૨૪
મરણિયા જુદ્ધનો નિર્ણય
બત્તડદેવે મહુડાસામાં જે હવા ઊભી કરી હતી, તેની કસોટીને બહુ વાર ન હતી. માધવ ગયા પછી થોડા દિવસે બત્તડદેવને સમાચાર મળ્યા. સુરત્રાણનું સેન ડુંગરપુરમાં આવી રહ્યું છે.
આનો અર્થ સ્પષ્ટ હતો. મેદપાટે રસ્તો આપી દીધો હતો. એટલામાં તો સરહદ ઉપરનાં ચોકીદારો પણ ઉતાવળા દોડતા આવ્યા.
બત્તડદેવે તરત માધવ મહેતાને પાટણમાં સમાચાર મોકલ્યા. ત્યાંથી થોડા સૈનિકો આવ્યા, પણ સાગરની સામે પોતાના થોડાક મરણિયાના બળથી ઝૂઝવાનું હતું. બત્તડદેવ એને માટે તૈયાર હતો. તેણે કિલ્લો બરાબર સમરાવી લીધો. બુરજે બુરજે માણસો મૂકી દીધાં. દરેક દરવાજે રાતદીની ખડી ચોકી રાખી દીધી. ખાઈમાં પાણી વહેતાં કર્યાં. રેતીના કોથળાઓ ગઢમાં ખડકી દેવરાવ્યા. પોતે મરણિયા તૈયારી કરીને સુરત્રાણના સેનની રાહ જોતો બેઠો.
એક દિવસ સંધ્યા સમયે એ કિલ્લા ઉપર ઊભો હતો. આસપાસમાં એના જેવા જ મરણિયા જોદ્ધાઓ હતા. દૂર દૂર એમણે આકાશમાં વાદળ ચડતાં જોયાં.
વધારે ઝીણવટથી જોતાં લાગ્યું કે તુરુષ્કો આવી રહ્યા છે.
તરત ગામમાં ઢોલ વાગ્યો. નગરે ઘાવ પડ્યા. શંખનાદ ફૂંકાવા લાગ્યા. ઘેરઘેરથી જુવાન, વૃદ્ધો સૌ હથિયારો લઈને રાજદરબાર પાસે ભેગા થયા.
તમામને ખબર હતી. આ મરણનું જુદ્ધ છે. તમામ જાણતા હતા કે સાગરની સામે ખાબોચિયા જેવી આ વાત છે. પણ કોઈના ચહેરા ઉપર નિરાશા ન હતી.ક્યાંય પરાજિત માનસની કલ્પના પણ ન હતી. બધાના મનમાં એક જ વાત હતી. આપણે જીવતાં દુર્ગ લેવા દેવો નથી. જીત આપણી છે, કારણકે મૃત્યુનો મહોત્સવ આપણે માણવાનો છે. જીતનારના હાથમાં કેવળ રાખના ઢગલા રહેવાના છે!
આવા ભયંકર કૃતનિશ્ચય માણસો ત્યાં ભેગા થઇ ગયા. જોતજોતામાં એમની સંખ્યા ત્રણેક હજારની થઇ ગઈ.
ગામના મોટા ચોકમાં સૌ આવવા માંડ્યા. વૃદ્ધો, બાળકો, જુવાનો, સ્ત્રીઓ, આખું ગામ ત્યાં આવ્યું.
બધાં આવી ગયાં. એટલે બત્તડદેવ પોતે આવ્યો. તેના એક હાથમાં જબરદસ્ત ભાલો હતો. એને ખભે મોટું તીરકામઠું લટકતું હતું. એના હાથમાં તલવાર હતી. એના ચહેરા ઉપર કોઈ અનોખી ખુમારી હતી.
એને ત્યાં આવેલો જોતાં જ એક ગગનભેદી અવાજ ઊપડ્યો: ‘કરણરાયની જે! બત્તડદેવની જે!’
બત્તડદેવ ત્યાં આવીને મોટા ઓટલા ઉપર ઊભો રહ્યો.
કાંકરી પડે તો સંભળાય એવી શાંતિ થઇ ગઈ.
‘તુરુકો આવ્યા છે.’ બત્તડદેવ બોલ્યો: ‘અને મુકામ કરી રહ્યા છે. એમનો હલ્લો રાતે આવશે કે સવારે આવશે. આમાંથી જે કોઈને હજી ધરતીમાં રસ માણવાનો રહી ગયો હોય, તેને જવા માટે દરવાજા ખુલ્લા છે. રક્ષણહારો એમની સાથે જશે, ને એમને સહીસલામત મૂકી આવશે. જેમને જવું હોય તેમને છૂટ છે. જવું હોય તે હાથ ઊંચો કરે.’
આખી માનવમેદનીમાંથી એક પણ હાથ ઊંચો ન થયો.
