Nitu - 62 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 62

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 62

 

 

નિતુ : 62 (આડંબર) 

 

 

નિતુની રાહમાં નવીન આખી ઓફિસમાં આમથી તેમ ચક્કર લગાવી રહ્યો હતો. અનુરાધાના ડેસ્ક નજીકથી પસાર થયો કે તેની પાછળ બેઠેલો ભાર્ગવ બોલ્યો, "લાગે છે બેમાંથી એકોય મેડમ નથી એટલે નવીનને સારું ફાવી ગયું છે!"

આ સાંભળીને તે ઉભો રહ્યો અને અનુરાધાના ડેક્સ પર બંને હાથની અદફથી ટેકવી કહ્યું , "તો શું કરવું ભાર્ગવભાઈ? આ મેડમ લોકો સમયસર આવતા નથી અને આપણે પણ કંઈ કામ કરી શકતા નથી. મેં નીતિકા મેડમને કહ્યું કે હું આગળ મારી રીતે કામ કરું, તો ક્હે... ના, હું આવું, પછી બધી વાત અને એ હજુ આવ્યા નથી."

"તો ફોન કરીને પૂછ." અનુરાધા બોલી.

તેણે કહ્યું, "ફોન તો મેં કરેલો, પણ તેણે રિસીવ ના કર્યો. રસ્તામાં હશે. બસ થોડીવારમાં જ પહોંચતા હશે."

ભાર્ગવે વ્યંગ કરતાં કહ્યું, "વિદ્યા મેડમ આવે એ પહેલા તારા મેડમ આવી જાય તો ઠીક છે. નહિતર આજનો દિવસ બહુ ભારે પડી જશે." અને તે હસવા લાગ્યો.

તેના વિનોદમાં સાથ આપતા નવીન બોલ્યો, "સાચું કહુંને તો મને પણ ક્યારેક ક્યારેક ડર લાગવા લાગે છે. આ બંને મેડમૂ આમથી તેમ અને તેમથી આમ તાણ્યાં કરે છે અને હું વચગાળે ફસાઈ જાવ છું." તેઓની થોડી નજીક મોં લઈ જઈને તેણે ધીમા અવાજે ઉમેર્યું, "બે બિલાડીઓ મોંમાં દોરી લઈને સામ - સામે ખેંચતી હોયને એવું લાગે છે."

તેની વાત પર અનુરાધા અને ભાર્ગવ માંડ થોડું હસ્યા કે નવીનની પાછળ ઉભેલી વિદ્યા બોલી, " કઈ બિલાડીની વાત કરો છો મિસ્ટર નવીન?"

પાછળ ફરી તે વિદ્યાને જોઈ એકદમ ડઘાઈ ગયો. શું બોલવું એ નસુજયું. થોડાં થોડા હોઠ ફફડ્યા કે વિદ્યાએ તીક્ષ્ણ નજરે અનુરાધા અને ભાર્ગવ સામે જોતાં નવીનને સવાલ કર્યો, " લાગે છે તું ફ્રી થઈ ગયો, નહિ?"

"ના"

"તો અહીં શું કરે છે?"

"એ તો બસ... બે મિનિટ." તેનાં ચહેરા પર વિદ્યાનાં આવનાર પ્રકોપનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

"કાલે શું કામ કરતો હતો?"

"નીતિકા મેમ પ્લાનિંગ કરે છે તો એ અંગે જ તૈય્યારી કરી રહ્યો છું."

"થઈ ગયું?"

"જી! ?...અ...    "

"થઈ ગયું નેક્સ્ટ એડનું તમારું પ્લાનિંગ?"

"ના."

અચાનક મોટા અવાજે ગુસ્સો ઠાલવતા તે બોલી, "તો પછી આમ ગપ્પા શું લડાવે છે? આવતા વર્ષે લોન્ચ કરીશ નવી એડ?" તેનો અવાજ આખી ઓફિસમાં ગુંજી ઉઠ્યો અને દરેક જણ શાન્ત થઈ ગયા. દરેકનું ધ્યાન તેના તરફ ચાલ્યું ગયું.

"મેડમ...!"

"આજે સાંજ સુધીમાં પ્લાનિંગ જોઈએ."

"સાંજ સુધીમાં કઈ રીતે થશે?"

"જો આમ આંટાફેરા મારવામાં સમય નહિ વેડફેને તો થઈ જશે."

