૨૦
દિલ્હીને પંથે
માધવ મહેતાએ ચિત્તોડમાં વધારે વખત ગુમાવવામાં હવે ડહાપણ ન જોયું. જૂનું વૈર લેવું હોય, ને બતાવવામાં રાજમાતાનો ધર્મ આગ્રહ હોય તેવી મેવાડની મહામંત્રીની રાજશેતરંજ માધવ કળી ગયો. કારણકે ગુજરાત ખોખરું થાય તો પોતે આંહીં સૌથી બળવાન થઇ પડે એવી ચોક્કસ આશા મેદપાટને હતી. ગમે તેમ હોય મેદપાટ આડો ઘા નહિ ઝીલે, એ વાત દીવા જેવી સ્પષ્ટ હતી. વિશળદેવે લાલચ આપીને પણ ઠીક કામ બગાડી મૂક્યું હતું, એમ માધવને લાગ્યું.
એણે કરણરાયને સંદેશો આપવા એક ઝડપી સાંઢણી મોકલી. મેદપાટનો મહાઅમાત્ય આ આખા કિસ્સામાં રસ લેવા આવ્યો ન હતો એ બહુ જ સૂચક હતું. માધવને દિવા જેમ સમજાઈ ગયું કે એણે રાજમાતાના ધાર્મિક વલણની વાત પડદા નીચે, ગુજરાત ખોખરું થાય એ જોવાની વાત છુપાવી રાખી હતી. માધવે કરણરાયને આ બધું કહેવરાવી દીધું.
વાત ગમે તે હો. મંત્રીની નીતિ સફળ થઇ હતી. રત્નસિંહ અને કુંભા જેવાની વીરશ્રી પણ અત્યારે સામનો કરવા તૈયાર ન હતી. સુરત્રાણ ભયથી રસ્તો આપે એટલી બધી તેજહીનતા મેદપાટમાં કલ્પી શકાય તેમ હતું. અત્યારે એ બંને રાજમાતાની અવજ્ઞા કરવામાં માનતા હોય તેવી રાજમંત્રીએ રચના કરી લાગી.
પણ માધવના મનમાં તો હવે ઉતાવળ આ વાતની હતી. જો મેદપાટ આડે ઊભું ન રહે તો દિલ્હી એ રસ્તેથી જ ગુજરાત પર આવે.
દેવગિરિની દોલતે સુરત્રાણને ગુજરાત ઉપર આવવા માટેની પ્રેરણા આપી હતી એ સંભવિત હતું. એ આવવાનો હતો એ પણ ચોક્કસ હતું. જલ્દીથી આવવાનો એ પણ નક્કી જણાવતું હતું. જો મેદપાટ આડે ઊભું ન રહે, તો તો સુરત્રાણ એ જ રસ્તે ગુજરાત ઉપર આવે. એ રસ્તો એને ઓછી તકલીફ આપનારો નીવડે.
કરણરાયને સંદેશો મોકલાવી દીધો. માધવ તત્કાલ દિલ્હીના પંથે પડી ગયો. એણે કોઈ પણ રીતે હવે દિલ્હીને જીતવું રહ્યું. એ દોડી રહ્યો, પણ કરુણતા આ હતી. એને પોતાની મર્યાદાની ખબર ન હતી. તેમ દિલ્હીની શક્તિની પણ ખબર ન હતી.
રસ્તે જતાં એને અનેક વિચારો આવી ગયા. એણે ઠેર ઠેર સુરત્રાણનો ભય પ્રવર્તતો જોયો. પણ બધે જ મરી ફીટવાની વાતો કરનારા બહાદુર નરો પડ્યા હતા. પણ કોઈની પાસે ભેગા થવાની વાત ન હતી. સૌ એક હોય તેમ ઊભા રહેવાની કલ્પના પણ ક્યાંય ન હતી. બધે ઉગ્ર અણનમ રજપૂતીનો વિજય હતો.
માધવ વિચાર કરી રહ્યો કે આ બધા એકત્ર થાય – પણ મોટામાં મોટો પ્રશ્ન જ આ હતો: ભેગા થઇ જાય તો તેમાં પણ મોટો ભા કોણ? આ બધાની પાસે એક જ વાત હતી. હું મોટો ભા.