બત્તડદેવે ફરીથી કહ્યું: ‘જુઓ ભાઈ! દેખાદેખીથી કે શરમાશરમીથી લડવામાં મજા નથી. મોક્ષ પણ નથી. ભાગવાનું મન હોય તે ભાગે. ભાગવાનું મન મોડું થશે, પછી તો આંહીંથી ભગાશે પણ નહિ. ખાઈ ઉપરનો એક પુલ રહ્યો છે તે હમણાં જ ઉપડી જવાનો છે. ખાઈમાં તો નરી સર્પોની ને વીંછીની જમાત છે. જવું હોય તે હજી જાય. સમય છે. કોઈ પૂછવાનું નથી કે તમારે કેમ જવું છે? કોઈ કહેવાનું નથી કે આ બાયલાપણું ક્યાંથી આવ્યું? જેને જવું હોય તે જાય. ઉગમણી તરફનો દરવાજો ખુલ્લો છે. રસ્તો પણ ખુલ્લો છે. ઊભો થઈને ચાલતો જ થઇ જાય.’
બત્તડદેવના પ્રત્યુત્તરમાં ‘જય સોમનાથ’ની ડુંગરાના ડુંગરા ભેદી નાખે તેવી રણહાક ઊપડી. ધૂણાઈ, દેવરાજ, રામનાથી, ઓધારી બધી ટેકરીઓમાંથી પડઘા આવ્યા, ‘જય સોમનાથ!’
બત્તડદેવે લાંબો હાથ કર્યો ને ફરી શાંતિ થઇ ગઈ.
‘મને ખાતરી તો હતી ભા! કે આ મહુડાસામાં હવે કોઈ ઠોલિયો રહ્યો નથી. પણ આજ વધુ ખાતરી થઇ ગઈ. મારી પડખે ત્રણ હજાર માણસો બેઠા છે એમ હું માનું છું. અપને સૌને મરવાનું છે. બની શકે તો કોઈને જીવવું નથી. પણ આપણે આપણું મૂલ પૂરેપૂરું વસૂલ કરવાનું છે. ત્રણ ત્રણ તલવાર ભાંગે નહિ, ત્યાં સુધી પાછું પગલું દેવાનું નથી. આપણે આંહીં તુરુકને પહેલવહેલો એવો ઘા મારવો છે કે ઈ બેટો, દિલ્હી સુધી આપણને સંભાર્યા કરે.’
બત્તડદેવે છેલ્લો દાણો દાબ્યો: ‘હા પણ એક બીજી વાત કરવાની રહી જાય છે. આપણે નમતું જોખીએ તો આપણું નામ લીધા વિના તુરક હાલ્યો જાય તેમ છે. બોલો છે કોઈનો વચાર?’
બત્તડનો કોઈએ જવાબ વાળ્યો નહિ. પણ એક માથાભારે જેવો વૃદ્ધ જણાતો જોદ્ધો આગળ આવ્યો; તે બત્તડદેવ સામે જોઈ રહ્યો. પછી કરડાકીથી બોલ્યો: ‘ઠાકોર! અટાણે મરણટાણે મશ્કરી સૂઝી છે કે શું? આવી નવી નવાઈની વાત અમે તો ચાર દહાડામાં કોઈ દી સાંભળી નથી. રસ્તો આપવાની વાત કરો મા, આ કિલ્લા કોટના પથરા રડી ઊઠશે. મારી મા જેવી, માઝૂમ નદી ખળભળી જાશે!’
ઝાંખા અજવાળામાં બત્તડદેવે બે માણસને આવતા જોયા. તેણે એક નિશાની કરી. પેલો વૃદ્ધ માણસ આગળ બોલતો બંધ થઇ ગયો.
આ તરફ જ ઝાંખા અજવાળામાં બંને જણા આવી રહ્યા હતા. સૈનિક લાગ્યા.
બંને જણાને આંખે પાટા કચકચાવીને બાંધ્યા હતા. અમને બન્ને બાજુએ બે તલવારવાળા માણસો ચાલી રહ્યા હતા.
કેમ ભા? કોણ છે દેહુભા:
‘તુરક સેનાપતિના મોકલ્યા આવ્યા છે. એમની વાત કરવાની છે!’ દેહુભાએ કહ્યું.
‘હા, આવો ને – એમના પાટા છોડી નાખો!’ બંને માણસોની આંખના પાટા છોડી નાખ્યા. એક તો કોઈ ડુંગરપુર વાગડનો જ હોય તેમ લાગ્યું. બીજો તુરક હતો.
‘બોલો ભા! કોણ છો? કેમ આવ્યા છો?’
‘અમે દિલ્હીના વજીરના માણસ છીએ. અમને દિલ્હીના વજીરે મોકલ્યા છે. અહીંના ઠાકોરને ભેટ આપવાની છે. થોડી વાત પણ કરવાની છે.’
