકરાની રમત જેવું લાગતું હતું. તે સૌ એકી સાદે બોલી ઊઠ્યા: ‘બરાબર કહ્યું છે મહારાજ! બરાબર છે. પાટણનગરીના વિસર્જનને આવો નિર્ણય જ છાજે!’
માધવને ચિંતા થઇ પડી. તેને લાગ્યું કે મહારાજનો દુરાગ્રહ ઝીલનારા ઘણા વધુ છે. તે ઊભો થયો. તેણે બે હાથ જોડ્યા. ‘મહારાજ! મારે એક બીજી વાત કહેવાની છે. જો આ જુદ્ધને જીવતું રાખવું હોય, જો ગુજરાતને જીવાડવું હોય, જો ગુજરાતની પ્રજાને સજીવન રાખવી હોય, તો મહારાજ! તમે પોતે છીંડું પાડીને ભાગી નીકળો. છીંડું પાડીને ભાગો – તુરુક દેખતો હોય તો ભલે તમને દેખે. દેખી જાય તોપણ એ તમને પકડી રહ્યો. રણપંખીણીને બત્તડદેવે આંહીં મોકલી છે જ એટલા માટે. એવી સાંઢણી ભારતભરમાં અત્યારે ક્યાંય નથી. એ આંહીં છે, એ વસ્તુ ચોક્કસ છે. તુરુકને હાથતાળી દઈને મહારાજ જુદ્ધને જીવતું રાખવા ભાગી જાય. ખેરાળુ માર્ગે મહારાજ જાય. આશાવલ તરફ જાય, બધે આગળ વધવાનો બંદોબસ્ત ક્યારનો થઇ ગયો છે. હું આ માગું છું. આ મારી સલાહ આપું છું.
માધવની વાત સાંભળીને જ સોઢલજી પણ બોલી ઊઠ્યો: ‘મહારાજ! મને પણ એમ જ છે! તુરુક પહોંચે તેમ નથી. એવી ઝડપી સાંઢણી છે. ને આગળ જતાં બધી દિશામાં બધી રીતનો બંદોબસ્ત છે. જુદ્ધ તો જીવતું રહેશે. જુદ્ધ મરવું ન જોઈએ – ભલે આંહીં કેસરિયાં થઇ જાય તો પણ.’
‘મહારાજ! એ જ વાત મારી હતી. જુદ્ધ જીવતું હશે. જુદ્ધ જિતાશે. મહારાજ હશે તો દેશ હશે.’ સિંહભટ્ટ બોલ્યો.
પણ કરણરાયનો ચહેરો સ્વાર્પણના તેજથી પ્રકાશી ઊઠ્યો હતો. એની આંખમાં એક અનોખી ચમક આવી ગઈ હતી. અનેક રાજપૂતવીરો એ જોઈ રહ્યા હતા. એમને પણ આ કોઈની વાત ગમતી ન હતી. કાંઈક ઉતાવળા જરાક આકરા વ્યગ્ર અવાજે એ બોલ્યો: ‘તો તો આ બિચારે વજીરે વાત મોકલી છે એ શું ખોટી છે માધવ મહેતા! રાજ રહે છે. સૌ સુખી રહે છે. આપણને એની દોસ્તી મળે છે. આ બધું કરવા કરતાં એક સોનીને જ બોલાવો ને મારું પૂતળું ઘડી કાઢો સોઢલજી! હવે તો તમે એ જ કરશો! ભાવિની અનિવાર્યતા ટાળવી હોય તો આ સહેલો રસ્તો ને બેય વાત!’ બધા મહારાજ સામે જોઈ રહ્યા. એમની વાત અગમ્ય હતી. પણ વાતમાં સ્પષ્ટરીતે ઠપકો હતો. માધવે હાથ જોડ્યા: ‘મહારાજ આપણે બીજી વાત જવા દઈએ. સમય વરતવાનો છે. કોઈ ભીરુ બનીને, આંહીંથી ભાગતું નથી!’
