૨૧
દિલ્હીનો સુરત્રાણ
વજીર નુસરતખાન સાથે માધવ મહામંત્રી સુરત્રાણના દરબારમાં ગયો.
બાદશાહનો એક હજાર થાંભલાનો મહેલ, દારુલખિલાફત દિલ્હીની ભવ્યમાં ભવ્ય ઈમારત હતી. માધવ મહેતો આ ભવ્યતા જોઈ જ રહ્યો. સિત્તેર સિત્તેર હજાર ઘોડેસવારોનું દળ જેનો હુકમ ઉઠાવવા ખડું ઊભું રહેતું હોય એ દિલ્હીના સુરત્રાણને છાજે એવી બધી ભવ્યતા આહીં હાજર હતી. દરવાજે દરવાજે સૈનિકો ઊભા હતા. ખડી તલવારની ચોકીઓ હતી. ગજદળ ને પાયદળની પંક્તિઓ હાજર હતી. પણ આખા મહાલયમાં એક વસ્તુ જાણે હવામાં વણાઈ ગયેલી માધવ મહેતા ને જણાઈ. આંહીંની ઈમારતનો એક નાનકડો પથ્થર પણ, બીજા પથ્થરનો વિશ્વાસ કરવામાં માનતો નહિ હોય. એટલી બધી આંખો એને રાજમહાલયમાં જતો જોઈ રહી હતી.
સુરત્રાણની પાસે જતાં માધવ મહેતાને એક પ્રકારની ધ્રૂજારી છૂટી ગઈ. આંહીંથી પોતે વિજય મેળવીને પાછો ફરશે કે પરાજય મેળવીને નામોશીભર પીછેહઠ કરશે એ એ જાણતો ન હતો. પણ એણે મનમાં એક નિર્ણય લઇ લીધો. ગમે તેટલી સલાહ કરવાની ખુશી બતાવો તોપણ જેમને સલાહ કરવામાં રસ જ નથી, એને તમે સલાહસંપ રાખવાનું સમજાવી શકો નહિ. દિલ્હીનું વાતાવરણ શસ્ત્રથી ભરેલું હતું. આંહીં સલાહસંપની વાત નકામી હતી. કદાચ જે ન આવતો હોય તેને તત્કાળ પ્રેરે તેવી હતી. માધવ મહેતાએ અક્કડ, અણનમ અને નિર્ભય રહેવામાં સાર દીઠો. એના ગર્વીલા સ્વભાવને તો એ ગમતી વાત હતી. મહાન રાજ્યના મંત્રીશ્વરના ગૌરવથી એ મહેલમાં પેઠો.
સામે સોનેરી તખ્ત હતું. ત્યાં સુરત્રાણ બેઠેલો જણાતો હતો. આસપાસ સેંકડો અમીર ઉમરાવો હતા. અરજ કરનારાઓનાં ટોળાં બહાર ઊભાં હતાં. સુરત્રાણની ઝીણી દ્રષ્ટિ બહાર, એક કાંકરી પણ રહેતી લાગી નહિ. દરબારમાં ઊભેલો, બેઠેલો, રાહ જોતો, દરેક જણ સુરત્રાણ પોતાને જુએ છે એમ માનતો જણાયો ને એમ સાવધ રહેતો જણાયો.
માધવ મહેતો આગળ વધ્યો. પણ જેવો બાદશાહના તખ્ત તરફ એણે પગ માંડ્યો કે તરત તેણે પોતાની સામે સેંકડો ઉઘાડી તલવારો ચમકતી દીઠી. નુસરતખાને એક જરાક લાંબો હાથ કર્યો અને ત્યાં રસ્તો થઇ ગયો. નુસરતખાન આગળ ને માધવ મહેતો પાછળ એમ બંને તખ્ત તરફ આગળ વધ્યા.