"એ તો... બસ બે મિનિટ હું..."

આ રીતે સામે બોલતા વિદ્યાએ વધારે રોષ ઠાલવતાં, વધારે જોરથી બોલી, "સામે જીભ લડાવવાની કોઈ જરૂર નથી, મિસ્ટર નવીન. કોની સાથે વાત કરી રહ્યો છે એનું તને ભાન હોવું જોઈએ."

ઓફિસમાં પ્રવેશતાં જ નીતિકાને સવારનું આ દ્રશ્ય દેખાયું. નીચે માથું કરીને ઓફિસનો સ્ટાફ પોતાનાં કામ સાથે દરેક વખતની માફક આ વખતે પણ વિદ્યાનાં ગુસ્સાનો સાક્ષી બની રહ્યો હતો. નિતુની ચાલ ધીમી પડી અને શું ધમાલ ચાલી રહી છે? તે સમજવાનો તે પ્રયત્ન કરવા લાગી. તેણે કરુણા સામે જોયું અને તેણે મોટી આંખો અને એક હોઠ ઉપર ચડાવી અનભેદ્યનો સંકેત કર્યો. સાથે હોઠ પર આંગળી રાખી કશું ના બોલવા કહ્યું, છતાં નિતુ તેના તરફ આગળ વધી.

વિદ્યાનું બોલવાનું શરુ હતું, "બોલવાં માટે પહેલાં લાયક થવું પડે. મને તો એચ. આર. ટીમ પર સવાલ થાય છે કે તને આસિસ્ટન્ટ તરીકે જાહેર કેમ કર્યો!"

"શું વાત છે મેડમ?" નીતિકાએ નમ્રતાથી પૂછ્યું. તેને જોઈને નવીન તેની સામે આશા ભરેલી નજરે જોવા લાગ્યો. તેનો આ ભાવ જોઈને નિતુ સમજી ગઈ કે તેણે વચ્ચે પડવું પડશે.

"એ તારા આ આસિસ્ટન્ટને પૂછ. કામ કરવાને બદલે આખી ઓફિસમાં ચક્કર લગાવી રહ્યો છે."

"પણ મેડમ હું તો નીતિકા મેમની રાહે જ હતો."

"બહાનાબાજી બંધ કર. ઓકે, બધું સમજાય છે મને."

વચ્ચે પડતાં નિતુ બોલી, "મેડમ એ નવો છે, એટલે કોઈ ગડબડ ના કરે એ માટે મેં જ એને કહ્યું હતું કે જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી કોઈ બીજું કામ ના કરે. "

"ઓહ... રિયલી? તને ખબર છેને કે એ એના કામ માટે એટલો પંક્ચ્યુલ છે કે નહિ. એ તો પહેલા રિપોર્ટમાં જ તને સમજાઈ ગયું હશે કે .... હંહ..."

નિતુએ ફરી નવીનનો બચાવ કરતાં કહ્યું, "નવીન હજુ આ ફિલ્ડમાં નવો છે. એને બધી વસ્તુ સમજતા થોડીવાર તો લાગશે જ ને."

"તો જેટલી જવાબદારી એની કામ શીખવાની છે, તારો આસિસ્ટન્ટ હોવાને નાતે એટલી જવાબદારી તારી પણ છે એ ચકસવાની કે એનાથી બધું કામ બરાબર થાય છે કે નહિ."

"હું ચેક તો કરું છુંને."

"અચ્છા, એટલે હવે તારી પણ પાંખો મારી વિરુદ્ધ ફૂટવા લાગી."

"ના... એમ વાત નથી."

"વાત એમ જ છે. મને થતું હતું કે તું મારી... " અમુક શબ્દો વિદ્યાની જીભ સુધી આવતા પહેલા અટક્યાં, આંખનો પલકારો કરી પોતાની જાતને સંભાળતી વિદ્યા ફરી રોષમાં બોલી, "તને પણ મારી સામે બોલવાનો મોકો જોઈએ છેને."

આજે ઘણાં સમયે ફરી બંને એકબીજીની સામે વિવાદ કરી રહી હતી. વિદ્યાનો ડ્રાઈવર કારમાં પડી રહેલી તેની બેગ લઈને આવ્યો અને નિતુની બાજુમાં ઉભા રહી  બેગ લંબાવી. ઝાટકાભેર તેના હાથમાંથી બેગ લઈને નિતુ સામે જોતી તે પોતાની કેબીન તરફ જવા લાગી. નિતુએ પોતાની સામે આવેલી વિદ્યાની નજરને નોંધી અને તેની આંખોમાં ભરાઈ આવેલા આંસુ પણ તેણે સ્પષ્ટ જોયા.