એકાદ મહાન બળવાન રાજ્ય હોય, ને ત્યાં કોઈ અદ્ભુત વ્યક્તિત્વવાળો પુરુષ બેઠો ન હોય, ત્યાં સુધી હવે સુરત્રાણને પાછો હઠાવવાનું શક્ય જ ન હતું.
અને એ બનવું અત્યારે અશક્ય હતું. એ બનવું ત્યારે જ શક્ય હતું, જ્યારે ગુજરાતમાં કોઈ અભિનવ સિદ્ધરાજ આવે. કરણરાયનું એ સ્વપ્ન હતું. પણ એ સિદ્ધ કરતાં તો નેવનાં પાણી મોભે ચડે તેમ હતું એટલે એવી અશક્ય કલ્પનાઓ કરતા તો કેવળ નિરાશા જ ઊભી થાય તેમ હતું.
માધવે રસ્તે અનેક દ્રશ્યો જોયાં. રજપૂતી રંગની હજી એની એ ખુમારી બધે પ્રગટતી હતી પણ નાનકડા નાનકડા આંતરવિગ્રહો બધે ચાલુ હતા. બધે એકબીજાને વિરોધ હતો.
પોતાના કામની ખરી મુશ્કેલીઓ એણે દિલ્હીમાં પગ મૂક્યો ત્યારે એને સમજાઈ. રસ્તામાં એકે ઠેકાણે હું જાતવંત ઘોડાઓનો એક સોદાગર મળ્યો. તેની પાસેથી એણે ત્રણસો ઘોડા ખરીધ્યા હતા. આ ત્રણસો ઘોડાની ભેટ સુરત્રાણ માટે હતી. પણ સોદાગરે કહી તે વાત સાચી હતી. આખું દિલ્હી શહેર લશ્કરી મથક જેવું દેખાતું હતું. સુરત્રાણ બલ્બનના સમયમાં એણે ઊભું કરેલું દિલ્હીને ફરતું વીશકોશનું ભયંકર જંગલ હજી ત્યાં ઊભું હતું. હાથી, ઘોડા ને પાયદળનો દિલ્હીમાં કોઈ સુમાર ન હતો. માધવ મહેતાએ થોડો વખત ગુપ્ત રહી જવા માટે જમુના નદીને કિનારે એક ધર્મશાળા શોધી કાઢી. પોતે ત્યાં મુકામ કર્યો. બે-ત્રણ દિવસ એને યાત્રાળુ તરીકે અનુભવ લેવાનો વિચાર રાખ્યો.
પણ માધવના એ અનુભવે એની આંખ ઉઘાડી નાખી. એની છાતી છાતીમાં બેસી ગઈ. એને થઇ ગયું કે સ્વર્ગમાંથી દેવતાઓ આવે તો પણ દિલ્હીના સુરત્રાણને વાળ્યો વાળી શકાય તેમ નથી. જ્યાં જ્યાં એ ફર્યો ત્યાં ત્યાં બધે ભય અને સાવચેતીનું જ રાજ હતું. ભીંતો પણ સુરત્રાણની વાત સાંભળે છે, એવી ભીતિ એણે બધે જોઈ. સુરત્રાણનો બંદોબસ્ત એવો હતો કે એક કાંકરી પણ ક્યેયથી કોઈ ખેસવી ન શકે. એના પોતાના વિષે પણ વાત પ્રગટ થઇ જશે, એ ભય એને સતાવા લાગ્યો.
સુરત્રાણ વિષેની અવનવી વાતો સાંભળીને પહેલાં તો એને નવાઈ લાગી. એણે આવો જોઈ રાજા બાદશાહ હોવાની કલ્પના પણ કરી ન હતી. સુરત્રાણ અલાઉદ્દીન ખિલજી* એક અક્ષર ભણ્યો ન હતો. અણઘડ, અભિમાની, દગાબાજ ને ત્રાસનીતિમાં માનનારો હતો. એણે એના સગા વૃદ્ધ કાકાને જે રીતે માર્યો, એ વાત સાંભળીને તો માધવનાં ગાત્ર જ ઠરી ગયા! એને ઘડીભર થયું કે પોતે આવા લોકમાં આવ્યો ક્યાંથી? વહેલું-મોડું સૌને મરવાનું તો હતું જ. તો આનો સામનો કરતાં કરતાં ત્યાં સોમનાથને પાદર મરી જવામાં જ મજા ન હતી? આંહીં તો એણે ક્રૂરતા સિવાય બીજું કાંઈ દીઠું જ નહિ! એક લાખ મોગલોની, જે બાદશાહ રાજનીતિ માટે કતલ કરાવી શકે, તેની પાસેથી કોઈ સારી વસ્તુની આશા રાખવી એ મૂર્ખતાની પરિસીમા હતી. માધવે આંહીં દિલ્હીમાં સાંભળ્યું કે બાદશાહ તો મોગલો બહુ વધી પડે ત્યારે, ઢોરની પેઠે એની કતલ** કરાવી નાખે છે.
