Raay Karan Ghelo - 16 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | રાય કરણ ઘેલો - ભાગ 16

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

રાય કરણ ઘેલો - ભાગ 16

૧૬

પૃથ્વીદેવ

 

અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વંડામાં પાટણના નાગરિકો ઘણાખરા આવી ગયા હતા. ઘણાખરા તો કર્ણાવતી રાજધાની વિષેની વાત આવવાની છે, એમ જ માનતા હતા.

વિશળદેવે દ્રષ્ટિ કરી, તો એને ત્યાં વિખ્યાત શ્રેષ્ઠીઓને આવેલા જોયા. પાટણ પ્રત્યેના પ્રેમથી દોરાઈને એ આવ્યા હતા, તો સામંત મહેતાનું નામ, મહારાજ પાસે એક પ્રબળ શક્તિશાળી અનુભવી તરીકે રજૂ થાય ને ગઈ સત્તા જૈનોને પાછી મળે એ હેતુથી પણ ઘણા દોરાયા હતા. સત્તા ગઈ છે, એ પ્રશ્ન ઘણાને આકરો લાગતો હતો. 

સામંત મહેતો ઘણો ધર્મનિષ્ઠ હતો, તો ધર્મસહિષ્ણુતા પણ એની જ હતી. એટલે બીજા અનેકો ત્યાં આવ્યા હતા. સૌના મોં ઉપર ગંભીર ચિંતા હતી. કેટલાક જુવાનડા ઉશ્કેરાયેલા હતા. માધવ મહેતાનું જ ચાલે તો નવો રાજા ઊબો કરવાની તરફેણમાં પણ ઘોંઘાટ કરનારાઓ ત્યાં હતા. એ ગુસપુસ કરતા હતા. 

સામંત મહેતાએ એ વાત ન છૂટકે ઊભી કરવાની કહી હતી, પણ આવેગ ઘણો હતો. એને તો રાજાના મનમાં એક વાત ચોક્કસ ઠસાવવાની હતી. અમાત્યોની જૈન પરંપરા તૂટી છે, તે ખોટું થયું છે બસ. માધવ મહેતાની રાજનીતિને પલટાવી કાઢવાની મુખ્ય નેમ હતી. માધવને સ્થાને બીજો કોઈ આવે, ખાસ કરીને જૈન મંત્રી આવે, એ બધાની અભિલાષા હતી. તો એ ગમે તેમ કરીને આવતું સંકટ ટાળશે એવી જાણે કે એમને શ્રદ્ધા પણ હતી. માધવ મહેતો ગુજરાતને રોળી નાખશે. એના અવ્યવહારુ અભિમાનથી, છિન્નભિન્ન કરી નાખશે, એ ભય વ્યાપક હતો, કારણ કે, મોટી સંખ્યા એવું માનનારાઓની જ હતી.

વિશળદેવ અત્યારે ઉપયોગી હતો; તેની પાસે મેદપાટને પ્રસન્ન કરવાનું સાધન હતું. મેદપાટમાં અત્યારે જૈનવલણી હતા. આ મેલમાં જ વિશળદેવને અહીં બોલાવ્યો હતો. જ્યારે વિશળદેવ પોતાની રમત રમવાના મેળમાં હતો. 

અરધી રાતનાં ચોઘડિયાં વાગ્યાં ને બધાં શાંત થઇ ગયા. આ બધાનો મોવડી સામંત મહેતો લાગ્યો. તે વયોવૃદ્ધ ને અનુભવી હતો. તેણે ઘણી રાજસત્તાઓ દીઠી હતી. સૌ તેની હાએ હા કરે તેવા હતા.

સામંત મહેતાએ વાત ઉપાડી: ‘મહારાજને અત્યારે જરૂર છે, વસ્તુપાળ તેજપાળ જેવા મંત્રીની. ને મળ્યા છે માધવ મહેતા!’