‘ભાગનારા બહાદુર ગણાય એ નવી નવાઈની વાત આજ જાણી મહેતા! આંહીં મારાં પ્રજાજનો, જે મારા આધારે આજ દિવસ સુધી આંહીં રહ્યા તેમણે હવે હું ખરે ટાણે છોડીને ભાગું એમ? એ સર્વનાશ વહોરે – ને હું ભાગી જાઉં એમ? તમે મને પથરો નથી માન્યો નાં? માધવમંત્રી! આ તમે બોલો છો શું? હું કરણરાય ભાગું? હું પાટણનો રાજા ઊઠીને સૌથી પહેલો ભાગું? હું સોલંકી કુળને લજાવું એમ? તમારા બોલ, મહેતા? પાટણના મંત્રીના બોલ નથી. સર્વનાશ કાલે શું, આજે ભલે આવતો. હું તો આંહીં જ લડીશ, પડીશ, મરીશ કે ફના થઈશ. હું ભાગું નહિ.’
‘મહારાજ! રા’નાં વેણ યાદ કરો. રા’માંડલિકના. રા’એ શું વેણ લીધું હતું? શા માટે? રા’એ શું કહ્યું હતું? કારણ કે રા’ જાણતા હતા. અવિચળ બહારવટું ખેડનાર જ છેવટે મોટા રાજને પણ પોલાં કરી નાખે છે. એને પરંપરાથી આ વાત સમજાઈ ગઈ છે. આપણે આજે એ કરવી છે. અવિચળ બહારવટું. ગુજરાત હવે જંપે નહિ. જંપવા દે નહિ. એક વખત વનરાજ મહારાજના જમાનામાં એણે પાંચ દસકાએ કરી બતાવ્યું હતું. આજે ફરીને આપણે કરી બતાવવાનું આવ્યું છે. તુરુકના ધામા આંહીં પડવાના છે એ ચોક્કસ છે. ને આપણે માટે આ માર્ગ છે, એ આપણને જિવાડશે. જિતાડશે.’
‘એ કરી બતાવવા માટે છે મારા બે કુમારો: વર્ષાંગદેવ, સારંગદેવ. ભગવાન સોમનાથને મેં એ સોંપ્યા છે. મોટા થાશે. જાણશે. કોઈ દસોંદી ભાટ, ચારણ એમની પરંપરાને બોલતી કરશે, ત્યારે એ ઉદ્ધાર કરવા નીકળી પડશે. મારો ધર્મ તો આંહીં મરી ખૂટવાનો છે. એ હું છોડવાનો નથી. હું ભાગવાનો નથી. હું કાલે રણકેસરિયાઓને દોરવાનો છું. જેણે આવવું હોય તે તમામ અત્યારે જ તૈયાર થઈને આવી જાય. નગરમાં ઢંઢેરો પિટાવી દો.’ કરણરાયનો અવાજ કોઈ અલૌકિક રણકો ધારી રહ્યો: ‘આજ આને આ નગરીને આંખ ભરીને જોઈ લઈએ. રાણીજી! આજ તમે પણ બધે ઘૂમી વળો!’
માધવ મહેતાએ ડોકું ધુણાવ્યું: ‘ના મહારાજ! ના. એ વાત મને ગમતી નથી. આ નીતિ તો તુરુકને ફાયદો કરે. એને વિજય રસ્તો મળે. ગુજરાત રોળાઈ જાય. પ્રજા પાયમાલ થાય. બધે ગુલામી મનોદશા એમાંથી જન્મશે. પછી કોઈ સ્વતંત્રતાને ઓળખશે નહિ. કોઈ જાણશે નહિ કે પાટણ મહાન હતું, એની રાજ્ય પરંપરા મહાન હતી. એનાં ખંડેર થઇ જશે. ખંડરના પથરા પણ રખડી પડશે. કોઈ ક્યાંય – કોઈ ક્યાંય. મહારાજ! લાંબુ ટકવું જરૂરી છે. હજી મારું માનો. પ્રતાપચંદ્રને ત્યાં જઈને ફરીથી રણધ્વજ રોપો! રણધ્વજ જીવતો તો રહે, જો રાજા રહે. માટે મહારાજ, કેસરિયાં દળને ન દોરે. આ મારી છેલ્લી વિનંતી છે. એ દોરવાવાળા આમે આહીં પડ્યા છીએ.’