તેણે તેની પાછળ જવાનો પ્રયત્ન કર્યો. પણ દરવાજાનું હેન્ડલ મરડી તે કહેવા લાગી, "કોઈ જરૂર નથી મારી પાસે આવવાની. આજે મારે કોઈ સાથે વાત નથી કરવી. હું એકલી જ સારી છું."

તે જ થંભી ગઈ અને વિદ્યાએ અંદર જઈને દરવાજો બંધ કરી દીધો. તે પાછળ તેના ડ્રાઈવર તરફ ફરી. તે કહેવા લાગ્યો, "તે ગઈ કાલે સાંજથી આવું જ વર્તન કરે છે. રામ જાણે શું થયું હશે!"

કોઈપણ જાતનો પ્રતિભાવ આપ્યા વિના તે પોતાની કેબિનમાં ગઈ. તેની પાછળ પાછળ નવીન આવી પહોંચ્યો અને કશું બોલ્યા વિના નિતુની સામેની ખુરશી પર બેસી ગયો. સ્વસ્થ થતાં તેણે પોતાનું ગળું સાફ કર્યું અને મૂક બેઠેલી નિતુને કહેવા લાગ્યો, "મેડમ... વિદ્યા મેડમને આ સવાર સવારમાં અચાનક શું થયુ એ મને પણ નથી સમજાતું. એ આવ્યા અને અચાનક મારા પર ગુસ્સે થઈ ગયાં."

"મને ખબર છે."

"થેન્ક ગોડ કે તમે સમયસર આવી ગયા અને ગઈ વખતની જેમ આ વખતે પણ મને બચાવી લીધો. નહિતર આજે તો મને લાગતું હતું કે હું મેડમના ગુસ્સાથી બચી જ નહિ શકું."

"વેલ મિસ્ટર નવીન, તમને શું લાગે છે? આમ મેડમ અચાનક તમારા પર ગુસ્સે કેમ થયા હશે?"

"એ જ તો મને નથી સમજાતું. શું કારણ રહ્યું કે આ રીતે મેડમે... આજ સુધી તો ઘણીવાર હું આમ ઉભેલો હોઉં અને મેડમ આવ્યા હોય એવું બન્યું છે અને ઓફિસમાં ચક્કર મારતા એણે મને ક્યારેય નથી રોક્યો. અત્યાર સુધી એણે મારા કામના વખાણ જ કર્યા છે અને મારા પ્રમોશનને લઈને એચ. આર.ની ટીમ ગૂંચવણમાં હતી ત્યારે મારું નામે એણે જ સજેસ્ટ કર્યું હતું. પછી આજે અચાનક શું થયું એ..."

"હમ."

"મેડમ તમને શું લાગે છે? શું કારણ હોઈ શકે?"

તેની નજર સામે વિદ્યાની અશ્રુ ભરેલી આંખો સતત તરવરતી હતી અને તેના ડ્રાઈવરનાં શબ્દો તેનાં કાનમાં ગુંજી રહ્યા હતા. તેણે નવીનને પૂછ્યું, "એક વાત ક્હે, કાલે મારા ગયા પછી મેડમ આવેલાં?"

"હા...એ...  આવ્યા તો હતા પણ..."

"પણ શું?"

"એ કશું બોલ્યા વિના જતાં રહેલા." જાણી જોઈને તે જુઠ્ઠું બોલ્યો. નિતુને મન વિચાર આવ્યો, "આ કેવી રીતે શક્ય છે? જસ્સીએ તો કહ્યું હતું કે નવીન વિદ્યાનો માણસ છે. તો તે કશું બોલે નહિ... અને અચાનક એણે નવીન પર આટલો ગુસ્સો કર્યો. શું કારણ રહ્યું હશે? નવીન ખોટી વાત તો નથી કરી રહ્યોને... કે પછી નવીન અને મેડમ બન્ને ભેગા મળીને

કોઈ નાટક કરી રહ્યા છે!"

"મેડમ હું તમારી સાથે એક વાત કરવા માંગુ છું...  જો તમે ગુસ્સે ના થાવ તો..."