‘એ જ મોકાણ છે નાં?’ ઘણે ઠેકાણેથી અવાજ આવ્યા. વિશળ સાંભળી રહ્યો.

‘ભૈ! સમજાવો, કોઈક સમજાવો, વાણિયા વિના રાજ નથી રહેવાનું!’ કોઈકે સાથળ ઉપર હાથ ઠપકારતાં કહ્યું.

‘સુરત્રાણની સેના અપરંપાર છે!’ ત્રીજો કોઈ બોલ્યો.

સામંત મહેતાના જવાબમાં સભામાં જુદા જુદા અનેક ઉદ્ગારો નીકળતા હતા. પણ સામંત મહેતાએ હાથ લાંબો કર્યો ને શાંતિ ફેલાઈ ગઈ. તે આગળ વધ્યો. ‘હું તો વૃદ્ધ થયો છું, પણ આંહીં સભામાં વિશળદેવજી જેવા બેઠા છે...’

સામંત મહેતાએ વિશળદેવજીને જોવા દ્રષ્ટિ કરી. પણ તે કોઈકને લેવા માટે દરવાજા તરફ જતો જણાયો. સામંત મહેતાએ કહેવાનું પૂરું કર્યું: ‘વિશળદેવજી જેવા પણ માને છે કે, પાટણ એ પાટણ છે. પાટણ ઉપર આવનારો કાં રણ ખૂંદતો આવે તો થાક્યોપાક્યો આવે. કાં ડુંગરામાં થઈને આવે, તો ત્યાં જ તળ રહે. વળી પાટણને પોતાની પરંપરા છે. આજ એ ટાળવા માટે માધવ મહેતાએ કર્ણાવતીની વાત ઉપાડી છે. પણ એમ... કાંઈ પતનનું ગૌરવ કોઈનાથી ટાળવાનું નથી. આંહીં તો શ્રેષ્ઠીઓએ દુનિયાનો વૈભવ આણ્યો છે. સેંકડો માણસો પાટણ માટે મરવા તૈયાર છે. પાટણને છોડીને કર્ણાવતી વસાવવા જવું...’

‘કર્ણાવતી નામ મૂકો! કર્ણાવતીનું કામ નથી...’

‘અમારે કર્ણાવતી રાજધાની જોઈતી નથી...’

જુદા જુદા આવતા અવાજો વચ્ચે થઈને, વિશળદેવનો મોટો બુલંદ અવાજ આવ્યો. એ પોતાની જગ્યા ઉપર આવી ગયો હતો. એની સાથે કોણ આવ્યું તે અંધારામાં બરાબર દેખાતું ન હતું, ‘પણ મહારાજને એ યોગ્ય જણાય... તો શું?’ વિશળ બોલ્યો.

‘અરે, મહારાજની ક્યાં વાત છે? આ કામ માધવ મહેતાના છે. જૈનદ્વેષીનાં છે.’ અવાજ આવવા માંડ્યા.

વિશળદેવે વધારે મોટેથી કહ્યું: ‘તો આપણે નિશ્ચય કરો. આપણે માણસ નીમો, મહારાજને મળો.’

સભામાં ગરબડ થઇ રહી. ‘એ બધું તો થાશે, પણ મહારાજ તો કર્ણાવતી પહોંચ્યા છે તેનું શું? એક અઠવાડિયામાં તો કર્ણાવતી તરફ માનવ-મહેરામણ વહેતો થાશે, તેનું શું? મહારાજ નિર્ણય કરી લેશે, તેનું શું?’ 

‘એ તો થાય જ નાં ભા! તમે સૌ સમજો છો. રાજા હોઈને નગર છે.’