માધવની વાણીમાં આદ્રતા આવી ગઈ. એણે કૌલાદેવી સામે જોયું. કૌલારાણીને બધું યાદ હતું. મહારાજનો નિર્ણય, મહારાજનું સ્વપ્ન, પોતાનું સ્વપ્ન. રાન રાન ને પાન રખડતો પેલો મુફલિસ ઘોડેસવાર! એ આકાશમાં ચિત્ર જોતી હોય તેમ જોઈ રહી! એણે મહારાજ સામે જોયું. એમાં અનોખું તેજ હતું. એને નમવાનું કહેવા કરતાં માણસ ઝેર પીવાનું પસંદ કરે, એટલી બધી ભીષણ નિષ્ફળતા, મહારાજના ચહેરા ઉપર બેઠી હતી. એને અત્યારે એના આ રૂપમાં નમવાનું કહી કોણ શકે? છતાં તેને પણ લાગ્યું તો હતું કે માધવે બતાવ્યો હતો એ એક જ માર્ગ એવો હતો જેમાં જુદ્ધ જીવતું રહે, જીતવાનો માર્ગ પણ જીવતો રહે. પણ અનિવાર્ય ભાવિ સામે જુદ્ધે ચડેલા રણરંગી રજપૂતની છટા અત્યારે મહારાજના ચહેરા ઉપર આવી ગઈ હતી. રાણી વિચાર કરી રહી: ‘મહારાજ ન માને તો શું? કેસરિયાં ને જૌહર! રાખ ને ખાખ. તે વિચાર કરી રહી. તેણે અત્યંત મૃદુતાભરેલા પણ દ્રઢ અને શાંત અવાજે કહ્યું: ‘મહારાજ! પાટણને માટે આ કોઈ નવી વાત નથી. મહારાજ વનરાજે, વરસો વનને આપ્યાં હતાં. મહારાજ મૂલરાજદેવ મરુભૂમિમાં પાણી વિના રખડ્યા હતા. એની રાણીને એક ખોબો પાણી મળ્યું ન હતું. મહારાજ ભીમદેવે, સોરઠી સમુદ્રને એક નાના તરાપામાં ઉલ્લંઘ્યો હતો. મહારાજ લઘુ ભીમદેવ થોડા વખત પાટણમાં રાજા તરીકે હતા નહિ... કોણ જાણે ક્યાં રખડતાં હતા! આ બધું તમે કેમ ભૂલી જાઓ છો મહારાજ? પણ એ બધા જ અણનમ હતા. અણનમ રહેનારો જ છેવટે જીતે. આજે આપણે એ અણનમ રાજપૂતીને આધાર લેવા માટે ભાગવું પડે છે, બીજા કોઈ કારણથી નહિ. પણ હું મહારાજની સાથે પડછાયાની જેમ જવાની છું હો મહેતા! એ વાત જો કબૂલ હોય તો મહારાજને હું મનાવું!’
‘અરે! રાણી! તમે ઊઠીને આવા બોલ બોલો છો? રજપૂતી બધે ધ્રૂજી જશે. આખી પાટણનગરી આપણા નામ ઉપર થૂંકશે. કહેશે રાજા ઘેલડો હતો રાણી મૂરખ હતી. મોટે ઉપાડે જુદ્ધથંભ રોપ્યો અને પછી આપણને છોડીને ભાગી ગયા! એનો જવાબ કોણ દેશે?’
‘કહેવાવાળા તો કહેશે, પણ મહારાજ! આપણે એ જુદ્ધથંભને એવે ઠેકાણે રોપવા જઈએ છીએ, જ્યાંથી એને ઉખેડવા આવનારો કાં પોતે જ ઊખડી જશે! વિચાર કરો મહારાજ! આ વસ્તુ આપણે માટે જરૂરી છે. લોકો તો બોલશે જ, ડાહ્યાઓ સમજશે. હસવાવાળા હસશે. તુરુકો તાળી પાડશે અને...’