* અફઘાનિસ્તાનમાં ખલ્જ ગામ છે. ખલ્જના રહેવાસી ખિલજી એમ લેઈનપુલ લખે છે. ખલ્જ અસલ ક્લ્જ હતું ને ક્લ્જ એટલે તલવાર એમ પ્રોફેસર નદવી લખે છે.
** અલાઉદ્દીનના સમયમાં મોગલોનાં ટોળેટોળાં વારંવાર દિલ્હી ઉપર આવતાં હતાં. એમાંથી જે મોગલો હારી પકડાઈને દિલ્હી રહી ગયા, તેવા એક લાખ મોગલોની અલાઉદ્દીને કતલ કરાવી હતી એમ ઈતિહાસકારોએ નોંધ્યું છે. તો અલાઉદ્દીનના જ રાજકવિ જેવા ખુશરૂએ પણ લખ્યું છે કે નવા મકાનના પાયામાં લોહી છાંટવું જોઈએ, તો એ વખતે બાદશાહે ‘sacrificed some thousands of Mugals for the purpose.’ ટૂંકમાં મોગલોનાં ભયંકર હુમલાઓને વશ રાખવા માટે, દિલ્હીમાં બાદશાહે ઘણી જ કડક નીતિ રાખી હતી. બોલ્યો કે મર્યો એવી વાત હતી. પણ ભૂલવું ન જોઈએ કે એ સિવાય બીજી નીતિ તે સમય માટે કારગાર પણ ન હતી – ઝીયાબર્નીના આધારે.
માધવને માટે આ બધી વસ્તુ નવાઈભરેલી હતી. આખું દિલ્હી એક લશ્કરી છાવણી જેવું એને જણાયું. આંહીં પ્રતિસ્પર્ધીઓને હણી નાખવા એ રમત હતી. પ્રતિસ્પર્ધી માણસને આંધળો કરી નાખવો એ વિનોદ હતો. આંહીં કોઈ સ્વજન જ ન હતું. કોઈ માણસાઈ ન હતી. કોઈ રાજનીતિ પણ ન હતી. કેવળ એક જ રાજનીતિ હતી. દુશ્મનને મારવો, વિજય મેળવવો. વિશ્વાસ કોઈનો ન કરવો. સતત જાગ્રત રહેવું. બળ એ જ આંહીં છેલ્લો શબ્દ હતો. બાદશાહે કલ્પનાતીત દ્રવ્ય દેવગિરિમાંથી મેળવ્યું હતું. એમ વાત ચાલતી હતી કે એણે જયરે દિલ્હીનું તખ્ત કબજે કર્યું, ત્યારે પોતાના વૃદ્ધ કાકાના વિશ્વાસુ નોકરોનો સામનો તોડવા માટે, શસ્ત્ર-અસ્ત્રનો ઓછો ઉપયોગ કર્યો હતો. એણે તો મંજનીક મારફત સોનાનો વરસાદ દિલ્હીમાં વરસાવ્યો હતો, અને સામનો ભાંગી પડ્યો!
અને એની ખરી વિચિત્રતા પાછળથી પ્રગટી. કાકા જલાલુદ્દીનનું પોતે ખૂન કર્યું હતું. પણ એ જ કાકાનો સાથ છોડી દઈને પોતાને મદદ કરનારા તમામ લાલચુ અધિકારીઓને એણે મારી નખાવ્યા. ને આપેલું સોનું પાછું લઇ લીધું. જ્યારે બે કે ત્રણ અધિકારીઓ જે જલાલુદ્દીનના છેક સુધી વિશ્વાસુ રહ્યા હતા તેમને જીવતા રહેવા દીધા ને માનમરતબો આપ્યાં!
