Boomerang Philosophy in Gujarati Philosophy by Mital Patel books and stories PDF | બૂમરેંગ ફિલોસોફી

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

બૂમરેંગ ફિલોસોફી

બૂમરેંગ ફિલોસોફી.....આપણી 'ચેતના'નું વીમાકવચ....



            બૂમરેંગ સાધનથી આપણે સૌ પરિચિત છીએ જ.ફેંકનાર પાસે પાછું આવતું કોરેલા લાકડાનું અર્ધચક્ર જેવાં આકારનું અસ્ત્ર, જેની શોધ ઓસ્ટ્રેલિયામાં થઈ હતી અને આદિવાસીઓ તેનો ઉપયોગ આનંદ પ્રમોદ માટે અને શિકાર માટે કરતા. અહીં બૂમરેંગ ફિલોસોફીની વાત કરવી છે. આખુ વિશ્વ આપણે એક બૂમરેંગ માની લઈએ તો આપણુ દરેક વર્તન, દરેક ભાવ, દરેક વિચાર બૂમરેંગ બનીને એટલી જ તીવ્રતાથી, એટલી જ તાકાતથી આપણી સમક્ષ પાછું ફરે છે. કોઈપણ રીતે, કોઈપણ સ્વરૂપે પણ પ્રતિબિંબિત થાય છે અવશ્ય.


              તમારાં "સ્વ"ભાવ અને "પર"ભાવ કેવા છે, આપણાં દ્વારા બોલાયેલા શબ્દોના શબ્દભાવ કેવા છે, વૈચારિક કક્ષા, વર્તનના લેખાંજોખાં કેવા છે, તેની ઉપર કેવી કેવી ઘટનાઓમાંથી વ્યક્તિ પસાર થશે , કેવા કેવા સારા નરસા અનુભવો તેના જીવનમાં આકારાશે તે નિર્ભિત  હોય છે. એટલે કોર્પોરેટ જગતમાં આ બૂમરેંગ ફિલોસોફી ખૂબ પ્રખ્યાત થઈ રહી છે. કોર્પોરેટ જગતમાં એમ્પ્લોય પોતાની આર્થિક, વૈચારિક અને અન્ય પ્રગતિ અર્થે એક કંપની છોડીને બીજી કંપની જોઈન કરે છે તો પણ તેના માટેના વિચાર કે ભાવ સારા જ રાખવા, વ્યક્તિ સાથેના સંબંધો પૂરા થયા પછી પણ તે વ્યક્તિ માટેના વૈચારિક, ભાવનાત્મક સ્પંદનો સારાં અને શુભ જ રાખવા, એની સાથેના સંબંધો સકારાત્મક રાખવા એ નીતિને મહત્વ આપવામાં આવે છે. 

               કોઈ છૂટી ગયેલ સબંધની કડવાશ પોતાના ભાવાવરણ અને મનોઆવરણને સતત પ્રદૂષિત કરતી રહે છે, પી.યુ.સી ન કઢાવેલ વાહનોની જેમ. જે તમારાં કામ પર, તમારી વૈચારિક ક્ષમતા પર, તમારી સર્જનાત્મક ક્ષમતા પર, વર્તમાનને જીવવાની જિજીવિષા પર ચોક્કસથી નકારાત્મક અસર કરે છે અને એનાથી બચવાનો એક જ ઉપાય છે,બૂમરેંગ ફિલોસોફીને સમજીને વર્તન, વ્યવહાર અને શબ્દોનો સુહેતુપૂર્વકનો ઉપયોજન કરવો. એટલે છૂટી ગયેલી સંબંધ હોય કે જોબ હોય ચિત્તની શુભ ભાવના જ હોવી જોઈએ. તો જિંદગીમાં "શુભત્વ" ને ચારે દિશામાંથી સતત આવકારી શકશો.

              સત્કાર્યો અને સદવિચાર બૂમરેંગની જેમ જીવનમાં સમૃદ્ધિ પાછી આપે છે અને અન્ય સાથેની નાની અમથી પણ છેતરપિંડી કે સૂક્ષ્મ હિંસા અજંપો અને અસુખ બનીને પાછી ફરતી જ હોય છે.એ છે બૂમરેંગ ફિલોસોફી અને જીવનની સાચુકલી હકીકત.