‘અને મહારાજ! અમારા જેવા આંહીં કેસરિયાં પણ કરશે, કે જેથી પાટણ ઉપર કલંક નહિ આવે. મહારાજ જાય છે, તેથી શું? મહારાજનો દુર્ગ કાંઈ જાય છે? એ દુર્ગ અણનમ રહેશે. પછી કોઈને શું બોલવાનું છે?’ સોઢલજી બોલ્યો. એને લાગ્યું કે જો કરણરાય ભાગે, તો પેલાં ભયંકર પરિણામોમાંથી પણ બચે. પણ જો ભાગવું હોય તો આજનો અને અત્યારનો જ, અરધી રાતથી બે ઘડી સુધીનો સમય હતો. પછી તો એ વખત પણ ન હતો. પછી કાં તો રણ, કાં તો મરણ, કાં શરણ. ત્રણ જ માર્ગ રહે. અને શરણ તો પાટણપતિને હોતાં નથી.’
સિંહભટ્ટે હાથ જોડ્યા: ‘મહારાજ! મહાઅમાત્યની વાત અત્યારે બરાબર છે. હું બ્રાહ્મણ ઊઠીને, તમને સોમનાથના રક્ષણે જવાને બદલે, આવી છીંડું પાડીને ભાગવાની વાતમાં ઉત્તેજું કે? પણ આમ કરવાથી બધાં બચશે.’
કરણરાય ઊંડા વિચારમાં પડી ગયો. એક વાત એને બરાબર સમજાતી હતી. એ આકર્ષક પણ લાગતી હતી. બાગલાણના દુર્ગને સરજાવવાની. પણ આંહીંથી ભાગવું એમ? એને કાળી ટીલી ગમતી ન હતી. માધવ ફરીને બોલ્યો: ‘મહારાજ! લાંબી વેળા નથી. વિચારવાનો પણ સમો નથી. પગલું ભરવા જેટલો જ માંડ વખત છે. પછી બધું જ નકામું છે. બધા બાગલાણમાંથી જુદ્ધ કરે એવું કરવું હોય તો તત્કાલ, પગલું ભરવું જોઈએ. તત્કાલ મહારાજ!’
‘કેસરીજી શું કહે છે?’ કરણરાયે મંદ અવાજે કહ્યું.
‘હું શું કહું બાપ! આ તો તમારી મોટી વાતું છે. રણથંભ બીજી રોપાતો હોય ને જીવતો રહેતો હોય તો તો પછી મારે પણ શું કહેવાનું હોય? રાત જેવું ધાબું છે. રણપંખણીને બત્તડદેવે કેવાં ઘીદૂધ પિવરાવ્યાં છે, તેની ખરી ખબરું આજ પડશે. આંહીંથી નીકળશો, ત્યાં સવારની ટહર ગુજરાતને છેક સીમાડે ફૂટશે એ જાત છે. પવનવેગી કીધી ન જાય. રણપંખણી આંહીં બત્તડદેવે મોકલાવી હતી જ એટલા માટે. વખત છે, ખપ પડે. એને પહોંચનારી ભારતભરમાં કોઈ નથી. એટલા માટે વાઘોજી આવ્યા ત્યારે માધવ મહેતા એ કહ્યું હતું કે, એને ને તમારે આંહીં રહી જાવાનું છે, એને માથે વાઘોજી હોય એટલે થઇ રહ્યું. સાથે કોણ ઢૂંકે છે?’
‘એ તો હું!’ ઉતાવળે સિંહભટ્ટ બોલી ગયો. કરણરાયને ભટ્ટની વાણી સાંભરી. એણે પોતાની પડખોપડખ રહેવાની માગણી એની પાસે ક્યારની કરી દીધી હતી. વળી એ આ બધી દશનો જાણીતો હતો. વિશ્વાસુ હતો. બહાદુર હતો. મહારાજે ડોકું ધુણાવીને હા પાડી.