આવો આ સુરત્રાણ હતો.
એને ગુસ્સો ચડે ત્યારે એની ગુસ્સાની કોઈ સીમા ન રહેતી. એના અભિમાનનો કોઈ અંત ન હતો. એની બહાદુરીનો પણ કોઈ છેડો ન હતો. એક મોગલસરદાર કુત્લુઘ ખ્વાજા હજારોનું સેન લઈને દિલ્હી ઉપર આવ્યો. સેંકડો આશ્રય લેનારાઓની ભીડથી દિલ્હીની શેરીએ શેરી ઉભરાઈ ગઈ. રાજધાનીનો બચાવ થાય તેમ હતું નહિ. કોઈ રીતે મોગલોને મનાવાય તો જ દિલ્હી બચે.
સરદારોએ પણ એ જ સલાહ આપી. અત્યારે સાચવી લઈએ.
બાદશાહે જવાબ વાળ્યો: ‘જે થવું હોય તે ભલે થાય, મારે તો લડી લેવું છે! લોકોને હું શું મોં બતાવું? ક્યે મોંએ જનાનામાં જાવું?’
અને બે લાખ મોગલોનો સામનો કરવા માટે એ દિલ્હીની બહાર ગયો. આવો એ લોખંડી માણસ હતો.
માધવને આહીં બધું નવાઈભરેલું લાગ્યું. આંહીં સોંઘવારી એટલી બધી હતી કે સાડાસાત પૈસાના અઠાવીસ શેર ઘઉં મળે. માણસ ભલે ખાધા જ કરે. ઘી અર્ધા પૈસાનું એક શેર, ને તેલ એક પૈનું શેર. સારી ભેંસના દસ રૂપિયા ને સારી ગાયના ત્રણ રૂપિયા. ટકે શેર ખાજાં જેવી આ નગરીમાં સૈનિકોને બરાબર ખાવા મળે ને લશ્કરી છાવણીમાં જરાય વાંધો ન આવે, એટલે સુરત્રાણે ધાન્યના કોઠાર છલકાતા રાખ્યા હતા. ને તેથી આ સોંઘવારી હતી. સુરત્રાણે કોઈની પાસે બહુ ટંકા રહેવા જ દીધા ન હતા. સુરત્રાણની સમૃદ્ધિ એટલી બધી વધી ગઈ હતી કે પછી તો એને એલેકઝાન્ડર સિકંદરનાં સ્વપ્નાં આવવા માંડ્યાં. આ બધી સમૃદ્ધિએ એનું મગજ ફેરવી નાખ્યું. એને થઇ ગયું કે લોખંડી પંજો બધી શક્તિ આપે છે, બધી સમૃદ્ધિ આપે છે, બધી સત્તા આપે છે. પણ લોખંડમાં ક્યાંય મૃદુતા ન જોઈએ, ક્યાંય દયા ન જોઈએ, કોઈનો વિશ્વાસ ન જોઈએ. એણે પહેલી વખત ભારતવર્ષમાં દુશ્મનોનાં સ્ત્રીઓ અને બાળકોને રખડાવી મારવાનો ને એવી રીતે ધાકને ભયંકર* બનાવવાનો પ્રયોગ કર્યો.
* UP to this time no hand had ever been laid upon wives and childern, on account of man’s misdeeds. Cruelty towards woman and children was a new experience in India – ઝીયાબર્ની ઉપરથી
આ સુરત્રાણ કાળા અક્ષરને કૂટી મારે તેવો હતો. એ કોઈ દિવસ અક્ષરવાળાની મૈત્રી દાખવતો નહિ કે એવી ચર્ચા કરવા બેસતો નહિ.
ભારે હઠીલો, દુરાગ્રહી, માથું મૂકતાં પાછુ વળીને ન જુએ તેવો, અભિમાની, દગાખોર, અવિશ્વાસુ અને એમાં તદ્દન અણઘડ એણે સમૃદ્ધિ દીઠી: પાર વિનાની સમૃદ્ધિ દીઠી. અને એને નવો ધર્મસંસ્થાપક થવાનું પણ મન થઇ આવ્યું. દિલ્હીમાં એક સૂબો રાખીને એલેકઝાન્ડર સિકંદર થવાનું એને મન થઇ આવ્યું. વિજયયાત્રા કરવાની ખ્વાહીશ થઇ આવી. આખી દુનિયા જીતવાની મહત્વાકાંક્ષા જાગી. એના સિક્કા ઉપર તો ‘સિકંદર સાની’* પણ આવી ગયો.