          દરેક વ્યક્તિ આપણા જેવું જ વિચારે કે આપણને અનુકૂળ વર્તન કરે, એ કદાચ આપણાં કંટ્રોલમાં ન હોઈ શકે, પણ તેની સાથે તમે જે પણ પ્રતિક્રિયા આપશો તે પહેલા તમારા મનમાં તે ઊભી થયેલ પરિસ્થિતિ કે તે વ્યક્તિ માટે "ભાવ" જે ઉત્પન્ન થાય, પ્રત્યુતર આપતા પહેલા જે ભાવ મનોઆવરણમાં જન્મે છે તેને ચોક્કસ આપણે કંટ્રોલ કરી શકીએ. કેમ કે પ્રતિક્રિયા આપતાં પહેલા ચોક્કસ "વિચાર" જન્મે છે મગજમાં. અને તે વિચારનું રિમોટ કંટ્રોલ તત્કાલ ઉત્પન્ન થયેલ "ભાવ" પાસે હોય છે ."જેવો ભાવ તેવાં વિચાર" અને "જેવા વિચાર એવું વર્તન", આ વિચાર અને વર્તન થકી જ શુભત્વ અને અશુભત્વના છાંટા કુદરત દ્વારા ઝિલાતા હોય છે. આપણે આપણા થતી પણ ભાવમાં રહેલ સૂક્ષ્મ હિંસાને ટાળી શકીએ, તેનું ફિલ્ટરિંગ કરી શુભત્વને, સારપને રોપી શકીએ, તો ક્યારેય કોઈને પીડા પહોંચે, દુઃખ થાય એવી સુક્ષ્મ હિંસા શાબ્દિક કે અશાબ્દિક રીતે વર્તન વ્યવહારથી ના જ થઈ શકે કારણ કે જ્યારે આપણે જીવનની રોજબરોજની ઘટના સાથે, મનમાં ઉત્પન્ન થતા ભાવ પ્રત્યે જાગૃત રહીને જીવતા હોઈએ છીએ, ત્યારે અગમ્ય કંઈ જ તમારા થકી તો નથી જ થતું . 'શાંતિતત્વ' ભીતરથી ઉઠતાં "ભાવ"ના તરંગો થકી જ આપણા "ચેતનાતત્વ"મા વ્યાપતા હોય છે. 

        આપણે કહીએ છીએ ને કે "શબ્દો ક્યારેય મરતા નથી" , આ બોલાયેલ શબ્દો છૂટેલી તીર જેવા હોય છે. મહત્વની વસ્તુ એ છે કે શબ્દો કયા શબ્દભાવ થકી બોલાયેલ છે, તે વધારે મહત્વનું હોય છે. કેટલાક શબ્દો તિક્ષ્ણ કાચની જેમ હૃદયમાં ભોંકાતા હોય છે અને કંઈક તૂટી જતું હોય છે. તે શબ્દો થકી કદાચ સંબંધનું પ્રાણતત્વ તૂટી જાય છે. પછી રહી જાય છે માત્ર મન વગરના સંબંધો. કેટલાક શબ્દો જીવાડી જતા હોય છે. શબ્દો જ્યારે બોલાતા હોય છે, ત્યારે તે શબ્દો જે ભાવથી બોલાય છે તે ભાવ તમારા ચિત્તને સ્પર્શે છે. અને સંબંધની પારાશીશી અને મજબૂતાઈ નક્કી કરે છે. તેમજ આવનાર પરિસ્થિતિઓ અને ઘટનાઓ માટે નકશો તૈયાર કરે છે.

"તેરા તુજકો અર્પણ" ની જે વાત છે, એ બૂમરેંગ ફિલોસોફીનો હાર્દ છે.


મિત્તલ પટેલ 
"પરિભાષા"
અમદાવાદ 
mitalpatel56@gmail.com