અત્યારે વાતને વધુ ચર્ચવા જતાં વાતનું વતેસર થવાનો પૂરેપૂરો ભય હતો. ઊપડવું હોય તો આ પળ નથી, નહિતર એકે પળ ન હતી.
માધવ મહેતો મહારાજને બે હાથ જોડીને નમી પડ્યો: ‘મહારાજ! મારે નામે ભયંકર કાલી ટીલી ન આવે, ને ગુજરાતને છેવટે પણ આપણે મરવા ન દીધું એમ કહેવાય એટલું મારું નામ રહી જાય, માટે આ મારી માગણી સ્વીકારો. અને આ પળે જ ભાગો. છીંડું તૈયાર જ છે. આંહીંનું રણમેદાન કોઈને છોડવું ન ગમે એ તો બધાય સમજે છે. સોમનાથને પડખે ન દોડે એવું અભાગ કોણ વહોરે? પણ આ તો મહારાજ! રણથંભ જીવતો રાખવાની વાત આવી પડી છે. બધી વાત કરતાં એ વાત મોટી છે. તો સોમનાથ પણ રહેશે. તમે એમ સમજોને મહારાજ! કે તમે તમારી ભેગો રણથંભ લઈને જાઓ છો. એ રણથંભ જ બધાને ફરીને જિવાડશે!’
‘એ તો બધું ઠીક હવે, મન મનાવવાની વાતું છે, પણ મને એક વાત અસર કરી ગઈ છે. જો પાર પડે તો. એનો વિચાર કરું છું. એટલે આ કરવા જેવું લાગે છે. એક વખત આખા ગુજરાતને ફરીથી ઊભું કરીને આને દેખાડી દઉં એમ થઇ ગયું છે. એવો અગન બધે આંહીં લાગી ગયો છે, મહેતા! મહારાજે પોતાની છાતી સામે આંગળી કરી. ‘આંહીં બધે અગન ભર્યો છે!’
‘મહારાજ! ત્યારે તો તમે મારા મનની જ વાત બોલી રહ્યા છો,’ કૌલાએ કહ્યું, ‘એક વખત આ મીલીચ્છીકારને બતાવવું છે, કે એણે જે ધંધો આદર્યો છે, એ એને જ ભારે પડવાનો છે. કોઈની ઈજ્જત નહિ. કોઈનું માન નહિ. લૂંટવાની બાળવાની જ વાત. હું મહારાજની પડખે જ છું, ને પડખે જ રહેવાની છું. મેં હવે પાલખી છોડી દીધી છે. હવે તો જયશ્રી તોખાર જ્યાં લઇ જાય ત્યાં મહારાજની વાંસોવાંસ હું નીકળવાની છું. તોખાર સાંઢણીને આંટે એવો છે. ભટ્ટરાજ! તૈયારી કરો. એક પળ ગુમાવવી પોસાય તેમ નથી.’
‘પ્રભુ! કોઈને બીજાને હવે સાથે લેતા નહિ. જેમ થોડા, તેમ ભાગી જતાં કોઈ કળી ન શકે. વધારે માણસોની વાત તરત જાણ થઇ જશે. સોઢલજીને પૂછીને કઈ દશ સાધવી તે નક્કી કરીએ.’
‘પણ દેવળ? અરે! રાણી! દેવળનું શું?’
‘રાજકુમારી મારી સાથે રહેશે, મહારાજ!’ સિંહભટ્ટ બોલ્યો: ‘સિંહભટ્ટ ન હોય ત્યારે એનો વાળ વાંકો થાય. મારે જીવને જોખમે રાજકુમારીબાને સાચવવાં મહારાજ! એ મારા માથા ઉપર!’