‘કોણે કહ્યું એ? કોણ બોલ્યું?’ એક-બે આકળા અવાજ આવ્યા, ‘રાજા હોઈને નગર નથી. નગર હોઈને રાજા છે. અમે નવું નગર માન્ય નહિ રાખીએ. આંહીં અમારો રાજા ઊભો થાશે. સારંગદેવ મહારાજનો એક પુત્ર હજી છે, તમને કોઈને ક્યાં ખબર છે?’ બોલનાર છેક છેડે હતો. એટલે કોણ છે તે કળાયું નહિ. પણ તેનો આવેગ સામંત મહેતાને ખૂંચી ગયો. એણે પાણો નાખ્યો હતો.

સામંત મહેતો તરત સમજી ગયો, વાત ગમે તેમ આડેધડ ચાલતી હતી. તેણે તરત મોટા અવાજે કહ્યું: ‘એ કોણ બોલ્યું છે ભાઈ? એ બોલનારો સભાની બહાર જાય –’

‘બહાર શું કરવા જાય? આખી દુનિયા જાણે છે. સારંગદેવ મહારાજનો દીકરો છે. ખરો ગાદીવારસ પણ એ છે... અમે એને આંહીં રાજા બનાવીશું. બાકી આ નગરીનું ગૌરવ કોઈ હીણું નહિ પાડી શકે. પછી ભલે મહાઅમાત્ય માધવ મહેતો કહેતા હોય, કે ખુદ મહારાજ પોતે કહેતાં હોય.’

સામંત મહેતાએ જોરથી તાળી પાડી. ‘બોલનારા બંધ થઇ જાઓ. વાહિયાત વાતો બંધ કરો’, પણ એનો આઘાત જોરથી પડ્યો.

‘વાતો વાહિયાત શેની છે?’ સામંત મહેતાના પ્રત્યુત્તરમાં ઠેકાણે ઠેકાણેથી ઉત્તર આવ્યા: ‘તમે પણ વાત જાણો છો. આંહીં આ નગરીમાં કોઈ કોઈને હજી સુધી અન્યાય આપીને રાજગાદીએ આવ્યું નથી. કુમાર જીવતો હોય, તો રાજગાદી એની છે.’

સામંત મહેતો સમજી ગયો. હવે આંહીં સામાન્ય વાતને સામાન્ય જોવાની પણ કોઈનામાં શક્તિ ન હતી. બધા છેલ્લે પાટલે જ બેસવામાં માનતા હતા.

તેણે જોરથી કહ્યું: ‘સાંભળો! આપણે મહારાજને મળવાનું છે. કર્ણાવતીમાં ભલે મહારાજ જુદ્ધ ઉપયોગી જે કરવું હોય તે કરે, પણ પાટણની રાજધાની આલસી નહિ કરી શકે. બરાબર છે?’

‘એ તો બરાબર છે.’

‘થયું ત્યારે. તમે એક જણાને મુખ્ય માણસ નીમો. બીજા સાથે સામેલ રહો. મહારાજને એ બધા મળવા જાય.’

‘પણ ધારો કે એ બધું કર્યું, મહારાજને વાત કરી, મહારાજ નહિ માને તો? ન માને તો શું કરવું એ પણ ભેગાભેગું કહી નાખો ને!’

‘અમને માધવ પ્રધાનનો ભરોસો નથી...’ એક જાણાએ મોટે અવાજે કહ્યું.

‘એ વસ્તુ જ આમાં સમજવાની છે. માધવ પ્રધાનને આપણો ભરોસો નથી.’

‘તમારા કહેવાથી?’ સામંત મહેતાએ પ્રશ્ન કર્યો.

પણ બોલનાર ચાલાક હતો: ‘ના ના, અમારા કહેવાથી નહિ, તમારા કહેવાથી. પણ જો મહારાજ ન માને, તો અમે આંહીં એક નવું રાજ ઊભું કરીશું. નવો સાચો વારસદાર...’

‘પણ તમે માનો છો કે, મહારાજ નહિ માને?’