* બીજો સિકંદર
પણ એક હિંમતવાળા સરદારે* એની આંખ ઉઘાડી નાખી. એણે કહ્યું: ‘જહાંપનાહ! દુનિયા તો જિતાતી જીતાશે. પણ આંહીં પડ્યા છે, રણથંભોર, ઝાલોરગઢ, ચિત્તોડ, ચંદેરી, દેવગિરિ, ગુજરાત, એ તો જીતી આવો. એટલું કરતામાં તો આંખો ઓડે જશે.
* ઝીયાબર્નીનો કાકો, એનું નામ અતાઉલમુલ્ક. એ અયોધ્યાનો સૂબો હતો.
અને બાદશાહ અલાઉદ્દીન પણ વાત સમજી ગયો. એણે પોતાનો રસ્તો બદલ્યો. હિન્દુસ્તાનનો વિજય એ એની વિજ્યેચ્છા બની ગઈ.
માધવ મહામંત્રી દિલ્હીમાં આવ્યો ત્યારે સુરત્રાણના દરબારમાં આ હવા હતી. સુરત્રાણે પહેલું ગુજરાત ઉપર ઉપાડવાનો વિચાર કર્યો હતો. ત્યાં જવાનો રસ્તો લાંબો હતો. વળી વિકટ હતો. રસ્તે કોઈ સામનો ન કરે, તો જ સલામત પહોંચાય. ઝાલોરગઢનો રસ્તો લેવામાં સલામતી હતી. પણ કાન્હ્ડદેના મરણિયા જવાબે એ વાત પડતી મુકવી. મેદપાટને માપી જોવું એમ નક્કી થયું. એ ડગુમગુ હોવું જોઈએ. ગુજરાત સાથે એનો ત્રણ ત્રણ પેઢીથી મેળ નથી એ એની જાણમાં આવી ગયું હતું. સુરત્રાણે આ વાતનો લાભ ઉઠાવવાનો નિશ્ચય કરી લીધો.
ગુજરાત-સવારીનું સેન તૈયાર થવા માંડ્યું હતું. એમાં નુસરતખાન વજીર પોતે જવાનો હતો. એ અલાઉદ્દીનનો બનેવી હતો. સેનાપતિ તરીકે ઉલૂગખાન નિમાયો. એ અલાઉદ્દીનનો ભાઈ હતો. બહાદુર હતો. વિશ્વાસુ હતો.
મોટી લશ્કરી તૈયારી થવા લાગી. નવમુસ્લિમ જ્ઞાતા મોગલોનો સરદાર પણ લૂંટના લોભે એમાં સામિલ થયો હતો. મોહમ્મદશાહ, તમરબેગ, કત્લબેગ બધા તાર્તરી સરદારો પણ સાથે ભળ્યા. એમનાં માણસો પણ ઠીક સંખ્યામાં હતા. લૂંટમાં જે મળે તેનો પાંચમો ભાગ શાહી ખજાનામાં આપી, બાકી બધો એમને મળવાનો હતો.
દેવગિરિની દોલત જોઇને સૌ છક્ક થઇ ગયા હતા. હજી પણ બાદશાહને દરરોજ રાત્રે એ માણેક, મોતી, હીરા, રત્નો ખજાનામાંથી કઢાવતો. એમને જોતો અને પછી પાછાં મુકાવી દેવરાવતો. ગુજરાતનાં પાટણ, સ્તંભતીર્થ, સોમનાથ કેટલું અઢળક દ્રવ્ય લાવી દેશે એની કલ્પનાથી સૌ તાનમાં આવી ગયા હતા.
આંહીં દિલ્હીમાં માધવ આવ્યો, ત્યારે આ અવસ્થા હતી.