‘હા આવો, બોલો ને, અમારે કોઈનાથી કાંઈ છુપાવવાનું નથી. શું વાત છે બોલો!’
તે આગળ આવ્યો. એણે બે હીરા ત્યાં મૂક્યા. હાથ જોડીને બોલ્યો: ‘ઠાકોર! નામદાર વજીરે કહેવરાવ્યું છે, અમારી ભેગો લાવલશ્કરનો પાર નથી. અમારે પાટણ સુધી જવું છે. રાજા કરણરાયને દોસ્ત બનાવીને પાછું ફરવું છે. તમે નાહકના શું કરવા વચ્ચે આ અડચણ ઊભી કરો છો? તમારો કિલ્લો તમને ભલે રહેતો ને વળી આ ભેટ મોકલીને. વજીર તમરી દોસ્તી પણ બાંધે છે. અમારે આજ ને આજ જવાબ પહોંચાડવાનો છે. હું નામદાર વજીર સલામતનો કાસદ છું.’
‘તમે બોલી રહ્યા?’ બત્તડદેવે જવાબ વાળ્યો. ‘કે હવે કાંઈ બોલવાનું છે?’
‘હવે કાંઈ બોલવાનું નથી.’
‘ત્યારે જુઓ, આંહીં પછી નજર કરીને આ માણસો જોઈ લ્યો. આટલા જણા આંહીં મરવાના છે. આ કિલ્લા ઉપર નજર ફેરવી લ્યો. એનો એકેય પથ્થર સાજો નહિ હોય, ત્યારે કિલ્લો પડવાનો છે. ને આમ ગામ ઉપર પણ નજર ફેરવી લ્યો. એનાં બધાય ખંડેર થઇ જાશે, ત્યારે તમારે અંદર પગ મૂકવાનો છે. બોલો કાંઈ કહેવું છે? ન કહેવું હોય તો જાઓ!’
‘અરે! પણ આ ખોટું મરણ...’
‘જો ભાઈ! તારા વજીરનો સંદેશો અમને મળી ગયો. અમારો સંદેશો તને મળી ગયો. હવે સાચું ખોટું કરતો જા. એ તો સાચું હશે તો સાચું ને ખોટું હશે તો ખોટું. ખરે ખબરું પડશે, ક્યારે કાલે સવારે હલ્લો લાવવો છો?’
‘મને ખબર નથી!’
‘ઠીક, એની આંખે પાછા પાટા બાધી દ્યો દેહુભા! ને બહાર મૂકી આવો.’
બંને જણા ગયા, એટલે બત્તડદેવે સૌ સામે જોયું. ‘આખા ગામને ઉગારી લેવું હોય તો આ રસ્તો છે. કોઈ મરશે નહિ. કોઈનું આંખ-માથું દુખશે નહિ. આપણે હાથ જોડીને ઊભા રહીએ, ભલે હાલ્યો જાતો. બોલો, કરવું છે?’
પેલો માથાભારે ગલઢો ડોસો હવે ડાંગ લઈને આગળ આવ્યો. તેણે મોટે સાદે કહ્યું: ‘આખા ગામને ઈ કરવું હોય તો મને એકને ગામ બા’રૂં જાવા દ્યો.
‘ગામ બારું ક્યાં જવું છે કેસરીજી? ત્યાં તો ગણ્યા ગણાય નહિ એટલા તુરક પડ્યા છે!’
‘તે ભલે પડ્યા બાપ! તારું ઠાકોરપદું જોઈ લીધું ને તારું પાણી પણ જોઈ લીધું. મારે ચાર વિહુંના જીવતર ઉપર ધૂળ નથી વાળવી. તમતારે કરો વહટિ. હું મારી મેળે એકલા બા’ર જઈને એકલો આડો રહીશ ને એકલો મરીશ. હું ને મારી આ...’
સણસણાટ કરતી કેસરીએ મ્યાનમાંથી તલવાર કાઢી. પણ એને એ જુસ્સાએ કાંઇકને ઊભા કરી દીધા. કાંઇકને આઘા ખસેડી મૂક્યા. ત્યાં આછા અંધારા-અજવાળામાં વીજળીની રેખા જેવી કેસરીજીની તલવાર ચમકી રહી!
‘કેસરીજી! મહુડાસાના નમે, ને એનો કિલ્લો નમે, ત્યારે તો ભા! બત્તડદેવની બોંતેર પેઢી નરક નીરખી લ્યે! આંહીં તો આ બેઠા છે એ બધા એક એક માથાં ગણી ગણીને વાઢી દેવા માટે બેઠા છે. આ તો કોઈ મોળો હોય તો વાત કરવી સારી! બોલો...’
‘જય સોમનાથ!’ મેદનીમાંથી એક પ્રચંડ પ્રતિધ્વનિ ઊઠ્યો.