તખ્ત થોડે આઘે રહ્યું કે નુસરતખાને કુર્નિશ બનાવી જમીન સરસા ગોઠણભેર થઈને બાદશાહને વાત પેશ કરી. ‘જહાંપનાહને જાહેર થાય, નહરવાળાના વઝીર માધવ મહેતો મળવા માગે છે. મારી સાથે આ ઊભા, તે માધવ મહેતો છે.’
નુસરત ખાને ઈશારત કરી. માધવ આગળ આવ્યો. તેણે પોતાની રીત ન છોડી. બે હાથ છોડીને તે સુરત્રાણને નમી રહ્યો.
સુરત્રાણે એક અત્યંત તીવ્ર દ્રષ્ટિ વડે તેને પગથી માથા સુધી માપી લીધો. માધવ મહેતાને પણ લાગ્યું કે કોઈક વીજળી એના શરીર સોંસરવી જાણે જઈ રહી છે. એની દ્રષ્ટિ એવી વેધક ને તીવ્ર હતી. દિલ્હીને બહુ છોડ્યા વિના સુરત્રાણે બધે શી રીતે વિજય ઉપર વિજય મેળવતો હશે, તેનું રહસ્ય માધવને સમજાઈ ગયું. એની એક દ્રષ્ટિ જ, જાણે માણસનું તમામ હીર માપી લેવા માટે બસ હતી. કડક, વેધક, ભયંકર લાવે એવી તીવ્ર નજર દરબાર સોંસરવી નીકળીને છેક બહારના મેદાન સુધી ચાલી જતી હતી. વિશ્વાસુ, અવિશ્વાસુ, દગાખોર, હિંમતબાજ, નાહિંમત, તમામનાં જાણે કે દિલને એ અડીને આવતી હતી. અત્યારે માધવ ઉપર થઈને બહાર મેદાનમાં ઊભેલા ત્રણસો નવા જણાતા કાશ્મીરી ઘોડાઓની હરોળ ઉપર એ પહોંચી ગઈ હતી. બાદશાહને લાગ્યું કે આ ઘોડાં નવાં છે, એટલામાં નુસરતખાન બોલ્યો, ‘જહાંપનાહ! માધવ મહેતો શહેનશાહે દિલ્હીની હજૂરમાં ભેટ આપવા, ત્રણસો ઘોડાં લાવ્યા છે. મેદાનમાં એ ઊભાં છે!’
‘એમ? દસ્તુર મુજબ કરો. ઘોડારમાં ઘોડાં મોકલાવી દો.’ કાંઈ ન હોય તેમ બાદશાહે કહ્યું: ‘ને નહરવાલાના વજીરને લાયક પોષાક ભેટ લાવો. શું કહ્યું નામ? માધવ મહેતો?’
‘જી!’ માધવે ફરીથી મસ્તક નમાવ્યું.
સુરત્રાણે એકદમ સીધો જ સવાલ કર્યો.
‘ગુજરાતી દેશ કેવો છે મહેતા? ધનધાન ને પાણી મળે કે? ખંભાયત કેવું? નહરવાલા કેવુંક? બહુ મોટું? સોમનાથ કેટલેક આઘું? જવા માટે રસ્તો કયો સારો?’
માધવ પગથી માથા સુધી ગુસ્સાથી ધ્રૂજી ઊઠ્યો. આંહીં તો એક જ વાત હતી. અમારે બધું લઇ લેવાનું છે. રાજકાજની, સલાહસંપની કોઈની વાત જ ન હતી. એ વાત કરનારો નબળો જ મનાતો લાગ્યો.
‘પાણી અને અનાજ બે કેવાંક મળે?’ સુરત્રાણે વધારે કડક નઠોરતાથી પૂછ્યું.