પડખેથી એક મૃદુ મીઠો શાંત અવાજ સંભળાતાં સૌ ચમકી ગયા. સામંત મહેતો પણ ચમકી ગયો. તેને લાગ્યું કે મહારાણીબા પોતે આવ્યાં લાગે છે. એ કામ વિશળદેવનાં. એ તરત જ સમજી ગયો. વિશળ રાણીબાને આ બધું બતાવી દેવા માટે જ આંહીં આવ્યો લાગે છે.

એટલામાં તો મહારાણી કમલાવતી પોતે ત્યાં પડખેથી ઊભી થઇ. એ આગળ આવતી જણાઈ. ઘડીભર સભામાં ધાંધલ થઇ ગઈ. કોઈ આગળ આવવા માટે અવાજ કરી રહ્યા. કોઈ પાછળ ભાગ્યા. કેટલાક છુપાઈ ગયા. મહારાણી ત્યાં આવીને સૌની સામે ઊભી રહી. તે હિમ્મતથી બોલી: ‘શ્રેષ્ઠીઓ! તમે કેમ માનો છો કે મહારાજ તમારું નહિ સાંભળે? તમારું નહિ સાંભળે તો કોનું સાંભળશે? આ હવા આવી તે ક્યાંથી? તમે કેમ માનો છો કે માધવ મહેતો આ બધું દ્વેષથી કરે છે? આ હવા ઝેરી છે. એ કાઢયે છૂટકો.’

કેટલાક રહી શક્યા નહિ, ‘પણ એનામાં હાડોહાડ દ્વેષ ભર્યો છે એનું શું? અમે એને ઓળખીએ છીએ. એને જૈનોનું ગૌરવ ટાળવું છે.’

મહારાણી સચિંત બનીને સાંભળી રહી.

પોતે મહારાજને જે વાત કહી હતી, તે જ વાત આ લોક પણ કહી રહ્યા હતા. એમાં કાંઈ નવું ન હતું. એ રાજનીતિનો એક ભાગ જ હતો. પણ મેવાડને એ રીતે મેળવવા જતાં એનો કેવો ભયંકર અંત આવે એ જાય પછી તો પોતે વાત બદલવી હતી. અત્યારે માધવ મહેતો તો હજી મેવાડ તરફ જઈ રહ્યો હશે, પણ જે અવિશ્વાસ આંહીં હતો, તે અવિશ્વાસ જ એને નાલાયક ઠરાવી દેતો હતો. અને એ અવિશ્વાસનું પણ મુખ્ય કારણ તો હતું અતિ ક્ષુલ્લક કોઈ અમારો જોઈએ – એટલી જ વાત. મહારાણીબાનું મન ખિન્ન થઇ ગયું. એને પાટણની પરંપરા ઊડી ગઈ લાગી.

પણ તેણે અત્યંત શાંતિથી કહ્યું: ‘આપણું વાહન ભરદરિયે છે. તમે સૌ એ જાણો છો. મહારાજ હજી ગોઠવણમાં પડ્યા છે. દરમ્યાન આપણે ડૂબીશું, તો બધા જ સાથે ડૂબીશું. મહારાજ રજપૂતી દેખાડી છૂટશે. પણ આપણે જો આમાંથી ઊંચા નહિ આવીએ, તો આપણો નાશ ભયંકર થશે. તમારા જ શ્રેષ્ઠીઓ પાટણમાં ધાન્યભંડાર ભરી રહ્યા છે. તમે જ તમારી નગરીની શોભા છો. મહારાજ તો હજી કર્ણાવતીનું સ્થળ જોવા ગયા છે. તમે નવો રાજા ઊભો કરવાની વાત કરો છો... પણ... મહારાજ પોતે...’

કમલાવતીનું વાક્ય અધૂરું રહી ગયું. સામેથી કોઈ બે જના સભા વચ્ચે થઈને આવી રહ્યા હતા. તેની પાછળ કી સ્ત્રી આવતી જણાતી હતી.