કરણરાયને અત્યારે તો માધવ મંત્રીની એક વાત સ્પર્શી ગઈ હતી. રણથંભ જીવતો રાખવાની. રણધ્વજ ઊડતો રાખવાની. હમ્મીરનો રણથંભોર ને ગુજરાતનો આ રણથંભ. એને રા’ની વાણી યાદ આવી ગઈ. વર્ષો સુધીની અણખૂટ અણનમ રણભૂમિ એણે હવે ઊભી કરવી રહી. એટલા સારુ જ એ જવા માટે તત્પર થયો. છતાં અંદરથી એનું મન બળી રહ્યું હતું. પોતે રાજા ઊથીઈને, નગરી છોડી દેતો હતો. પણ બીજો ઉપાય ન હતો. એ હવે રણથંભ રોપવા જતો હતો. એ રણથંભ કોઈ દી ઊખડવાનો ન હતો. કરણરાયના દિલમાં એ વાત ચાલી હતી. આખું ગુજરાત આ રણથંભને આધારે ફરી એક થાય. ઊભું થાય. પડે છતાં ટકી રહે. પડે, પડે ને ન પડે, એવું એને આધારે થાય, તો એનું નીકળવું સાર્થક થાય. એને બાગલાણનો વજ્જરદુર્ગ સાંભરી આવ્યો. રાજા પ્રતાપચંદ્રની વાત સાંભરી. અકસ્માત એ સ્વપ્નાને દિવસે આવ્યો હતો. ને આજે એ જ એને સાંભરતો હતો. તુરુક ત્યાં ભલે સેંકડો ને હજારના દળ લાવે, ભલે અગનગોળા લાવે, ભલે આગ, તીર ને પથ્થરો વરસાવે. મહારાજ કરણરાયે ભયંકર નિશ્ચય કર્યો હતો. કે ગમે તે થાય પણ પાટણપતિ તુરુકને ન નમ્યો, તે છેવટ સુધી ન જ નમ્યો. એ ઈતિહાસ ખુદ વિધાતા પણ હવે ફેરવી ન શકે એટલે એણે હવે જવું જોઈએ. બાગલાણમાં ગુજરાતનો રણથંભ રોપવો જોઈએ. અણનમ રાજા પ્રતાપચંદ્ર સાથે એણે જુદ્ધને જીવતું રાખવું જોઈએ. અત્યારે પાછળ રહેતા મરણિયા સૌને, તે પોતે પ્રેમથી નમી રહ્યો.
માધવની વાત સ્વીકારાઈ હતી. એની એ નિશાની હતી પણ એણે હવે તાત્કાલિક જ ઊપડવું જોઈએ. તેણે મહામંત્રી માધવ સામે જોયું, ‘માધવ મહેતા! નગરીને છેલ્લા પ્રણામ કરીને જવાની આ પળ આમ આવશે એ કોણ જાણતું હતું? આપણો રણથંભ જીવતો રહી જાય તો તો આ ભાગવું સાર્થક થાય. ભગવાન સોમનાથ એ કામ પાર પાડે. ઠેકાણે ઠેકાણેથી બધાને ઊભા કરવાના છે. તુરુકનો પણ આંહીં થીર ન થાય એ હવે જોવાનું રહે છે. હે નગરી! હે મા જનની!’
કર્ણદેવનો અવાજ કરુણ બની ગ્યો. તે બે હાથ જોડીને ચારે તરફ ફરીને નગરીની નમી રહ્યો.
સૌ બે હાથ જોડી રહ્યા.
માધવ મહામંત્રીએ પાટણની પ્રશસ્તિ ગાઈને તેને અંજલિ આપી.
સોઢલજી તરત મહારાજ પાસે આવ્યો. તેણે મહારાજને ચરણે તલવાર ધરી: ‘મહારાજ! દુર્ગપતિ તરીકે આંહીં હું રહું છું. મહારાજ મને આશીર્વાદ આપે. આપણી નગરી હજી પણ અણનમ રહે. આશા અમર છે!’
કરણરાયે તેના માથા ઉપર હાથ મૂક્યો: ‘સોઢલજી! તમે છો, એટલે હું જાણું છું કે હું આંહીં છું. મારી આબરૂ તમારા હાથમાં સહીસલામત છે!’