માધવે નિશ્ચય કર્યો કે આંહીં હવે વખત ખોવામાં લાભ નથી. પણ એને માટે મોટો કોયડો આ હતો. કોઈ સુલતાન બાદશાહ, કોઈ કારણે ચડાઈ કરે તેવી આ વાત ન હતી. આ તો બધાંને લૂંટવાની, હરાવવાની, વિજય મેળવવાની વાત હતી. આંહીં રાજનીતિની કોઈ વાત કરવી વ્યર્થ હતી. લાલચ આપવી નકામી હતી. કારણકે બધું લૂંટી લેવામાં મજા હતી. ને વધારે મળતર હતું. સદ્દવૃત્તિ ન હતી ત્યાં સદ્દવૃતને શી ઉત્તેજના આપવાની?
લડાઈ એ એક જ માર્ગ હતો. ભય વિના બીજી જોઈ વાતને આંહીં કોઈ ઓળખતા ન હતા. એણે પણ એ જ રસ્તે પોતાનું કામ કરવાનો નિર્ણય કર્યો. વસ્તુપાલ તેજપાલની નામસ્પર્ધામાં એ આંહીં આવી તો ચડ્યો, પણ એણે જોઈ લીધું કે કામ એના ગજા ઉપરવટનું હતું. છતાં એ હિંમત ન હાર્યો. એણે સુરત્રાણને ભય બતાવવાનો નિશ્ચય કર્યો. લાલચ આપવાની વાત પણ પાસે રાખી. એ પોતે ગુજરાતના મંત્રીશ્વરને છાજે તેવી ઠાઠમાઠવાળી તૈયારી કરવામાં પડી ગયો. તૈયારી પૂરી થયે એક દિવસ પ્રભાતમાં જ એ વજીર નુસરતખાનના મહેલ તરફ આવ્યો. એની સાથે કેટલાક સવાર હતા. પાલખીઓ હતી. એક હાથી પણ હતો. ઠીકઠીક રસાલો હતો. ત્રણસો ઘોડાં જોવા માટે તો દિલ્હીમાં પણ ઠઠ જોવા મ લી. સૌને થયું કે આ કોણ હશે?
વજીર નુસરતખાનને મહેલે માધવ પહોંચ્યો તો ત્યાં સવારનો વહેલો સમય હતો, છતાં માણસોની ઠઠ જામી ગઈ હતી. અનેક ઘોડેસવારો આમથી તેમ ફરતાં હતા. અનેક સૈનિકો આવતા જતા હતા. એક મોટા ચોગાનમાં કોઈ યંત્ર ગોઠવ્યું હતું. ત્યાં સૈનિકો જોવા માટે ભેગા થયા હતા. ચોકીપહેરા નીચે કોઈ કરામત દેખાડાતી હતી.
માધવને પણ કુતુહલ થયું. આ કોઈક નવા શસ્ત્રની વાત લાગે છે. એણે પોતાની સાથે આવેલા, દિલ્હીના રહેવાસી જેવા બની ગયેલા સ્તંભતીર્થના એક નૌવિત્તને પૂછ્યું પણ ખરું: ‘આ શું ભલુકજી?’
ભલુકજી ધ્રૂજતો લાગ્યો: ‘પ્રભુ! એવું કાંઈ પૂછશો મા. આપણી નીચેની ધરતીને પણ કાન છે.’
સુરત્રાણના જબરજસ્ત ધાકની માધવને વધારે ખાતરી થઇ. માધવ આગળ ચાલ્યો. જ્યાં એ મુખ્ય દ્વાર પાસે આવ્યો ત્યાં કેટલાક શસ્ત્રધારીઓ ઊભા હતા. તેમણે તરત રુક જાવની નિશાની આપી. તેમાંના એકને માધવે પાસે બોલાવ્યો: ‘વજીરજીકુ બોલો, ગુજરાત કે મહામંત્રી મિલનેકુ આયે હય!’
‘ગુજરાતનો મહામંત્રી?’ સૈનિક પણ આશ્ચર્ય પામી ગયેલો જણાયો. એને ખબર હતી. અંદર ગુજરાત સવારીની જ વાત ચાલી રહી હતી!
એણે અંદર જઈને વાત કરી. અને ત્યાં પણ આકાશમાંથી વીજળી પડે તેવું થયું. પહેલાં તો થયું કે કોઈક ફૂટ્યું છે. બરાબર આ વખતે જ મંત્રી ફૂટી નીકળ્યો એમ કેમ બને?