‘જહાંપનાહ!’ માધવ બોલ્યો, એનો અવાજ ગુસ્સાથી ધ્રૂજતો હતો. પણ એના ગુસ્સાને સેંકડો આંખો તિરસ્કારથી જોઈ રહી હતી. એ જોઇને તો એ અક્કડ થઇ ગયો. અત્યંત ગર્વીલ વાણીમાં એણે જવાબ વાળ્યો: ‘અનાજના ને આબનાં અમારે ત્યાં લાખે લેખાં છે, પણ નહરવાલાના ત્રીસહજાર ઘોડેસવાર એ કોઈને અણહક્કના પચવા દે તેમ નથી! હું કાશ્મીરમાંથી તએક લાખ ઘોડાં બીજાં ઉતારવા જાઉં છું. જમાનો લડાઈનો છે. લડાઈ માગનારને લડાઈ મળે તેવું છે. સલાહની વાત કરનારનું, નહરવાળા દોસ્ત બને તેવું છે!’
‘બાજગુજરની દોસ્તી ખપતી હોય તેને માટે દરબાર ખુલ્લો છે!’ અને એટલું બોલીને સુરત્રાણ મશ્કરીમાં હસી ઊઠ્યો. એની મશ્કરીના પડઘા આખા દરબારમાંથી ઊઠ્યા. બધા મશ્કરીભર્યું હસી પડ્યા. પણ એટલામાં સુરત્રાણની એક કડક દ્રષ્ટિ ફરતાં જ એકદમ ગંભીરતા છવાઈ ગઈ.
‘માંગલહુર, ઝાલાવાડિ, સૂરઠ, એ કેવાંક છે મહેતા? તમારો રાય કેવોક છે?’
માધવનો ગુસ્સો વધી રહ્યો હતો. પણ એણે જાણ્યું કે આંહીં ગુસ્સો નકામો હતો. અભિમાન નકામું હતું. દોસ્તીની વાત નકામી હતી. આંહીં તો એક ઘા ને બે કટકા એ વાત હતી. આ કોઈ દરબાર જ ન હતો. ક્યાં લૂંટ કરવા જવું, એની જ આંહીં વાત હતી.
‘એ બધાં જ સારાં મજાનાં છે!’ તેણે ટૂંકો જવાબ વાળી દીધો.
સુરત્રાણ પાસે તો ગુજરાતની રજેરજ હકીકત આવી ગઈ હતી. ગુજરાત સવારીની ઘડીઓ ગણાતી હતી. પણ એણે રાજા-પ્રધાન વચ્ચે બધે બિયાબારું હોય છે, એ અનુમાને એક વધુ દાણો દાબ્યો:
‘રાય કે’ છે ઘેલો છે? સાચું?’
‘હાં, જહાંપનાહ!’ માધવે જવાબ વાળ્યો: ‘ઘેલો, પણ કાન્હડદેવજી જેવો! અણનમ રાજપૂતીને વરેલો!’
એટલામાં પોશાક, ભેટસોગાદ આવ્યાં. માધવને માન-અકરામથી એ અપાયાં. સેંકડો હાથીનું દળ મેદાનમાં આવીને ઊભું હતું, તેને જોવા સુરત્રાણ ઊઠ્યો અને આખો દરબાર ખડો થઇ ગયો.
માધવ મહેતો નુસરતખાન સાથે જતો હતો, ત્યાં એને બીજો કોઈ સરદાર જેવો દેખાતો માણસ મળ્યો.
‘વજીરજી! તમારે મારી સાથે આવવાનું છે. જહાંપનાહે તમારી મહેમાની મને સોંપી છે. હું ઉલૂગખાન, આંહીં સેનાપતિ છું. મારી સાથે ચાલો. તમારા ઉતારાપાણીની ગોઠવણ થઇ ગઈ છે.’
‘પણ મારો રસાલો?’
‘એને પણ ત્યાં બોલાવાશે. તમારે ડર રાખવાનું કારણ નથી.’
માધવ બોલ્યાચાલ્યા વગર ઉલૂગખાન સાથે ચાલ્યો.
પોતાને કોઈ કેદમાં લઇ જાય છે કે શું? એ વિચાર આવતાં માધવ એક પળભર અસ્વસ્થ થઇ ગયો.
પણ બહાર આવતાં જ એણે પોતાનાં માણસો ને ઘોડાં, પાલખી જોય ને ઉલૂગખાન સાથે પોતાને ઉતારે ગયો.