નુસરતખાને કરડાકીથી કોટવાલ સામે જોયું. ‘આ ક્યારે આવ્યો છે?’
કોટવાલને વાતની ખબર ન હોય તેમ લાગ્યું. નુસરતખાને બોલાવવા માટે કોટવાળને જ મોલ્ક્યો.
માધવે ગૌરવથી અને અભિમાનભર્યા ઉન્નત મસ્તકે વજીરના આવાસમાં પ્રવેશ કર્યો. સૌ એને આવતો જોઈ રહ્યા. આંહીં જ્યાં માણેક-મોતીથી માણસ મપાતાં હતાં, ત્યાં માધવે પહેરેલો મહામૂલ્યવાન મોતીનો હાર સૌનું ધ્યાન ખેંચી રહ્યો. પણ એ જ લૂંટને આમંત્રતો હતો, એ માધવને જાણમાં હતું. એટલે એને એ ગૌરવહીણો જણાતો હતો. નુસરતખાન પોતે વિચાર કરતો ઊભો થયો. દેખાવ કરવામાં તે પાછો પડે તેમ ન હતો. થોડાં ડગલાં સામે ચાલ્યો અને પછી પ્રેમથી ભેટતો હોય તેમ ભેટી પડ્યો. ‘મહામંત્રીજી! અમને ખબર પણ ન આપી? લશ્કરગાહ ક્યાં કરેલ છે?’
માધવે જવાબ વાળ્યો: ‘લશ્કરગાહ? હું તો અચાનક જ નીકળી આવ્યો છું. આંહીં પણ અચાનક જ આવ્યો છું. કાશ્મીરમાં થોડા ઘોડા ખરીદવા જાઉં છું. મહારાજ કરણરાય એક લાખ ઘોડાનું મોટું સેન તૈયાર કરી રહ્યા છે.’
માધવના શબ્દની કાંઈ અસર નુસરતખાન ઉપર થઇ ન લાગી. પણ તે જમાનાનો ખાધેલ માણસ હતો.
‘એક લાખ?’
‘જમાનો બદલાયો છે ને અમારે સ્તંભતીર્થ, લાટ, અર્બુદમંડલ, બધાં સાચવવાનાં.’
‘અને ચારે બાજુ દુશ્મનો?’ નુસરતખાને તીક્ષ્ણ અવલોકન બતાવ્યું.
‘હા.’ માધવે હા કહ્યા પછી તરત તેને લાગ્યું કે આતો અંદરઅંદરના અંટસનો એકરાર થઈ જાય છે. તેણે ભૂલ સુધારી: ‘મોટો વિજય ને મોટું સેન, એ તો પાટણના સોલંકી પહેલેથી રાખતા આવ્યા છે!’
નુસરતખાનની આંખમાં માધવે કેવળ ઠંડી મશ્કરી દીઠી.
એ પોતાના કામની નિષ્ફળતાથી હતોત્સાહ થઇ ગયો. પણ તેણે એટલા જ ગૌરવથી કહ્યું: ‘બાદશાહ સલામતને મળીને પછી મારે ઊપડવાનું છે વજીરજી! એ ક્યારે બને?’
નુસરતખાને કહ્યું: ‘હમણાં જ મંત્રીરાજ! અત્યારે બાદશાહ સલામતનો દીવાન ભરાયો હશે. આપણે ચાલો ત્યાં જઈએ. ત્યાંથી તમારા ઉતારાપાણીનો બંદોબસ્ત પણ થશે!
થોડી વારમાં બંને બહાર નીકળ્યા. ચોગાનમાં ઊભેલા ત્રણસો જાતવંત ઘોડાને નુસરત નીરખી રહ્યો.
‘હું બાદશાહ સલામતને પાટણના રાયની આ ભેટ ધરવા આવ્યો છું!’
‘એમ? દોસ્ત દાવે?’
‘પણ બાદશાહ સલામત બાજ ગુઝારના* સૌથી મોટા દોસ્ત બની રહે છે!’
* ખંડિયો
માધવ ઘા ખાઈ ગયો. તેને પોતાની કામની નિષ્ફળતાના પડઘા વાગી ગયા. આંહીં કોઈ દોસ્તીમાં માનતું જ ન હતું.